STORYMIRROR

Nayana Viradiya

Inspirational

4  

Nayana Viradiya

Inspirational

દ્રઢ સંકલ્પની અમૂલ્ય ભેટ

દ્રઢ સંકલ્પની અમૂલ્ય ભેટ

3 mins
350

આજે ગણેશ ચતુર્થીની તૈયારીઓ થઈ રહી હતી. સોસાયટી માં ગણેશ સ્થાપના કરવા યુવાનો થનગની રહ્યા હતા. બધે જ આનંદ ઉત્સાહનો માહોલ હતો. ગણપતિજીની સ્થાપના ધામધૂમથી કરવામાં આવી રોજ આરતી ને પ્રસાદ ને જમણવાર ને એકદમ ઉત્સવનો માહોલ હતો. તમામ કાર્યમાં નિલેષ અને તેના બે ત્રણ મિત્રો આગળ પડતાં હતાં. નિલેષ એક શાંત અને સરળ અને સીધો સાદો વ્યક્તિ. એક સાંજે આરતી બાદ તેને એક વિચાર‌ આવ્યો કે ગણપતિ બાપા આપણે આંગણે આવ્યા છે તો આપણે તેના ચરણે કંઈક સંકલ્પ કરવો જોઈએ તેને પોતાનો આ વિચાર મિત્રો પાસે રજૂ કર્યો. બધાને તેનો વિચાર ગમ્યો પણ સંકલ્પ શું કરવો ? બધા મનોમન વિચારવા લાગ્યા. તેમાંના એકે કહ્યું કે કંઈક દાન પુણ્ય કરવાનો સંકલ્પ કરી શકાય. બીજાએ કહ્યું દર વર્ષ ગણપતિ સ્થાપના કરશુ એવું કંઈક વિચારી શકાય પણ નિલેષના મનમાં તો કંઈક અલગ જ આવ્યું તે પાન ફાકીનો શોખીન હતો. ધારવા છતાં છોડી નહોતો શકતો તેણે તેના મિત્રોને કહ્યું કે આપણે આ પાન ફાકી છોડવાનો સંકલ્પ કરીએ તો બધા ને તેની વાત ગમી કે વિચાર તો સારો છે પણ વ્યસન છુટશે ખરૂં ! જે થાય તે પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ. આમ નક્કી કરીને તે સાંજે ગણપતિ આરતીના સમયે નિલેષે દ્રઢ મનથી નક્કી કર્યું કે પોતે આજથી પાન ફાકી છોડી દેશે ને તેના માટે પોતે ખર્ચતો રૂપિયા અલગ રાખી ને યોગ્ય રકમ એકઠી થયે પોતાની દીકરી ને કંઈક ભેટ આપશે. આ વાત તે કોઈને પણ ન કરી ને પોતાના સંકલ્પ પર દ્રઢ રહીને વ્યસન છોડી દીધુ ને પોતે દર મહિને વ્યસન પાછળ ખર્ચતો તે રૂપિયા અલગથી એકઠા કરવા લાગ્યો.

તેમના મિત્રોએ તો થોડો ટાઈમ પછી ફરી વ્યસન ચાલુ કરી દીધું પણ પોતે અડગ રહ્યો બધા તેને આગ્રહ પણ કરતા પણ તેનું મન ડગ્યુ નહીં ને તે પોતાના સંકલ્પ પર દ્રઢ રહ્યો તેમને આ સંકલ્પની વાત કોઈને પણ કરી નહોતી !

આજે તેની દીકરી -અર્ચીનો જન્મદિવસ હતો બે - ત્રણ વર્ષથી પોતે એકઠા કરેલા પૈસા પણ સારા એવા થઈ ગયા હતા, તેમને પોતાની પત્નીને દીકરી અર્ચીને તૈયાર થવાનું કહ્યું ને અર્ચી તો ખુશ થઈ. પત્નીએ પૂછ્યું કે પણ જવાનું ક્યાં છે ? એ તો કહો પણ તેને કહ્યું સરપ્રાઈઝ છે. અર્ચી તો ઝડપથી તૈયાર થઈ ગઈ પણ તેનેય સમજાતું નહોતુ કે જવાનું ક્યાં હશે ? નિલેષે પોતે એકઠા કરેલા પૈસા કાઢ્યા દોઢ લાખ જેવી રકમ એકઠી થઈ હતી. તેને અંદરથી ખુબ આનંદ ને સંતોષની લાગણી થઈ રહી હતી. પત્ની ને દીકરીના આશ્ચય વચ્ચે તે તેને સોનીની દુકાને લઈ ગયો ને દોઢ લાખ સુધીના બજેટનું ગળાનું સેટ કે ચેન બતાવવાનું કહ્યું પત્ની તો અવાક થઈ ગઈ કે અચાનક આટલું મોંઘુ ! તે તેની સામે મૂક રીતે જોઈ રહી નિલેષે તેના ખભે હાથ રાખીને કહ્યું તું પસંદ તો કરાવ અર્ચી ને કેવું સારૂં લાગશે ? પણ પણ આટલુ મોંઘુ ? પત્નીને વચ્ચે અટકાવતા જ કહ્યું તમે પસંદ કરી લો પછી નિરાંતે તને બધી વાત કરીશ. ઘણા બધા નમૂના જોયા બાદ અર્ચીને એક સેટ પસંદ પડ્યો ને તે બજેટમાં ગોઠવાય ગયો. દીકરી પણ કહેવા લાગી કે નાનકડું કંઈ લઈ આ તો બહુ મોંઘો છે પણ નિલેષે કહ્યું કે તને ગમે છે ને એ આપણા બજેટમાં જ છે. આમ બીલ ચૂકવીને ત્રણે જણા ઘરે આવ્યા આખા રસ્તે પત્ની ને દીકરી અસંમજસમાં જ હતા કે અત્યારે આટલા પૈસા આવ્યા ક્યાંથી ?  

ઘરે પહોંચતા જ અર્ચીએતો સેટ પહેરી ને બધાને બતાવ્યો, તે તો આ મોંઘી ભેટથી ખુબ ખુશ હતી. જ્યારે પરિવાર ને પત્નીએ પૂછ્યું ત્યારે નિલેષે ત્રણ વર્ષ પહેલા પોતે કરેલા સંકલ્પ ને એકઠા કરેલા પૈસાની વાત કરી ત્યારે બધાને તેના પર ખુબ જ માન અને ગર્વ થયું દીકરી અર્ચી ને પણ પોતાના પિતાની આ દ્રઢ સંકલ્પની અમૂલ્ય ભેટ પર ગર્વ થયું.

ખરેખર ! અમૂલ્ય ભેટ હતી એ વ્યસન મુક્તિ, દ્રઢ સંકલ્પ ને અવિરત લાગણીની.             


Rate this content
Log in

Similar gujarati story from Inspirational