એ બધું જુએ છે
એ બધું જુએ છે
સૌરાષ્ટ્રનાં નાનકડાં ગામની અવનીના વિવાહ શહેરનાં એક ધનાઢ્ય પરિવારમાં થયાં હતાં. પ્રાથમિક શાળાનાં ખૂબ નિષ્ઠાવાન અને સંસ્કારી પિતાનું એક માત્ર સંતાન અવની પણ રૂપ, ગુણ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ હતી.
પિયરમાં સાદી રહેણીકરણી અને કરકસરના પાઠ શીખેલી અવનીનાં સાસરીમાં પૈસાની રેલમછેલ હતી. શહેરમાં તેનાં સસરાને ધીકતો કારોબાર હતો. પોતાનો પતિ આકાશ પણ પિતાને વ્યવસાયમાં મદદ કરતો હતો. અવનીની ચીવટને પરિવારનાં સભ્યો મિડલ ક્લાસ મેન્ટાલીટી કહીને મજાકનો મુદ્દો બનાવતાં હતાં. અવની સૌથી નાની હોવાથી ક્યારેય કોઈ વાતનું ખોટું ન લગાડતી. હશે જેવાં જેનાં વિચારો ! એમ માનીને ફરી પોતાનાં કામમાં ગૂંથાઈ જતી.
સમય ક્યાં કોઈનાં કહ્યામાં રહે છે ? ક્યારેય ક્યાં એકધારો ચાલે છે ? ધંધામાં સ્પર્ધા વધી રહી હોવાથી ધીમે ધીમે ધંધામાં ખોટ આવવા લાગી. પાણીની જેમ પૈસા રેલાવતાં પરિવારનાં સભ્યો હવે મુંઝવણ અનુભવવા લાગ્યાં. ખોટ પચાવી નહીં શકતાં જેઠે આત્મહત્યા કરી. આ પરિસ્થિતિમાં અવની જ એક બધાંનો સહારો હતી. પહેલેથી જ મહેનતુ અને કરકસરવાળી અવનીએ ખાખરા અને પાપડનો ગૃહ ઉદ્યોગ શરુ કર્યો. પોતાનાં પરિવારને પણ આ કાર્યમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઈનો સહકાર ન મળ્યો. બધાં તેની હાંસી ઉડાવતાં અને કહેતાં....
"આવું કર્યે શું વળે ?"
પણ, અવનીએ ધીરજથી પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું. હવે તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો હતો. તેણે સીઝનમાં અથાણાં બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અવનીની બ્રાન્ડ માર્કેટમાં ફરતી થઈ ગઈ. હવે થોડો રૂપિયો ભેગો થઈ રહ્યો હતો જેમાંથી અવનીએ પોતાનાં પતિને અને સસરાને નાનાં પાયે ધંધો શરુ કરવા પ્રોત્સાહિત કર્યા. 'પૈસો પૈસાને ખેંચે.'એ કહેવત સાચી પડી. લોકો અવનીના ખૂબ વખાણ કરતાં. પરંતુ પરિવાર ! તેની જોઈએ તેવી કદર તો શું સારો વ્યવહાર પણ કરતાં નહીં.
છતાં અવની હંમેશા હસતી જ રહેતી. તેને મન લોકોની કદર કરતાં ઈશ્વરની કદરનું વધારે મહત્વ હતું. તે બસ પ્રભુને એટલી જ પ્રાર્થના કરતી કે કોઈ જુએ કે નહીં પણ તું બધું જ જુએ છે. સૌનું ભલું કરજે. જે કદર કરે એનું પણ... અને ન કરે એનું પણ. જેવાં જેના વિચારો.
