પહેલો વરસાદ
પહેલો વરસાદ
કાકી માં . . વરસાદ આવ્યો બૂમો પાડતો પાડતો ટીનીયો ઘરની બહાર દોડતો નીકળ્યો. શેરીમાં બીજા છોકરાઓ સાથે વરસાદમાં પલળવાની મોજ માણતો હતો. રૂપા પોતાના રૂમની બારી પાસે ઊભી બહારનું દ્રશ્ય જોતી હતી. બે દિવસની ઉકળાટ બાદ આજે વરસાદના આગમનથી ધીરે ધીરે ઠંડક પ્રસરી રહી હતી. ચૈત્રના ઉકળાટ અને જેઠના બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા.
રૂપા વરસાદને એક ધારે જોઈ રહી હતી, તેનું મન ભૂતકાળની યાદોમાં પલળી રહ્યું હતું. નાની હતી ત્યારે ક્યાં વરસાદની મોજ હતી ! ચારે બાજુ સૂકી ધરા કચ્છમાં જો વરસાદ આવે તો જાણે મોટો ઉલ્લાસ અને ઉમંગથી લોકો નાચી ઉઠે, પણ દર વર્ષે ક્યાં હોય વરસાદ ! ખાવડાથી દૂર એક નાનકડા ગામ માં માંડ પંદર- સોળ માલધારી ઓનો ગામ. ઘેટાં બકરાં ઓના ઉછેર નો મુખ્ય ધંધો. રૂપા નો જન્મ થયો ત્યારે આખું ગામ ખુશખુશાલ . . . . . બે ભાઈઓ પછી તેનો જન્મ થયો એટલે બધાની લાડકી. . આંખું ગામ રૂપા ના નામ નું જાપ કરે. .
જેમ સૂરજ અને ચંદ્ર અજવાસ અને અંધકાર ફેલાવે અને દિવસો નવા ઉગે તેમ તેમ રૂપા મોટી થતી રહી અને ક્યારે તે અઠાર વરસની થઇ ગઇ ખબર જ ન પડી. માતા પિતા જેવો નામ રાખ્યું હતું તેવોજ તેનું રૂપ. રંગે રૂપાળી, નમણું નાક, બે હોઠો ની વચ્ચે વ્યવસ્થિત ગોઠવેલાં દાંત, પાણીદાર આંખો અને હોઠોની નીચે હડપચી પર ત્રણ ટપકાં વારું છૂંદણું તેના રૂપ ને ચાર ચાંદ લગાવી દેતું.
પણ આ વર્ષે પણ દુકાળ પડવાની શકયતા વધી રહી હતી. આ સૂકી ધરામાં માણસો માટે માંડ એક ટકનું ખાવાનું મળે ત્યાં આ ઘેટાં બકરાંની શી હાલ થાય એ તો રામ જાણે. એક દિવસ શહેરથી દૂરના કાકા ઘરે આવ્યા હતા બધા કોઈ ખાસ વિષય પર ચર્ચા કરતા હોય એવું લાગતું હતું. બીજા દિવસે રૂપા ને એના બાપા એ બોલાવી, ઘરના બધાં એકી શ્વાસે ટક ટક એક બીજાને જોઈ રહ્યા હતા. . બાપા એ ઊંડો શ્વાસ લીધો પછી રૂપા ને પાસે બોલાવી તેના સગપણની વાત કરવા લાગ્યા હતા વાતો કરતા કરતા આંખો તેમની તરલ થઈ રહી હતી તે રૂપાની સાથે ઘરના બધાં લોકો એ જોયા હતાં. ખૂબ મોટા મલધારી છે ઘેટાં બકરાં ના ઉછેર તો તેમના માણસો જ કરે હો. . વળી શહેરમાં ક્યાં દુઃખ હોય અહી કરતાં તો ત્યાં સુખ મળશે દીકરી. . કહેતા કહેતા બાપા તો જાણે રૂપા ને ભેટી રડી પડ્યા ને આખા ઘરમાં ઉદાસીનતા ફેલાઈ ગઈ. રૂપા પાસે કઈ કહેવાનું હતું જ નહિ એ તો ડોક નીચી કરી ઊભી રહી.
શ્રાવણ માસમાં ગોકુળિયા લગન થયા હતા રૂપા ના. દીકરીની વિદાયથી ઘરની સાથે આખું ગામ શોકમાં ડૂબી ગયું. નાનકડા ગામથી આવેલ રૂપા ને આ નાનકડા શહેરમાં સ્વાગત થયું હતું ઘર આખું આ રૂપાળી લાડી ને જોવા ઉત્સુક હતું. અને શ્યામ તો જાણે આજે આકાશમાં ઊડતો હતો જેવું નામ તેવો જ તેનો રૂપ શ્યામ વર્ણ પણ નેણ નકશે નમણો હતો તેને આવી રૂપાળી છોરી મળી હતી જે તેનાથી ચાર- પાંચ વરસ નાની હતી. શ્યામના મોટા ભાઈ ભાભી પણ બહુ ખુશ હતા. અને તે ટીનિયો મારા નવા કાકી આવ્યાની તાલે આંખુ ઘર માથે લીધું હતું. જેમ દિવસો પસાર થતા ગયાં રૂપા આ ઘરની લાડકી વહુ રાણી બનતી ગઈ. શ્યામ અને રૂપા નો સંસાર સુખ પૂર્વક વીતતો ગયો. વરસ વીતી ગયો. ચૈત્ર, વૈશાખ અને જેઠ ના આકરા તાપ પછી બધાની નજર આકાશે રહેવા લાગી હતી. અને આ વર્ષે જાણે ભગવાને કચ્છ વાસી ઓ ને યાદ કર્યા હોય તેમ શ્રાવણ માસમાં વરસાદ વરસ્યું. ચારે બાજુ આનદ અને ઉલ્લાસ, લોકો ઘરની બહાર નીકળી વરસાદમાં પલળીને એક્બીજા સાથે મોજ કરવા લાગ્યા હતા. રૂપા અને શ્યામ એ દિવસે ખૂબ મોજ કરી. તન અને મનથી પહેલા વરસાદ ને ખુબ માણી હતી. દિવસો વિતતા ગયા. માં બાપુ, મોટા ભા અને ભાભી બધાં ને નવા મહેમાન આવે તેની રાહ જોવા લાગ્યા હતા. . ખૂબ દવા અને દુઆ કરી પણ રૂપાનો ખોળો ખાલી રહ્યો મોટી બીમારી બાદ મા અને બાપુ વારા ફરતી સ્વર્ગે સિધાવ્યા.
થોડાક વર્ષો પછી એક અકસ્માતમાં મોટાં ભા અને ભાભી એ પણ રૂપા અને શ્યામ ને પોતાના ટીનીયા ને સોંપી ને સ્વર્ગે સિધાવ્યા. રૂપા અને શ્યામ પોતાના પશુઓના ઉછેર માટે સેવકો ને સોંપી ટીનીયા ને લઈ મોટા શહેર આવી ગયા. રૂપા અને શ્યામના સંબંધોમાં પણ હવે ધીરે ધીરે શૂન્યતા છવાઈ ગઈ હતી. રૂપા બારી પાસે ઊભી ઊભી ભીતર વરસતું વિચારોના વરસાદથી ભીંજાઈ રહી હતી ત્યાં તો ટીનીયો પલળતો ઠેઠ રૂપાના રૂમે આવી પહોંચ્યો અને રૂપાનો હાથ પકડી બહાર ખેચી ને લઈ જવા લાગ્યો. . કાકી માં ચાલો ને ભીંજાવા ખૂબ મજા આવે છે. બાર વર્ષ નો ટીનિયો પોતાની મોજમાં વ્યસ્ત હતો એને ક્યાંથી ખબર કે રૂપા તો ક્યારથી આ પહેલા વરસાદમાં પલળી રહી છે. રૂપા તેની પાછળ પાછળ બહાર નીકળી અચાનક ટિંનિયો રૂપા નો હાથ પકડી ફૂદડી ફરતો ફરતો કાકીમાં મજા આવે છે ને. . કહેતા કહેતા રૂપા ને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. રૂપા આ પહેલા વરસાદ માં બધુજ ભૂલી ને ટીનિયા ને હળવેકથી કહેવા લાગી. કાકી માં નહિ માં. . હું ટીનિયાની માં !
ટીનિયો ને વધુ કંઈ સમજ ના પડી પણ રૂપાની પલળતી આંખો માં પણ તેને માં ની મમતાનો અનુભવ થયો હતો. દૂર ઉભેલો શ્યામ પણ આ માં- દીકરા સાથે વરસાદમાં પલળવવા ક્યારે પહોંચી આવ્યો તે ખબર જ ન પડી.
આ પહેલા વરસાદના આગમન સાથે રૂપા અને શ્યામના નવા ગૃહસ્થ જીવનનો શુભમંગલ શરૂઆત થઈ ગઈ.
