The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Er Pooja Chande

Drama Romance Inspirational

4.8  

Er Pooja Chande

Drama Romance Inspirational

ધ લાસ્ટ વૉક

ધ લાસ્ટ વૉક

16 mins
1.6K


"એક લાસ્ટ વૉક પર જઈએ?" આદિત્યએ અંજલિની આંખોમાં આંખ પરોવતા કહ્યું અને અંજલિની આંખો ભીની થઇ ગઇ. મહામુશ્કેલીથી આંસુઓને ખાળી એણે હા પાડી. બંને કોર્ટથી તેમની ફેવરિટ જગ્યાએ પહોંચ્યા અને ત્યાં જ ધીમો ધીમો વરસાદ શરૂ થયો. એટલે આદિત્યએ કહ્યું, "ચાલ,આઈસ્ક્રીમ ખાઈએ!" ત્યારે તરત જ અંજલિ બોલી,"આવા વરસાદમાં તે કંઈ આઈસ્ક્રીમ ખવાય! એનાં કરતા ચાલ ગરમાગરમ મકાઈ ખાઈએ." આ સાંભળતાં જ બંને ખડખડાટ હસી પડ્યાં. અંજલિને ખડખડાટ હસતી જોઈને આદિત્ય હસવાનું ભૂલી એને જોવામાં મશગૂલ થઈ ગયો. અંજલિનું ધ્યાન જતાં જ એ ચૂપ થઈ ગઈ એટલે આદિત્ય બોલ્યો,"કેમ ચૂપ થઈ ગઈ? કેટલાં સમય બાદ મેં તને આમ ખડખડાટ હસતી જોઈ ત્યારે મને અહેસાસ થયો કે જે ગાલનાં ખંજનને જોઈને તારા પ્રેમમાં પડ્યો એ ખંજનવાળું હાસ્ય ક્યારે વિલાઈ ગયું એ ખબર જ ન પડી! ધોધમાર વરસાદમાં પણ આઈસ્ક્રીમ ખાતી પાગલ છોકરીના પ્રેમમાં જ તો હું પાગલ થયો હતો ને! અને એ જ છોકરી પોતાનું પાગલપન ભૂલી ક્યારે મકાઈ ખાતી થઈ ગઈ એ મારા ધ્યાનમાં જ ન આવ્યું!


 આ સાંભળતાં જ અંજલિની આંખોના આંસુઓને જાણે રેસમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને સીટી વાગતાં જ દોડવાનું સિગ્નલ મળે એમ સિગ્નલ મળ્યું અને આંખોની કિનારીએ બાંધેલો બંધ તોડી અને આંસુઓએ રેસ ચાલુ કરી! અંજલિ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. અને મેઘરાજા પણ જાણે એ સિગ્નલ સમજી ગયા હોય એમ એમણે પણ ધોધમાર વરસવાનું શરૂ કર્યું. મુંબઈ પર તો મેઘરાજને આમ પણ કંઈક વધારે જ પ્રેમ છે! કદાચ મેઘરાજાનું એડમિશન ફોર્મ ભરવાનું હોય તો એમાં એડ્રેસ મુંબઈનું જ લખવું પડે!

 વરસાદની ગતિ જોઈ અડધાં પલળેલા બંને જલ્દીથી કારમાં ગોઠવાઈ ગયાં. અંજલિ જેવી ફ્રન્ટ સીટ પર ગોઠવાઈ એટલે આદત પ્રમાણે જ આદિત્યએ એને સીટ બેલ્ટ બાંધી દીધો એ જોઈ બંને ભૂતકાળની સફરમાં નીકળી પડ્યાં!

               ***


"હેલ્લો આદિ,ચાલને લોન્ગ ડ્રાઈવ પર જઈએ,જોને કેટલું આહલાદક વાતાવરણ છે! આ ભીની માટીની ખૂશ્બુ જાણે ધરતીએ એનાં પ્રેમીનાં સ્વાગતમાં પરફ્યુમ છાંટયું હોય એવું લાગે છે!" અંજલિએ આદિત્યને ફોન કરી કહ્યું.

 "આહાહા! હાં ચોક્કસ! પણ એક શરતે કે તું પણ પેલું મારું ફેવરિટ પરફ્યૂમ છાંટીને મારું સ્વાગત કરે તો જ!" આદિત્યએ અંજલિની વાત સાંભળીને રોમેન્ટિક અંદાજમાં જવાબ આપ્યો.

 અંજલિ શરમાઈને છણકો કરી બોલી, "શું તું પણ આદિ!" અને ખડખડાટ હસતી પોતાનાં પ્રેમીનાં સ્વાગત માટે તૈયાર થવા લાગી. આફ્ટર ઑલ એણે કરેલાં પ્રપોઝ પછીની પ્રથમ લોન્ગ ડ્રાઇવે જવાનાં હતાં એ બંને! એ સાંજ જાણે તેની આંખોની સામે એક મૂવીની જેમ તરી આવી!

              ***


એ દિવસે ક્લિનિકમાં કંઈ ખાસ કામ બાકી નહોતું. એટલે બીજા દિવસની અપોઇન્ટમેન્ટ્સ પર નજર ફેરવી એ એના રૂટિન પ્રમાણે જમીને થોડી વહેલી નરિમાન પોઇન્ટ પહોંચી ગઈ હતી. આજે રોજની નિયત જગ્યાએ ન બેસતાં એ એક શાંત જગ્યા શોધી ત્યાં બેસીને દરિયાનાં ઊછળતાં મોજાંને એકીટશે જોઈ રહી. આખા દિવસનો થાક અને સ્ટ્રેસ જાણે આ મોજાં ઊછળીને એની પાસેથી લઈ લેતાં હોય એવું એને લાગતું હંમેશા! એટલે રોજ જમીને રાત્રે એ ત્યાં વૉક કરવા આવતી અને પછી થોડી વાર એ અને આદિત્ય ત્યાં બેસીને અલકમલકની વાતો કરતાં તો ક્યારેક મોજાંને તો ક્યારેક વળી ત્યાંનાં લોકોને નિહાળતાં. આ જાણે એમનો છેલ્લાં બે વર્ષનો રેકોર્ડબ્રેક નિયમ બની ગયો હતો!

                ***


આદિત્ય,જે મૂળ ગુજરાતનો જ હતો પણ પપ્પાએ બિઝનેસ મુંબઈમાં સેટ કર્યો એટલે નાનપણથી જ મુંબઈ સેટલ થઈ ગયેલા. કોમ્પ્યુટરના પ્રેમમાં પડીને એ સોફ્ટવેર એન્જિનિયર બન્યો! અને મુંબઈની સારી કંપનીમાં કૅમ્પસ ઈન્ટરવ્યૂમાં જ સિલેક્ટ થઈ ગયો. મુંબઈના જાણીતાં બિઝનેસમેનનો એકનો એક દીકરો.

   આખો દિવસ કંપનીમાં કમ્પ્યુટરની સામે બેસીને આંખો દુખી આવે ત્યારે થોડું ફ્રેશ ફિલ કરવા કંપનીથી સીધો રાત્રે સાડા નવે પહેલાં નરિમાન પોઇન્ટ ગાડી પાર્ક કરીને ક્યારેક ત્યાં બેસતો તો વળી ક્યારેક લટાર મારવા જતો.

                ***


તે દિવસે ઝરમર વરસાદ ચાલુ હતો. અંજલિ પોતાની જ ધૂનમાં કાનમાં ઈયરફોન નાખીને સોંગ સાંભળતાં સાંભળતા વૉક કરી રહી હતી અને ત્યાં જ પાછળથી કોઈકે ગાડી અચાનક રિવર્સમાં લીધી જે અંજલિ સાથે સહેજ અથડાઈ એટલે અંજલિ ત્યાં જ ઊભી રહી ગઈ. તરત જ ગાડીમાંથી આદિત્ય દોડતો આવીને માફી માંગતા બોલ્યો, "એક્સ્ટ્રીમલી સોરી, તમને ક્યાંય વાગ્યું તો નથી ને?" આટલી નમ્રતાપૂર્વક માફી માંગી એટલે અંજલિનો ગુસ્સો ઊતરી ગયો. અને આ રીતે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો. રોજ માત્ર સ્મિત આપવાનો સંબંધ હાઇ-હેલ્લોથી દોસ્તી સુધી પહોંચી ગયો!

              ***


આજે અંજલિ કંઈક અલગ જ મૂડમાં હતી. છેલ્લાં પેશન્ટ સાથેની સિટિંગમાં થયેલી વાતોમાં એ ખોવાયેલી હતી અને અચાનક જ પાછળથી હાંફતા હાંફતા આવેલાં અદિત્યના અવાજથી એ ઝબકી ગઈ.

   "કઈ દુનિયામાં ખોવાયેલા છો મેડમ? ક્યારનો તને શોધું છું. આજે તો તને શોધવામાં જ મારી વૉકિંગ થઈ ગઈ. કેટલાં ફોન કર્યા તને!કેટલો ટેંશનમાં આવી ગયેલો હું ખબર છે! મારે તને એક અગત્યની વાત કરવી છે." પસીના અને વરસાદથી ભીંજાયેલો આદિત્ય જાણે ગુસ્સે થતો હોય એમ બધું એકીશ્વાસે બોલી ગયો.

"સો સોરી યાર,ફોન સાઈલન્ટ મોડ પર હતો એટલે ખ્યાલ ન આવ્યો."

"ફોન તો ઠીક પણ તું કેમ સાઈલન્ટ મોડ પર ચાલી ગઈ છે?" અંજલિની બાજુમાં બેસતાં આદિત્યએ પૂછ્યું. "અને આજે કેમ અહીં બેઠી એકાંતમાં? શું વિચાર છે વળી?" એમ કહી અંજલિ સામે આંખ મિચકારી.


"શટ અપ આદિ!" અંજલિએ નકલી ગુસ્સો કરતાં કહ્યું અને પૂછ્યું,"બોલ હવે, શું અગત્યની વાત કરવાની હતી તારે? એમ કહી ઊભી થઈ કે તરત જ આદિત્યએ એનો હાથ પકડી પોતે ઘૂંટણીએ બેસીને બોલ્યો,"તને રોજ અહીં જોવાની આદત પડી ગઈ છે મને પણ આજે જ્યારે ન જોઈ અને તારો ફોન પણ ન ઉપડ્યો ત્યારે તને જોવા બેબાકળો બની ગયેલો હું. અને અંતે તું મને અહીં દેખાઈ આ ઊછળતા મોજાંને નિહાળતી. તને ખબર છે જેટલી શાંતિ તને આ મોજાંને જોઈને મળે છે ને એનાથી પણ કદાચ વધારે શાંતિ અને ખુશી મને તને એ મોજાંને નિહાળતી જોતાં મળે છે. જરાક છાંટા પડે અને હું છત્રી ખોલું અને તું ધોધમાર વરસાદનો પણ બંને હાથ પહોળા કરીને સ્વાગત કરતી હોય! વરસતાં વરસાદમાં જ્યારે લોકો ગરમાગરમ ચાની ચૂસકી સાથે ભજીયાનો આસ્વાદ માણતાં હોય કે પછી મારી જેમ ગરમાગરમ મકાઈનો ત્યારે તું આઈસ્ક્રીમની મજા માણતી હોય! તારા આ પાગલપનથી ક્યારે મને પ્રેમ થઈ ગયો એ નથી ખબર! તારી સાથે ચાર ડગલાં વૉક કરતાં કરતાં જિંદગીના ફૂટપાથ પર હાથમાં હાથ મિલાવીને ચાલવાના સપનાં હું ક્યારે જોતો થઈ ગયો એ મને નથી ખબર! જ્યારે બધાં મુંબઈગરાઓ એફ. એમ સાંભળવામાં વ્યસ્ત હતાં ત્યારે તું ક્યારે મારો રેડિયો બની ગઈ એ મને નથી ખબર! ઇન શોર્ટ, તારા ગાલ પર પડતાં આ ખાડાઓમાં ફસાઈ ગયો છું યાર!" આટલું બોલી આદિત્ય અટકી ગયો અને આગળ શું બોલવું એની મૂંઝવણમાં બંને એકમેકને જોતાં એ જ સ્થિતિમાં અટકી ગયા. થોડી વાર પછી આદિત્યએ મૌન તોડી ઊભાં થતાં કહ્યું,"આઈ રિયલી લવ યુ અંજલિ! છેલ્લા કેટલાંય સમયથી હું તને આ કહેવા માંગતો હતો પણ એક બેસ્ટ ફ્રેન્ડને ખોવાના ડરથી ચૂપ રહી જતો."


     અંજલિ કંઈક બોલવા જતી હતી ત્યારે આદિત્યએ એના હોઠ પર આંગળી રાખી એને ચૂપ કરાવતા કહ્યું, "આજે વરસતાં વરસાદ અને તારી ગેરહાજરીએ મારા દિલના ખૂણામાં ક્યાંક ધરબાઈને પડેલી લાગણીઓને જગાડી દીધી એટલે મેં એનો તારી સામે એકરાર કરી દીધો પણ આઈ લવ યુ એ કોઈ પ્રશ્નાર્થ વાક્ય નથી કે તારે એનો જવાબ આપવો પડે! એ માત્ર મારા દિલ પર લખાયેલ લાગણીનાં હસ્તાક્ષર છે. જો તને મારા પ્રત્યે આવું ક્યારેય ફીલ થયું હોય કે થાય તો તું મને જણાવજે બાકી આપણી ફ્રેન્ડશીપ પર આની કોઈ જ અસર નહીં થાય!"

  અંજલિ આગળ કશું બોલવું કે નહીં એની અસમંજસમાં મૌન ધરીને ઊભી હતી અને આદિત્યએ વરસાવેલી લાગણીઓમાં તરબતર નાહી રહી હતી તો બીજી બાજુ આદિત્ય પણ વરસાદમાં પૂરેપૂરો પલળી ચૂક્યો હતો.

  અચાનક અંજલીનો ફોન રણક્યો. સ્ક્રીન પર આરોહીનું નામ જોતાં જ તરત એણે ફૉન ઊંચક્યો.

                ***


આરોહી એટલે અંજલિની રૂમ પાર્ટનર. અંજલિ મૂળ ગુજરાતની હતી પણ સપનાઓનો પીછો કરતી ડ્રીમસીટી મુંબઈ સુધી પહોંચી આવેલી. કહેવાય છે ને કે મુંબઇમાં રોટલો મળી રહે પણ ઓટલો ન મળે. આ વાક્ય અંજલિ માટે પણ એટલું જ સાચું પડ્યું.

  શરૂઆતમાં એક સંબંધીને ત્યાં થોડો વખત રહી પણ એને ખ્યાલ આવી ગયો કે આમ લાંબો સમય નહીં રહી શકાય એટલે પોતાની હોસ્પિટલમાં સાથે કામ કરતી એક ફ્રેન્ડ સાથે ફ્લેટ શેર કરી રહેવા લાગી. પરંતુ જ્યારથી એણે પોતાનું એક નાનું ક્લિનિક શરૂ કર્યું ત્યારથી આરોહી સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કર્યું. આરોહી એક જાણીતા રેડિયો શોની લીડ આર.જે હતી એટલે દિવસનો મોટા ભાગનો સમય બંને બહાર જ રહેતાં પણ રાતે અગિયાર વાગ્યે બંને ફ્લેટ પર આવે એટલે એમનો આખા દિવસની વાતો અને ગૉસિપના ખજાનાથી ભરપૂર એવો ટૉક શો શરૂ થતો!

                ***


 આરોહીનો કૉલ જોતાં જ અંજલિને ખ્યાલ આવ્યો કે રાતનાં અગિયાર વાગ્યાં હતાં.

"કહાં પે હૈ યાર?હમારે શો કા ટાઈમ હો ગયા હૈ ડાર્લિંગ!" આરોહીએ ટિપિકલ મુંબઇયા હિન્દીમાં પૂછ્યું.

"બસ નિકલ હી રહી હું."

"રૂક, મૈં યહાં પાસ મેં પેસ્ટ્રીઝ લેને આયી હું તો તુજે લેને આ રહી હું." 

 અંજલિની ફોન પર વાત સાંભળી આદિત્યએ કંઈ પણ બોલ્યાં વગર એ તરફ ચાલવાની શરુઆત કરી અને આરોહી આવી ત્યાં સુધી બંને કંઈ પણ વાત કર્યા વિના ચાલતાં રહ્યાં અને એમ જ છૂટા પડ્યાં.

               ***


આરોહી સાથે ગાડીમાં બેઠાં પછી પણ અંજલિ આદિત્યના જ વિચારોમાં ખોવાયેલી હતી. એટલે આરોહીએ પૂછ્યું,"કયા બાત હૈ એન્જી,સબ ઠીક હૈ ના?તું કુછ ખોયી ખોયી સી લગ રહી હૈ!" આરોહી અંજલિને એન્જી કહેતી.

"રૂમ પે ચલ કે આરામ સે બાત કરતે હૈ!"

 "ઓકે બોસ! બસ પાંચ મિનિટ ઔર,અગર ટ્રાફિક નહીં હુઆ તો." એમનું ઘર નરિમાન પોઇન્ટથી પચીસેક મિનિટ દૂર હતું.

                ***


"ચલ અબ બતા, કયા સીન હૈ?" ઘરે પહોંચતા જ એક પેસ્ટ્રી પોતે લઈ બીજી જબરદસ્તી અંજલિને પકડાવતાં આરોહીએ પૂછ્યું એટલે અંજલિએ આદિત્યએ કરેલાં પ્રપોઝલની માંડીને વાત કરી.

"કયા બાત હૈ,સહી હૈ બોસ!" આરોહીએ ખૂશ થતાં કહ્યું પણ અંજલિએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે આરોહી બોલી, "તુને કયા બોલા ઉસકો? ના બોલ કે તો નહીં આ ગયી ના ઉસ બિચારે કો? દો સાલ સે ફિલ્ડિંગ ભર રહા હૈ તેરે આગે પીછે!ઔર કિતને પાપડ બેલવાયેગી ઉસસે યાર?" અંજલિને હજી ચૂપ જોઇ આરોહીએ સીધું જ પૂછી લીધું, "એક બાત બતા, ડુ યુ લવ હીમ?" 

"આઈ ડોન્ટ નો યાર,મૈને કભી ઇસકે બારે મેં સોચા નહીં હૈ.તું તો જાનતી હૈ ના સબ કી, યહાં તક પહોંચને કે લિયે મૈને કિતની મેહનત કી હૈ. અભી અભી હોસ્પિટલ કી છોટી સી જોબ છોડ કે ક્લિનિક ખોલા હૈ મૈને! મૈ અપના ટ્રેક ચેન્જ નહીં કર સકતી યાર ઇસ લવ કે ચક્કર મેં! ઔર વૈસે ભી તુજે પતા હૈ ના યે પ્યાર વ્યાર સબ મેરે બસ કી બાત નહીં હૈ!" અંજલિએ કહ્યું.

   "હો ગયા હૈ તુજકો તો પ્યાર સજની,લાખ કર લે તું ઇન્કાર સજની..."આ ગીત ગણગણતાં આરોહી બોલી, "દેખ,લડકા અચ્છા હૈ ઔર સબસે ઈમ્પોર્ટન્ટ બાત કી બહોત પ્યાર કરતા હૈ તુજસે,ઔર કયા ચાહિયે તુજે? મેરી માન તો અભી જાકે હાં બોલ દે ઉસકો!"


   અંજલિને સમજાવી આરોહી તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ અંજલિના મનમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલતું રહ્યું આખી રાત! એમાં ક્યારે સવાર પડી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો!

આરોહીએ ઉઠતાંવેંત જ અંજલિને કહ્યું,"સારી રાત સોયી નહીં ના તું?" અંજલિની સૂજેલી આંખો એનાં ઉજાગરાની ચાડી ખાતી હતી!

"એક કામ કર આજ ક્લિનિક મત જા,કહીં ઘુમને ચલતે હૈ."

"નહીં યાર,આજ બહોત એપોઇન્ટમેન્ટ્સ હૈ,ગેટિંગ લેટ! રાત કો મિલતે હૈ,ચલ બાય!" એમ કહી અંજલિ ફટાફટ તૈયાર થઈ ક્લિનિક માટે નીકળી ગઈ અને ત્યાં પહોંચતાવેંત જ પેશન્ટ્સમાં પરોવાઈ ગઈ. વચ્ચે લન્ચ બ્રેકમાં એમ થયું કે આદિત્યને કૉલ કરીને એક વાર વાત કરી લે પણ શું વાત કરવી એ મૂંઝવણમાં માંડી વાળ્યું અને આમ જ નીકળવાનો સમય થવા આવ્યો. એટલે અંજલિ આજે રૂટિન પ્રમાણે વૉક પર જવું કે ન જવું એની અસમંજસમાં ત્યાં જ થોડી વાર બેઠી રહી અને આખરે વૉક પર ન જવાના નિર્ણય સાથે આરામથી ક્લિનિક પરથી નીકળીને ઘરે પહોંચી.

                ***


  બીજી બાજુ આદિત્ય આખો દિવસ બેચેન રહ્યો. ઓફિસના કોઈ કામમાં તેનું મન ન લાગ્યું. થોડી થોડી વારે ફૉન ચેક કર્યા કરે કે અંજલિનો ફૉન કે મૅસેજ આવ્યો કે નહીં.ઓફિસમાં ચપટીમાં ગમે તે પ્રોગ્રામની એરર સોલ્વ કરી લેતો આદિત્ય આજે એના મગજમાં ચાલતાં વિચારોના પ્રોગ્રામની એરર સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો.

    સાંજ સુધીમાં તો એની બેચેની એટલી વધી ગઈ કે ઑફિસેથી વહેલો નીકળી સીધો નરિમાન પોઇન્ટ કલાક વહેલો પહોંચી ગયો. બે કલાક રાહ જોયા પછી પણ અંજલિ ન આવી એટલે આદિત્યથી ન રહેવાયું અને એણે તરત જ અંજલિને ફૉન જોડ્યો. પણ ત્રણ કૉલ્સ પછી પણ અંજલિએ ફૉન રિસીવ ન કરતાં આદિત્ય રઘવાયો થઈને આમતેમ આંટા મારવા લાગ્યો. હવે શું કરવું એ ન સમજાતા એણે 'મરીઝ' સાહેબની ગઝલની અમુક પંક્તિઓ અંજલિને મેસેજમાં મોકલી:

"લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,

 દર્શનની ઝંખના હતી,અણસાર પણ ગયો. 

એની બહુ નજીક જવાની સજા છે એ, 

મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. 

રહેતો હતો કદી કદી ઝૂલ્ફોની છાંયમાં, 

મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. 

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, 

દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો?"


             ***


  ત્રણ મિસ્ડ કૉલ્સ અને આ મૅસેજ પછી અંજલિ માટે પોતાની જાતને સંભાળવું ખરેખર અઘરું બની ગયું હતું એટલે બાલ્કનીમાં ખુલ્લી હવામાં બેસવા ગઈ.

"એક બાર બાત તો કર લે ઉસસે!" આરોહી આજે જલ્દી ઘરે આવી ગઈ હતી અને ક્યારની આદિત્યને મળવા કે કમ સે કમ ફૉન પર વાત કરવા મનાવી રહી હતી પણ અંજલિ ટસની મસ ન થઈ અને ફૉન સ્વિચડ ઑફ કરી સૂઇ ગઈ. પણ આંખોએ તો જાણે આદિત્ય સાથે થયેલાં અન્યાય માટે ધરણાં ધર્યા હોય એમ ઊંઘવાનું નામ જ નહોતી લેતી!

એનો મૂડ હળવો કરવાના ઈરાદાથી આરોહીએ કહ્યું,"યે ઇશ્ક નહીં આસાન, ઇતના હી સમજ લીજે, એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!"

અંજલિ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના આંખો બંધ કરી આખી રાત એમ જ પડી રહી.

                ***


એવી જ કઈંક હાલત આદિત્યની હતી. આવું સતત એક વીક ચાલ્યું. બે-ત્રણ દિવસ તો પોતાની જાતને સંભાળી લીધી એમ વિચારીને કે અંજલિને કદાચ આ વાત સ્વીકારવા થોડો ટાઈમ આપવાની જરૂર છે એટલે કોઈ મૅસેજ કે કૉલ્સ પણ ન કર્યાં. બસ રોજ નવ વાગ્યે એમની નિયત જગ્યાએ અંજલિના આવવાની આશામાં બેસી રહેતો! છતાં પણ અંજલિ તરફથી કંઈ જ રીસ્પોન્સ ન મળતાં આ આશા પણ નિરાશામાં ફેરવાતી ગઈ.

એની આ હાલત જોઈ ઘરે પણ બધાને ચિંતા થવા લાગી.શરૂઆતમાં તો કામનું ટેન્શન હશે એમ માની બધાએ પૂછવાનું ટાળ્યું. પણ પછી એક દિવસ પપ્પાએ રૂમમાં આવી પૂછ્યું,"શું વાત છે દીકરા,કંઈ પ્રોબ્લેમ છે?" આમ તો કામ સિવાય પપ્પા આ રીતે એના રૂમમાં ન આવતાં એટલે આદિત્યને પણ ખ્યાલ આવ્યો કે હવે ઘરમાં પણ અસર દેખાવા લાગી છે. છતાં તે નકારમાં માથું ધુણાવી બોલ્યો,"કંઈ જ નથી પપ્પા!"

"તને ખબર છે બેટા, તારી મમ્મી અને મારા લવ મૅરેજ છે?" પપ્પાએ તેની નજીક બેસતાં પૂછ્યું.

"શું વાત કરો છો પપ્પા? પણ દાદીએ તો કહેલું કે એ મમ્મીને જોવા ગયેલાં!" આદિત્યએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું.

"હાં, ગયેલાં ને,પણ તે ક્યારે એ પૂછ્યું કે એ એકલાં જ કેમ ગયેલાં જોવા?"

"મતલબ?"

"હું અને તારી મમ્મી એક જ કૉલેજમાં હતાં. જ્યારે પહેલાં વર્ષમાં હતાં ત્યારે યૂથ ફેસ્ટિવલમાં તારી મમ્મીએ 'લગ જા ગલે..' સોન્ગ ગાઈને પ્રથમ નંબર મેળવ્યો ત્યારે લોકો એને તાળીના ગડગડાટથી વધાવી રહ્યા હતાં અને હું મંત્રમુગ્ધ બની એને તાકી રહ્યો હતો! ત્યારથી જ જાણે મનમાં નક્કી કર્યું કે પરણવું તો આને જ!" પપ્પા જાણે કોઈ પુસ્તકમાંથી વાંચી રહ્યા હોય એમ બોલતાં રહ્યાં.


"પણ તે જમાનામાં તારી મમ્મીને જઈને પ્રપોઝ કરવાની મારી હિંમત ન ચાલી. બસ કોઈ પણ બહાને તેના ક્લાસમાં તો વળી ક્યારેક એની શેરીઓમાં આંટાફેરા કર્યા કરતો માત્ર તેની એક ઝલક જોવા! એક-બે વાર તો એણે મને રંગે હાથ પકડેલો એને તાકતો!"

આટલું બોલી જાણે એ પળોમાં ખોવાઈ ગયાં હોય એમ ચૂપ થઈ ગયા એટલે આદિત્યએ ઉત્સુકતાથી પૂછ્યું,"પછી શું થયું?"

એટલે અચાનક તંદ્રામાંથી જાગતાં બોલ્યાં,"પછી શું થવાનું હતું! મારાં આ કરતૂતોની તારી દાદીને જાણ થઈ ગઈ !કહેવાય છે ને કે માથી કશું છૂપું નથી રહેતું!" એમ કહી એ હસી પડતાં આગળ બોલ્યાં,"તારી દાદીને પણ એ છોકરી ગમી એટલે માંગુ લઈ ઘરે ગયા. પણ તારી મમ્મીએ ઘસીને ના પાડી દીધેલી!" 

"શું વાત કરો છો પપ્પા?"

"હાં,એટલે મેં પહેલાં કમાવવાનું શરૂ કરી પોતાને લાયક બનાવ્યો પછી તારાં નાનીએ સામેથી માંગુ મોકલાવેલું મારી માટે! પણ આ માટે મારે ચાર વર્ષ રાહ જોવી પડેલી હોં !પ્રેમ કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી કે બે મિનિટમાં થઈ જાય,પ્રેમ તો ધીમી આંચ પર મૂકેલી એ ખીચડી છે જેને ચડવા માટે પૂરતો સમય આપવો પડે બાકી કાચી રહી જાય!

ચાલ,હવે તું આરામ કર, રાત ઘણી થઈ ગઈ છે" એવું કહી પપ્પા રૂમમાંથી નીકળી ગયાં પણ એમની વાત આદિત્યના મગજમાં બરાબર બેસાડતા ગયાં. એટલે એ પણ અંજલિ સાથેની ખીચડીને પકાવવા સમય આપવાનું નક્કી કરીને સૂઈ ગયો.

               ***


  "હેલ્લો આદિત્ય,અંજલિ કી ફ્રેન્ડ આરોહી બાત કર રહી હું." સવાર સવારમાં સ્ક્રીન પર અંજલિનું નામ જોઈ આદિત્ય ઝબકીને જાગી ગયો.

"આધે ઘંટેમેં જુહુ બીચ પે આ જાના,કુછ જરૂરી બાત કરની હૈ" આટલું કહી આરોહીએ જેવી અંજલિને નાહીને બહાર નીકળતાં જોઈ એટલે ફૉન કાપી નાખ્યો.

"ચલ જલ્દી સે રેડી હો જા હમ જૂહુ બીચ જા રહે હૈ" આવો હૂકમ ફરમાવી એને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વિના જ આરોહી સીધી બાથરૂમમાં ઘૂસી ગઈ.

       આ બાજુ આદિત્યને કંઈ સમજ ન પડી કે શું થઈ રહ્યું છે પણ અંજલિનું નામ સાંભળતાં એને એક આશાનું કિરણ દેખાયું એટલે ફટાફટ તૈયાર થઈ જૂહુ બીચ પહોંચી ગયો અને ત્યાં એક શાંત જગ્યા શોધી બેસી ગયો. ત્યાં જ પાંચેક મિનિટમાં સામેથી અંજલિને આવતાં જોઈ. કેટલાંય દિવસ પછી જોતો હોય એમ અંજલિને એની તરફ આવતાં અપલક નજરે જોઈ રહ્યો.

અંજલિ સામે આદિત્યને બેઠેલો જોઈ આરોહીનો પૂરો પ્લાન સમજી ગઈ એટલે આરોહી સામે ગુસ્સાભરી નજરે જોયું. આરોહી જાણે આ સમજી ગઈ હોય એમ એને શાંત કરતાં બોલી,"બાત કરને સે કોઈ ભી પ્રોબ્લેમ સોલ્વ કિયા જા શકતાં હૈ,ઉસસે ભાગને સે નહીં! પ્યાર સે દૂર ભાગને સે પ્યાર ખતમ નહીં હો જાતા યાર! ઔર તેરા એક બાર પ્યાર કા એક્સપિરિયન્સ અચ્છા નહિ રહા ઇસકા મતલબ યે તો નહીં ના કી યે ભી અચ્છા ના રહે! ઇસલિયે બાકી સબ સોચના છોડ,યે લે રેડ રોઝ ઔર જાકે પ્રપોઝ કર ઉસકો" આદિત્યને ન દેખાય એ રીતે અંજલિને આપતાં બોલી.

                 ***


  "વરસતાં વરસાદમાં છત્રી વગર મારી જોડે આખી જિંદગી ભીંજાઈને આઈસ્ક્રીમ ખાવાનું ફાવશે તને? તારી સાથે વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં ક્યારે તારા પ્રેમમાં ભીંજાઈ ગઈ ખબર નથી મને!મને તો બસ એટલી ખબર છે કે તારા વિના નરિમાન પોઇન્ટ પર ઉછળતાં મોજા જોવામાં પણ એટલી મજા નથી આવતી અને વરસાદમાં ભીંજાવાની પણ! મારા દિલની બંજર જમીન પર માત્ર ચોમાસામાં જ નહીં પણ આખી જિંદગી ધોધમાર વરસવાનું ફાવશે તને?" આરોહીની વાત સાચી લાગતાં આદિત્ય પાસે જઈ ઘૂંટણીએ બેસીને હાથમાં રેડ રોઝ પકડી પ્રપોઝ કરતાં અંજલિ બોલી.

અંજલિના હાથમાંથી રોઝ લઈ એને ઊભી કરીને આદિત્યએ એને છાતી સરસી ચાંપી દીધી.અને કંઈ પણ બોલ્યા વિના કેટલીય વાર સુધી બંને એમ જ ઊભાં રહ્યા પછી અંજલિનું કપાળ ચૂમતાં આદિત્ય રોમેન્ટિક અંદાઝમાં બોલ્યો,"કૂબુલ હૈ!"

      પોતાનો પ્લાન સક્સેસફુલ રહ્યો એ જોઈને ખૂશ થતી આરોહીએ બંનેને ભેટીને અભિનંદન આપ્યા. બંને જણાએ આરોહીનો આભાર માન્યો અને આખી રાત સેલિબ્રેટ કર્યું.

                 ***


"મારા સ્વાગતની તૈયારી થઈ ગઈ હોય તો આવું લેવા?" આદિત્યનો ફૉન આવતાં જ અંજલિ વિચારોની લોન્ગ ડ્રાઈવમાંથી પાછી આવી અને ખરેખર આદિત્ય સાથેની લોન્ગ ડ્રાઈવ પર જવા નીકળી.

"સીટ બેલ્ટ બાંધી લ્યો મેડમ,તમારી સેફટી એ હવે મારી જવાબદારી છે" અંજલિ જેવી ફ્રન્ટ સીટ પર બેઠી એટલે આદિત્યએ કહ્યું.

"અચ્છા? તો તું જાતે જ બાંધી દે અને પૂરી જવાબદારી નિભાવ!" અંજલિએ મસ્તીમાં કહ્યું. એ પછી તો આદિત્ય દર વખતે એના કીધાં વિના જાતે જ સીટ બેલ્ટ બાંધી દેતો. અને આમ જ એક વર્ષ નીકળી ગયું.

 એક વર્ષમાં બંનેનાં રંગેચંગે લગ્ન લેવાયાં અને સમય કેમ વીતતો ગયો ખબર જ ન પડી. બંને પોતાનાં કામ અને જવાબદારીઓમાં એટલાં ઉલઝી ગયાં કે એક છત નીચે રહેતાં હોવાં છતાં એકબીજા સાથે વાત કરવાનો જ સમય ન મળતો એટલે ધીરે ધીરે ગેરસમજો વધતી ગઈ એમની વચ્ચે. હવે વાતોનું સ્થાન ઝગડાએ લઈ લીધું હતું.પણ આ વખતે તો હદ થઈ ગઇ.


    બંનેના લગ્નની આ ત્રીજી વર્ષગાંઠ હતી અને આદિત્યએ સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી હતી. કેટલાં દિવસ પછી અંજલિ ખૂશ દેખાતી હતી. પાર્ટી ખૂબ સરસ ચાલી રહી હતી. બધા મિત્રો અને સગાસંબંધીઓ હાજર હતાં અને ગિફ્ટ્સ અને આશીર્વાદ વરસાવી રહ્યા હતાં. આ બધાં વચ્ચે આદિત્યના દાદા-દાદી પણ આવ્યાં અને આશીર્વાદ અને ગિફ્ટ્સ આપતાં બોલ્યાં, "બસ હવે રીટર્ન ગિફ્ટમાં અમને પૌત્ર આપી દો એટલે અમે સ્વર્ગની સીડી ચડીએ!" એટલે બધાંએ હસીને એ વાત વધાવી લીધી. ત્યારે તો અંજલિ કશું ન બોલી પણ પાર્ટી પત્યા પછી જ્યારે આદિત્યએ એ વાત ફરી છેડી ત્યારે અંજલિએ કહ્યું કે હું હજી બાળકની જવાબદારી લેવા તૈયાર નથી. આ સાંભળીને આદિત્ય બોલ્યો,"ત્રણ વર્ષ થયા, હજી કેટલો સમય જોઈએ?" એટલે અંજલિ બોલી,"ક્લિનિક હું હમણાં મૂકી શકું એમ નથી. અને બંનેને સાથે સમય નહીં આપી શકું હું."

"તો મને મૂકી દે!મને પણ ક્યાં સમય આપી શકે છે તું!" પાર્ટીનાં થાક અને ગુસ્સામાં આદિત્ય શું બોલતો હતો એનું ભાન જ ન રહ્યું એને!

"રિયલી આદિ?તારી પાસે મારી માટે ટાઈમ છે? તો તું બાળકને શું ટાઈમ આપીશ!" એમ કહીને અંજલિ પડખું ફેરવીને સૂઇ ગઈ પણ મનમાં આદિત્યની વાત ઘુમરાયા કરતી હતી એટલે વહેલી સવારે બધાંને સૂતાં છોડી બેગ પૅક કરી પિયર ચાલી ગઈ. અને અહંકારની આ લડાઈમાં આખરે છૂટાછેડાની નોબત આવી.

            ***


  આજે કોર્ટમાં એમનાં છૂટાછેડાના કેસની લાસ્ટ હિયરીંગ હતી પણ કોર્ટનો ટાઈમ થઈ જતાં એમના કેસને સવારનો સમય આપ્યો. એટલે આદિત્યએ અંજલિને પૂછ્યું,"એક લાસ્ટ વૉક પર જઈએ?"

              ***


  અચાનક આદિત્યએ બ્રેક મારી એટલે અંજલિના ભૂતકાળની સફરને પણ બ્રેક લાગતાં એને ખ્યાલ આવ્યો કે એ લોકો ટ્રાફિકમાં ફસાયેલા છે અને ચેકીંગ ચાલી રહ્યું છે. પોલીસે એમને અટકાવતાં લાઇસન્સ માંગ્યો. પણ બંને અંજલિની ગાડીમાં આવ્યા હતા અને આદિત્યના બધાં ડોક્યુમેન્ટસ કોર્ટ પાસે પાર્ક કરેલી એની ગાડીમાં રહી ગયા હતાં એટલે પોલિસે અંજલિ સામે જોઇને પૂછ્યું, "કૌન હૈ યે લડકી? ઇતની રાત કો ઉસે લેકર કહાં જા રહા હૈ?" 

"બીવી હૈ મેરી,માઈકે છોડને જા રહા હું ઉસે!" આદિત્ય બોલ્યો.

"કયા બકવાસ કર રહા હૈ,ચલ ગાડી સે બાહર નિકલ!"

આ રકઝક સાંભળી અંજલિ બહાર નીકળી અને એમનાં છૂટાછેડાના કાગળિયાં બતાવતાં બોલી,"હાં,આજ એક આખરી રાત કે લીયે હી સહી પર વો મેરા પતિ હૈ!" અને એમની આખી ઘટના સમજાવી એટલે પોલીસે એમને જવા દીધાં.


પણ એમની આ લાસ્ટ વૉક અને પછી આ વાક્યએ જાણે આદિત્યને વિચારતો કરી મૂક્યો. આટલું પૂરતું ન હોય એમ આરોહીનો ફૉન આવ્યો એણે આપેલી એનિવર્સરી ગીફ્ટ કેવી લાગી એ પૂછવા. અંજલિ કંઈ બોલે એ પહેલાં જ આરોહીએ કહ્યું,"તેરા ફૉન નહીં આયા ઇસલિયે મુજે લગા હી કી તુમ દોનોને વો સીડી નહીં દેખી હોગી! રૂક મૈં અભી ભેજતી હું તુજે ઉસકા વીડિયો! મૈં નહીં આ પાયી પાર્ટી મેં,બસ અભી યુ.એસ. સે આયી ઔર સીધા તુજે કૉલ કિયા! તુમ દોનો અભી હી મુજે દેખ કે બતાઓ કૈસા લગા!" આ બધાંથી અજાણ આરોહીએ એક્સાઈનમેન્ટમાં બધું બોલી ફોન કટ કરી દીધો અને તરત જ એનો મેસેજ આવ્યો બંનેને! 


 જ્યારે અંજલિએ આદિત્યને પ્રપોઝ કરેલું ત્યારે એણે દૂરથી એ આખું રેકર્ડ કરેલું એનું ખૂબ સુંદર એડિટિંગ કરીને વીડિયો મોકલ્યો હતો. બંને જણ વીડિયો જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા અને એકબીજાને ગળે વળગી ક્યાંય સુધી રડતાં રહ્યાં! આટલાં સમયથી એમનાં પ્રેમ પર ચડેલી ધૂળ આંસુઓથી સાફ થઈ ગઈ જાણે! થોડીવાર પછી બંને શાંત થયા અને ગાડીને પાછી નરિમાન પોઇન્ટ તરફ હંકારી મૂકી અને ત્યાં પહોંચી છૂટાછેડાનાં કાગળિયાં ફાડતાં આદિત્યએ અંજલિનો હાથ પકડતાં કહ્યું,"આગળનું બધું ભૂલીને આ નવી જિંદગીની પહેલી વૉક પર જઈશું?"

                ***

                      


Rate this content
Log in

Similar gujarati story from Drama