Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Dimpal Gor

Fantasy Inspirational


3.2  

Dimpal Gor

Fantasy Inspirational


ગોધર વાડો

ગોધર વાડો

9 mins 329 9 mins 329

કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભુજના છેલ્લા સ્ટેશને આવી પહોંચી હતી. કારતક માસની આછી ગુલાબી ઠંડી કાન્તિભાઈ ને હંમેશ ગમતી. હવે તો ધરની જવાબદારી તેમનાં દીકરાઓએ લઈ લીધી હતી. દિવાળીની ટૂંકી રજામાં તે હંમેશ કચ્છ આવતાં. પણ આજે હૈયામાં અનેકો ઉમંગ અને ઉત્સાહ સાથે તે સ્ટેશનની બહાર ઊભા રહી પોતાના ગામે જવા કોઈ વાહન શોધી રહ્યાં હતાં. રિક્ષાવાળાઓ ભુજ- માંડવી ની બૂમો નાખી ગ્રાહકોને પોતાની રિક્ષામાં બેસવા માટે હિમાયત કરતા હતાં. કાન્તિભાઈ ને થયું કે આજે તો મારે પ્રાઈવેટ વાહન કરીને જ જવું પડશે, અને તરત જ તેમણે એક રિક્ષાવાળાને ઊભી રાખી કહ્યુ, ગુંદિયાલી જશો ? થોડીક આનાકાની પછી રિક્ષાવાળો માની ગયો અને તરત જ કાન્તિભાઈ બેસી ગયા.

જેમ જેમ રિક્ષા ભુજના રસ્તાઓ ઓરંગી ને માંડવી હાઈવે પર પસાર થતી ગઈ તેમ અતીતના ઊંડા સાગરમાંથી સ્મરણોના મોજાં તેમના માનસ પટ ઉપર એક પછી એક આવી તેમણે ભીંજવી રહ્યા હતા. દેશના ભાગલા પછી આખો પરિવાર કરાચીથી કચ્છ આવી પોતાનું વતન ગુંદીયાળી આવી વસ્યા હતા. પાંચ બહેનો અને બે ભાઈઓ સાથે બાપુજીએ અહીં રહેવાનું નિર્ણય કર્યો હતો પણ કરછડો બારેમાસ આ કહેવત મને ત્યારે દુકાળ ની પીડાદાયક પરિસ્થિતિ જોઈ સમજાતી હતી. દુકાળના કપળા સમયમાં આ પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન હતો. બા ને અમારી જવાબદારી સોંપીને બાપુજી મુંબઈ ચાલ્યા. મહિને માસે મોકલાવેલા રૂપિયાથી અમારું ઘર ચાલતું પણ માતાની વાત જ અનોખી તેમનું વ્યક્તિત્વ બધાથી અલગ. ટૂંકુ કદ, સપ્રમાણ શરીરનો બાંધો અને મુખે સદાય હરિ નું રટણ. સવાર થાય ને ભગવાનની પાઠપૂજા કરે તે છેક બપોર સુધી ચાલતી. મોટી બહેનો અમારી ચા નાસ્તાથી કરીને ભોજનની બધી જ વ્યવસ્થા કરી દેતી અને માતાને ખલેલ ન પહોંચે તેની તકેદારી પણ રાખતી. ઘરની પૂજાપાઠ પુરા થાય એટલે માતા ગામની પાદરે આવેલ તળાવ પાસે નિર્જનવન જેવો ગોધરવાડામાં આવેલ એક અપૂજ શિવલિંગની પૂજા કરવા જતી. આ તેમનું નિત્યક્રમ થઈ ગયું હતું એક દિવસ આસપાસની બહેનો આવી માતાને તે ગોધર વાડામાં ન જવું એમ સમજાવ્યું હતું. તે ખૂબ જ નિર્જન વિસ્તાર અને રાત્રે ચિત્ર-વિચિત્ર અવાજ સાથે ભયાનક સ્વરૂપ સમાન ભાસે છે તેમ કહી ચેતવણી આપી ગયા. પણ બાઈને ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા. તે આ બધી વાતોથી દૂર રહી પોતાનો નિત્યક્રમ જાળવી રાખતી. તેનું વ્યક્તિત્વ જ બધાથી ભિન્ન હતું. ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા આ બધી વાતોથી દૂર રાખતી હતી. સાક્ષાત શબરીનું બીજું રુપ એટલે સેજબાઈ. આખું ગામ તેમને આ સંબોધનથી જ બોલાવતા.

એટલેથી યે ક્યાં કામ પૂરું થતું અમને ય ત્યાં નિર્જન વગડા જેવા મંદિરે સાથે લઈ જાય. ગામની પાદરે પહોંચતાં જ મને અને નાનકી ને બીક લાગે એટલે ધીરે-ધીરે અમે ડગલાં ભરીએ. મોટી બહેન અમારા સામે જોઈ ને કહે, " બાઈ તમે પૂજા કરી આવો અમે આ તળાવ પાસે બેસી થોડીક વાર રમી ઘરે પહોંચીએ. બાઈ મોટી બહેન સામે જોયે અને પછી ધીરેથી હા પાડી દે અમે બધા ખુશ થઈ તળાવ પાસે પહોંચી જઈએ પણ બાઈ ને સંતોષ ન થાય. સાંજ પડે ને ઘરના આંગણામાં અમને બધાંને બેસાડી સત્સંગ કરાવે. બહેનો વચ્ચે જાણે ભજનોની હરીફાઈ હોય તે એક પછી એક ભજનો ગાય અને છેલ્લે ધૂન બોલી એક સાથે બધા બોલી ઉઠતા, " આજે સૌને જયશ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો." આમ અંતર મનમાં શ્રદ્ધાનો આછો પ્રકાશ ધીરે ધીરે પ્રગટવા લાગ્યો હતો અને તે આજ સુધી ઓલાવાયું નહોતું. પછી તો હું પણ બહેનો સાથે ભજનોમાં સાથ આપો અને તેમાં એવો પારંગત થયો કે આજે ય ગુંદિયાળી માં જ્યારે જાવ ત્યારે, હોય તે ગામનું પાદર કે લગ્ન પ્રસંગ કે પછી હોય નવરાત્રી મને સાંભળવા બધા ઉત્સુક રહે અને હું પણ મારા મધુર અવાજથી ભજન ગઉં અને જાત ને તેમાં સમવી દઉં. આમ જ્ઞાન અને ભક્તિના સમન્વયથી અમારા જીવનની પગદંડી અમે સુશોભિત કરતા રહ્યા. નિરંતર વહેતા સમયના આ પ્રવાહમાં અમે વહેતા ગયા પણ કુદરત સ્થિર પાષણની જેમ ઊભી હતી. દુકાળની પીડાદાયક પરિસ્થિતિથી આખું ગામ કણસી રહ્યુ હતુ. ત્યાં અચાનક એક બપોરે અમે બધા જમવા માટે બાઈની વાટ જોઈ બેઠા હતા. દુકાળની પરિસ્થિતિમાં ક્યાં પૂરું જમણ મળે પણ બધા સાથી બેસી વહેચીને જમે એનો અનેરો આનંદ હો ! અને અચાનક વિનુ આખી શેરી કાન્તિ કાન્તિ ગાજતો આવ્યો. અમે બધા દોડી બહાર આવ્યાં. " ઝટ હલ તોજા બાઈ.,....." વિનુ એકી શ્વાસે બોલી ગયો. પણ બાઈ શબ્દ જેમ કાનામાં રેલાયો અમે બધા એક સાથે બાજુમાં રહેતા કાકી ને લઈને દોડયાં.....

મનમાં કેટલાય વિચારો એક પછી એક પ્રહાર કરવા લાગ્યા હતા શું થયું હશે બાઈ ને ! તે નિર્જન ભૂતિયા દેવ પાસે એકલી જાય અમારી યે ચિંતા નહિ. ગામના પાદરે પહોંચતા પહોંચતા કેટલાય સવાલો દિલ દિમાગમાં એક સાથે પ્રહાર કરવા લાગ્યા હતા. આખુ ગામ ભેગું થયું હતું. બધી જાતની બીક આજે વિસરાઈ ગઈ હતી અને મારા પગ ઠેઠ ગોધરવાડા ના અંદર પહોંચી ગયા હતા. સામે બાઈ સાથે ગામના મુખિયા અને કેટલાક લોકો ભેગા થઈ બાઈ ને કઈક સમજાવી રહ્યા હતા. બાઈને સ્વસ્થ જોઈ થોડીક શાંતિ થઈ પણ આ શેની ચર્ચા થઈ રહી છે તે જાણવા અમે નજદીક આવ્યા. વાત એમ હતી કે આજથી બાઈ જ્યાં સુધી ગામમાં વરસાદ ન પડે ત્યાં સુધી અહીં જ બેસી મહાદેવની આરાધના કરી વ્રત કરવાનું નિશ્ચય કર્યું હતું. આ વાત એક કુંભારણ જે ક્યારેક બાઈને જોઈને અહીં આવતી અને દેવ વંદન કરીને ચાલી જતી. તેણી એ આ વાતની જાણ મુખ્યાને અને પછી આખા ગામમાં ફેલાવી હતી. બાઈ એક ના બે ન થયા. અમે બધાં ભાઈ બહેનો બાઈ પાસે ઊભા રહી ગયાં. કદાચ અમને જોઈ વિચાર ફરી જાય. પણ બાઈ તો હાથમાં માળા લઈ આંખો બંધ કરી જપ કરવા બેસી ગયા. કાકી અને ગામની અન્ય સ્ત્રીઓ સાથે અમે કેટલોક સમય ત્યાંજ ઊભા રહ્યાં. આખરે વિલા મોઢે અમે ત્યાંથી બહાર નીકળ્યાં ત્યારે બાઈ એ કહ્યું, બધાં સંપી ને રહેજો મારી ચિંતા કરશો નહીં. મારા ભોળાનાથ મારી સાથે છે." મન માં ખૂબ રોષ હતું અમારિયે ચિંતા નહિ. ગામના મુખીયા અને કેટલાક પુરુષોએ રાત્રે અહીં પહેરેદારી કરવાનું નિશ્ચય કર્યું. સાંજ સુધી અમે ત્યાં જ બેસી રહ્યા. કાકીના સમજાવાથી અમે પાછા ઘરે આવ્યા સાંજે સત્સંગનો નિયમ બહેનોએ જાળવી રાખ્યું હતું આખા ગામમાં બાઈના વ્રતની વાતો પૂરજોશમાં વહેતી રહી. રાત તો જેમતેમ પસાર થઈ ગઈ. સવાર થતાં જ અમે બધા બાઈ ને મળવા ગોધરવાડ પહોચ્યા. બાઈ મહાદેવની પૂજા કરી રહી હતી અને ઓમ નમઃ શિવાય મંથન મંત્રનો જાપ કરી રહી હતી અમને જોઈને થોડુંક સ્મિત સાથે કહેવા લાગી મારી ચિંતા ના કરો મહાદેવ છે ને. બાઈ અમે તમને લઈ જવા આવ્યા છીએ અમે બધા એક સાથે બોલી ગયા પણ બાઈની આંખોમાં એક વિશ્વાસનો તેજ પ્રકાશ અમે જોઈ રહ્યો હતા. તે જોઈ અમારાથી જાજુ ન બોલાયું. જ્યાં સુધી વરસાદ નહિ પડે ત્યાં સુધી હું અહીં જ મહાદેવ પાસે રહીશ બાઈ બોલતા હતા અને મારી નજર આ ગોધરવાડા ને આજે ખૂબ બારીકાઈથી નીરખી રહી હતી સૂકાઈ ગયેલા ઝાડની દરેક ડાળીઓ અંધારી રાતે ભયાનક આભાસી ચિત્ર જેવું લાગે તે કલ્પનાથી જ ભયની જવાર મારા શરીરના અંગેઅંગમાં ફેલાઈ ગઈ અને મંદિર પણ ફક્ત નામનું જ એક ખુલ્લી જગ્યા પર એક જૂનું શિવલિંગ જેની એક સૂકાયેલા વટવૃક્ષનો છાયાનો આશરો અને આજુબાજુ બધે જ સુકુપટ અને તેમાંય આ વૈશાખી તાપ નો સામ્રાજ્ય. પણ બાઈ મક્કમ અહીં તપ કરવા બેઠા હતા આજે બાઈની આંખોમાં મને શબરીની પ્રતીક્ષાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. આમ ને આમ બે દિવસ વીતી ગયા પણ વરસાદ ન પડ્યો ગામ આખાને બાઈની ચિંતા થવા લાગી પણ બાઈ મક્કમ હતા તેમણે પોતાની શ્રદ્ધા પર અતૂટ વિશ્વાસ હતું.

  આજે ચોથુ દિવસ હતું. બાઈ ગોધરવાડામાં જપમાળા અને કીર્તન કરવામાં લીન હતી અને આખું ગામ ચિંતામાં ગરકાવ ત્યાં જ અચાનક વાતાવરણ પલટાયું. ભર બપોરે પવનની ઠંડી લહેરખીઓ ચારે બાજુ પ્રસરવા લાગી આકાશમાં કાળા વાદળાઓ દેખાવા લાગ્યાં. આખું ગામ બહાર નીકળ્યું અને કોઈ કંઈક કહે કે વિચારે ત્યાં જ અચાનક માટીની ભીની સુગંધ સાથે વરસાદનું આગમન થયું અમે બધા તરત જ બાઈ પાસે પહોંચી ગયા. બાઈની આંખોમાં આજે તૃપ્તિનો અહેસાસ હતું. મંત્ર જાપ હજીએ ચાલુ હતા ધીરે ધીરે ગામના લોકો આશ્ચર્ય અને આનંદના મીશ્રભાવ સાથે ખુશ ખુશાલ થઈ બાઈ પાસે આવી પહોંચ્યા. ગામના નાના મોટા સૌ આજે ગોધરવાડાની અંદર હતા. વરસાદ બધાંને ભીંજવી રહ્યો હતો કે એક ધારુ વહેતુ અશ્રુઝરણ કોઈ તે જાણતું નહોતું. ગામના યુવાનો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આવી બાઈ પાસે નાચવા લાગ્યા. અમે બધા બાળકો શાના છાના રહીએ ! અમે ખૂબ નાચ્યા અને પછી હું બાઈને વળગીને ખૂબ રડ્યો પણ હતો આજે બાઈના વિશ્વાસની જીત થઈ હતી. ચોતરફ આનંદ અને આનંદ. લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે એકબીજાને ભેટી રહ્યા હતા. બાઈને ગામની સ્ત્રીઓ આવી પૂજા કરવા લાગ્યા અને કેટલીક સ્ત્રીઓ ભેગી થઈ બાઈને ઊંચકી સાથે નાચવા લાગ્યા. બાઈના પારણા કર્યા પછી વાજતે ગાજતે ઘરે લઈ ગયા. બીજા દિવસે બાઈની પાલખી યાત્રા થઈ. આખા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. આસપાસના ગામના લોકો પણ આ પાલખીયાત્રામાં જોડાયા હતા ઢોલ નગારા સાથે અબીલ ગુલાલનો છંટકાવ અને સેજબાઈના નામનું જયનાદ. હું, વનીયો અને ગામના નાના બાલવૃંદો ખૂબ નાચ્યા હતા. વરસાદ સતત ત્રણ દિવસ પડ્યો પછી તો અષાઢ - શ્રાવણ અમને ભીંજવી ગયો. પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી હતી અને આ ગોધરવાડાના ગુણગાન ગવાયા હતા. હવે તો ગામની સ્ત્રીઓ પણ બાઈ સાથે આવી સાફ-સફાઈ કરવા આવતા અને પૂજા કીર્તન પણ હવે થતા.

 આજે એ જ ગોધરાવાડાનું નવ નિર્માણ અને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે તે નિરજન ભયાનક સ્થળ આજે લોકો માટે દેવ દર્શન અને દર્શનીય સ્થળ બની ગયું. હજી કાંતિભાઈ જૂની યાદોને તાજી કરી રહ્યા હતા ત્યાં તો અચાનક રિક્ષા મોટા અવાજ સાથે ઊભી રહી ગઈ. કાંતિભાઈની ચંદ્રા તંદ્રા તૂટી તેમણે રિક્ષાવાળા સામે પ્રશ્નાર્થ નજરે જોયું. રિક્ષાવાળો ક્ષમાની દ્રષ્ટિએ જોઈને કહ્યું,"દાદા ગાય આડી આવી ગઈ અને પછી ઝટ રિક્ષા રસ્તે દોડાવી કાંતિભાઈ આસપાસ નજર કરી જોઈ રહ્યા હતા કોડાઈ પુલ આવી ગયો હતો. રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમની થોડેક દૂર આવેલ બાગ - ગુંદીયાળી ના પાટીયા પાસે આવેલ સિંગલ રસ્તા પર રિક્ષા દોડી રહી હતી. બાગની વાડી વિસ્તારમાં ક્યાંક ઘઉં, બાજરી, જુવાર અને ક્યાંક રંજકો પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તો ક્યાંક બોર જામફળ ચીકુ કેરી મીઠી આંબલીના ઝાડ નજર સામેથી પસાર થઈ રહ્યા હતા અને ચારે તરફ લીલોતરી જોઈ આજે કાંતિભાઈ હરખાતા હરખાતા ભૂલી ગયા મુજો કછડો બારેમાસ અને આ સાંભળી પેલો રિક્ષાવાળો પણ બોલ્યો, હા હો દાદા હવે તો કચ્છ વિશ્વના નકશામાં ચમકે છે. કાંતિભાઈ મલક મલક હસી પડ્યા. હવે રિક્ષા બાગની વાડી વિસ્તારને પાર કરી ધીરે ધીરે ગામ તરફ આગળ જઈ રહી હતી.એક નાનકડા બાળકની જેમ કાંતિભાઈની પણ ધીરજતા ખૂટી રહી હતી. ક્યારે ગામ મારુ આવે અને હું ઝડપથી ત્યાં પહોંચું છું આવા વિચારો મનમાં ઉછળકૂદ કરી રહ્યા હતા.

કેટલાક નાના-મોટા કાચા પાકા મકાનો દેખાયા. ગામ હવે આવી ગયું હતું. આજે ગામની રોનક અનેરી હતી. ચારે બાજુ કેસરી પતાકાઓ અને નાના ધ્વજથી ગામ શોભી રહ્યું હતું. બાલવૃંદ અને સ્ત્રીઓ સજી-ધજીને નીકળી હતી. રિક્ષા ઠેઠ મંદિરની પાસે આવી મોટા ચોગાન પાસે ઊભી રહી. કાંતિભાઈ એ ક્યારના રૂપિયા હાથમાં પકડી રાખ્યા હતા. જેમ રિક્ષા ઊભી રહી કે કાંતિભાઈ ઝડપથી ભાડું ચૂકવી દોટ મૂકી. પોતાની ઉમરનો પણ ખ્યાલ ન આવ્યો. મંદિર પાસે પહોંચતા જ અંદરથી મંત્રનાદ સંભળાઈ રહ્યું હતું. પાંચેય બહેનો મહાદેવની ધૂન ગાઈ રહ્યા હતા તે કાંતિભાઈ ને સ્પષ્ટ રીતે સંભળાતું હતું. મંદિરના દ્વાર પાસે ઊભા રહી અંદરનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક નિર્જન લાગતું સ્થળ આજે સુંદર નવનીત મંદિરથી શોભી રહ્યું હતું. લોકો ટોળે વળી એક સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરી આખા પરિસરની પાવન કરી રહ્યા હતા. બહેનો પાસે નજર પહોંચી કે પગ ત્યાં જવા ઉપડ્યા અને એકાએક મંદિરના શિખર પરથી પુજારી શંખનાદ કરી કેસરી ધજા ચડાવી રહ્યાં હતા અને ચારેબાજુ હર હર મહાદેવનું નાદ ગુંજી રહ્યું. કાંતિભાઈ ત્યાં જ ઊભા રહીને તે ધજાને જોઈ રહ્યા હતા અને તે ફરકતી ધજામાં આજે ફરી એક શબરીની છબી દેખાઈ રહી હતી. જેમાં પ્રતીક્ષા નહોતી પણ સંતોષ સાથે અમી દ્રષ્ટિ કરી જાણે તેમણે જોઈ રહી હતી. કાંતિભાઈ નત મસ્તકે વંદન કરી મોટીથી બોલ્યા હર હર મહાદેવ.......,હર હર મહાદેવ........,હર હર મહાદેવ......!


Rate this content
Log in

More gujarati story from Dimpal Gor

Similar gujarati story from Fantasy