દુનિયાની સૌથી સુંદર સ્ત્રી
દુનિયાની સૌથી સુંદર સ્ત્રી
સંગેમરમર જેવા ભૂરા આકાશની નીચે ખેડૂતોનું એક ગામ હતું, જેના રહેઠાણ ક્ષેત્ર કરતા ક્યાંય વધુ ખેતરોની લીલોતરી, આકાશના ભૂરા રંગ સાથે મળી ને અનંત વિસ્તાર સુધી ફેલાયેલી હતી.
મિત્રો, જે હોય તે- પણ હમણાં હું તમને એક વાર્તા સાંભળવું છું... જેની મને આશા છે કે તમે બધા, તેને(વાર્તા ને) ખુબ પસંદ કરશો અને હંમેશ ને માટે તેને યાદ રાખશો.
એક સાંજે સૂરજ, ખેડૂત ની જેમ જ અથાગ પરિશ્રમ કરી ને પોતાના ઘરે અસ્તાચલ તરફ પાછો ફરી રહ્યો હતો. ખરેખર, સૂરજ ને આકાશનો એક માત્ર ખેડૂત કહી શકાય, કે જે તારાઓની દુર્લભ ખેતી ઉગાડવા માટે એકલો જ શ્રમ કરી રહ્યો છે. હાં તો, સૂરજ ડૂબી રહ્યો હતો અને ખેડૂત સ્ત્રી- પુરુષ બન્ને પોતાના અનાજ ને ભેગું કરી ને- જેને તેમણે મિત્રતા ભર્યા સહયોગ સાથે વાવ્યું હતું, તે પોતપોતાની ઝુંપડી માં પાછા ફરી રહ્યા હતાંં. તેમની સાથે તેમના ઘણાં બાળકો આનંદથી રમતા- ગાતા સ્નેહ અને સુરક્ષા માટે પોતાની માતાઓ સાથે ચાલતા હતાં.
પરંતુ એક નાનુ બાળક પતંગિયા ને પકડવામાં મસ્ત હતું. કેટલાક પતંગિયાની પાંખો મોટી અને કાળી હતી, જેના પર સફેદ ચાંદલા હતાં. કેટલાકની પાંખો નારંગી અને શ્વેત રંગની હતી, અને કેટલીક લાલ લીટીઓ સાથે સફેદ હતી. પતંગિયા પણ શું શાનદાર હોય છે ! તેની પાંખો નો 'ફડફડાટ' એક સુંદર કવિતા જેવો હોય છે.આ પતંગિયા જાણે કે એક ઊડતું ફૂલ છે, જેમ ફૂલ એ ન ઊડી શકે એવું એક પતંગિયું......
ખેડૂતો પોતાની ઝુંપડી મા પાછા ફરી રહ્યા હતાં. અને તેઓ તેમના ઝૂંપડાથી ઘણે દૂર હતાંં. પણ ખેડૂતો ને તો ખૂબ દૂર સુધી ચાલવાની આદત હોય છે. અને તેમના રસ્તા ને આ પગલાં ની ટેવ હોય છે, તેમના વગર તેને ચાલતું પણ ન હતું....
પતંગિયા ને પકડનાર તે નાના બાળક ને અચાનક ખ્યાલ આવ્યો કે તે બહુ દૂર નીકળી ગયો છે, જ્યારે તેની માઁ તેનાંથી વિરૂધ્ધ દિશામાં ચાલી ગઈ હતી. તે ગભરાઈ ગયો. અને તે માઁ- માઁ ના નામ ની બુમો મારવા લાગ્યો... પણ ત્યાં સુધી મા તો સૂરજ આખો ડૂબી ગયો હતો અને ધીમે- ધીમે અંધારું ફેલાઈ રહ્યું હતું.
બાળક ના હીબકાં ભરાતા અવાજ ની સાથે તેની માઁ-માઁ નો પોકાર હવા મા ગુંજવા લાગ્યો, ખેતરો માં ને આજુ- બાજુ જાણે કે સન્નાટો છવાઈ ગયો. એક નીરવ શાંતિ ફેલાઈ ગઈ.
સૌભાગ્યવશ એક બીજી બાજુથી પાક્કા સફરજનના રંગ જેવો એક મોટો ખેડૂત અચાનક પ્રગટ થયો. જેનો અવાજ વીજળી ના કડાકા જોવો હતો, " તું કેમ રડે છે મારા બાળક??". તેણે તેની મદદ કરવાના ઈરાદાથી પૂછ્યું.
બાળકે હીબકાં ભરતાં કહ્યું કે, " મને મારી માઁ જોઈએ ", એમ લાગતું હતું કે જાણે કે તેનો શ્વાસ હમણાં બંધ થઈ જશે.
"તારી માઁ કેવી દેખાય છે?" ખેડુતે પૂછ્યું. "તે સુંદર છે". બાળકે કહ્યું.
"ગભરાઈશ નહીં". તે ખેડૂતે કહયું અને અચાનક તેજ સમયે એક સુંદર સ્ત્રી સામેથી આવતી દેખાઈ. " શું આ તારી માઁ છે? તે સુંદર છે. તેણે બાળક ને પૂછયું. "ના- ના!" મારી માઁ તો દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે."
બહુજ જલદી એક બીજી સ્ત્રી ત્યાં થી પસાર થઈ. "શું આ સ્ત્રી તારી માઁ છે?".
બાળક બૂમ પાડી ઉઠ્યો, "ના-ના ! મારી માઁ તો દુનિયાની સૌથી ખુબસુરત સ્ત્રી છે".
એક પછી એક એમ અનેક સ્ત્રીઓ આવતી ગઈ. પેહલા થી પણ વધુ સુંદર. પણ બાળક બેચેન અને ઉદાસ થઈ ગયો. તેને ડર લાગવા લાગ્યો કે હવે તેની માઁ ક્યારેય નહીં મળે.
પણ એમ નથી હોતું. પ્રેમનું વિધાન આપોઆપ જ થાય છે. જો તેમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો... બાળકે એક સ્ત્રી ને પોતાના તરફ આવતા જોઈ. તે ખુશીથી પરિપૂર્ણ થઈ ઉછળી પડ્યો અને તે ઊંચા અવાજે બૂમ પાડી ઉઠ્યો, "આ મારી માઁ છે, તે આવી ગઈ, છેવટે મારી માઁ આવી ગઈ." ત્યારે જ.....
લાલ પાકેલા સફરજન જેવા મોંઢા વાળો ખેડૂત જોરથી હસવા લાગ્યો. એના અટ્ટહાસ્યને સાંભળીને સ્વર્ગના દેવતાઓને પણ શક પડ્યો ... કે નીચે ધરતી પર એવું તે શું થયું છે ??
કેમ ખબર છે ?
કેમ કે પેલા બાળકની માઁ ખુબજ મામૂલી દેખાતી હતી, તેને એક આંખ પણ ન હતી અને મોઢું તો તાપ માં તપી ને કાળું પડી ગયું હતું. "આ તારી માઁ છે?, હે ભગવાન !! અને તે પણ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી ?" ખેડૂત જોર-જોરથી હસતો રહ્યો, અને તેનું અટ્ટહાસ્ય પુરા વિસ્તારમાં ફેલાતું હતું.
"હા, તે વિશ્વની સૌથી સુંદર નારી- તે મારી માઁ છે." બાળકે એક એવા બુલંદ અવાજમાં કહ્યું, જેમાં લાગતું હતું કે બાળપણની વસંતના બધા સુમન સમાયેલા હતાંં.
બસ.... અને છેલ્લે એટલું જ કહીશ કે
"કોઇ માતા કંગાળ નથી,
નથી કુરૂપ કે નથી ઘરડી,
એનો પ્રેમ એજ એનું શ્રેષ્ઠ ધન છે."
