અંતિમ ક્ષણો - ૧
અંતિમ ક્ષણો - ૧
હું છું સમય અને હું તમને કહીશ હીરાલાલના જીવનની વાર્તા કારણ કે મેં હીરાલાલના જીવનને જેટલું નજીકથી જોયું છે સમજ્યું છે એટલું કદાચ કોઈ જાણતું નહીં હોય.. આવો મિત્રો અંતિમ ક્ષણોમાં તમારું સ્વાગત છે.
વર્તમાન..
નવેમ્બર, વર્ષ ૨૦૨૨, સાંજનો સમય
આ છે ગુજરાતના સૌથી મોટા શહેર 'અમદાવાદ' નો પોળ વિસ્તાર અને આજ ગીચોગીચ પોળ વિસ્તારમાં આવેલો છે 'વૈભવ વિલાસ' વૈભવ વિલાસમાં વર્ષોથી હીરાલાલ અને તેમનું પરિવાર વસવાટ કરી રહ્યું છે.
વૈભવ વિલાસ
પોતાના રૂમમાં બેસીને હીરાલાલ (ઉંમર : ૭૯) રોજના સમયપત્રક અનુસાર એજ જૂનો ખખડેલો એફ.એમ રેડિયો સાંભળી રહ્યા છે..
ગીતકાર : નીરજ, ગાયક : કિશોરકુમાર, સંગીતકાર સચિનદેવ બર્મન ઔર ચિત્રપટ : પ્રેમ પૂજારી
ફૂલોકે રંગ સે..
હીરાલાલ હિંચકા ખુરશીમાં ઝૂલતા ઝૂલતા સાંજની પોળે પોતાના પ્રિય અભિનેતા દેવ આનંદનું ગીત સાંભળી રહ્યા છે અને પોતે પણ જોડે જોડે ખુદને કિશોરકુમાર સમજીને બરાડા પાડી રહ્યા છે.
તેરે હી સપને લેકર..
અચાનક ફરી રોજની જેમ રેડિયાનું સ્ટેશન બગડે છે અને હીરાલાલ ગુસ્સામાં આવીને રેડિયા પર એક લાફો મારે છે હીરાલાલનો રેડિયો એમના લાફા વગર આમેય ક્યાં માનતો કદી ? લાફો ખાધે તરત ફરી રણક્યો.
હા બાદલ બીજલી.. જનમ હમે કઈ કઈ બાર
હીરાલાલ પણ ગીતમાં એટલા ખોવાઈ જાય કે ગીત પૂરું થઈ જાય પણ હીરાલાલના રાગડા પુરા થાય જ નહીં. રોજની જેમ અંદરથી ધીમા-ધીમા પગલે સીતાબા (ઉંમર : ૭૫, હીરાલાલના ધર્મપત્ની) ચાલતા ચાલતા આવે છે અને હીરાલાલના રેડિયાને બંધ કરી દે છે.
હીરાલાલ ભાનમાં આવીને ગુસ્સાથી સીતાબા સામે જોઈને બોલે છે.
હીરાલાલ : અલી, તને તો જરાય ગમતું નથી મારું જપીને બેસવું. શું કામ બંધ કર્યો મારો રેડિયો ?
સીતાબા : (ખીજાઈને) અરે જરા તો લાજ-શરમ કરો અટલી ઉંમર થઈ પણ ડોહલાની જવાની નથી જાતી.. ઘરમાં છોકરાવ છે એનાય છોકરાવ મોટા થઈ જશે પણ તમે તો નાના ને નાના જ રહેશો.
હીરાલાલ હસીને ઝૂલતી ખુરશીએથી ઊભા થાય છે અને સીતાબાના બે હાથ પકડીને નજીક આવીને કહે છે.
હીરાલાલ : (હસતા હસતા) અરે ગાંડી, હું ક્યાંથી ડોહો બનું ? મારી તંદુરસ્તીનો રાજ છે તું મારો અંતિમ શ્વાસ છે તું.
તરતજ સીતાબા શરમાય જાય છે અને હીરાલાલ તો પાછા ફરી ગાંડા થયા સીતાબાના બંને હાથો પકડીને નવા જમાનાનો કપલ ડાન્સ કરવા લાગ્યા અને ફરી રાગડા તાણવા લાગ્યા. ફૂલો કે રંગ સે દિલકી કલમ સે.
અને ફરી સીતાબા હીરાલાલની મીઠી વાતોમાં આવી ગયા ને બંને વૃદ્ધ દંપતી એકબીજામાં ખોવાઈ ગયા..
માફ કરજો આ બંને પ્રેમી પંખીડાઓને ડિસ્ટર્બ કરવું યોગ્ય નથી ત્યાં સુધી 'હું 'સમય' તમને હીરાલાલના જીવનનો પ્રથમ અધ્યાય કહું..
વર્ષો પહેલાં હીરાલાલ પોતાના ગામડેથી જ્યારે આમદની કમાવવા માટે અમદાવાદમાં આવ્યા ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા પિતાશ્રીના નિધન પછી હીરાલાલ પર ખુબજ મોટી જવાબદારી આવી ગયેલી પોતાના માતાશ્રીનું ધ્યાન રાખવું અને બે ભાઈઓને પણ ભણાવવાના હતા. હીરાલાલે અમદાવાદમાં અનેક નાના મોટા કારખાનાઓમાં કામ કર્યું પણ આટલાં બધાં પૈસા ક્યાંથી લાવવા કે જેનાથી એ પોતાના બે ભાઈઓને ભણાવીને પગભેળે ઉભા કરી શકે ? એટલે પછી હીરાલાલે કઈંકને કઈંક વ્યાપાર કરવા માટે નુક્શાઓ લડાવ્યા અને એક બાજુ પાછું ભાડાના મકાનો પણ બદલ બદલ કરવા પડતા દર ૨-૩ વર્ષે મકાન બદલી બદલીને આખરે હીરાલાલે આ પોળ વિસ્તારમાં એક ભાડે મકાન લીધું અને કહી શકાય કે આ મકાન એમના જીવનમાં લક્ષ્મી સમાન સાબિત થયેલું કારણ કે એજ પોળ વિસ્તારમાં ચંપકભાઈ સોડાવાળાની લારી ઊભી રહેતી અને હીરાલાલને પાછો સોડા પીવાનો ખુબ જ શોખ એટલે એમને અઠવાડિયામાં એકવાર તો લખોટીવાળી સોડા પીવા જોઈએ જ ચંપકભાઈ ક્યારેક હાજર ના હોય એટલે એમનો મોટો છોકરો વિનોદ સોડાની લારીએ ઊભો રહી જાતો બસ આમજ વિનોદ અને હીરાલાલની ભાઈબંધી થઈ ને ધીરે ધીરે હીરાલાલ વિનોદના ઘરે પણ જાવા લાગેલા હવે અહીં એમની આંખો 'સીતા' ને પહેલીવાર જોઈને દિવાની બનેલી હા, વિનોદની બહેન સીતા એટલે કે ચંપકભાઈની છોકરી સાથે જોતજોતામાં લગાવ વધી ગયેલો અને આમ જ્યારે પણ હીરાલાલ વિનોદના ઘરે ચા-પાણી કરવા જતા એટલે સીતાને જોઈને મનોમન મલકાઈ જતા. એકબાજું હીરાલાલને પોતાના ઘરની અને બીમાર માતા સાથે બે ભાઈઓની જવાબદારી હતી ભાઈબંધી વધી વિશ્વાસ વધતા વિનોદે હીરાલાલને મીઠાઈના વેપાર માટે સલાહ આપી કારણ કે પોળમાં તે સમયે કોઈપણ સારી મીઠાઈઓની દુકાન 'ના' બરોબર હતી વિનોદની સલાહ મુજબ હીરાલાલે પહેલાં તો ઘરે બેસીને મીઠાઈનો વેપાર શરૂ કર્યો જોતજોતામાં થોડા સમયમાં હીરાલાલની મીઠાઈ ભાઈબંધ વિનોદની મદદથી પોળ વિસ્તારમાં પ્રખ્યાત બની ગયી અને આખરે હીરાલાલે તેજ પોળ વિસ્તારમાં એક દુકાન ભાડે લઈને મીઠાઈની દુકાન શરૂ કરી હવે હીરાલાલના જીવનમાં સારા દિવસો શરૂ થવા લાગ્યા મીઠાઈની દુકાન સરસ ચાલવા લાગેલી એટલે હીરાલાલે સૌ પ્રથમ એજ મકાન ખરીદ્યું જેમાં તે ભાડે રહેતા હતા અને પછી બંને નાના ભાઈઓનું ભણતર પણ સારું ચાલવા લાગેલું હવે હીરાલાલની દુકાનમાં હિસાબ કિતાબ માટે એક વ્યક્તિની જરૂર પડેલી એટલે એમને એક ભણેલો વિશ્વાસપાત્ર સારો વ્યક્તિ જોઈતો હતો એમણે વિનોદને વાત કરી અને વિનોદે તરત કહ્યું 'સીતા' છેને હા, મારી બહેન ખુબજ હોશિયાર છે એ તારી દુકાનના તમામ હિસાબો સંભાળી લેશે લો હવે શું? હીરાલાલતો મનોમન ખુશ થઈ ગયા જે જોઈતું હતું એ મળી ગયું સીતા હીરાલાલની દુકાનમાં આવવા લાગી અને જાણે સમજો કે લક્ષ્મીના પગલાં હીરાલાલના જીવનમાં પડી ગયેલા ધીરે ધીરે હીરાલાલ જીવનમાં આગળ વધવા લાગ્યા અને નાના એવા ઘરને ગીચોગીચ પોળ વિસ્તારમાં સૌથી મોટો મહેલ બનાવી નાખ્યો. પોતાના પિતાશ્રીના નામ પર 'વૈભવ વિલાસ' નામ આપ્યું વૈભવ વિલાસ એટલે કે મીઠાઈવાળા "હીરાલાલ વૈભવદાસ ગોચર" નો સુંદર મહેલ. પછી શું ? થોડા સમયમાં થોડી માથાકૂટ કરીને ચંપકભાઈ (સીતા અને વિનોદના પિતાશ્રી) ને મનાવીને હીરાલાલ સીતા સાથે લગ્ન કરીને જન્મો જન્મના બંધનમાં બંધાઈ ગયા.
લગ્નના થોડા સમય બાદ જ હીરાલાલના માતા ઝવેરીબા એ વૈભવ વિલાસમાં હીરાલાલને પોતાના બંને ભાઈઓને સાચવવાની જવાબદારી સોંપીને અંતિમ શ્વાસ લીધો અને સ્વર્ગલોકમાં હર્ષ ઉલ્લાસે ઝવેરીબાનું સ્વાગત થઈ ગયેલું..
અત્યારે અટલું કાફી છે હીરાલાલનો ભૂતકાલીક અધ્યાય આગળ પણ હું 'સમય' તમને સંભળાવતો રહીશ ત્યાં સુધી તમે હીરાલાલના વર્તમાનને સમજો.
વર્તમાન
હીરાલાલ અને સીતાબા બને ખુશી ખુશી એકબીજા સાથે કપલ ડાન્સની મજા લઈ રહ્યા હોય છે અને અચાનક હીરાલાલના વચલા છોકરા જીજ્ઞેશનો ટેણીયો 'રાહુલ' રૂમના દરવાજેથી મોઢું અંદર કરીને જોરથી બૂમ પાડે છે
રાહુલ : ઓહ બા-દાદા પકડાય ગયા.. બા-દાદા પકડાય ગયા.
એટલામાં સીતાબા તો શરમાઈને હીરાલાલથી દૂર ખસી જાય છે અને હીરાલાલ ગુસ્સેથી મનમાં બોલે છે.. 'આ પણ કાંઈ એના બાપ જીગલા (જીજ્ઞેશ) થી કમ નથી..
સીતાબા પેલાં ટેણીયા રાહુલ સામે મોઢું કરીને પૂછે છે..
સીતાબા : અલા એય શું થયું બોલ..?
રાહુલ : બા તમને સામેવાળા મંજુબા બોલાવે છે.
સીતાબા મીઠો ગુસ્સો કરીને હીરાલાલની સામે મોઢું ફેરવીને કહે છે.. લો મારી શેતાનનો બુલાવો આવી ગયો.
હું 'સમય' જરા મંજુબા જોડે તમારી ઓળખાણ કરાવી દઉં મંજુબા વૈભવ વિલાસના સામેના ઘરમાં રહે છે મંજુબાનો સ્વભાવ થોડો પંચાત ભરેલો એટલે જે હોય એમની સાથે વાતો કરવામાં ચોંટી જતા. એમાંય જો હીરાલાલ ગમે ત્યારે બજારમાં આંટો મારવા નીકળે અને સીતાબાની નજરે હીરાલાલ મંજુબા સાથે ઉભેલા દેખાય એટલે સમજો સીતાબાની તપેલી ગરમ થઈ જાય.. કારણ કે આખરે સ્ત્રી એટલે બસ સ્ત્રી. ગમે તે ઉંમર વીતી જાય પણ શક તો સીબીઆઈ કરતાંય ભયંકર કરે ને વળી. આમ પાછા સીતાબા પોતે મંજુબા સાથે ભજન કીર્તન મંડળમાં જોડાયેલા અને બન્ને પાક્કી બહેનપણી પણ ખરી હો.
લો હવે આગળ વધ્યે.
એટલે હીરાલાલ પેલાં રાહુલને કહે છે.
હીરાલાલ : અલા એને કહી દે હમણાં આવે છે જા તું.
રાહુલ પાછો ચાલ્યો જાય છે અને સીતાબા મજાક મસ્તીમાં હીરાલાલથી રુઠવાનું નાટક કરીને હીરાલાલને હલકો એવો ઠોહો મારીને જઈ રહ્યા હોય છે ત્યાં જ અચાનક સીતાબાને હીરાલાલના પડવા જેવો અવાજ આવે છે સીતાબા તરતજ પાછું વળીને જોવે છે તો હીરાલાલ ઝૂલતી ખુરશીમાં હૃદય પર એક હાથ રાખીને પડ્યા હોય છે તડપી રહ્યા હોય છે અને એમનો બીજો હાથ પેલા એફ.એમ રેડિયોના બટન પર પડે છે અને તરત રેડિયાનો ઘોંઘાટ શરૂ થાય છે.
એક દિન .. પ્યારે તેરે બોલ.
રેડિયાના ઘોંઘાટ વચ્ચે સીતાબા હીરાલાલને જોઈને જોરથી બૂમ લગાવે છે..
ત્રીજો હુમલો આવ્યો રે.. એ જીગા, બકુલ્યા તારા બાપાને ત્રીજો હુમલો આવ્યો...
દૂજે કે હોઠો કો
એક દિન .. પ્યારે તેરે બોલ
એક બાજુ રેડિયાનો ઘોંઘાટ અને બીજી બાજુ સીતાબા ની બૂમાબૂમ વચ્ચે આખું પરિવાર રૂમમાં દોડી આવ્યું.
વચલો છોકરો જીગો તેની પત્ની શિલ્પા અને તેમનો ટેણીયો રાહુલ તથા હીરાલાલનો નાનો છોકરો બકુલ બધે બંધાય દોડીને આવી ગયા ને તરતજ પોતાના બાપુજીના ફરતે કુંડાળું વળી ગયા.
જીજ્ઞેશ : અરે, બાપુજી આંખો ખુલી રાખજો હિંમત રાખજો હું ૧૦૦ નંબર અરે માફ કરશો ૧૦૮ ને કોલ કરાવું છું.
એમ કહીને પોતાના નાના ભાઈ બકુલ સામે જોઇને જીજ્ઞેશ બોલ્યો.
જીજ્ઞેશ : બકુલ્યા જા જલ્દી ફોન કર ૧૦૮ ને
બકુલ : (લાંબુ એવું વિચારીને) અરે મોટાભાઈ ફોન તો આપો.
જીજ્ઞેશ : અલા તારો ક્યાં છે ?
બકુલ : બેલેન્સ નથી.
જીજ્ઞેશ કાળજાર થાય છે ત્યાંજ જીજ્ઞેશની પત્ની શિલ્પા કહે છે..
શિલ્પા : તમેય સાવ ગાંડાની સાથે શું ગાંડા થાવ છો પોતે કરી દો ને જલ્દી.
છોકરાવના આવા બધા નાટકો જોઈને સીતાબા મૂંઝવણમાં મુકાઈ ગયા કે ગુસ્સે થવું કે રડવું શું કરવું. ?
જીજ્ઞેશ ૧૦૮ ને ફોન કરવા લાગે છે એક બાજુ શિલ્પા તથા બકુલ હીરાલાલને ધીરે રહીને રૂમમાં રહેલ પલંગ પર સરખા સુવડાવે છે અને બીજી બાજુ રેડિયાના ઘોંઘાટની લીધે ફોનમાં જીગાને સરખો અવાજ નથી સંભળાતો.
અનહોની..
ગુસ્સે ભરાયેલો જીજ્ઞેશ બાજુના ટેબલ પર પડેલો ચા નો ખાલી કપ ઉઠાવીને રેડિયા ઉપર જોરથી ફેંકે છે અને આખરે રેડિયો પણ હીરાલાલની જેમ હુમલાનો શિકાર બની જાય છે..
થોડાં સમય બાદ ૧૦૮ ની સાયરન સંભળાય છે. બકુલ રૂમની બારીમાંથી ડોકું કાઢીને બીજા માળેથી નીચે જુએ છે. અને સીતાબા તરત જીજ્ઞેશ પાસે આવીને રડતા રડતા બોલે છે.
સીતાબા : (વેદના ભરેલા કંઠે) મોટા ને ફોન કરીને બોલાવને.
(જીજ્ઞેશ શિલ્પાની સામે જોવે છે શિલ્પા મોઢું મરડે છે અને જીજ્ઞેશ ગુસ્સે થઈને બોલે છે..)
જીજ્ઞેશ : અરે બા છેલ્લે જ્યારે બાપુજીને બીજો હુમલો આવેલો ત્યારેય આપણે ગામ ભેગું કરેલું અને બાપુજી તો રહી ગયા પણ એ સમયે આવેલા ઘણા લોકો સ્વર્ગવાસી પણ થઈ ગયા એમાંય તમને યાદ છે ને તમારો લાડકો મોટો દીકરો તો વળી પૂરાં ૪ દિવસ પછી આવેલો અને તાજા માજા થઈ ગયેલા બાપુજી જોડે બેસીને ચા પી ને જતો રહેલો. અને વળી પાછા તમે એનેજ યાદ કરો છો એ કાંઈ એમ નહીં આવે.
સીતાબા શું બોલે વચલા છોકરા એ મોઢું તોડી લીધેલું તે હીરાલાલ જોડે જઈને ફરી બેસી ગયા.. હીરાલાલની શ્વાસો ખૂબ ગતિમાં ચાલી રહેલી બેભાન અવસ્થામાં તેમની સ્થિતિ ખુબજ પીડાની ચરમસીમા એ હતી.
પોળની ગીચ ગલીઓથી ૧૦૮ ની આવવાની સાથે આખી પોળમાં વાત પવનના વેગે ફેલાવવા લાગી.
હું 'સમય' હીરાલાલના રૂમના દરવાજે ઊભો બધુંજ જોઈ રહ્યો છું. તમે લોકો એમ ન સમજતા કે વાર્તા પૂર્ણ થઈ ગઈ છે. આતો હજી જીવનના સરકસની શરૂઆત છે.
(ક્રમશ)
