Guddu Solucky

Fantasy

3  

Guddu Solucky

Fantasy

એક વસ્તુ: વ્યક્તિથી વિશેષ

એક વસ્તુ: વ્યક્તિથી વિશેષ

4 mins
378


જોતજોતામાં ચાર વર્ષ વીતી ગયા એ વાતને, જ્યારે હું તારી આતુરતાથી રાહ જોઇને બેઠી હતી. કેટલો ઉત્સાહ! આહાહા! તે દિવસે તો બે કલાક પણ મારી માટે બે દિવસ જેટલાં લાંબા હતા. તું ક્યારે આવે ને તને જોઉં, તને હાથમાં લઉ ને તને સમજું એવી તાલાવેલી હતી મારા મનમાં. તું મારે માટે એક વસ્તુ મટીને વ્યક્તિ વિશેષ બની ગયો હતો અને આખરે મારી ધીરજનો અંત આવ્યો. જ્યારે મે દૂરથી ભાઇને અને પપ્પાને આવતાં જોયા. હું તરત જ હરખપદુડી થઇને નીચે આવી અને તેમને આવતાવેંત પ્રશ્ન કર્યો કે, લાવી દીધો? ને તરત જ પપ્પાએ એક બૉકસ પકડાવી દીધું મારા હાથમાં. જે રીતે આજે ભાઇએ મને એક બૉકસ પકડાવ્યું હતું.


             તારા આવવાથી મારી જિંદગી બદલાઇ ગઇ હતી. કેટલું પરિવર્તન થયું હતું મારા જીવનમાં. તારા ‘સેલ્ફી’વાળા ઓપશન ને લીધે તો પોતાને જોવાનું વારેઘડીએ મન થતું અને પેલું તારામાં રહેલું ‘કેલ્ક્યુલેટર’ તો મને રોજ બસમાં કંડકટર જોડે છુટ્ટા પૈસા લેવામાં મદદગાર નીવડતું. તારામાં ડાઉનલોડ કરેલ “વોટ્સએપ”   અને “હાઈક” એ તો મને એક જ વ્યક્તિમાં છુપાયેલા જુદાજુદા ચહેરાની ઓળખ કરાવી હતી. એક તું જ છે જે મારા બધા સસ્પેન્સ જાણે છે તેમ છતાં કહ્યાગરો મિત્ર પણ કેવો, કે મારી કોઇપણ વાત તું સામેચાલીને કોઇને કે’તો નહિ. તારે લીધે જ મને મારા સ્કૂલ સમયે વિખુટા પડી ગયેલ બેસ્ટ ફ્રેન્ડ ને બેસ્ટ ભાઇ મળ્યા હતા ને તો પણ કોઇ દિવસ થેંન્ક્યુ ની પણ આશા નહિ. તારે લીધે તો મારી સવાર “પ્રભાતે કરદર્શનમ” ને બદલે “પ્રભાતે મોબાઇલ દર્શનમ” થી થતી. તું પણ ગમે ત્યારે મારી સેવામાં હાજર રહેતો. હા પણ મારે તને સમયસર ચાર્જિગ રૂપે ખોરાક આપવો પડતો નહિ તો તું રિસાઇને બંધ થઇ જતો. તો પણ તું સાવ બીજા જેવો ન હતો, ક્યારેક હું ખોરાક આપવાનો સામાન ભુલી જાઉં તો તુ 1% ચાર્જિગને ફરાળી સમજીને કામ ચલાવી લેતો ને મને છેક સુધી સાથ આપતો. કેટલાં સ્મરણો, પ્રસંગો તું જીવ્યો છે મારી સાથે.


            તને યાદ છે તું એક દિવસ છેક બીજા ધાબાની સીડી પરથી પડી ગ્યો હતો. તે દિવસે તો મારો જીવ અધ્ધર થઇ ગ્યો હતો. પણ તને એ દિવસે કંઇ ન થયું હતું એ જોઇને મને પારાવાર હાશ થઇ હતી. એ પછી તો લગભગ દસેક વાર તું મારા હાથમાંથી પડી ગ્યો હતો. પેલાં દિવસે તું કેવો મારા હાથમાંથી સરકીને રિક્ષામાંથી પડી ગ્યો હતો ત્યારે પણ એ દિવસે પેલા ભાઇ “ ન જાન ન પહેચાન, મેં તેરા મહેમાન” ની જેમ તારો માલિક બની ગ્યો હતો.


        એક કામવાળી બાઇ પાસે જેટલાં કામ મારી મમ્મી કરાવતી એનાથી પણ વધુ કામ તારી પાસે હું કરાવતી. તારા આવવાથી ઘડિયાળ, ટી.વી., રેડિયો, કેલ્ક્યુલેટર વગેરેની માર્કિટ ઓછી થઇ ગઇ હતી. તારા લીધે મને ઘણી વાર ભણવા બાબતે મારા મમ્મી ઠપકો આપતા. પણ તું મને ઘણીવાર પરીક્ષામાં મદદરૂપ થતો. સોનેરી દિવસો હતાં એ તારા.


            પણ આજે તું મને બહુ હેરાન કરે છે. કયારેક હું ચાલુ કરું તો તું બે મિનિટમાં આળસ મરડીને સુઇ જાય છે અને અમુકવાર તો હું ગમે તેટલાં પ્રયત્ન કરું તો પણ તું નફફટ છોકરાની જેમ પોતાની જગ્યાએથી હલતો પણ નહિ. તેમ છતાં તારી સૌથી વધારી ખામી એ છે કે મારે તને વારે ઘડીએ ખોરાક આપવો પડે છે. (જે મને આ મોંઘવારીમાં પોસાતું નહી). અને એટલે જ મને આજે મારા ભાઇએ તારા જેવા જ એક ભાઇને ખરીદી લઇ આપ્યો છે. આજે હું સવારથી જ એની રાહ જોતી હતી, જેવી રાહ મેં તારા આવવાની  જોઇ હતી. સાચું કહું મને જેટલી ખુશી તને છોડવાની ન હતી એનાથી અનેક ઘણી ખુશી મને એનાં આવવાની હતી.


            મને ખબર છે મને છોડીને જવું તને ગમતું નથી એટલે જ આજે તે ટાઇપિંગમાં ડખા કર્યા હતા પણ છેલ્લાં ચાર વર્ષનાં તારા સાથ સહકાર ને કારણે હું તને માનવ સ્વભાવની કેટલીક ખાસિયત કહેવા માંગુ છું.


       માણસ આવો હતો, આવો છે ને આવો જ રહેશે. એને નવું આવે એટલે જુનું ભૂલવાની આદત હોય છે. (પછી તે વસ્તુ હોય કે વ્યક્તિ) તું ગમે તેટલાં પ્રયત્ન કરે પણ મેં હવે તારામાં ખામી જોવાની ચાલુ કરી છે એટલે હું તારામાં રહેલી વિશેષતા નહિ જોઇ શકું. લોકો કહે છે કે વ્યક્તિને પ્રેમ કરો ને વસ્તુને વાપરો પણ આજે તો માણસ વસ્તુને પ્રેમ કરે છે ને વ્યક્તિને વાપરે છે. (પણ એમાંય “નવું નવું નવ દિવસ” નો નિયમ તો ખરો જ) ને આજ નિયમ આજે તને લાગુ પડ્યો છે.


        પણ તું ચિંતા ન કર. હું તારી દવા કરાવીશ અને તને કોઇ બીજાને પણ નહિ આપું. પણ એક એવી જગ્યાએ તને આપીશ જ્યાં તારી સંભાળ હું રાખતી હતી એનાથી પણ વધારે રખાશે કારણકે, “ત્યાં તું એકદમ નવો છે ને તારો ભાઇ ત્યાં જૂનો.”


Rate this content
Log in

Similar gujarati story from Fantasy