Vishwadeep Barad

Children Classics Tragedy

2.5  

Vishwadeep Barad

Children Classics Tragedy

ધાવણની લાજ !

ધાવણની લાજ !

4 mins
15.4K


'બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતાં જ નથી. મારાં મિત્રની હાજરીમાં પણ ઠો..ઠો કર્યા કરો છો. ઉધરસ આવે તો બીજા રૂમમાં જતાં શું જોર પડે છે? મારું ખરાબ લાગે એ તમને ગમે છે.' ‘મેં પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતી જ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારાં પર પ્રહાર શરૂં કર્યા.

મને કોઈ શોખ નથી થતો કે તમારાં મિત્રની હાજરીમાં ઉધરસ ખાઉં. ઉધરસ મટતી નથી..ઘર ગથ્થુ કેટલાં ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી નથી. ડૉકટર પાસે મને લઈ જવાં તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી. મેં તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

દિકરો જન્મ્યા બાદ છ મહિનાંમાં ઉમેશનાં પપ્પા આ દુનિયામાંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં શિક્ષિકા હતી. બહું પગાર પણ નહોતો. બીજા લગ્ન કરીશ તો મારાં પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નથી મેં નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ. ઉમેશનાં સારાં ભાવિ માટે મારાં ત્યાગની જરૂર છે. સર્વિસ સાથો સાથ ટ્યુશન કરી મારાં એકનાં એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાષ્પીભવન કેમ થઈ ગયાં! આ નવા યુગની હવામાં એવી તો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમનાં વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું?..આવાં વિચારો અવાર નવાર મારાં મનમાં આવી જતાં. હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે જિંદગીભર કરેલાં પરિશ્રમને વિશ્રામ! યુવાનીમાં વાવેલાં બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી. વહું ને મેં દીકરી તરીકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી. મારી પાછલી જિંદગી એક સહરાંનાં રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવાં કરતાં આ તક તારાં માટે ઘણી સારી છે.’ ‘પણ લત્તા, તેનાં માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા ન કર. તારાં બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહીં આવે..હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર અને મિસિસ વ્યાસને મળ્યા. બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં. પાંચ વર્ષનો બાબો હતો. લત્તાએ મને ઘણી જ હેલ્પ કરી. ત્રણ જ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું. ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહીં.. પતિ-પત્નિએ ‘હાશ’ ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાનાં’ની ખરી વ્યાખ્યા શું? મારે માટે પોતાનાં હતાં એ પારકાં બની ગયાં અને જેને લોકો પારકા ગણે છે તે મારાં પોતાનાં બની ગયા. જે ફેમિલીએ રહેવાં, ખાવાં પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા. આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં ૧૨ વર્ષ થઈ ગયાં. 'વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરીકે રહી. નહીં કે નોકરાણી તરીકે, ઘરમાં સૌ મને ‘બા' નાં નામથી જ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ મને મા તરીકે ગણતાં એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એનાં આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે એમની લેક્સસ મને ભેટમાં આપેલી. હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવાં મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છું. નિયમિત યોગા, કસરત, હેલ્થી ડાયેટ અને ઘરનાં ડોકટરની સલાહ સુચન, જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આ જ મારો સુખી પરિવાર છે!

“બા, તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે." સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારાં પર ધ્યાન જ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈ પી જલસાં કરતાં હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતાં હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ!

અમો અત્યારે બહું જ મુશ્કેલીમાં છીએ. ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે. દીકરી ટીના કોલેજમાં આવી છે. ઘર ગીરવે મુક્યું છે. તમને દયા આવે તો થોડાં પૈસાની મદદ કરજે. મોકલીશને..અમારાં પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એજ જુસ્સો..એજ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમનાં કાંટા તો એમનાં એમજ રહે! મનમાં તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં. ઉમેશનાં પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહીં. તો હું શા માટે મદદ કરૂં? એને મારી કશી દયા આવી હતી? પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી. કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી. મા માટે કદી પણ પ્રેમનાં ધોધમાં પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે. આ જગતમાં અવિરતજ રહેશે.' મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો અદ્ર્શ્ય થઈ ગયાં.દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે મારાં પર ઠાલવેલ ઉભરો વાંચી તારાં પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો નહીં પણ લાગણી અને પ્રેમ ઉદ્વ્યો છે. દયા ઉદ્ભવી છે. એક માનવતા ઊભરી આવી છે. તારી કપરી પરિસ્થિતિમાં મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એ જ તારી મજબુરી છે. એક માનવતા ખાતર મારી બચતમાંથી હું તને બે લાખ રુપિયાનો ચેક આ સાથે રવાના કરું છું તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ, બાકીનાં પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે તને સદ્બુધ્ધિ સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે.

સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલાં, દુઃખી થયેલાં મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે, આ મારી વિનંતી ધ્યાનમાં રાખી મારાં ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એ જ આશિષ.'

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.


Rate this content
Log in

Similar gujarati story from Children