STORYMIRROR

Vipul Borisa

Comedy

3  

Vipul Borisa

Comedy

હા હું માઇક છું

હા હું માઇક છું

5 mins
378


હા, હું માઈક છું......


ન ઓળખ્યું મને ? હા.... હું માઈક, દુન્યવી એવાં સામાજિક સારાં - નરસાં, મહત્વ નાં તો ક્યારેક ઉપજાવી કાઢેલાં એવાં મોટાંભાગનાં દરેક પ્રકારનાં પ્રસંગો મૂકસાક્ષી એટલે હું, મારાં ભાગે હંમેશા મૌન જ આવ્યું છે અને મારાં પરથી ચળાઈ ચળાઈને, ગળાઈ ગળાઈને અનેક કહેવાતાં સત્યો બહાર આવતા રહે છે અને આ બધું સમજી શકવા છતાં કંઈજ ન કરી શકું એ હું... કારણ... હું છું માઈક...!!!


મારું આમ ભલે કોઈ મહત્વ ન હોય પરંતુ, ન તો મારાં વગર શરૂઆત શક્ય છે ન અને કોઈ અંત. મને ખૂબ વ્હાલથી જતનથી સજાવવામાં આવે છે, પ્રસંગે હાજરી આપતા પહેલાં જેમ સ્ત્રીઓ ને પાર્લર માં લઈ જાય તેમ સર્વિસ સેન્ટર પર મોકલી સર્વિસ કરાવવામાં આવે છે, એય ને સરસ મજાની સ્પંજ કે ફોમની ગાદી વાળા બોક્સમાં એક વરરાજાની જેમ તૈયાર કરી જે તે સ્થળે માનભેર પહોંચાડવામાં આવે છે, જેમ રાજાની શોભા રાજગાદી થી હોય એમ મારી શોભા પ્રસંગોથી જ છે અને પ્રસંગ ચાલે ત્યાં સુધી મારી અતિઘણી કાળજી પણ રાખવામાં આવે છે, અને એ જ રીતે મારો ઉપયોગ જે ભેગો પૂરો થાય મને એટલાં જ માનભેર મારા બોક્સમાં પાછું મૂકવામાં આવે છે પણ સાચું કહું પ્રસંગ પૂરો થયાં પછીની બોક્સમાં પાછા પૂરાવાની મારી ઘટના મને મારી કોફિનબોક્સમાં શબને લઈ જવામાં આવે તેવી લાગે છે, જેમ આત્મા માણસનાં શરીરનાં મૃત્યુ પછી નવા શરીરની શોધમાં ભટક્યાં કરે તેમ હું ય નવો પ્રસંગ આવે તેની રાહમાં મારી શબપેટીમાં એક અતૃપ્ત આત્માની જેમ ટળવળ્યા કરું છું કારણ હું એ જ માઈક છું જેનો ઉપયોગ માત્ર દેખાડા પૂરતો જ મર્યાદિત છે.


તમે કદાચ એમ કહેશો કે માણસ જાત હંમેશા છેતરાતી આવે છે કારણ એની પાસે હૃદય છે, હું એમ કહીશ કે અમારી જેવી અનેકો નિર્જીવ વસ્તુઓ માણસનાં દંભની સાક્ષીઓ હોઈશું, માણસ પાસે હૃદય હવે રહ્યું જ નથી તેઓ મગજ થી ચાલે છે અને મગજથી જીવે છે, અને એ જ મગજની એક પેદાશ એટલે હું .... માઈક... હા, હું માઈક છું અને એનો મને ખૂબ આક્રોશ પણ છે કારણ માણસ મારો સાચો ઉપયોગ ભૂલી જાય છે મોટાંભાગે અને દંભ આચરવા મારો સહારો લે છે.


પરંતુ હા એક વાત અહીં હું ચોક્કસ કહીશ કે જ્યારે મારે કોઈ કલાકાર ના મુખ પાસે ઊભા રહેવાનું આવે ત્યારે મારાં રોમરોમમાં શરણાઈઓ વાગે છે, કોઈ ગાયક કલાકારનાં સૂરેથી આવતું મીઠું પ્રેમભર્યું ગીત મને લજામણીનાં છોડની જેમ શરમાવી પણ શકે છે તો ક્યારેક કોઈ દર્દની આહ વાળું ગીત હોય તો મારું રોમ રોમ પણ વિરહની વેદનામાં ભડકે બળે છે, કલાકારનો જીવ પણ ખૂબ પ્રેમાળ હોય છે હોં જેટલાં જતનથી તે સૂરને પકડે એટલાં જ જતનથી મને પણ તેઓ હાથમાં રાખતાં હોય છે, અને ત્યારે મને જાણે કે મારી પ્રેમીકાએ હાથ પકડ્યો હોય એમ મનેય લાગણી બની નિતરી જવાનું મન થઈ આવે છે હોં....!


ક્યાંક ક્યારેક કોઈ મુશાયરામાં જવાનું બને તો સ્વમાની કવિનાં મુખેથી કવિતા જે પ્રહારે વેગ પકડે ત્યારે મનેય નોખું જ કૌવત ચડે છે, હું મારી જાતે જ માઈક હોવાનું ખૂબ ગૌરવ અનુભવી શકું છું, અને એ ગૌરવની સામે તો મને ભલભલું સુખ વામણું લાગે છે.


સંગઠનો કે સામાજિક આંદોલનોમાં જ્યારે મારે જવાનું બને છે ત્યારે મનમાં ને મનમાં મને સતત એવી બીક રહ્યા કરે છે કે ક્યાંક કોઈ શબ્દ મારી અંદરથી ચળાઈને એવો ન નિકળે કે જે કોઈ પક્ષ, કોઈ જ્ઞાતિ કે કોઈ સંગઠનનાં કર્મચારીનો ભોગલેવા બને અને છતાં પણ હું એમાં કોઈ જ ફેરફાર કરી શકતું નથી કારણ હુ

ં તો માત્ર માઈક છું, મનુષ્યની બનાવેલી પેદાશ માત્ર, સ્વતંત્રતા મારે થોડી હોય મારે તો બસ લોકોનાં ભાષણ સાંભળવાનાં અને સહમત હોઉં કે ન હોઉં એમને પૂરતો સપોર્ટ કરવા સાઉન્ડ પણ જોરદાર આપવાનો જ... છતાં પણ ક્યારેક ક્યારેક મારી જાતે જ ધ્રુજીને એકાદ વાયર ઢીલો કરીને તીણી સીટીઓ પણ મારી લઉં પણ પછી સ્ક્રુ ડ્રાઈવરની ચૂંટલીઓ પણ મારે જ સહન કરવી પડે છે ત્યારે કોઈને મારી તબિયતની કંઈ જ પડી નથી હોતી.અને મને એમ થાય કે આ તે કંઈ જિંદગી છે? પણ હા જન્મ છે એટલે ભોગવવું તો રહ્યું જ..


આથીય ખરાબ તો મને ત્યારે લાગે છે જ્યારે મારે કોઈ નેતાનાં હાથમાં જવાનું આવે, પોતાનું સઘળું સીધું કરવા એ કેટકેટલાં ખોટાં વચનો, અને મોટી મોટી લાલચની શાબ્દિક સેર મારે કરવી પડે છે ન ઈચ્છવા છતાંય કારણ હું માત્ર એક માઈક છું, કંઈ કેટલાંય અસત્યો કે જે મારાંમાંથી જ ચળાઈને કોઈ નેતા નો શબ્દ બનીને બહાર આવે છે અને હું માઈક છું એટલે દરેક અવાજને પડઘો આપવો એ મારું કામ, બસ સાચું હોય કે ખોટું મારે પડઘો પાડવો જ પડે છે, કાગળમાં લખાયેલાં અનેક અસત્યોનું ઉચ્ચારણ કરીને પછી પોતાની નૈતિકતાનો એક જ શબ્દ માત્ર એક હાંશ કે જેનું મારે વારંવાર સાક્ષી બનવું પડે છે અને એ ફરજ પણ હું બકાયદા નિભાવું છું.


ચાલો સ્હેજ રમૂજની વાત કરું, એમ મારું જીવન સાવ વ્યર્થ પણ નથી જ ક્યારેક કોઈક દિકરીનાં લગ્નમાં સપ્તપદી રેલાવવાનું રૂડું નસીબ પણ મને જ મળે છે, કારણ મારાં વિના લગ્નગીતોનાં સૂરને ધ્વનિ ક્યાંથી મળવાનો, અને આવાં પ્રસંગોમાં ખરું કહું ને તો હું મ્હાલી લઉં છું હોં, પણ હા વાદાયનાં વસમા ગીતોથી મારું હૈયું પણ ભારે થયા વિના રહેતું નથી.


લગ્નની વાત કરી એવી જ રીતે ક્યારેક કોઈ શોક પ્રસંગમાં પણ જવાનું મારે ભાગ આવ્યું જ છે, જે સંતાનોએ પોતાનાં માતાપિતાને આજીવનશપાણી પણ પૂછ્યું ન હોય તેવા માતાપિતાની શોકશભાનાં અંજલિ ગીતોનું સાક્ષીપણું પણ મેં ભોગવી લીધું છે, આંખમાંથી એક પાણીનું ટીપું પણ ન પડ્યુ હોય તેવા સંતાનોએ યોજેલી શોકસભામાં અંજલીગીતો સાંભળીને બેસણાંમાં આવેલ ઘણાં લોકો રડી પડ્યા હોય તેવો માહોલ પણ મેં જોયો છે અનુભવ્યો છે કારણ... હું માઈક છું..


ક્યારેક કોઈ ડાયરામાં તો ક્યારેક કોઈક ભજનમંડળીમાં ઈશ્વર સમીપનો સાથ પણ મને નસીબ તો થયો જ છે હોં, એ મારે ચોક્કસથી કહેવું જ પડે, પણ એક વાત કહીશ તો તમો માનશો નહીં, એકવાર એક હાસ્યકલાકારનાં હસીખુશીની શામે મહેફિલમાં મને પણ શાન બનવાનું મળ્યું, ખૂબ જ ખુશમાં હતો મારો જીવ પણ જ્યાં એ કલાકારે મને હાથમાં લીધું ને ત્યાંજ એનું આરોગ્યપાણી કે જેને આપણે થૂંક કહીએ છીએ, એમાં જરાપઢ ઈચ્છા નહીં હોવાં છતાં નહાવું પડ્યું પરાણે, એક બાળકની નજરમાં આ આવ્યું તો એ તો બિચારો ઓ બા... એવા રિએક્શનમાં પણ હું ? હું આખું ભીંજાઈ ગયેલું અને એનાં થૂંકમાંથી આવતી પાયોરિયા અને કાચી પાંત્રીસનાં મસાલાની તીવ્ર દુર્ગંધ આજે પણ યાદ આવતાં મારું માથું ચડાવી દે છે હોં.


પણ માઈક તરીકે જન્મ લીધાં પછી એક વાત જરૂર કહીશ કે ખરેખર હું બડભાગી છું કે મને આવું માઈક બનવાનું નસીબ છે, કંઈક કેટલાય સારાં ખોટાં અનુભવો થયાં પણ ક્યાંક માણસને માણસની વિરુધ્ધ લડતાં જોયાં તો ક્યાંક વળી પીઠ પાછળ રમત રમતા, ક્યાંક લાગણીને નામે છળતા જોયાં ક્યાંક લાગણી માટે ટળવળતાં.

અને આ બધાંની જ ઉપર બસ એક વસ્તુનો અનુભવ કર્યો કે ખરેખર માણસ હોત તો વધુ દુ:ખી થાત... સારું છે કે હું માઈક છું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy