દર્દી દેવો ભવ:
દર્દી દેવો ભવ:


હમણાં જ વરસી પડેલાં શ્રાવણી સરવડાંએ જાણે વાદળ દ્વારા જલાભિષેકથી ભગવાન ભોળાનાથની ભાવવંદના કરી હતી. શીતળ મલય - લ્હેર જાણે અભિષિક્ત આશુતોષના આશિષ સ્વરૂપે પ્રસન્નતા પ્રસરાવી રહી હતી.
સુલોચનાબહેનના પતિ-જિલ્લા કલેકટર જગદીશભાઈ- આજે વહેલી સવારે જ મહત્વની મિટીંગ માટે ગાંધીનગર જવા નીકળી ગયેલા, તેથી સુલોચનાબહેનને આજે એકલાંજ હવેલીએ દર્શન માટે જવાનું હતું. ઝાપટું વરસી જાય એની રાહ જોઇને બેઠેલા સુલોચનાબહેને તપાસ કરાવી, તો જણાયું કે પાસપડોશનું મહિલાવૃંદ તો હમણાં જ દર્શન માટે નીકળી ચુક્યું હતું. તેથી તેઓ એકલા જ ભગવાનના ભોગ માટેનો પ્રસાદ અને ફળ લઈને ઉતાવળે જ દર્શનાર્થે નીકળી પડ્યા. ઠાકોરજીના દર્શન બંધ થાય એ પહેલાં જ પહોંચી જવાની તેમની ધારણા હતી.
ઘરથી અડધા કિલોમીટરના અંતરે ઠાકોરજીની હવેલી હતી. રસ્તા પરના ખાડા- ખાબોચિયાંથી વસ્ત્રોને બચાવતાં સુલોચનાબહેન મનમાં કૃષ્ણ નામ રટતાં ધીરે ધીરે જઈ રહ્યાં હતાં. ઠાકોરજીના મંદિરે પહોંચ્યા, ત્યારે દર્શન બંધ થઈ ચૂક્યા હતા. દર્શન માટે પોતે મોડાપડયા હોવાનો તેમને અફસોસ થયો, પણ દર્શનથી વંચિત રહ્યાની વેદના કરતાંય રસ્તામાં જોયેલ દીનહીન રક્તપિતથી પીડિત એવા - પરિવાર અને સમાજની હુંફથી વંચિત - મનુષ્યની વેદના તેમને વધુ વ્યથિત બનાવી રહી હતી. જગન્નારાયણના દર્શન ન થયા, પણ કદાચ તેમણે જ દર્દી-નારાયણના દર્શન કરાવ્યા હતા ! સુલોચનાબહેને સજળનેત્રે મંદિરના બંધ દરવાજે મસ્તક ટેકવ્યું. દરિદ્ર- નારાયણને આપેલ ભોગ ભગવાન સુધી જ પહોંચી ગયાના ભાવ સાથે તેમણે મનોમન જગ - કલ્યાણ માટે પ્રાર્થના કરી.
બીજા દિવસે - ગાડી ઘેર હોવા છતાં- સુલોચનાબહેન ચાલીને જ દર્શને નીકળ્યા. આજે તો તેમણે પોતાની સાથે થેલીમાં એકાદ-બે જોડી કપડાં, ઓઢવા-પાથરવા માટે બે ચાદર અને પેટ ભરીને જમી શકાય તેટલું ભોજન લીધું હતું. પેલો ગરીબ દર્દી આજે પણ એ જ જગ્યાએ એ જ હાલતમાં ઉભો હતો. સુલોચનાબહેને તેને વસ્ત્રો અને ભોજન આપ્યું.ગરીબદર્દીએ કદાચ પહેલી જ વખત કોઈની આવી સહાનુભૂતિ નિહાળી હતી. તેથી તે ચોધાર આંસુએ રોઈ પડ્યો. સુલોચનાબહેનનું સંવેદનશીલ હદય પણ ભરાઇ આવ્યું. માણસ જેવા માણસની આવી રોગીષ્ટ, લાચાર અને દયનીય દશા જોઇને સુલોચના બહેનની આંખો પણ ભીંજાઈ ગઈ. ઉદાસ હૈયે તેમણે હવેલીનો માર્ગ પકડ્યો. ભગવાનને ભોગ ધરાવી, પૂજન - અર્ચન કરી, તેમણે પ્રભુ પાસે સહુના મંગલ માટે કામના કરી.
જગદીશભાઈ જિલ્લા કલેક્ટર હતા. તેથી મોટાભાગે સુલોચનાબહેનને ચાલતા નહીં પણ કારમાં જ જવા-આવવાનું બનતું. ગર્ભ શ્રીમંત પરિવારના પુત્રી હોવાને લીધે પિયરમાં પણ તેમણે સુખ સાહ્યબી જ જોયાં હતાં. સમાજમાં જીવતા દીન- દુઃખીયા લોકોની વાતો તેમણે સાંભળી જરૂર હતી. ચલચિત્ર અને ન્યૂઝ દ્વારા જોઇ પણ હતી. પરંતુ તેમનું દુઃખ ક્યારેય પ્રત્યક્ષ અનુભવ્યું ન હતું. અનાયાસ જ એવા સંજોગો ઉભા થયા કે તેમણે આટલી નજીકથી, દર્દથી પીડાતા- રીબાતા- ઉપેક્ષિત - રક્તપિતના દર્દીને નિહાળ્યો હતો. પારકા જ નહીં પરંતુ પોતાના દ્વારા પણ કેવળ ઉપેક્ષા અને તિરસ્કાર પામેલા રક્તપિતિયાની પીડા અને લાચારી જોઇને તેમના કોમળ હૈયામાં કરુણા પ્રકટીઉઠી હતી.
સુલોચનાબહેનનો શાલીન અને સેવાભાવી સ્વભાવ તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ હતી. પતિ જગદીશભાઈ સર્વોચ્ચ હોદ્દા પર હોવા છતાં પણ કલેકટરતરીકેના રુઆબ કે આડંબરને બદલે તેમનું નિરાભિમાનીપણું, જવાબદારી પ્રત્યેની નિષ્ઠા અને તેમના સેવાપૂર્ણ વ્યવહારને લીધે તેમણે પણ જબરી લોકચાહના પ્રાપ્ત કરેલું. બંનેનું દાંપત્ય સુખી હતું. જો કે લગ્નના બે દાયકા પછી પણ તેમની પ્રેમ- વેલી પર સંતાનરૂપી પૂષ્પપાંગર્યું ન હતું. સમજુ અને શ્રદ્ધાવાન દંપતિએ નિયતિના નિર્ણયને નત- મસ્તકે સ્વીકારી લીધો હતો. નિ:સંતાન હોવાના દુઃખને તેમણે પરમાર્થના સુખમાં ઓગાળી નાખ્યું હતું. મોડી સાંજે જગદીશભાઈ ઘેર આવ્યા. સરકારી બંગલાના વિશાળ દિવાન ખંડમાં, હીંચકા પર બેઠેલાસુલોચનાબહેને મૌન સ્મિતથી તેમનું સ્વાગત કર્યું. સાથે ચા પીધા પછી સુલોચનાબહેને પોતે આજે જોયેલા રક્તપિતથી પીડિત દર્દીની વ્યથા- કથા સંભળાવી. દુઃખી સ્વરે તેઓ બોલ્યા-
"માનવી આટલો ક્રૂર થઈ શકે ? સ્વજન જ્યારે દર્દમાં તડપતું હોય, ત્યારે તેને આમ ત્યજી દઈ શકે ?"
જગદીશભાઈ પત્નીની લાગણીશીલતાથી વાકેફ હતાં. પત્નીની પીઠ પર પ્રેમપૂર્ણ હાથ પ્રસરાવતા તેઓ બોલ્યા -
"માણસ ઝૂપડામાં રહીને માંડ પોતાનું પેટ ભરતો હોય, એમાં રકતપિત જેવા ચેપી રોગના દર્દીને ક્યાં સાચવે ? એમાંય એના બાળકોની સલામતી વિશે વિચારીએ, ત્યારે લાગે કે સ્વજનને આમ હાંકી કાઢતાં એનું દિલ પણ રડતું તો હશે જ ! વળી દર્દીને ઘરમાં રાખીને સેવા કરવા ધારે, તો પણ આવા રોગી સાથે તેમને પાસ પડોશવાળા રહેવા ન દે ! "-એક નિશ્વાસ સાથે જગદીશભાઈએઉમેર્યું- "ગરીબી સૌથી મોટો રોગ છે, સુલુ ! ગરીબી માણસને એટલો જડ બનાવી દે છે કે આખરે તે અમાનવીય બની જાય છે!"
"હા, એ પણ ખરૂં" - સુલોચનાબહેને કડવી વાસ્તવિકતા સ્વીકારીને કહ્યું - "પણ માણસ જેવો માણસ જ્યારે દુઃખી થતો હોય, ત્યારે તેને સાંત્વના ન આપી શકીએ તો આપણને માણસ કહેવડાવવાનો અધિકાર ખરો ?"
જગદીશભાઈ પ્રેમાળ પત્નીના સંવેદનશીલ સ્વભાવને જાણતા હતા. તેમણે કહ્યું - "આપણે આપણાથી બનતું બધું કરશું. પહેલાં તું સ્વસ્થ થા. પછી રાત્રે નિરાંતે આ વિશે વિચારીએ."
રાત્રે ગૃહમંદિરમાં પૂજા આરતી પછી રાત્રિ ભોજનથી પરવારીને પતિ-પત્ની ઠાકોરજી સમક્ષ મેં 'દર્દી નારાયણ' ની સેવા માટે સંસ્થા શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે." - પત્નીએ આશા ભરી આંખે પતિ તરફ મીટ માંડી. જગદીશભાઈએ સ્મિત સાથે માથું હલાવી, મુક સંમતિ આપી.
જગતનું સંચાલન કરનાર જગન્નિયંતા પ્રત્યેક વ્યક્તિને એક નિશ્ચિત ધ્યેય સાથે પૃથ્વી પર અવતરિત કરે છે. એ વાત અલગ છે કે આપણામાંના મોટાભાગના જન્મ પછી આપણે નિભાવવાની જવાબદારીને ભૂલી જઇએ છીએ. પરમ કૃપાળુ પરમેશ્વર આપણને આપણું જીવન- કાર્ય પૂર્ણ કરવા કોઇને કોઇ રીતે ઇંગિત કરતો રહે છે. આપણો માંહ્યલો આપણને એ તરફ પ્રેરિત પણ કરે છે. ભીતરથી આવતા અવાજને સાંભળવા છતાં આપણે આપણાં ક્ષુલ્લક- ક્ષુદ્ર સ્વાર્થની પૂર્તિ માટે જીવન ધ્યેયને વિસારે પાડી દઇએ છીએ. ઇશ્વર આપણને જન્મ આપે છે, આપણે માટે નિશ્ચિત થયેલા કાર્યને પૂરૂં કરવાની શક્તિ અને તક પણ આપે છે, કોઇને કોઇ રીતે એ તરફ જવા દિશા સુચન પણ કરે છે. પરંતુ સાથોસાથ આપણને નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ આપે છે, સારાસારનો વિવેક આપે છે. પણ માર્ગ તો આપણે જ પસંદ કરવો પડે છે.એક સમયે પ્રત્યેક મનુષ્યની સામે શ્રેય અને પ્રેય એમ બે માર્ગ આવે છે.સ્વનું જ નહીં, સ્વની સાથે સર્વનું કલ્યાણ ઇચ્છનાર શ્રેય માર્ગ પસંદ કરે છે. પર હિત કાજે કદાચ પોતાનું તત્કાળ સુખ જતું કરીને ય સાધુ વૃત્તિ ધરાવતાં સેવા પરાયણ વ્યક્તિઓ સેવાધર્મ ત્યજતા નથી.
સુલોચનાબહેન ધર્મપરાયણ હતાં. ધર્મના મર્મને સમજનારા હતા. કોરા વિધિવિધાન એ જ ધર્મ નથી. જીવ માત્ર તરફ પ્રેમ, કર્મસંજોગે દીન-હીન થઇને જીવનારાવંચિતો, ઉપેક્ષિતો અને ગરીબો માટે કરૂણા તેમ જ વ્યવહાર જગતમાં પણ સત્યની સમીપ રહેવાની વિશુદ્ધ વૃત્તિએ તેમને પ્રતિતિ કરાવી કે ઇશ્વરે તેમને આવા પીડિતોની સેવા કાજે જ જન્મ આપ્યો છે, સમૃદ્ધિ આપી છે, સમજદાર જીવનસાથી આપ્યો છે અને સેવા કરવા માટે તક પણ સર્જી દીધી છે. સુખ–સાહ્યબીનો ભોગવટો તો સહુ કરે. પણ સુખને એકલાં એકલાં ભોગવવાને બદલે સુખને વહેંચે તો સુખ દ્વિગુણિત થાય. ભૌતિક સંતોષ તો મળે જ મળે, પણ એનાથી પણ વધુ- કોઇ માટે કરી છૂટયાનો ભીતરી સંતોષ વ્યક્તિને સભર બનાવે. સુલોચનાબહેને સંકેતને સમજીને જાણે કે ઇશ્વરદત્તસેવાકાર્યનો વિનિત ભાવે સ્વીકાર કર્યો.
બીજા દિવસથી જ વહીવટ કુશળ પતિ અને સેવા માટે ઉત્સાહિત પત્નીએ નક્કર આયોજન મુજબ કામ શરૂ કર્યું. સુલોચનાબહેનના પિતાએ શહેરથી થોડે જ દૂર, દસ એકર જમીન આપી. જગદીશભાઈએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરી, બહુ ઝડપથી જરૂરી કાનૂની વહિવટી કાર્યવાહી પૂર્ણ કરી, હોસ્પિટલનું બાંધકામ શરૂ કરાવ્યું. નિ:સ્વાર્થ ભાવે જ્યારે સમાજસેવા માટે પ્રવૃત્તિ થતી હોય, ત્યારે ઈશ્વર કૃપાથી બધું જ આપોઆપ પાર પડતું રહે છે ! સમાજનાશ્રેષ્ઠીઓએ આર્થિક સહાય કરી. દર્દીઓને અત્યાધુનિક પદ્ધતિથી સારવાર મળી રહે, એ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરરચાઈ ગયું.
એવું નથી કે સત્કર્મ કાયમ નિર્વિઘ્ને જ પાર પડે. સત્કાર્ય માટે બીડું ઝડપનારને સામે વિઘ્નો વધારે આવે છે. સેવા ધર્મ નિભાવવા અગ્નીપથ પર ચાલવું પડે છે. પીઠ થાબડનારા કરતાં પીઠ પર ઘા કરનારા વધારે હોય છે. પરંતું નિ:સ્વાર્થ સેવા આપત્તિઓને પણ અવસરમાં બદલી નાખે છે. કંચનની જ કસોટી હોય. કથીરને કોણ તપાવે છે ? સુલોચનાબહેન અને જગદીશભાઈને પણ નિ:સ્વાર્થ સેવાકાર્યના આરંભે સ્વજનોનો વિરોધ સ્હેવો પડ્યો. ભ્રષ્ટાચાર અને હોદ્દદાના દુરુપયોગ જેવા આક્ષેપો પણ થયા. અરે, હદ તો ત્યારે થઈ જ્યારે, જેના માટે થઇને આ દંપતિએ ભેખ ધરીને, આનંદ- પ્રમોદ ત્યજીને સેવાનો ધૂણો ધખાવ્યો હતો, તે લોકોએ પણ વિરોધીઓ સાથે મળીને લાલચવશ તેમને બદનામ કર્યા. હળાહળ ખોટા આક્ષેપોથી દુ:ખી થઇને જગદીશભાઈએ તો આ શહેરમાંથી બદલી કરાવીને અન્યત્ર જતા રહેવાનો નિર્ણય પણ કરી લીધો. પરંતુંસુલોચનાબહેને પતિને આપદ્ધર્મ નિભાવવા વિનવીને મનાવી પણ લીધા. સમાજ અને સગાંવહાલાંનાં આશ્ચર્ય વચ્ચે જગદીશભાઈએકલેકટરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને સમગ્ર જીવન જ સેવા માટે સમર્પિત કરી દીધું !
હવે નોકરીના બંધન અને વહિવટી જવાબદારીઓથી મુક્ત થયેલા જગદીશભાઈએ પોતાની તમામ સૂઝ, સમજ, સંપર્કો અને શક્તિને લક્ષ્ય પ્રાપ્તિ માટે કામે લગાડ્યાં. અને આખરે સુલોચનાબહેનના સ્વપ્નની પૂર્ણતા રૂપે હોસ્પીટલ શરૂ થઇ ગઇ.
નિર્વિઘ્ને રક્તપિત પીડિતોની સેવા માટેનું કેન્દ્ર શરૂ થઇ જતાં આનંદીત થઇને સુલોચનાબહેને કહ્યું - "અહીં 'દર્દી દેવો ભવ' ના સિદ્ધાંત સાથે કામ થશે, અને મૃત:પ્રાયદર્દીને અમૃત જેવી સેવા મળશે, તેથી હોસ્પિટલનું નામ "સંજીવની આરોગ્ય તીર્થ" રાખીએ.
જગદીશભાઈ એ પણ તેમના સૂરમાં સૂર મિલાવી અને કહ્યું - "જ્યાં દર્દી નારાયણની સેવા થતી હોય, એને તીર્થનો જ દરજ્જો પ્રાપ્ત થાય ને ?"
જગદીશભાઈનીસૂઝ, સ્વયંસેવકોની સેવા, સરકારી સહાય, નિષ્ણાંત ડોકટરો અને કર્મચારીઓની ધગશ તેમજ સુલોચના બહેનના પુરા સમર્પણથી બે-ત્રણ વર્ષમાં તો આ"સેવા તીર્થ" છોડ મટી અને વૃક્ષ બની ગયું ! દર્દીઓ શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરે, પછી તેમને સ્વમાનભેર જીવવા મળે તે હેતુથી વૈકલ્પિક રોજગાર પ્રાપ્તિ માટેનું તંત્ર ગોઠવાયું. સંસ્થામાં જ પુનઃવસન કેન્દ્ર શરૂ થયું સુલોચનાબહેનનો શુદ્ધ હદયથી કરેલો, નિ:સ્વાર્થ સેવાભાવ સાથેનો સંકલ્પ સાકાર થયો.
સમાજ અને સગાં-વ્હાલાં માટે હજી વધ આશ્ચર્યનાઆંચકા સાથે આ દંપતિએરક્તપીતથી પીડિત એક બાળકીને દત્તક લીધી.
મનુષ્યની નિ:સ્વાર્થ સેવાની સુગંધ ઈશ્વર સુધી પહોંચે જ છે. સેવાના વરદાનરૂપે કહો, કે પછી અનેક દર્દીઓનાઅંતરના આશિષ મળ્યા હોય એમ, જાણે ચમત્કાર સર્જાયો ! ૪૫ વર્ષના સુલોચનાબહેનને સારા દિવસો રહ્યા. માનવસેવાના શુભ ફળ સ્વરૂપે સુલોચનાબહેને પુત્રને જન્મ આપ્યો. રોગમાંથી હવે સાજી થઇ ગયેલી, લાડકી દીકરીને એક ભાઈ મળ્યો. સેવાભાવી દંપતિનો પરિવાર હવે પૂર્ણ બન્યો. દંપતિનો પ્રભુસેવા અને જનસેવા તરફનો ભરોસો વધુ દ્રઢ બન્યો.
અનેક દીન-દુ:ખિયા માટે આશા-કિરણની જેમ પ્રકટેલા "સંજીવની આરોગ્ય તીર્થ" માંપ્રવેશતાં જ મુલાકાતીઓને મોટા અક્ષરે લખાયેલા બેનર પર વંચાતું હતું-
" દર્દી દેવો ભવ."