દર્દેદિલી
દર્દેદિલી
રીડર્સ ડાયજેસ્ટમાં જેની નોંધ લેવાઇ છે એવા એક ડૉક્ટરની અહીં વાત કરવી છે.
જેનું બાળપણ જર્મનીમાં વિત્યું, પિતાના મૃત્યુ બાદ માતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયેલા આ કિશોરને સ્કૂલમાં કેટલાક અન્યાયનો સામનો કરવો પડ્યો અને જેના લીધે એ છોકરાને ખુબ આઘાત લાગ્યો અને પરિણામે એ આત્મઘાતી બનીને પોતાની જાતને ખતમ કરવા સુધી પહોંચી ગયો. પરંતુ એના નસીબ પાધરા કે ફરી એ સાવ સાજો-સારો થઈને માનસિક સમતુલન પાછું મેળવી શક્યો. હન્ટર પેચ ઍડમ્સ એનું નામ.
દરેકના જીવનમાં એક એવો વળાંક આવે છે કે જે એનું જીવન અને જીવન પ્રત્યેના અભિગમ બદલી નાખે. એણે મેડિકલ ભણવાનું શરૂ કર્યું. ડૉક્ટર બન્યો.
પેચ ઍડમ્સની ઓળખ હવે ડૉક્ટર હન્ટર પેચ ઍડમ્સ બની. એમની પાસે સૌથી પહેલો કેસ આવ્યો એક ચૌદ વર્ષની છોકરીનો. કેન્સરના ટર્મિનલ સ્ટેજે પહોંચેલી, કારમી વેદનાથી પીડાતી આ છોકરી કોઇ દવા કે ઇન્જેક્શન લેવા તૈયાર જ નહોતી. છોકરીને બચાવી શકાય એવી કોઇ શક્યતા તો હતી જ નહીં પણ એને વેદનામાંથી મુક્તિ મળે એવું તો કંઇક કરવું જોઇએ ને? અમેરિકામાં પેઇન મૅનેજમૅન્ટનું મોટું મહત્વ છે. દર્દીનું દર્દ ન મટાડી શકાય તો એને પીડાની અનુભૂતિથી તો મુક્ત કરી શકાય એ વાત સ્વીકારીને એને શાતા મળે એમ કરવામાં આવે છે.
પેલી છોકરીને વેદનાનો અતિરેક ઝંપવા નહોતો દેતો. આ વેદના શમાવવા પણ એને દવા કે ઇન્જેક્શન આપવું જ પડે. એ એના રૂમમાં જ કોઇને દાખલ થવા નહોતી દેતી. અંદર આવવા જાય એને જે હાથમાં આવે એનો છૂટો ઘા કરે. હવે?
ડૉક્ટર પેચ ઍડમ્સ ગયા કૅન્ટીનમાં અને ત્યાંથી લાલ ટામેટું લઈ વચ્ચેથી બે ભાગ કરી એને નાક પર સર્જિકલ ટેપથી ચોંટાડ્યું અને બની ગયા ડૉક્ટરમાંથી જોકર. પછી સીધા ગયા પેલી છોકરીના રૂમમાં. છોકરી તો જે આવે એને ઓશીકાના છૂટા ઘા વડે વધાવવા તૈયાર બેઠી હતી. પણ આ શું? બારણા પાસે તો કોઇ ડૉક્ટર કે નર્સના બદલે લાલ નાકવાળો જોકર..
આવી તો એણે કલ્પના પણ નહોતી કરી. આભી બનેલી એ છોકરી સાથે ડૉક્ટર પેચ ઍડમ્સે વાર્તા માંડી. રસથી વાર્તા સાંભળતી છોકરીને ખબર ન પડે એમ ઇન્જેક્શન આપી દીધું. સતત ત્રણ દિવસથી પળવાર પણ ન સૂઈ શકેલી એ એકદમ તોફાને ચઢેલી છોકરી તદ્દન શાંત થઈને સૂઇ ગઈ.
રૂમમાંથી બહાર આવેલા ડૉક્ટર પેચ ઍડમ્સને પૂછવામાં આવ્યું કે આવો મુશ્કેલ કેસ એમણે કેવી રીતે સૉલ્વ કર્યો.
એના જવાબમાં હવે સાંભળીએ ડોક્ટર પેચ ઍડમ્સની વાત.
એમણે કહ્યું કે આનાથી વધુ કારમી વાસ્ત્વિકતા મેં અનુભવી છે. જ્યારે તમારી આસપાસનું વાતાવરણ તમને ડહોળી નાખે એમાંથી બહાર નિકળવાના તમે ફાંફા મારતા હો ત્યારે તમને સાંત્વન આપતા એકપણ ભાષણ કે ઉપદેશ કામ આવતા નથી. એવા સમયે આપણી વાસ્તવિકતાને ભૂલી જવા જેવું એકપણ બીજું શસ્ત્ર કામ નથી આપતું. હું જાણું છું કે છોકરીનું કેન્સર હું મટાડી શકું એમ નથી પણ એના દર્દની- વેદનાની થોડી ક્ષણોથી તો હું એને અળગી રાખી શકું ને? અમેરિકન ફિઝિશન, કૉમેડીયન અને સોશિઅલ એક્ટિવિસ્ટ, એમ ત્રેવડી ભૂમિકા નિભાવતા ડૉક્ટર પેચ એડમ્સે દર્દીઓને શક્ય એટલી રાહત આપવા વિશ્વભરના સ્વયંસેવકોની એક એવી ટીમ તૈયાર કરી છે જે વિવિધ દેશોમાં જઈને અનાથ, અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ પાસે જઈને એમનું મનોરંજન કરે.
જ્યારે સમસ્યાનો કોઈ ઉકેલ ન જ હોય એવા સમયે વાસ્તવને ભૂલવું એ જ સૌથી મોટું સુખ છે. એને જ કદાચ સમાધિવસ્થા કહેતા હશે પરંતુ જ્યારે વ્યક્તિ પોતે એમ કરવાની માનસિકતા ન ધરાવતી હોય ત્યારે?
ત્યારે પેચ ઍડમ્સે કર્યું એ આપણે કરવાનું.. દરેક વખતે ડૉકટર બનીને જ ઈલાજ થાય એવું નથી પણ જ્યારે આપણે કોઇના દર્દ-વેદના મટાડી શકીએ એમ ન હોય ત્યારે એનું દર્દ- વેદનાને ભૂલી જાય એવું તો કશુંક કરી શકીએ ને? દરેક વખતે વાસ્તવિકતા વચ્ચે જ જીવવું સહેલું નથી હોતું ત્યારે કોઇની એ વસમી વાસ્તવિકતાને વિસારે પાડી શકે એવું કશુંક તો આપણે કરી શકીએ ને?
કોઇના દુઃખની ક્ષણો દૂર ન કરી શકીએ પણ જો એને હળવી બનાવી શકીએ તો ય ઘણું.
