Mittal Chudgar Nanavati

Inspirational Others

4  

Mittal Chudgar Nanavati

Inspirational Others

દિવ્ય આત્મા 'બા'

દિવ્ય આત્મા 'બા'

4 mins
331


આપણાં જીવનમાં એવી કેટલી વ્યક્તિઓ હશે જેના ઉપર આપણે હકથી ગુસ્સો કરી શકીએ, દલીલ કરી શકીએ, વાંધો પાડી શકીએ, તમને ખબર ન પડે એવું બિન્દાસ કહી શકીએ, ખોળા માં માથું મૂકી સૂઈ શકીએ, વાળ માં તેલ નખાવી શકીએ અને એમની નહીં પણ દાદાગીરીથી આપણી અનુકૂળતા એ એમનો સમય માંગી શકીએ? એવી વ્યક્તિ જે તમારા જીવન ની સપોર્ટ સિસ્ટમ હોવા છતાં પણ તમારા પર એને ‘થેન્ક યું’ કહેવાનો કે એમનું મહત્વ જતાવવાનું કોઈ જ પ્રેશર ન હોય. એવું કોઈ જે તમને સાંભળવા માટે હરદમ તૈયાર, ઉત્સુક અને હોંશિલુ હોય. તમારી નજીવી સિદ્ધિઓ ને બિરદાવવા અને જીવન ના અમૂલ્ય પાઠો ને સહજતાથી સમજાવી તમારા ગળે ઉતારવામાં માહિર હોય. ફાસ્ટ પેસ થી ચાલતી આપણી જિંદગી ને થોડો ઠહેરાવ, આરામ અને હૂંફ આપે એવું કોઈ સૌમ્ય સ્વરૂપ.

ઉપરોક્ત બધાજ ગુણો કોઈ કાર્યરત અને ગૃહસ્થ જવાબદારીઓમાં લીન વ્યક્તિઓમાં મળવા ખુબ જ મુશ્કેલ છે કારણ કે આવું સૌમ્ય સ્વરૂપ ઉંમર સાથે દૈદીપ્યમાન થતું હોય છે. કશુંક આપીને સામે કશું જ મેળવાની આશ ન હોય ત્યારે આવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તમને સમય આપતી હોય, તમારી જરૂરિયાતોને પ્રેમથી પૂરી કરતી હોય અને તમારા માટે હંમેશા પ્રાર્થના કરતી હોય તો એ પણ આવા સૌમ્ય સ્વરૂપ થી ઓછી નથી.

હું હજી સુધી કોઈપણ માટે આવી વ્યક્તિ બની નથી શકી, પરંતુ સદભાગ્યે ભાગવાને મને આવા લગભગ બધાજ ગુણો ધરાવતું ચરિત્ર જરૂર આપ્યું હતું જેને હું "બા" (દાદી) કહેતી હતી.

મારા બા માત્ર ગુજરાતી ભાષા જાણતા અને થોડું હિન્દી સમજી શકતા હતા. પરંતુ એમનું વ્યવહારિક જ્ઞાન અને દ્રષ્ટિકોણ ઉત્તમ હતા. એમનું સાદું, સરળ, નમ્ર અને નિ:સ્વાર્થ જીવન જોઈને હું સદૈવ અચંબો અનુભવતી. એ હમેશાં કહેતા કે છોકરીઓએ તો સહન અને સમાધાન કરતાં શીખવું જ જોઈએ. બીજા ઘરે જઈએ ત્યારે અહમ નહીં પ્રેમ લઈને જવાનું, આપણું નહીં પહેલાં બીજા નું વિચારવાનું, સમજણ અને સેવા થી બધાનું હૃદય જીતવાનું. બા જયારે પણ એવું કહેતા ત્યારે હું એમનો ખૂબ જ વિરોધ કરતી અને કહેતી કે અહમ ન રાખીયે પણ આત્મ-સમ્માન તો રાખવું જ જોઈએ. કેમ છોકરાઓ સમાધાન ન કરે? કેમ છોકરીઓ જ ઘરકામ કરે? ઘણી વાર, બા પાસે મારા પ્રશ્નો ના જવાબ ન હતા પણ મારી પાસે એમના ભોગ અને ત્યાગ માટે પુષ્કળ આદર અને માન હતા. બા નું જીવન જોઈ હું હંમેશા ભગવાન ને પ્રાર્થના કરતી કે સ્ત્રી નું જીવન થોડું સહેલું બનાવો, અને આજે જયારે આસ-પાસ નજર કરું છું ત્યારે ખુશી અને સંતોષ અનુભવું છું કે ભગવાને ઘણાખરા અંશે મારી પ્રાર્થના સાંભળી છે.પરંતુ બા ની એક વાત ને હવે હું દ્રઢ પણે માનું છું કે સ્ત્રી પાસે ધૈર્ય, ભાવનાત્મક તાકાત અને સહનશક્તિ વધારે હોવાથી એણે વધુ ભોગ આપવો જોઈએ જેથી સંબંધોમાં સંતુલન જળવાય રહે. હું આ વિષે સજાગ રહું અને જ્યારે સમય આવે ત્યારે તેના ઉપર અમલ કરું તો બા ની શીખવેલી આ વાત લેખે લાગી એનો આનંદ થશે.'જેન્ડર ઇકવાલીટી' ના ડંકા વગાડતા આપણે પુરુષ સમકક્ષ થવામાં સ્ત્રીની સહજ ખાસિયતોની અવગણના કરી, કુદરતની સુમેળ યોજનાને ક્યાંક અસંતુલિત ન કરી બેસીએ એનું ધ્યાન રાખવું જ રહ્યું.

જેમ માતા-પિતા, મિત્ર અને શિક્ષક નું જીવનમાં એક આગવું મહત્વ હોય છે, તેમ દાદા-દાદી, નાના-નાની નું પણ એક વિશેષ મહત્વ હોય છે. હું મારા શિક્ષણ અને તાલીમ નો શ્રેય મારા માતા-પિતા ને આપીશ, પણ મારામાં નમ્રતા, સદભાવ,સંવેદનશીલતા, અને આધ્યાત્મ ના ગુણો રોપવાનો શ્રેય મારાં બા ને આપીશ. બા હંમેશા કહેતા કે 'જીવન એ લેણદેણ ના સંબંધો સિવાય બીજું કશું નથી'. આપણાં સદ્દગુણો જ આપણી સાચી પુંજી છે.

બા એ શીખવેલી ઘણી વાતો નો અર્થ અને આશય બાળપણ અને જુવાની માં ન સમજાતો પરંતુ આજે એ સંપૂર્ણપણે સમજાય છે. મારા ઘડતર અને વિકાસ માં બા ના આધ્યાત્મિક જ્ઞાનનો બહુ મોટો ફાળો છે.

હું મારી મમ્મીની પણ ખૂબ આભારી છું કારણ કે એણે ક્યારેય બા નો કે એમના પ્રભાવની મારા પર થતી અસરનો વિરોધ ન કર્યો. ઘણા કિસ્સાઓ માં સાસુ-વહું અને બાપ-દીકરા ના તનાવગ્રસ્ત સંબંધો ને કારણે છોકરાઓ વડીલોના પ્રેમ, સ્નેહ અને સંભાળથી વંચિત રહી જતા હોય છે. હું જયારે માતા બની ત્યારે મેં એ નિશ્ચય કર્યો હતો કે મારા દીકરાના જીવનમાં પણ એના દાદીનું આગવું મહત્વ હોવું જ જોઈએ. ફક્ત મારા નિશ્ચય કરવાથી તો એ શક્ય ન જ બને, પણ હાં, એના દાદી પણ એને સાંભળવા, નાની નાની સિદ્ધિઓ ને બિરદાવવા અને વાતો કરવા હરહંમેશ તૈયાર હતા અને હજી પણ છે. આ યુગ ની ટેક્નોલોજી ને સલામ છે જેના થકી સિંગાપોર રહીને પણ દાદી-દીકરો લાંબી લાંબી વાતો કરી શકે છે. બાળક ના ઉછેર અને કેળવણીની પ્રાથમિક જવાબદારી માતાની હોય છે અને હું માનું છું કે કોઈએ તે બાબતમાં દખલ ન કરવી જોઈએ.બાળક ના ન્યુટ્રીશન, લર્નિંગ, સ્ફુલિંગ and એક્ટિવિટીઝ માં જો તમારી જરૂર હોય તો મદદરૂપ અવશ્ય થવાય પરંતુ માથું મારી ને માતાના ઉત્સાહ ને ઈજા ન કરાય. માતાઓ એ પણ 'ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રાન્ડપેરેન્ટ્સ ઇન ચાઈલ્ડઝ લાઈફ’ સમજવું જોઈએ. પરિવારજનોએ સંબંધોની સમસ્યાઓને ભૂલીને બાળકનું તેજસ્વી ભવિષ્ય બનાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ.

હું આજે જ્યારે મારા દીકરા ને એના દાદી જોડે વાતો કરતો જોવું છું ત્યારે એના માટે ખૂબ જ સંતૃપ્તિ અનુભવું છું. જ્યારે હું, આજેપણ એ ખોળો શોધું છું જ્યાં હું નિરાંતે શ્વાસ લઈ શકું, એ કરચલીવાળા હાથ વડે માથું દબાવડાવી શકું, ધાર્મિક વાર્તાઓ સાંભળી શકું, મારા ખોટા વખાણ સાંભળી આનંદ મેળવી શકું, એમના હાથની રોટલી ના લાડવા ખાઈ શકું, હું બહારથી આવું ત્યારે રાહ જોઈને બેઠેલાં મારા એ દિવ્ય આત્માવાળા બા ને જોઈ શકું.

હું એક મા છું છતાં પણ મારી અંદર રહેલું બાળક આજે પણ એના 'બા' ને ઝંખે છે... !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational