દીવાના
દીવાના
આવાના આ નામ બહુ બધી રીતે દિલની નજીક રહ્યું છે.
માત્ર ફિલ્મના નામ તરીકે જ નહીં, બલકે ગીતો સ્વરૂપે, સુંદર શબ્દો સ્વરૂપે, સુંદર ચહેરા સ્વરૂપે અને અદૃશ્ય સાથી સ્વરૂપે પણ આ નામ એના ગુણો સાથે મારી નિકટ રહ્યું છે.
ફિલ્મની વાત કરવાની જરૂર નથી લાગતી મને. (કારણ કે આ સરસ ફિલ્મનો અંત ગમતો નથી મને.)
અમારા માટે આ ફિલ્મ એટલે ન નવો કચકડો શાહરુખ કે ન પ્રૌઢ રોમેન્ટિક ઋષિ કપૂર (સોરી સ્વીટી)...
અમારા માટે (મતલબ મારા માટે.. તમારા માટેની તમે જાણો હં.) આ ફિલ્મ એટલે માત્ર ને માત્ર દિવ્યા ભારતી... (આઈ મીન લેટ દિવ્યા ભારતી હવે તો ઋષિ દા' પણ)
સ્પેશિયલી હું આ ફિલ્મ દિવ્યાનાં નખરા જોવા જોતી.
એનું નાક પર આંગળી ફેરવી 'માર ડાલૂંગી' બોલવું તો એટલું ગમી ગયેલું કે કૉલેજમાં એની એક્ટિંગ કરવાની કોશિશ કરતાં કરતાં હું જોકર બની જતી અને ભૂલેચૂકે જો વિચારોમાં એકાદ સાથી અથડાઈ જતો તો એની સામે આ જ રીતે 'માર ડાલૂંગી' બોલીને પોતાના પર જ હસી પડતી. (થોડું ગુમાન પણ થતું, ખબર નહીં શેનું! )
આ 'માર ડાલૂંગી' બોલતી દિવ્યા પહેલા પતિના મૃત્યુ (!) પછી 'માર ડાલૂંગી' બોલવાનું ભૂલી જાય અથવા બંધ કરી દે ત્યારે મને વધારે દુઃખ થતું. કેમ?...
એક માણસના ન રહેવાથી કોઈકની આખેઆખી માસુમિયત છીનવાઈ જાય એવું અમારાં મગજમાં આ ફિલ્મોએ જ ઠસાવ્યું. (રાધાની પીડા કે મીરાંનો વિયોગ સમજવા જેટલા પક્વ નહોતાં અમે, ન તો કોઈ એ તરફ લઈ જનારું હતું. હોત તો અમે એ ન સ્વીકાર્યું હોત કે પ્રેમ ફરી વાર થઈ શકે !)
માસૂમ, અલ્લડ, પ્રેમથી નીતરતી દિવ્યા સાવ કોરાં રણ જેવી બની જાય એ તમામ દૃશ્યોમાં દિવ્યાનાં અભિનયને સેલ્યુટ. (શાહરુખ તો પાણી ભરે બૉસ !) પણ એ કોરાં રણમાં હલકી ભીની વાંછટ બનીને પ્રવેશતો શાહરુખ જે શાલીનતાથી દિવ્યાનું મન જીતે છે - અમારાં મનમાં પ્રેમીની એક પારદર્શક છબિ ઊભી કરી આપેલી આ ફિલ્મે અને શાહરુખના કેરેક્ટરે.
ઋષિ સિવાય, ઋષિ જેટલો અને ઋષિને ભૂલાવી દે એવો પ્રેમ પોતાને ફરી થઈ શકે એવી કલ્પના પણ જે છોકરીને નહોતી એ ફરી પ્રેમ કરી શકી એનો આનંદ કે આશ્ચર્ય મને ખૂબ થતાં.
અને મગજે પ્રેમની પરિભાષા ઘડી.
પ્રેમ મનમાં હોય તો એને ઢબૂરી રાખવાનો અર્થ નથી.
જ્યાં, જેને પ્રેમની આવશ્યકતા હોય એને નિશ્ચલ પ્રેમ આપી જ શકાય.
અને તમને મળતો પ્રેમ નિશ્ચલ ભાવે સ્વીકારી પણ શકાય.
(હવે અહીં શરીરસંબંધોવાળા પ્રેમની વાત નથી એ કહેવાની કોઈ જરૂર ખરી?!)
આવા નિશ્ચલ પ્રેમનો જ પૂરાવો આપે છે ને ફિલ્મમાં મરતાં મરતાં બચી ગયેલો ઋષિ કપૂર !
પત્ની ચોક્કસપણે મારી હતી પણ હવે તારી છે.
અધિકાર હવે તારો છે.
પણ મારે મારા મનને સમજાવવું શી રીતે?
અને આ સવાલનો ડાયરેક્ટરે શો ઉકેલ કાઢ્યો?
બિચારાને ફરી મારી કાઢ્યો !
(અહીં જ તો માર ખાય છે આપણી બોલિવુડ ફિલ્મો)
ખેર,
એકેએક ગીત આફરીનને લાયક છે.(એકેએક ગીત મને હજી મોઢે છે. એનાં અર્થઘટનો કરવા બેસું તો તમે બધા મને પકડીને મારો અને કહો કે હવે બંધ કરી દે બાપ, આ દિવાનાપણું !)
ઘણી બધી મોમેન્ટ્સ એવી છે જે વારંવાર જોવી ગમે.
'માર ડાલૂંગી' તો ખરી જ, પણ આ 'માર ડાલૂંગી'ની સામે ઋષિ 'માર ડાલ ના યાર' કહીને જે વળગી પડે છે ને પત્ની દિવ્યાને...just love that scene
પણ...
ધ મોસ્ટ લવેબલ મોમેન્ટ...
અગેઈન...
અ હગ...
શાહરુખના નાનકડા એક્સિડન્ટથી ગભરાયેલી દિવ્યા શાહરુખને સાજોનરવો જોઈ હૈયું થામે...
ને શાહરુખ એને અચકાતા અચકાતા સમજાવવા મથે કે પોતે સ્વસ્થ છે...
અને જે પ્રેમમાં વિવશ થઈ અવશપણે દિવ્યા એને આશ્લેશે...ઉફ્ફ !
એ મોમેન્ટ, ખરેખર સૂકાં રણમાં છલકતી વાંછટ જેવી ફીલ આપી જાય છે.
(સામાજિક પ્રશ્નો પણ ચર્ચી શકાય આ ફિલ્મને લઈને પણ જવા દઈએ.)
('દિવાના' સોનુ નિગમની એ હીટ આલ્બમનું નામ પણ છે જેના ગીતોને અને સોનુ નિગમને હું તો આજીવન નહીં ભૂલી શકું..)
એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ...
ઐસી દિવાનગી..
લવ ફોર લેટ દિવ્યા
