લગ્ન પહેલાં:કુંડળી કે..?
લગ્ન પહેલાં:કુંડળી કે..?


માં.. તમે તો મને સમજો,
મારે એક શબ્દ નથી સાંભળવો તારો તૃપ્તિ અને હવે તો તું અમને સમજ. આ અગિયારમો છોકરો તને જોવા આવે છે અને આની પહેલાં દસ છોકરાએ તારી જીદના લીધે તને ના પાડી દીધી છે.
મમ્મી પણ એમાં મારો કોઈ વાંક નથી. હું એક સાચી જીવનસાથી બનવા માંગુ છું અને તમે પણ સાંભળી લો, હું મરી જઈશ તોય ખોટું બોલીને કોઈને હા નહીં પાડું.
એમ હોય તો તું મરી જા તો શાંતિ થઈ જાય હવે અમારા બધાને.
કેટલો ગુસ્સો ઉતાર્યો હતો મેં એનાં પર...
નાની... ઓ નાની, શું વિચારો છો?
સવાર સવારમાં તૃપ્તિના વિચારોના વમળમાં ખોવાયેલા જશોદાબેન તેમની લાડકવાયી હેતલના સ્પર્શથી વર્તમાનમાં પાછા ફર્યા.
કંઈ નહીં બેટા, આ તો એમ જ.
ખોટું ના બોલો. મને બધી ખબર છે તમે કંઇક છૂપાવો છો મારાથી. પણ હું ય તમારી દીકરીની દીકરી છું ને! બોલો તો તમે મારા મમ્મી વિશે વિચારો છો ને, હે ને?
એક સ્મિત આવી ગ્યું જશોદાબેનનાં ચહેરા પર હેતલને જોઈને. આ નાનકડી હેતલ જે માત્ર દસ વર્ષની હતી પણ વાતો એ મોટાને પણ શરમાવે તેવી કરતી. બોલવામાં એ કોઈનો વારો આવવાં દે તેમ નહતી. અને આજે તો એની મમ્મીની વાત નીકળી છે એટલે હવે એ સાંજ સુધી છાલ નહીં મેલે.
ઓ હેલો.. ક્યાં ખોવાઈ ગ્યાં પાછા.. મને એમ કહો કે તમે એકલા જ મારાં મમ્મીને યાદ કરશો કે મને પણ કાંઈ કહેશો એમના વિશે. જ્યારે પણ હું કાંઈ પૂછું એટલે તમે મને કઈ કહેતા નથી અને તું આજે ચાલ દવાખાને મારી સાથે સાંજે કઈશ એમ ખોટી ખોટી લાલચ આપીને મને લઈ જાઓ છો. તમને ખબર છે મને કેટલુ દુ:ખે છે ડોકટર અંકલની સોયથી, પણ આજે તો હું નહીં જ આવું તમારી સાથે.
અરે, હા આજે તો આપણે ત્યાં જવાનું છે. હું તો સાવ ભૂલી જ ગઈ હતી, સારું થયું તે કહ્યું. જશોદાબેને હેતલને ચોકલેટ આપતા કહ્યું.
ના, આજે તો હું નહીં જ આવું.
આજે કઈશ તને તારી મમ્મી વિશે પાક્કું. ચાલ જલ્દી તૈયાર થઈ જા.
ના હું નહીં આવું..
મારે નથી આવવું પણ...
મહાપરાણે તૈયાર થઇ છે હેતલ આજે દવાખાને આવવા માટે. દર મહિને એને લોહીની બોટલ ચડાવવા લાવી પડે છે. જ્યારે જ્યારે એને જોવું છું તૃપ્તિ યાદ આવી જાય છે. એ જ નાની નાની આંખો, નમણું નાક, બોલવામાં અવ્વલ અને જીદે ચડે તો સૌની બાપ.
આજે તો મેં પણ એને એની મમ્મી વિષે કહેવાનું નક્કી કર્યું છે.
નાની, આજે તો હું તમને રસોઈમાં મદદ કરાઈશ, હો ને? ઘરે પરત આવતા એ ઠાવકાઇથી બોલી. અજીબ છે આ છોકરી. હમણાં થોડીવાર પહેલાં તો હું બોલીશ જ નહીં તમારી જોડે એમ કરીને રિસાઈ ગઈ હતી અને હાલ મને મદદ કરવાની વાતો કરે.
નાના છોકરામાં વેરની ભાવના નહીં હોય કદાચ એટલે જ એ ભગવાનનું સ્વરુપ મનાતા હશે.
હેતલ, ઓ હેતલ ક્યાં ગઈ બેટા.. ચાલ તને તારી મમ્મીની સ્ટોરી કહું.
હા, હા ચાલો નાની. એ તો એક્દમ ખુશખુશાલ થઈ ગઈ જાણે કોઈ ગુપ્તચર ગુપ્ત ખજાનાની માહિતી ન આપવાનો હોય ..પણ કેમ નહીં, તે નાની હતી ત્યારથી તેની મમ્મીને ખાલી ફોટામાં જ જોઈ છે, અને તેના પપ્પા જ્યારથી તેને અહીં મૂકીને ગ્યાં છે ત્યારથી ક્યારે પણ એની દીકરીના હાલ જોવા નથી આવ્યા.
ક્યાં ખોવાઈ ગ્યાં પાછા.. બોલો ને...જલ્દી.
બેટા, તારાં મમ્મી એકદમ તારા જેવા જ હતાં. જે બોલવામાં કોઈનો વારો જ ના આવવા દે...
હે નાની, મમ્મી મારા જેવા થોડી હોય કંઈ.. હું મમ્મી જેવી છું.
હા, બસ.. તું કે એમ. પણ જો તું હવે વચ્ચે કાંઈ પણ બોલીશ તો હું તને કઈ નહીં કઉં.
અરે, ના.. ના એવું ના કરતાં. નહીં બોલું બસ. જુઓ એક્દમ ચૂપ...
ભણવામાં એક નંબર હતી મારી દીકરી.
તમારી દીકરી પછી, પહેલાં મારા મમ્મી.
જો પાછી..
અરે સૉરી સૉરી. હવે નહીં બોલું બસ. તમે આગળ બોલો.
એને ભણી ગણીને ડોકટર બનવું હતું એ એનું સપનું હતું.
જેમ મને ડાન્સર બનવું છે એમ?
હા, બસ એમ જ. જેમ તું કોઈ પણ સમયે ડાન્સ માટે તૈયાર થઈ જાય છે એમ તારા મમ્મી કોઈ પણ સમયે ભણવા માટે તૈયાર જ હોય.
તને ખબર, તારી મમ્મી બારમાં ધોરણમાં પ્રથમ નંબર લાવી હતી.
બારમું ધોરણ ભણ્યા પછી એને મેડીકલ લાઈનમાં જવું હતું. પણ ત્યારે અમારી પાસે એટલી સગવડ નહતી એટલે તેણે અમારી ઇચ્છાને માન આપીને નર્સિંગમાં એડમીશન લઈ લીધું.
જીવનનો એક સિધ્ધાંત છે કે
જેમ જેમ સમજણ વધે તેમ માણસ વધારે દુ:ખી થાય છે. તારા મમ્મી જોડે પણ એવું જ થયું. જો કે તારા મમ્મીની સમજણ સાચી હતી પણ એ સમયે અમે એ સમજને સ્વીકારી નહોતા શક્યા.
સામેથી અવાજ આવતો બંધ થયો. જશોદાબેને જોયું તો નાનકડી હેતલ નાનીનાં ખોળામાં જ સૂઈ ગઈ હતી.
આમ પણ, આ બધી વાતો સમજી શકે તેટલી તેની ઉમર પણ ન હતી પરંતુ આજે જશોદા બેન પોતાનાં મનનો બોજો હળવો કરવા માંગતા હતા.
તેઓ સ્વગત જ બોલવા લાગ્યાં.
મને યાદ છે એ દિવસ જ્યારે એ કોલેજમાંથી મેડીકલ ચેકઅપ કરાવીને ઘરે આવી હતી. તેનાં બધાં રીપોર્ટ નોર્મલ આવ્યા હતા પણ તે થેલેસેમીયા માઈનોર નીકળી હતી. તે થોડીક વાર માટે તો નાસીપાસ થઈ ગઈ. કારણકે એ સમય દરમિયાન કોઈને એટલી સમજ ન હતી. તે મેડીકલ સ્ટુડન્ટ હતી એટલે તેણે થેલેસેમીયા પર થોડું રિસર્ચ કર્યું તો એણે જાણ્યું કે આ કોઈ રોગ નથી. એટલે એની કોઈ દવા પણ લેવાની હોતી નથી. પરંતુ થેલેસેમીયા માઈનોરવાળી વ્યક્તિના લગ્ન થેલેસેમીયા માઈનોર સાથે થાય તો તેનું આવનરું બાળક થેલેસેમીયા મેજર જન્મે છે. આથી તેણે નક્કી કર્યું હતું કે એ જેની પણ સાથે લગ્નબંધનથી જોડાશે તે પહેલાં તેનો મેડીકલ ચેકઅપ કરાવશે. તેનાં આ નિર્ણયમાં અમે પણ સાથ આપવાનું નક્કી કર્યું જેથી કરીને સમાજમાં જાગૃતતા આવે.
હવે તૃપ્તિનું ભણવાનું પતી ગ્યું હતું. એને નોકરી કરવી હતી એટલે એણે એની તૈયારી ચાલુ કરી દીધી
હતી. જ્યારે અમારા લોકોની ઇચ્છા એને સારું ઘર જોઈને પરણાઈ દેવાની હતી. એટલે જ અમે તેની માટેની શોધખોળ ચાલુ કરી દીધી હતી.
તારા મમ્મી માટે સારા સારા ઘરના માંગા આવતાં પણ જ્યારે અમે તેમની સમક્ષ મેડીકલ ચેકઅપ કરાવવાંની વાત કરતા ત્યારે અમે એ લોકોનું અપમાન કરતા હોય એવું લાગતું. જ્યારે એમને ખબર પડતી કે તૃપ્તિ થેલેસેમીયા માઈનોર છે ત્યારે તેઓ ઊલટાનું તારા મમ્મીને રોગી સમજીને સામેથી જ ના પાડી દેતા.
આવું એક નહીં પણ દર વખતે થતું. છેક સુધી વાત નક્કી હોય અને આ વાત પર અટકી જતી અને પૂરી પણ થઈ જતી. હવે અમારી પણ ચિંતા વધવા લાગી હતી. જો આ વાત આગળ વધે તો કોઈ છોકરો મારી છોકરીને લઈ જશે નહીં એ બીકથી અમે પણ તારી મમ્મી ને ચૂપચાપ આ વાતને છુપાઈને જ લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યા. પહેલાં તો તૃપ્તિ માની જ ન હતી પરંતુ આખરે ફરી એણે અમારી જીદ આગળ નમતું મુકીને નસીબના સહારે લગ્ન કરી લીધા.
તૃપ્તિના નસીબમાં રિતેશ નામનો એક આકર્ષક વ્યક્તિ હતો. જેનો જન્મ મુંબઈ જેવા રંગીલા શહેરમાં થયો હતો. તેણે એમ.બી. એ.કરેલુ હતું અને અત્યારે એક નામાંકિત કંપનીમાં નોકરી કરતો હતો. તેમના પરિવારને ગર્ભ-શ્રીમંત કહીએ તો કંઈ ખોટું ન હતું અને આ શ્રીમતાઈને ભોગવનાર એક માત્ર વારસ રિતેશ હતો.
અમને એમ હતું કે આ પરિવારમાં જઈ મારી દીકરી રાજ કરશે આથી અમે તે લોકોના કહેવા પ્રમાણે જલ્દીથી જલ્દી લગ્ન ગોઠવી દીધા. ત્યાં જ તૃપ્તિની તૈયારી પણ છુટ્ટી ગઈ. હવે તે એક આદર્શ ગૃહિણી બનવાનો પ્રયત્ન કરવા લાગી.
તૃપ્તિના સાસુ સસરા ખૂબ જ સારા સ્વભાવના હતા. જ્યારે રિતેશ 'નવું નવું નવ દિવસ' ની જેમ સારો બનવાનો પ્રયત્ન કરતો હતો. પણ કહેવાય છે ને કે કોઇપણ માણસ વધારે સમય સુધી દેખાવાનો ઢોંગ કરી શકતો નથી. તે થોડાક સમયમાં હોય તેવો જ વર્તાવ કરે છે.
એક દિવસ રિતેશ રાત્રે ઘરે નહતા આવ્યા. એ રાત્રે તૃપ્તિ આખી રાત રાહ જોતી બેસી રહી. બીજા દિવસે જ્યારે તે આવ્યા ત્યારે તૃપ્તિનાં પૂછવાંથી તે ખુબ જ ગુસ્સે થયો હતો. તું કોણ મને પૂછનાર? મારી કોઈ પત્ની નથી. જો હવે પછી મને કઈ પૂછ્યું છે તો તારા પિયર મુકતા આવીશ. તું મારી બૉસ નથી. મને મન ફાવશે ત્યાં જઈશ.
એ દિવસના રિતેશના વર્તનથી તૃપ્તિ તો સાવ હેબતાઈ ગઈ. તેને ખબર જ ના પડી કે, એ ઘરમાં કોઈને કહે કે નહીં.
રિતેશનું આ વર્તન તો દર પંદર દિવસે રિપીટ થતું. તૃપ્તિને એમ કે તે રાત્રે તેના મિત્રો જોડે સમય પસાર કરે છે. પણ પછીથી ખબર પડે છે કે એને એક નહીં અનેક છોકરી જોડે રાત પસાર કરે છે. હવે તો તે અડધી રાત્રે ઘરે આવે છે તો ક્યારેક તૃપ્તિ ઉપર હાથ પણ ઊપાડી લે છે..
તૃપ્તિ માટે આ બધું અસહ્ય હોય છે. આમ કરતા કરતા એમને લગ્નને બે વર્ષ થવા આવ્યા. હવે બધા લોકો તે ક્યારે સારા સમાચાર આપે છે તેની રાહ જોવા લાગ્યા. પરંતુ તારા મમ્મીને એક જ વાતનો ડર હતો કે ક્યાંક મારું બાળક પણ થેલેસેમિયા પીડિત ના હોય.
ત્યારબાદ છ મહિનામાં જ સમાચાર મળે છે કે મારી દીકરી મમ્મી બનવાની છે.
તૃપ્તિ એ આ સમાચાર રિતેશને કહ્યા. તૃપ્તિને એમ હતું કે આ સાંભળીને તેના વર્તનમાં બદલાવ આવે ને તે બદલાઈ જાય.
તારા આવવાની સારી અસર થવા લાગી હવે તો તારા પપ્પા તેને ખૂબ સાચવવા લાગ્યા. ઘરમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો.
પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં. જ્યારે ડોક્ટરે તૃપ્તિનું મેડીકલ ચેકઅપ કર્યું ત્યારે તે થેલેસેમીયા માઈનોરની સાથે સાથે એચ. આઈ. વી. પોઝીટીવ પણ હતી. જ્યારે રિતેશે આ સાંભળ્યું ત્યારે તે રીતસર તૃપ્તિ પર ખોટા ખોટા આરોપ મૂકે છે જોકે એને ખબર છે કે તૃપ્તિને આ રોગ લાગુ પડવાનું કારણ એનો તૃપ્તિ સાથેનો સહવાસ છે. તેમ છતાં તે દોષનો ટોપલો તૃપ્તિ માથે ઢોળે છે.
હવે માહોલ બદલાઈ ગ્યો હતો. જેટલાં લોકો અહી ખબર જોવા આવતા એમાંથી મોટાભાગના લોકોને તૃપ્તિનો જ વાંક લાગતો. કેટલાંક તો અપમાન ભરી નજરે જોતા. આ બધું તૃપ્તિ માટે અસહ્ય હતું. છતાં તારા માટે એને બધા મેંણાં સહન કરી લીધા. હવે તો તારા પપ્પા પણ તૃપ્તિને ન કહેવાનું સંભળાય જતાં. જો કે તૃપ્તિ જાણતી હતી કે આ ચેપ તેને તારા પપ્પાને લીધે જ લાગ્યો છે પણ તે કોઈને કંઈ કહેતી નહીં. કેમકે એને ખબર હતી કે આ પુરુષ પ્રધાન દેશ મા તેનું કોઈ નહીં માને. એ તારા માટે જ જીવતી હતી. અને આખરે એ દિવસ આવી ગ્યો જ્યારે તારો જન્મ થયો. ફૂલથી પણ વધારે નાજુક તું હતી. તને જોઈ ને તારા મમ્મીએ છેલ્લા શ્વાસ લીધા.
હવે તારી જવાબદારી અમારાં માથે આવી હતી. કારણકે તારા પપ્પા લોકો તને પણ સ્વીકારવા તૈયાર નહોતા.
તૃપ્તિના મૃત્યુ પછી અમે અમારું બધું ધ્યાન તને ઉછેરવામાં લગાડી દીધું પણ તું દિવસે દિવસે સુકાતી જતી હતી. એટલે એક દિવસ અમે તારી તપાસ કરાઈ તો ખબર પડી કે બેટા તને થેલેસેમીયા મેજર છે. જે પતિ-પત્ની બંને થેલેસેમીયા માઈનોર હોય ત્યારે તેનું બાળક થેલેસેમીયા મેજર જન્મે છે. વિશ્વમાં બહુ ઓછા બાળક એવા હોય છે કે જે થેલેસેમીયા મેજર હોય એમાનું એક તું છે.
અમે તો અમારા પાપનું પ્રાયશ્ચિંત કરવા તારો ઉછેર કરીએ છીએ. આજે તો ડોક્ટરે અમને કહી દીધું છે કે તું વધારે નહીં જીવી શકે. પણ તું ચિંતા ના કર, અમારી બધી મિલકત વહેંચીને પણ અમે તારી દવા કરાવીશું.
નોંધ :: દરેક માં બાપને મારી સલાહ છે કે જો તમારા છોકરાં કે છોકરીના લગ્ન બાકી હોય તો લગ્ન પહેલાં કુંડળી નહીં મિલાવો તો ચાલશે પણ તેનું મેડીકલ ચેકઅપ ચોકકસ કરાવજો જેથી કરીને બે થેલેસેમીયા માઈનોર મળીને એક મેજર બાળકને જન્મ ન આપે અને આ રોગ નાબૂદ થાય. એનો બીજો તો કોઈ સચોટ ઉપાય નથી. આ ઉપરાંત રિતેશ જેવા લપટ છોકરા તૃપ્તિ જેવી નિર્દોષ છોકરી પર દોષનો ટોપલો નાં ઢોળી શકે... અને આમ, પણ જમાનો બદલાયો છે તો લગ્ન કરવા માટેના માપદંડ કેમ નહીં..??