Pushpak Goswami

Inspirational

3  

Pushpak Goswami

Inspirational

ગોકુળિયું ગામ

ગોકુળિયું ગામ

2 mins
271


મહેશ નાનપણથી જ ગામડામાં ભણ્યો હતો. ગામડાની સરકારી શાળામાં ભણવા જવાનું, બપોરે આવીને ખેતરે ભાત આપવા જવાનું અને સાંજે ગાયો ચરાવવા જવાનું. આ તેનો નિત્યક્રમ હતો. તેના ઘણા મિત્રો શહેરમાં રહેતા હતાં, તેમને જોઈને તેને પણ શહેર જવાની ઈચ્છા થઈ જતી. તેને પણ થતું કે હું પણ ખૂબ ભણી ગણીને શહેરમાં નોકરી કરવા જઈશ. ગામડામાં ખાલી મજૂરી જ છે, બીજું કંઈ નથી. આવું વિચારતો તે રોજ શહેર ભણી દોટ મૂકવાનાં સપના સેવતો. 

આમ ને આમ વિચાર કરતાં કરતાં તેનું શિક્ષણ પૂર્ણ થયું અને હવે નોકરી મેળવવાનો વારો હતો. મનમાં ને મનમાં તે હરખાતો હતો કે શહેરમાં જઈશ ને નોકરી કરીશ, ખૂબ મજા આવશે. તેના પિતાએ તેને સમજાવ્યો પણ ખરા કે બેટા, આપણી આટલી બધી જમીન છે, તું એકનો એક વારસ છે. શું કામ આ બધી દોડધામ કરવા જાય છે ? શાંતિથી અહીં રહે, આપણા બટકું રોટલા જેટલું તો તને આ જમીન આપી દેશે, ને લખલૂટ પ્રેમ આપશે એ અલગ. તારા શહેરમાં આ બધું નહિ મળે. પણ માને કોણ ? મહેશને તો શહેર જવાની જ તાલાવેલી લાગી હતી. ભારે હૈયે માતા પિતાએ તેને શહેર માટે વિદાય કર્યો.

મહેશના કાકા શહેરમાં જ રહેતા હતા, એટલે તેમને ત્યાં જ જવાનું હતું. કાકાના ઘરે પહોંચ્યો એટલે તેને મેનુકાર્ડની જેમ એક લિસ્ટ સંભળાવવામાં આવ્યું, કે આમ કરવાનું અને આમ નહિ. મહેશને એમ કે શહેરમાં તો આવા બધા નિયમો હોય જ, આ થોડું ગામડું છે તે બધું ચાલે ? થોડો સમય મહેશ ત્યાં રહ્યો. નોકરી શોધવા માટે ધક્કા ખાધા. કોઈ સરખી નોકરી ન મળે, કોઈ મનથી બોલાવે પણ નહીં. રસ્તો પૂછો તો સરખો રસ્તો ન બતાવે, લોકોના મનમાં સ્વાર્થ સિવાય કંઈ નહિ, ને જીવન એટલું દોડધામભર્યું કે બે મિનિટ વાત કરવાનો કોઈ પાસે સમય નહિ. બે ઘડી વિસામો લેવા છાંયો ના મળે, પીવાનું પાણી પણ વેચાતું મળે ત્યાં જમવાનું તો શું ? થોડાક જ દિવસમાં મહેશને શહેરની વાસ્તવિકતા સમજાઈ ગઈ. હવે તે હતાશ થઈ ગયો. તેને પોતાનું ગામડું યાદ આવવા લાગ્યું. ગામડામાં તે સવારે વહેલો ઊઠે કે તરત જ મંદિરમાં આરતી સંભળાતી હોય, લોકો પોતપોતાના ખેતરે જતા હોય, ગોવાળ ગાયો લઈને ચરાવા નીકળ્યો હોય, પાણી માંગો ત્યાં દૂધ મળે, અને લોકોના દિલ સાફ મળે, આવું મારું ગામડું હોય. આજે તેને એમ થઈ આવ્યું કે વૃક્ષોના જંગલો છોડી હું ક્યાં આ કોંક્રિટના જંગલો વચ્ચે આવી ગયો ?

બીજા જ દિવસે સવારે તેણે ગામની બસ પકડી અને પોતાના વતન પરત આવી ગયો. મહેશને આમ અચાનક વતન આવેલો જોઈ, માતાપિતા પણ ગભરાઈ ગયા. પરંતુ જ્યારે મહેશે માંડીને વાત કરી તો બધાની આંખો ભીની થઈ ગઈ. શહેરની લ્હાયમાં છૂટો પડેલો પરિવાર, ગામડામાં આવી પાછો એક થઈ ગયો, આ છે મારા ગામડાની ખાસિયત !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational