STORYMIRROR

MEHUL VADHAVANA

Tragedy Inspirational

4  

MEHUL VADHAVANA

Tragedy Inspirational

ધ વૉલેટ ડે

ધ વૉલેટ ડે

18 mins
432

આ વાર્તા છે ગુજરાતના એક મોટા શહેરના રેલવે સ્ટેશનમાં વગર ઘર રખડતા ગરીબ છોકરાઓમાંથી એક ઈમાનદાર છોકરાની, અમુક ઈમાનદાર બાળકો અહીં સ્ટેશન પર ચા પાણી, સિંગ ચણા વેચીને પોતાનું પેટ ભરી લે અને અમુક બદનસીબના પ્રહારોને ના સહન કરી શક્યા તો ચોરી લૂંટફાટ કરવા લાગ્યા.

આ લાગણી ભરેલી વાર્તા રાજાની છે. હા રાજા એજ છોકરાઓમાંનો એક છે જે ઈમાનદાર, સાચો અને મહેનતુ છે.

સવારના છ વાગ્યા છે અને એક ટ્રેઈનનો આવવાનો સમય થઈ ચૂક્યો, ઘણા બધા ગરીબ છોકરાઓ સ્ટેશન બાજુ દોડતા થયા અને પરોઢનો દેકારો ચાલુ થયો સ્ટેશનથી થોડે દૂર એક ફૂટપાથ પર રાજા સૂતો હોય છે રોજની જેમ અવાજ સાંભળી રાજાની આંખો ખુલે છે અને ઊભો થાય છે, બહુંજ મેલો એક ફાટેલો શર્ટ અને કાળું ધાબા પડેલું પેન્ટ બસ આ એક જોડી ત્યાં સુધી ચલાવાની જ્યાં સુધી કપડાંની બીજી જોડી મળે નહીં..સ્ટેશનની બહાર બેસીને બુટ-પૉલિશ કરવું એનું કામ, જો આમદની થાય તો ખાવાનું નહીતો સૂઈ જવાનું પાછું રાતે ભૂખ્યા.. રાજાનું નામ એમજ રાજા નથી પડ્યું દિલનો પણ રાજા છે..અહીંતો ઘણા સમય આવું બન્યું છે કે કેટલાય લોકોની વસ્તુઓ ચોરાય અને રાજા એ વસ્તુને પાછી લાવી ને આપે, બધાંજ મહેનત મજૂરી કરતા બાળકોમાં રાજા ફેમસ હતો, આમ કોઈ મોહ નહીં માયા નહીં પણ બસ એક શોખ નાનપણથી છે પુસ્તકો વાંચવાનો, હા રાજાનું એક સપનું છે શ્રી સ્વામી વિવેકાનંદજીની એક પુસ્તક ખરીદવાનું, એનો ભાવ દુકાનદાર 250 રૂપિયા કે છે અને રાજા પાસે એટલા પૈસા નથી, પણ છતાં રોજ આમજ ઊઠીને બુટ-પૉલિશનો સામાન લઈને સ્ટેશન બાજુ જાય એટલે સામે રહેલ એક "કરુણા બુક સ્ટોર " ને જોતો રહે... અને વિચારે ક્યારે એટલા પૈસા ભેગા થાય કે આ બુક લઈ શકું.

આમજ આજે પણ રાજા બુટ-પૉલિશ કરવા રોડની સામેની બાજુએ બેઠો હતો. અને રોજનો એજ દેકારો કુલીઓ માલ સામાન લેવા ભાગે, ચાવાળા ચાની પવાળીઓ સાથે ગ્રાહકને પકડે, સિંગ-ચણા અને આવા કેટલીય મજૂરી કરતા બાળકો બસ સવારથી સાંજ સુધી જીવનની નૈયા ચલાવવા માટે દોડે.. આજ રાજા ને બુટ-પૉલિશમાં ગ્રાહકો સારા આવી રહ્યા હતા, એ એક ગ્રાહકના બુટને પૉલિશ કરી રહ્યો હતો એટલામાં સામે એક ઝઘડો થયો રાજાનું ધ્યાન ગયું, ભીડ ભેગી થઈ ચૂકી હતી. રાજા પણ ત્યાં ગયો પણ ત્યાં સુધીમાં તો પોલીસનું આવી જવું અને બધાયનું ભાગવું... રાજા પણ સંતાય ને ઊભો રહી ગયો થોડીવારમાં બધું સામાન્ય બની ગયું અને અચાનક રાજાની નજર રોડની પેલી જગ્યા એ ગઈ તો એક વૉલેટ (પુરુષ નું પાકીટ) પડ્યું હતું એ નજીક ગયો ઓહઃ પાકીટ ને જોઈને આંખો ચૂર થઈ ગઈ ઘણુંજ મોંઘુ લાગી રહ્યું હતું મનમાં વિચાર્યું કે જો કોઈ દેખી જશે તો ચોરી ને પૈસા કાઢી લેશે, એટલે રાજાએ એ પાકીટ ચૂપ-ચાપ પોતાની પાસે રાખી લીધું અને રાજાને લાગ્યું આજ લાગે ધંધો નહીં થાય કારણ કે કોઈનું પાકીટ એની પાસે છે અને એ પાછું નહીં આપે તો જેનું ખોવાયું હશે એને કેટલું દુઃખ ચિંતા થશે જ્યારે ખ્યાલ આવશે. એટલે રાજા પોતાની એક રોજિંદી જગ્યા છે સ્ટેશનની પાછળની જગ્યાએ જ્યાં એ એની બુટ પૉલિશનો સામાન પણ ત્યાંજ સાચવીને રાખે.. રાજા ત્યાં જાય છે.

એક પથ્થર છે જેની પાછળ જમીનમાં ખાડો પાડેલ હોય છે એમાં એ પોતાનો બુટ પોલિશ નો સામાન મુકતો હોય છે એટલામાં ત્યાં ભીખો આવે છે.. અરે હા ભીખો રાજાનો પરમમિત્ર છે એને તો રાજાની બધીજ વાતો ખબર હોય.

ભીખો : અરે રાજા મને હતું, તું અહીંજ મળીશ, કેમ આજે સવાર-સવારમાં કામ છોડીને આવતો રહ્યો.. શું થયું ?

રાજા : (હસીને) અરે એક વાત કહું...જો પહેલા એક વસ્તુ બતાઉ આંખો બંધ કર.

ભીખો : અરે બતાવ ને ..

રાજા : પહેલા આંખો બંધ કર. તોજ

ભીખો : લે ભાઈ કરી હવે બતાવ..

રાજા એ પેલું વોલેટ કાઢ્યું ખિસ્સામાંથી અને પછી કીધું.

રાજા : જો આ... (આંખોમાં ચમક સાથે કઈંક એવી વસ્તુ બતાવી રહ્યો હતો જેમ કે જીવનમાં પહેલીવાર જોઈ હોય એમ)

ભીખો : (આંખો ખોલીને) અરે વાહ પાકીટ ક્યાંથી લાવ્યો અટલુ સરસ વાહ વાહ રાજા...આ તો ચમકદાર ખૂબ મોંઘુ લાગે જોતો એમાં પૈસા પણ વધુ હશે...

રાજા : અરે હા, આ પાકીટ રોડ પર મળ્યું આજે.. જોયું આજે દિવસ કેટલો સારો લાગે આપણા જેવાના ખિસ્સામાં પણ પાકીટ આવ્યુ.

(રાજાની ખુશીનો તો પાર નહતો.. જીવનમાં પહેલી વાર આજે એ પણ પાકીટવાળો બનેલો, હા હા હા ભલે ને બીજાનું, પણ પાકીટમાં એતો ખાસિયત છે જે ખીસ્સામાં પડ્યું હોય ત્યાં સુધી રાહત અને શુંકુન રહે દિલમાં )

ભીખો : અરે ખોલ તો ખરી, જોઈએ શું છે,

રાજા : ના યાર કોઈનું પાકીટ કેમનું જોવાય ?

ભીખો : અરે ગાંડા, જોઈશ નહીં તો કેમની ખબર પડશે કે આ કોનું પાકીટ છે ? આમાં કઈંક તો હશે જેમાં નામ, સરનામું મળે..

રાજા : હા ભીખા, વાત સાચી તારી ચાલ ખોલીએ,

(રાજા એ પાકીટ ખોલ્યું, ઓહઃ અંદર તો પાંચસોની બહુ બધી નોટ પડેલી ..અને અમુક કાગળો પણ હતા, બેન્ક ના એટીએમ કાર્ડ પણ હતા, રાજા એ પૈસા કાઢી ભીખા ને ગણવા દીધા ભીખો પૈસા ગણવામાં લાગી ગયો અને રાજા અચાનક પાકીટમાં જોતા જોતા ક્યાંક ખોવાય ગયો, ભીખા ને પૈસા ગણતા ૪-૫ મિનિટ લાગી ગઈ અને બોલ્યો..)

ભીખો : અરે બાપા... અટલા બધા પૈસા ?

(ભીખા એ રાજાની સામે જોયું રાજાનું ધ્યાન પાકીટમાં હતું, ભીખા એ જોયું તો રાજા પાકીટમાં રહેલ એક છોકરીનો ફોટો જોઈ રહ્યો હતો...અને ભીખા એ રાજા ને જોરથી એક ઠપકો માર્યો, રાજા હોશમાં આવી ગયો)

રાજા : શું થયું લ્યા ?

ભીખો : ૧૦,૫૦૦ ..(મોઢું ફાડીને બોલ્યો)

રાજા : શુંં ?

ભીખો : અલા ૧૦,૫૦૦ રૂપિયા છે આ પાકીટમાં..

રાજા : ઓહઃ અટલા બધા... ??

(રાજા અને ભીખા એ જીવન માં પહેલીવાર જોયા હશે આટલા પૈસા... એટલામાં ત્યાં કરસન આવી ગયો..)

(કરસન રાજા અને ભીખાથી ઉંમર માં ૪-૫ વર્ષ મોટો છે પણ એ આ લોકોનીજ ટુકડીનો છે...કરસન ને આવતા જોઈને રાજા અને ભીખા પહેલાતો ડરી ગયા)

કરસન : અરે ભાઈઓ મારાથી ના ડરો, ડરવું હોયતો ખાબચા ગેંગથી ડરજો અને ચેતવી ને રહેવું પડશે,

(ખાબચા ગેંગ રેલવે સ્ટેશનથી થોડે દૂર એક મોટો એવો ખાડો છે જેને લોકો ખાબચાના નામથી જાણે બસ ત્યાં રહેવા વાળા બધાંજ બાળકો ખાબચા ગેંગ ના કહેવાય છે, મતલબ કે જે બાળકો ઈમાનદારી, સત્ય અને મહેનતથી કંટાળી જાય એમને પછી ચોરી લૂંટફાટ નો રસ્તો સહેલો લાગે એટલે એવા ઘણા બાળકો ખાબચા ગેંગમાં સામેલ થઈ જાય. અને ખાબચા ગેંગનો લીડર જીતુકાલા એ બધા ને ચોરીની ટ્રેનિંગ આપે, ખાબચા ના જાસુશો પણ એટલાજ હોશિયાર, સ્ટેશન માં કોઈપણ વસ્તુ ચોરાય એટલે એમને ખબર પડી જાય વસ્તુ કયા ગઈ કોણે લીધી, અને ખાબચા સાથે રાજાનો છત્રીસ નો આંકડો, કારણ કે કેટલીયવાર રાજાએ ઘણા લોકોની વસ્તુઓ ચોરાયા પહેલા બચાવી હોય છે.)

રાજા : તમને ખબર પડી એટલે ખ્યાલ આવી ગયો કે ખાબચા ગેંગમાં આ વાત ખબર પડી લાગે, પણ મહેરબાની કરીને આ વાત બહાર ના જાવા દેતા કે પાકીટમાં કેટલા પૈસા છે

કરસન : અરે તું ચિંતા ના કરીશ દર વખતની જેમ આ વખતે પણ આપણે જીતી જઈશું કોઈની વસ્તુ પાછી અપાવીને.

ભીખો : હા મને વિશ્વાસ છે રાજા પર, પણ અલા રાજા આ પાકીટ માં તું હમણાં કોનો ફોટો જોઈ રહ્યો હતો જરા બતાવ તો (હસીને)

કરસન : ફોટો કોનો ?

ભીખો : અરે હા મોટાભાઈ આતો એ છોકરીના ફોટામાં ખોવાઈ ગયેલો (હસતા હસતા)

કરસન : અરે મને બતાવ ભાઈ ...

રાજા : મોટાભાઈ મને લાગે છે આ ફોટો જેમનું પાકીટ હશે કદાચ એમની છોકરીનો હશે...

(કરસને પણ ફોટો જોયો, જાણે એવું લાગતું હતું કે કોઈ રાજકુમારીનો હોય, લાલ કલરના ડ્રેસમાં એકદમ રૂપાળી સુંદરી,આંખોમાં લાખો સપનાઓ અને અમીરીતો જાણે ચહેરે ચમકતી હતી)

કરસન : અલા રાજા આ તો ખૂબ સુંદર છે દોસ્ત, આપણા જેવાના નસીબમાં ક્યાં હોય આવું, મિત્ર સપનામાં ના રહેતો, બસ આમાંથી ડોક્યુમેન્ટ શોધીએ, સરનામું નામ મળે તો તું આપી શકીશ આ પાકીટ પાછું.

રાજા : અરે હા, મોટાભાઈ આમાં માત્ર એક કાર્ડ છે જોઈ જોઈયે આપણે,

કરસન : અરે રાજા, આ તો બહુ દૂરનું સરનામું છે, અહીંથી ૧૬-૧૭ કિલોમીટર થશે.

રાજા : હા લખ્યું છે ડ્રિમ બંગલોઝ, વિસાતનગર.

ભીખો : હું પણ આવીશ મિત્ર સાથે,

રાજા : અલા જતા જતા ૨-૩ કલાક થશે, બહુ દૂર છે આ વખતે મારે એકલા એ જાવુ પડશે..

(એટલાંમાંજ ત્યાં કાર્ટૂન આવી જાય છે, હા હા હા, કાર્ટૂન કરસનનો ખાસ માણસ, અને કરસન ના બધા કામ, જાસૂસી કાર્ટૂનના હાથમાં, કાર્ટૂનની સાથે બીજા ૫-૬ છોકરાઓ રહે, જ્યારે જ્યારે પણ ચોરાતા બચાવેલી આવી કોઈપણ વસ્તુને પાછા એના માલિક સુધી પહોંચાડવાની હોય એટલે આ લોકોની ટુકડી એક્ટિવ થઈ જાય. કારણ કે ખાબચા ગેંગની દશેય દિશાઓમાં નજર રહેતી)

કાર્ટૂન : કરસન ભાઈ ખાબચા ગેંગ ના લોકોનું આયોજન તૈયાર છે પાકીટ ના પુરા સમાચાર જીતુકાલા પાસે પહોંચી ગયા છે, આપણે જલ્દી આયોજન તૈયાર કરી રાજા ભાઈને મોકલવા પડશે અને અહીં બે-ચાર છોકરાઓ રાખવા પડશે..રાજા ભાઈ એકલા ના રહે એની માટે.

કરસન : શાબાશ, કાર્ટૂન સરસ જાસૂસી કરી.ચલ ભીખા આપણે આયોજન કરવું પડશે, રાજા તું આરામ કર તારે આજ લાંબા સફર એ જવાનું થશે..

રાજા : ભલે મોટાભાઈ.

(કરસન, ભીખાને લઈને કાર્ટૂન સાથે આગળનું આયોજન બનાવા ગયો, બે-ચાર છોકરાઓને રાજાની સુરક્ષા માટે થોડે દૂર સંતાય ને ઊભા રાખી દેવાયા.. રાજા ફરી પાકીટની સામે જોયું અને ફરી એને પહેલી છોકરીનો ફોટો એની બાજુ ખેંચી રહ્યો હતો, રાજાએ જીવનમાં પહેલીવાર અટલી સુંદર છોકરી જોઈ હતી, એ પણ એક પાકીટ માં રહેલ ફોટામાં, હા હા હા, રાજા એનામાં ખોવાય ને મગ્ન થઈ ગયો હતો... જીવન માં આજ એવો દિવસ હતો જે પહેલા ક્યારેય નહતો જોયો, આની પહેલા પણ આવી કેટલીય વસ્તુઓ બચાવી છે પણ પાકીટ પહેલીવાર મળ્યું હતું અને અટલો સુંદર ફોટો તો પહેલીવાર જોયો, બે ખુશીઓ એક સાથે હતી, એકતો આ ગરીબના ફાટેલા પેન્ટમાં અમીરનું ચમકદાર પાકીટ, જે થોડું એવું દર્શાવતું હતું કે જાણે રાજા ખુદ એનો માલિક હોય, અને બીજું આવી સુંદર છોકરી નો ફોટો હા હા હા, રાજાને મનમાં ખબર નહીં કેવોય વિચાર આવ્યો, કે લાવ બે ઘડી હું પણ જીવી જોઉં, એતો તરત પાકીટમાંથી ફોટો કાઢ્યો અને પાકીટ ને મસ્ત બંધ કરી પોતાના પેન્ટ ના ખિસ્સામાં મૂકી દીધું... પછી શુંં, રાજાતો ખોવાઈ ગયો સપનોમાં એક હાથ માં પરી જેવી રાજકુમારીનો ફોટો, અને બીજો હાથ જ્યાં પાકીટ મૂકેલું ત્યાં ઉપર મૂકીને આમ તેમ આંટા મારવા લાગ્યો... પોતે હસતો પોતે ગાતો, અને પોતેજ નાચવા લાગ્યો...હા હા, અને નાચતા નાચતા એની નજર પેલી છોકરીની આંખોમાં ગઈને રાજાની આંખોથી થર થર ઝરણાંની જેમ આંસુઓ વહેવા લાગ્યા.. અને પોતાનાજ મન ને પૂછી રહ્યો હતો, હે દિલ આ કેવો લગાવ છે, હું નથી ઓળખતો આને પણ આ કયાંનો કેવો પ્રેમ છે.. જે મારા પથ્થર દિલને પીગળાવીને રડાવી ગ્યો, કયાં આ રાજકુમારી, અને ક્યાં આ સ્ટેશન પર ભટકવા વાળો બુટ પૉલિશ મજૂર... જેમ ધરતીને આકાશ એક ના થાય એવીજ વાર્તા કુદરત તે પણ મારી લખી..., અને આમજ રાજા રડતો રડતો હસવા લાગ્યો...રાજા ફોટામાં ખોવાયેલ રહ્યો સમય ધીરે ધીરે જતો થયો અને બપોરના બાર વાગવા આવ્યા... ને કરસન ત્યાં પાછો આવ્યો...)

કરસન : અરે મારા રાજા, રાજકુમારી નું સપનું પૂરું થયું ને હવે તો બહાર આવીજા ફરી...હા હા હા હા...

રાજા : ( આંખોમાં આંસુઓને છૂપાવીને ધીમા સ્વરે રાજા બોલ્યો) હા, બોલો મોટાભાઈ..

કરસન : જો ભાઈ આયોજન તૈયાર છે આપણું અને ખાબચા ગેંગ તો આપણા પહેલાની તૈયાર છે તારા હાથમાંથી પાકીટ ચોરવા માટે.. તો આપણું આયોજન સાંભળ, તારે અહીંથી હમણાં ૧૨.૪૫ નીકળવાનું છે, ચાલતા ચાલતા તું જેવો ફર્નાડીઝની ગલી બાજુ પહોંચીસ એટલે ત્યાં બે રસ્તા છે બરોબર ને ?

રાજા : હા, મોટાભાઈ પછી...?

કરસન : પછી ત્યાં પહેલેથીજ ખાબચા ગેંગનો એક છોકરો સંતાયને બેઠો હશે, તારી રાહ જોઈને, કારણ કે એમને પણ ખબર છે કે આપણે એજ ગલીનો ઉપયોગ કરીશુંં.. દૂર જાવા માટે...અને આ માહિતી મને પાક્કી આપી છે કાર્ટૂન એ.

રાજા : હા,

કરસન : જેવો ખાબચા ગેંગ નો છોકરો તને જોશે એટલે તને પકડવા આવશે, તારે એવાજ સમય એ જોરથી બૂમ પાડવાની કે " ભાગ ભીખા પાકીટ લઈને ભાગ..." એટલે આગળ સમજી ગ્યો ને તું... હા હા હા

રાજા : હા મતલબ કે અત્યારે ભીખો હવે ત્યાંજ હશે..અને બાકી મને ખ્યાલ આવી ગયો... હવે કેમનુ પાકીટ બચાઉ..

કરસન : હા દોસ્ત... મને વિશ્વાસ છે તું આ પાકીટ પહોંચાડી ને આવીશ પણ એની પહેલા મારી એક સલાહ છે..દોસ્ત

રાજા : બોલો ને ભાઈ.

કરસન : યાર આટલા બધા પૈસા છે તું આમાંથી માત્ર તારી બુક લેવાય એટલાતો કાઢી શકે ને ?

રાજા : (હસીને) શુંં મોટાભાઈ તમને પણ ખબર છે હું એકેય પૈસો ના લઈ શકું, મારું તો મન જ ન માને, અને બુકનો સવાલ છે એતો જીવનમાં એકવાર તો ખરીદી લઈશ..

કરસન : (હસીને) હા ભાઈ અમે તો ભૂલી ગયા તું નામનો નહીં પણ દિલનો પણ રાજા છે હા હા હા હા.. જા હવે જલ્દી જા ભીખો ત્યાં છે મેં કીધું ને ખ્યાલ આવી ગયો ને શું આયોજન છે એ...

રાજા : હા ભાઈ

(તરતજ કરસન બાકીના છોકરાઓને બોલાવે છે અને ફરી એક વાર રાજા આજ કોઈની વસ્તુ પાછી આપવા જઈ રહ્યો છે બધાં છોકરાઓ રાજાને અભિનંદન પાઠવે છે.. કારણ કે આ પહેલો એવો બનાવ હોય છે જેમાં એક પૈસાથી ભરેલું પાકીટ ગરીબ છોકરો પાછું પાકીટના માલિકને આપવા જશે...બધાએ અભિનંદન પાઠવીને રાજાને વિદાય આપી હવે રાજા એક લાંબા સફર પર નીકળે છે)

(રાજા પોતાના ગુપ્ત એરિયાથી બહાર ચાલતો જાય છે અને રસ્તામાં પેલી "કરુણા બુક સ્ટોર" આવે છે અને એનું ધ્યાન સ્ટોરમાં પડેલા કાચના કપબોર્ડમાં જાય છે જ્યાં શ્રી સ્વામી વિવેકાનંદજીની બુક રાખેલ હોય છે.. બસ આજતો છે લક્ષ્ય અને પોતાના ખીસામાં પડેલું વોલેટને પોતાના હાથોથી અડીને મનમાં હસીને સીધે સીધો ચાલ્યો જાય છે...

આખરે સંતાઈને ચેતવીને એ, પેલી કરસન એ બતાવેલી ફર્નાડીઝની ગલીની શરૂઆત થાય છે... અને એકદમ ચતુર બનીને રાજા આગળ વધે છે, ફર્નાડીઝની ગલી એકદમ સાંકડી હોય છે આ વિસ્તારના બધા ચોર ભાગવા માટે આજ ગલીનો ઉપયોગ કરતા હોય છે, ૨થી ૩ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલી આ ગલીમાં જો કોઈ અજાણ્યો માણસ ઘુસી જાયતો બહાર નીકળવું સહેલું ના બને, હા પણ રાજા માહિર હતો આ ગલીનો, એટલેજ તો એને પૂરો વિશ્વાસ છે ...

એ ધીમે ધીમે આગળ વધે છે અને એને ખબર પડી જાય છે કે ખાબચા ગેંગનો છોકરો હવે એને પકડવાના ફિરાકમાં છે, અને બસ એટલામાંજ પેલો છોકરો રાજાને પકડવા આવે છે ને તરત રાજા સામે વાળા ખાંચામાં જોઈને બુમ પાડે છે "ભાગ ભીખા પાકીટ લઈને ભાગ" અને એટલામાંજ ખાબચા ગેંગના છોકરાને એવું લાગે છે કે પાકીટ ભીખા જોડે છે એટલે એ રાજાને મૂકીને ભીખાની પાછળ ભાગવા લાગે છે, આજ મોકાનો ફાયદો ઉઠાવી કરસન એ બતાવેલા બીજા ખાંચાથી રાજા રવાના થઈ જાય છે, અને ભીખાની પાછળ એક પછી એક ખાબચા ગેંગના બધા છોકરાઓ જે અલગ અલગ ગલીમાં આગળ જતાં સંતાયેલા હોય છે એ ભાગવા લાગે છે...પણ આતો ભીખો છે એમ થોડી હાથમાં આવે, ભીખો એટલે ભાગવામાં ઉસ્તાદ... ઘોડો ભાગે ને ભીખો ભાગે કોઈ ફરક ના લાગે, એમજ થોડી દર વખતની જેમ ભીખાને જ ટાર્ગેટ બનાવીને મોકલવામાં આવે છે અને અલગ અલગ વ્યૂહરચના બનાવીને રાજા છટકીને લોકોની ચોરાયેલી વસ્તુઓ પાછી આપીને આવી જાય છે...હા હા હા,

ભીખો ભાગતો ભાગતો આયોજન મુજબ સ્ટેશન બાજુ ફરી ગોળ ફેરવીને પેલા લોકોને લઈ આવે છે અને ત્યાંજ એ કરસન ને અથડાય જાય છે આયોજન મુજબ કરસન ત્યાં પહેલેથી ભીખાની રાહ જોઈને ૬-૭ છોકરાઓ લઈને ઊભો હોય છે અને પછી શુંં દર વખતેની જેમ ત્યાં જીતુકાલા આવે છે જે ખાબચા ગેંગનો લીડર છે સામ સામે અથડામણ અને મારા મારી ચાલુ થાય છે કરસનની સામે જીતુ અને બાકી બધા જે હાથમાં આવે એમ સામ સામે લડે છે રેલવે સ્ટેશનની બહાર આવા બનાવ રોજના હોય છે નવા મુસાફરો ને તમાશો જોવા મળી જાય, પણ રોજિંદાતો સામે પણ ના જુવે... અને આમજ લદાય ચાલુ થઈ ગયેલી, થોડીવારમાં પોલીસ આવી ગઈ અને ત્યાજ શું જીતું ને શું કરસન બધા ડુમ દબાવીને ભાગી ગયા... જોત જોતામાં તો એવું લાગ્યું કે કઈ થયુંજ નથી... બધા પોતપોતાના ખાનગી અડ્ડાઓમાં છૂપાઈ ગયા...)

(બીજી બાજુ રાજા ફર્નાડીઝ ચર્ચ સુધી પહોંચી ગયો હતો, ફર્નાડીઝ ચર્ચ ના નામ થીજ તો ફર્નાડીઝની ગલી નામ પડેલું અને ચર્ચ એટલે કે ગલીમાં ધુસવાનો પહેલો અને છેલો બંને રસ્તો માની શકાય, મતલબ કે રાજા એ ગલી ને સફળતાપૂર્વક પાર કરી લીધી... હવે રાજા શાંતિથી આગળ વધી જાય છે ચાલતો ચાલતો એ પોતાની મંજિલે જઈ રહ્યો છે...

રાજા ના સપનાઓ મોટા, પાકીટ વળી છોકરી નો તો લગાવ થઈ ગયો હતો, અને પાકીટ પોતાના ખિસ્સામાં જીવનમાં પહેલીવાર મૂક્યું એટલે એની ખુશી પાછી બમણી..હા હા હા..નાનપણથી એકલો ના મા ના બાપ, ના કોઈ સગા, બસ એકલો આંખો જ્યારથી ખોલી અને સમજદાર બન્યો ત્યારે પહેલું દશ્ય એકજ જોયેલું એક કાકા ને સ્ટેશન ના એક બાંકડે પુસ્તક વાંચતા જોયેલા... બસ ત્યારથી ભાઈ ને વાંચવાનો શોખ લાગ્યો અને પૂરો દિવસ બુટ-પાલિશ કરે અને રાતે ફૂટપાથ પર પુસ્તક વાંચ્યા કરે એક એક પુસ્તક મહેનત અને ઈમાનદારીથી ખરીદવાની... ધીમે ધીમે ભાઈને વાંચતા લખતા આવડી ગયું...

અરે ૨ કલાક જેવું વીતી ગયું રાજા ફટાફટ ચાલી રહ્યો હતો.. અને હવે એ પોતાની મંજિલથી નજીક હતો...સમય કરતાં થોડો વહેલો પહોંચવા આવેલો.., વિસાતનગર તો આવી ગયું, રાજા ને થયું લાવ આમ તેમ ભટકું એના કરતાં કોઈને પૂછી લઉં એક ભાઈ રસ્તામાં મળ્યા તો પૂછ્યું ડ્રીમ બંગલોઝ કયા આવ્યું... ભાઈ એ રસ્તો સામે નો બતાવ્યો... અને રાજા આગળ વધ્યો.. અને એના મન માં ત્યાજ એક વિચાર આવ્યો... કે લાવ પેલી છોકરીનો ફોટો તો હું રાખું એમાં શું પાપ છે, બસ રાજા એ તો તરત પાકીટ માંથી ફોટો કાઢી પોતાના અલગ ખિસ્સામાં મૂકી દીધો, અને હસતો હસતો આગળ વધ્યો, બસ આનું તો નામ પ્રેમ, પુરા દસ હજાર ને હાથ ના અડાડયો પણ એક ફોટો ચોરી લીધો પ્રેમમાં હા હા હા....

આગળ વધીને જોયું એક મોટું બોર્ડ લાગેલું હતું ડ્રીમ બંગલોઝ નું અને બહુ અમીરો ના બંગલોઝ હતા બધા મોટા કોઈ રાજમહેલ જેવા... સપનામાં જોયા હોય હકીકત તો આજે સામે હતી... કે લોકો પાસે આવા પણ મહેલ હોય છે.. રાજા તો ખુશી ખુશી આગળ વધ્યો અને જઈને પહેલા સિક્યુરિટી ને મળ્યો... અને પુછયુ..)

રાજા : કાકા પરમેશ્વર નાથ નું ઘર ક્યાં ?

(સિક્યુરિટી એના રૂમથી બહાર આવ્યો અને પહેલા તો રાજા ના કપડા જોયાં, જેમ આ દુનિયાના લોકો જોવે, પછી એના વિખાયેલા વાળ જોયાં અને બોલ્યો)

સિક્યુરિટી : અલા, તારે શું કામ પડ્યું આટલા મોટા માણસનું ? તારી ઓકાદ તો લાગતી નથી, તું તો કોઈ ભિખારી લાગે છે.

(આમ બોલી સિક્યુરિટી હસવા લાગ્યો જોર જોર થી, પણ અંદર બીજો એક સિક્યુરિટી આ હસવાનો અવાજ સાંભરી સૂતેલો ઉઠી જાય છે અને બહાર આવે છે...અને પેલા સિક્યુરિટી ને સમજાવે છે કેમ આમ વાતો કરે આ છોકરા સાથે... તને ભાન નથી કે શુંં ..કેમ વાત કરવી જોઈએ ?એમ કરીને બીજો સિક્યુરિટી રાજા જોડે આવે છે.. અને)

બીજો સિક્યુ. : ભાઈ, કોનું કામ છે બકા બોલ ?

રાજા : પરમેશ્વર નાથ જી નું..

બીજો સિક્યુ. : કેમ શું કામ છે ? ક્યાંથી આવ્યો છે તું બકા ?

રાજા : સાહેબ હું ૧૫-૧૭ કિલોમીટર ચાલીને આવ્યો છું, હું રેલવે સ્ટેશનની બહાર બુટ પોલીસનું કામ કરું છું.

(અને પછીની આખી ઘટના રાજા એ પેલા સિક્યુરિટી ને કીધી.. બને સિક્યુરિટી રાજાની સામે જોવા લાગ્યા, નવાઈ લાગી શું આવી ઈમાનદારી આ દુનિયામાં હજીપણ છે ઓહઃ)

બીજો સિક્યુ. : બેટા, સાચું કહું તારા જેવો ઈમાનદાર છોકરો પહેલીવાર જોયો મેં, ખરેખર જો તારી વાતો સાચી હોયતો કોઈ વાંધો નહીં, પણ... હું તને ચેતવી દઉં કે જો કાઈ પણ ખોટું નીકળશે તો શેઠ નો સ્વભાવ બહુ ગુસ્સાવારો છે એ માફ નહીં કરે...

રાજા : અરે સાહેબ આ પાકીટના કાર્ડ માં એમનું જ નામ છે, નહીં તો કોણ આવો હશે કે આટલા પૈસા ભરેલા પાકીટ ને આપવા આવે...

બીજો સિક્યુ. : હા વાત સાચી છે. પણ શેઠ ને એક વાર ફોન કરી ને જાણ કરી દઉં પછી આપણે જઈએ..

(બીજો સિક્યુરિટી અંદર પરમેશ્વર નાથ ને ફોન કરવા ગયો અને પહેલો સિક્યુરિટી એની જગ્યા એ બેસી ગયો, થોડીવાર પછી પેલો બીજો સિક્યુરિટી આવ્યો અને)

સિક્યુરિટી : ચાલ બેટા શેઠ ના બંગલે તને બોલાવ્યો છે...

(સિક્યુરિટી રાજા ને લઈને પરમેશ્વર શેઠ ના બંગલે ગયો બંગલો ખૂબ મોટો હતો રાજા એ તો જીવનમાં પહેલીવાર અટલો મોટો બંગલો જોયો, સિક્યુરિટી એ રાજા ને બહાર ઊભો રાખ્યો અને પોતે અંદર ગયો, થોડા સમય બાદ સિક્યુરિટી બહાર આવ્યો અને સાથે કાલા કોર્ટ માં પરમેશ્વર નાથ શેઠ પણ બહાર આવ્યા અને પછી...)

પરમેશ્વર શેઠ : મને સિક્યુરિટી એ તમામ વાતની જાણ કરી, મારી પાસે સમય ખૂબ ઓછો છે ટૂંકાણ માં કહું તો આજ સવારે હું મારી દીકરીની અમુક સ્ટેશનરી લેવા સ્ટેશનની એક દુકાને ઉભેલો ત્યારે અચાનક ત્યાં કોઈનો ઝગડો થયો હશે,અને ભીડ વધવા લાગી એટલે હું ફટાફટ એ ભીડમાંથી બચવા મારી ગાડી બાજુ ભાગ્યો ત્યારે જ મારું આ વોલેટ ત્યાં પડી ગયું હશે...

રાજા : હા સાહેબ ત્યાંથી જ મને મળ્યું, આ લો તમારી અમાનત.

પરમેશ્વર શેઠ : તારી ઈમાનદારી એ મારું દિલ જીતી લીધું.. પણ હજી પરીક્ષા બાકી છે..

(અટલું સાંભળી સિક્યુરિટી પણ ખુદ મૂંઝવણમાં મુકાય ગયો, શેઠ તો પાકીટ ને વિખવા લાગ્યો અને બોલ્યો..)

પરમેશ્વર શેઠ : અરે વાહ તું તો સાચે ઈમાનદાર છે પુરે પુરા પૈસા આમાં એવા જ છે, શું તને ચોરવાનું મન ના થયું ?

રાજા : હું એક મજૂર છું, હું ચોર નથી શેઠ, આ મારી ફરજ હતી.

(શેઠ હસ્યા અને ખુશ થઈને પાકિતમાંથી એક જૂની ૨૦ રૂપિયાની નોટ રાજા ને સામે ફેંકી...અને બોલ્યા)

પરમેશ્વર શેઠ : તું નસીબદાર છે, તું પહેલો ભિખારી છે જેને મેં ઈનામ આપ્યું.. જા ખુશ થા..

(આવા શબ્દો સાંભળી ને તો સિક્યુરિટીને પણ ખરાબ લાગ્યું અને રાજા તો બહુજ સમજુ હતો, હસતા હસતા નીચે નમ્યો અને જમીન પર પડેલી ૨૦ રૂપિયાની નોટ ને ઈનામ સમજી ને ઉઠાવી ને પોતાના ખિસ્સામાં મૂકી અને નમસ્તે કહીને રાજા ઘરે જાવા નીકળતો હતો ત્યાંજ પાછળથી શેઠે બૂમ પાડી..)

પરમેશ્વર શેઠ : ઊભો રહે...છોકરા..

રાજા : (ફરી વળીને પાછળ જોયું અને બોલ્યો ) બોલો શેઠ..

પરમેશ્વર શેઠ : આમાં પૈસા કરતા પણ વધુ મોટી એક અમાનત હતી મારી એ નથી હવે..

રાજા : શું શેઠ ? (ડરીને)

પરમેશ્વર શેઠ : મારી લાડકી દીકરીનો ફોટો..

(રાજા ને અને સિક્યુરિટી ને તો નવાઈ લાગી કે આમ કોઈ આખું ભરેલું પાકીટ મળ્યા બાદ પણ શુંં એક ફોટો માંગે ? રાજા ડરી ગયો, અને આ પ્રેમ તો છે જેને એને ખોટું બોલવા પર મજબૂર કર્યો..)

રાજા : ખબર નહીં સાહેબ મેં જોયો નથી..

પરમેશ્વર શેઠ : એમ છે ઊભો રહે... (શેઠ સિક્યુરિટીની સામે જોઈને બોલ્યા) ગાર્ડ તું ચેક કર આના ખિસ્સા...

સિક્યુરિટી : શું ?

પરમેશ્વર શેઠ : ઈટ્સ માય ઓર્ડર..

સિક્યુરિટી : હા સર.

(સિક્યુરિટી મજબૂર બનીને આગળ વધ્યો અને રાજાને ડર લાગવા માંડ્યો...અને આખરે સિક્યુરિટી એ ખિસ્સા ઈમાનદારીથી ચેક કરવાના ચાલુ કર્યા, અને આખરે પેલી સુંદર છોકરી નો ફોટો રાજા ના બીજા ખિસ્સામાંથી મળી આવ્યો, સિક્યુરિટી એ ફોટો શેઠ ના હાથમાં આપ્યો)

પરમેશ્વર શેઠ : (ગુસ્સામાં) જોયું મને ખાત્રી હતી, ભિખારી ભિખારી હોય, તારી હિંમત કઈ રીતે થઈ મારી દીકરીનો ફોટો ચોરવાની, તારી ઓકાદ શું છે ? હવે હું સમજી ગયો ૧૦૦૦૦ રૂપિયા નું ભરેલું પાકીટ તું મને ઈમાનદાર બનીને આપવા આવ્યો, એટલે હું ખુશ થઈને તને ક્યાંક કામ આપી દેત અને પછી તું મારીજ દીકરી ને ફસાવેત...તું ગંદી જગ્યાએથી આવેલો છે તારી વિચારધારા પણ ગંદી જ રહેવાની..

રાજા : ના શેઠ એવું કંઈ નથી, મને માફ કરી દો, હું ચાલ્યો જાઉં છું મારે ક્યાં કોઈ કામ જોઈએ, અને મેં ક્યાં કોઈ એવી માંગણી કરી ? હું ચોર નથી શેઠ.

(પરમેશ્વર શેઠ ગુસ્સે ભરાઈ ગયા, તરત અંદરથી બીજા માણસો ને બોલાવ્યા... સિક્યુરિટી બધું જોઈ રહ્યો હતો અને આગળ આવીને બોલ્યો..)

 

સિક્યુરિટી : શેઠ, ઈમાનદાર છોકરો છે, ભૂલ થઈ હશે માફ કરી દો..

પરમેશ્વર શેઠ : તને કોઈએ પૂછ્યું ? વચ્ચે તું ના બોલી શકે.

(અટલું સાંભળી મજબૂર ગાર્ડ સાઈડમાં ઊભો રહી ગયો, અને પછી અંદરથી ચાર-પાંચ શેઠ ના માણસો આવ્યા અને રાજા ને મારવાનું ચાલુ કર્યું રાજા માર ખાતો ખાતો જમીન પર પડી ગયો ત્યાંજ એની નજર બંગલામાં રહેલ ઉપરની વિન્ડોમાં પડી ઓહઃ...અને એને તો પાકીટવારા ફોટાની રાજકુમારીના દર્શન થઈ ગયા.. એ એકધારું એને જોઈ રહ્યો હતો અને પેલા માણસો એને ઢોર માર મારી રહ્યા હતા... પણ રાજા ના મોઢે બસ મુસ્કાન હતી પેલી છોકરી પણ વિન્ડોમાંથી એને જોઈ રહી હતી...અને પછી એ અંદર જતી રહી.

થોડીવાર પછી શેઠે માણસો ને કીધું..)

પરમેશ્વર શેઠ : જાવ આને બહાર ફેંકી આઓ, આજ પછી તું અહીં દેખાવો ના જોઈએ...

(શેઠ ગુસ્સામાં અંદર જતો રહયો અને પેલા માણસો આને ઊંચકી ને ડ્રીમ બંગલો ના બહાર પટકી ને નાખી દીધો.. અને માણસો ચાલ્યા ગયા, સિક્યુરિટી ગાર્ડ ચૂપ ચાપ જોતો રહ્યો મજબૂર બનીને અને રાજા ને બહુજ માર પડ્યો હતો એની ઈમાનદારીનો, રાજા ધીમે ધીમે ઊભો થયો અને પોતાના માર્ગ તરફ જવા રવાના થયો.

આ દિવસ એને કદાચ ક્યારેય નહીં ભૂલાય, ઘણીવાર સારા કામ માટે પણ જીવનમાં આવી સજા મળે છે, લોકો કપડાં જોઈને પણ માણસોની વેલ્યુ ને આંકવાની કોશિશો કરતા હોય છે.. રાજા ધીમે ધીમે આગળ વધ્યો પોતાના સ્ટેશન જાવા માટે.. આજ નો દિવસ એના જીવનમાં એક પાકીટ દિવસ તારીખે યાદ રહી જશે.. એક એવું પાકીટ જે સપનોથી ભરેલુ હતું.. જેમાં પ્રેમ હતો, લાગણીઓ હતી અને સપનાની રાજકુમારી હતી... ચાલતા ચાલતા રાજા ને પેલી વિન્ડોવાળું દશ્ય દેખાય છે જેમાં રાજકુમારી એની સામે જોઈ રહી હોય છે, રાજા હસતો હસતો આગળ વધી રહ્યો છે અને આજ નો વૉલેટ ડે આખરે પૂરો થવાના આરે હોય છે, ધીમે ધીમે અંધારું થઈ ચૂક્યું હોય છે સમય એ ગરીબને એની જગ્યાના દર્શન કરાવી દીધા હોય છે અને અભિમાની અમીરની છબીનું ચિત્ર પણ બતાવી દીધું... આશા રાખીએ છે રાજા ને એની સપનોની શ્રી સ્વામી વિવેકાનંદજીની પુસ્તક મળી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy