Kalpana Desai

Thriller

4  

Kalpana Desai

Thriller

દેવલી

દેવલી

7 mins
14K


‘હલો સંજય, મારે આજે જ દેવલીને ગામ જવું પડશે. દેવલી બહુ માંદી છે ને મને બહુ યાદ કરે છે.’ રૂપાએ સંજયને ઓફિસે ફોન કર્યો.

‘હા, પણ હવે તો સાંજ પડવા આવી અને તને વગર રિઝર્વેશને કોઈ ટ્રેનમાં જગ્યા પણ નહીં મળે. વળી એના ગામ જતી ટ્રેન તો રાતે મોડી આવે છે. તું કાલે સવારે વહેલી ટ્રેનમાં નીકળી જજે. હું તારી ટિકિટ બુક કરાવી દઉં છું.’

‘પ્લીઝ સંજુ, મારું મન નથી માનતું. કોણ જાણે કેમ પણ મને મનમાં એમ જ થયા કરે છે, કે એની છેલ્લી ઈચ્છા કદાચ મને મળવાની જ છે. એના અવાજ પરથી તો લાગ્યું, કે એ ચોવીસ કલાક પણ કદાચ જ કાઢે. હું કાલે જાઉં ને કદાચ એ મને મળ્યા વગર જ... ના ના. મારે દેવલીને અંતિમ ઘડીએ દુ:ખી નથી કરવી. છેલ્લા પચીસ વરસથી એ આપણે ત્યાં કામ કરતી હતી. એ તો એની તબિયતે સાથ ન આપ્યો, બાકી તો અહીં જ મરવાની એની ઈચ્છા હતી, એવું એ વારંવાર કહેતી જ હતી ને?’

‘હા ભાઈ, ચાલ તું નહીં જ માને એટલે હું કોશિશ કરું, ટિકિટનું કંઈ થતું હોય તો. હું જ તારી સાથે આવત, પણ મારે જ કાલે સવારે ટૂર પર જવાનું છે અને વળી ડ્રાઈવર પણ રજા પર છે. કોઈ અજાણી ગાડીમાં તને જવા દેવામાં મારું મન નહીં માને. એના કરતાં ટ્રેન સારી. કંઈ નહીં તું નીકળી જા. પહોંચીને ફોન કરજે ને રસ્તામાં પણ વચ્ચે વચ્ચે ફોન કરતી રહેજે. તું પહોંચે ત્યાં સુધી તો મારો જીવ અધ્ધર જ રહેવાનો.’

‘મને કંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર. આ કંઈ પહેલી વાર રાતની ટ્રેનમાં જાઉં છું? સાવ નાના બાળક જેવો છે. ચાલ, ફોન મૂકું છું. કાલે સાંજે તો પાછી આવી પણ જઈશ. બાય.’

રૂપા છેલ્લી ટ્રેન ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખતાં ઝડપથી કામ પતાવી સ્ટેશન પહોંચી. હાશ! હજી ટ્રેન આવવાને ખાસ્સી દસ મિનિટની વાર હતી. એણે સંજયને ફોન લગાવ્યો, ‘ટ્રેન હમણાં પાંચેક મિનિટમાં આવશે. તારી બૅગ તૈયાર કરી છે, જોઈ લેજે. બાય.’

‘તું ગમ્મે તેટલી ઉતાવળમાં હોય, પણ મારી કાળજી કરવાનું નહીં ભૂલે કેમ? ચાલ, બાય એન્ડ ટેક કેર.’ સંજયે હસતાં હસતાં ફોન બંધ કર્યો.

ટ્રેન રાઈટ ટાઈમ હતી. સીટ મળવાની લાલચે રૂપા ઝડપથી ટ્રેનમાં ઘૂસી ગઈ. હાશ! બારી પાસેની એક સીટ ખાલી જોઈ રૂપાએ લપકીને પોતાનુ પર્સ ત્યાં મૂકી દીધું. થોડા પેસેન્જર્સ પહેલેથી જ સીટ પર લંબાઈ ગયેલા, જ્યારે બીજા લંબાવાની તેયારીમાં હતા. ઉપલી સીટ તો બધી ઊંઘતી હતી. રૂપાએ તો બેઠાં બેઠાં જ રાત પસાર કરવાની હતી એટલે એણે પર્સમાંથી એક પુસ્તક કાઢી ખોળામાં મૂક્યું. આજુબાજુ જોયું. કોઈને પોતાના તરફ જોવાની પડી નહોતી. ટ્રેન ચાલુ થઈ ગઈ. રૂપાએ સંજયને ફોન કરી, ‘સબ કુછ ઠીક હૈ’નો મેસેજ કરી દીધો. વહેલી સવારે તો ટ્રેન દેવલીને ગામ પહોંચાડી પણ દેશે. સંજયે પણ રાહતનો શ્વાસ લીધો, ‘એમ તો મારી ડાર્લિંગ બહાદુર છે, વાંધો નહીં આવે.’

આખા દિવસનો થાક, એમાં પાછું ચોપડીમાં માથું અને એમાંય વળી ટ્રેનના હિલોળા. રૂપાને ઝોકાં આવવા માંડ્યાં. એણે ચોપડી પર્સમાં મૂકી ને પર્સને બે હાથમાં મજબૂતીથી પકડી અદબ વાળીને આંખો બંધ કરી દીધી. હવે થોડું ઊંઘી જવાય તોય વાંધો નહીં. કલાકેક થયો હશે અને અચાનક જ ટ્રેનને જોરમાં ઝાટકો લાગવાથી થયેલા મોટા અવાજે, રૂપા ગભરાઈને ઊઠી પડી. ટ્રેન અધવચ્ચે જ અટકી ગઈ હતી. એણે આજુબાજુ જોયું પણ એને અંધારા સિવાય કંઈ દેખાયું નહીં. ઓહ! ડબ્બાની લાઈટ પણ ઊડી ગઈ? ઉતાવળમાં સાથે નાનકડી ટોર્ચ ન લેવાનો એને બેહદ અફસોસ થયો. એણે મોબાઈલ કાઢવા માટે પર્સ પર હાથ ફંફોસ્યો. પર્સ પર એને કંઈ ભીનું ભીનું લાગ્યું. એણે આંગળીઓ ત્યાં ઘસી જોઈ. ના પાણી તો નહોતું. ફરી આંગળી ફેરવીને નાક પાસે લઈ સૂંઘી જોયું. કોઈ અજબ વાસ આવતાં એણે ફરી પર્સ ખોલવાનો પ્રયત્ન કર્યો. મોબાઈલની ટોર્ચથી એ જોવા ચાહતી હતી, કે આખરે પર્સ પર શું પડ્યું છે?

એણે આજુબાજુ જોવાનો મિથ્યા પ્રયાસ કર્યો. ઘોર અંધારા સિવાય ત્યાં બીજું પણ કંઈક હતું. કેટલીય ચમકતી આંખો એને તાકી રહી હતી. ગભરાઈને એણે ઉપર જોયું તો ઉપરથી પણ ચમકતી આંખો એના પર જ મંડાયેલી. જાણે અંધારામાં ચમકતી રાની પશુઓની હિંસક આંખો. ચીસ પાડવાના એના પ્રયત્નો મિથ્યા બનતા, ચીસ ગળામાં જ અટકી ગઈ. રૂપાને પોતાનું ગળું ભીંસાતું લાગ્યું. એણે ગળા પર હાથ ફેરવ્યો તો પર્સ પર લાગેલા પ્રવાહી જેવો જ ગંધાતો, ભીનો સ્પર્શ. એનું મગજ સૂન મારી ગયું. અચાનક જ આ બધું શું થઈ ગયું? આ અમકતી આંખો કોની છે? અને આ ગળા પર ને પર્સ પર શું ચોંટ્યું છે? એવામાં જ ડબ્બામાં લાઈટ આવી ગઈ અને રૂપાના જીવમાં જીવ આવ્યો. એણે તરત જ પર્સ પર નજર નાંખી તો, પર્સ ઉપર લોહીના ડાઘા દેખાયા. તરત જ એનો હાથ ગળા ઉપર ગયો. એ જ, લોહી જ!

પણ આ શું? કોઈ સ્ટેશન તો નથી આવ્યું, તો આ બધા ક્યાં ઉતરી ગયા? કોઈ દેખાતું કેમ નથી? એ ઝડપથી ઊઠી અને બાથરૂમ તરફ જવા દોડી. આખો ડબ્બો ખાલી! એ તદ્દન એકલી જ હતી આખા ડબ્બામાં! ઓહ! આ બધું શું થઈ રહ્યું છે? કોઈ દિવસ નહીં ને આજે જ? બહુ દિવસે રૂપા ટ્રેનમાં બેઠી હતી અને તેમાંય રાતની ટ્રેનમાં! ગભરાટમાં એણે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો પવનના ઝપાટાએ એને પાછળ ધકેલી દીધી.

બાથરૂમનો ફક્ત દરવાજો જ હતો, જેમાં પગ મૂકતાં જ પાટા પર ફેંકાઈ જવાનું નક્કી હતું. રૂપા ગભરાઈને દોડી ને પોતાની જગ્યાએ જઈ બેઠી. એની આજુબાજુ ને સામે સીટ પર બધે જંગલી આદિવાસી જેવા લોકો બેઠેલા દેખાયા. ઉપરથી પણ ચિત્રવિચિત્ર અવાજો કાઢતા આદિવાસીઓ એને તાકતા હતા. રૂપા પરસેવે રેબઝેબ થઈ ગઈ. એનું મગજ ચકરાઈ રહ્યું હતું. અચાનક ટ્રેને ઝટકો ખાધો અને ધીરેથી ડગલાં ભરતી હોય એમ ચાલવા માંડી. બધા આદિવાસીઓએ જોર જોરમાં ચિચિયારીઓ પાડવા માંડી. રૂપાથી આ બધું જોવાતું નહોતું. એણે આંખો મીંચી દીધી ને પર્સને બે હાથે પકડીને બેસી રહી.

થોડી વારમાં જ બધા ચિત્રવિચિત્ર અવાજો શમી ગયા. ડબ્બો ફરી એક વાર ખાલી થઈ ગયો, પણ હવે રૂપાની ઊંઘ તો ક્યાંય જોજનો દૂર નીકળી ચૂકી હતી.

રૂપાને પોતાની જીદનો બેહદ પસ્તાવો થતો હતો. સતત સંજયને યાદ કરતાં એને મનોમન રડવું પણ આવી રહ્યું હતું. ન તો એ પાછી જઈ શકતી હતી કે ન દેવલીને ગામ સીધું પહોંચાય એવું લાગતું હતું.

ટ્રેનમાં બેસતાં જ એણે દેવલીના વરને પણ ફોન લગાવ્યો હતો, પણ એનો ફોન બંધ હતો. ટ્રેને ફરી સ્પીડ પકડી હતી અને અડધી રાતે આ ટ્રેનમાં રૂપા સિવાય કોઈ નહોતું. રૂપાએ ભગવાનનું નામ લઈ જોયું, ફરી એક વાર પુસ્તક ખોલી જોયું અને આમતેમ જોવાની પણ ચેષ્ટાઓ કરી જોઈ પણ સરિયામ નિષ્ફળતા. હવે તો એને સીટ પરથી ઊભા થવાની પણ બીક લાગતી હતી. લાઈટ જશે તો? પેલી ચમકતી આંખો કે પેલા ડરામણા આદિવાસીઓ ફરી દેખાયા તો? એ ફાટી આંખે ડબ્બામાં ચકળવકળ જોતી રહી.

આખરે દેવલીનું ગામ આવ્યું. સામે જ સ્ટેશન પર દેવલીનો વર એને લેવા આવ્યો હતો. હાશ! રૂપાના જીવમાં જીવ આવ્યો. સંજયે નક્કી આને ફોન કરી દીધો લાગે છે. બાકી, આને ક્યાંથી ખબર કે હું આજે જ ને આ જ ટ્રેનમાં આવવાની છું?

‘કેમ છે દેવલીને હવે?’
‘બેન, જાણે એ તમારી જ રાહ જોતી છે.’

સ્ટેશનથી થોડે જ દૂર દેવલીનું ઘર હતું એટલે બંને વાત કરતાં ચાલી રહ્યા હતાં.

‘દેવલીને કહ્યું છે, કે હું આજે આવું છું?’
‘હા, એને ખબર છે. આજે એ સૂતી પણ નથી.’

રૂપાની આંખો છલકાઈ આવી. દેવલીનાં પચીસ વરસો એના મનમાં ઘુમી રહ્યાં.

ઘર આવતાં જ, દેવલીનો વર બહારથી કંઈક લેવા જવાનું છે કહીને જતો રહ્યો. રૂપા ખુલ્લા ઘરમાં દાખલ થઈ. આગલા ઓરડામાં જ, નાનકડા ખાટલા ઉપર સૂતેલી, હાડપિંજર જેવી દેવલી દેખાઈ.

‘આવી ગયા બેન? બસ, હવે હું સુખેથી જાઉં.’ દેવલીનો હાથ લંબાયો અને રૂપાનો લંબાયેલો હાથ ભીંસમાં લઈ રૂપાને એણે પલંગ પર ખેંચી લીધી. રૂપા પડતાં પડતાં બચી. આ માંદી દેવલીમાં આટલી તાકાત? એ વધુ કંઈ વિચારે તે પહેલાં જ, દેવલીનો વર આવ્યો ને દેવલીને ખાટલામાંથી ઊંચકીને ખભે નાંખી ચાલતો થયો.

‘અરે અરે! એને ક્યાં લઈ જાય છે? એ માંદી છે, પડી જશે તો મરી જશે.’ રૂપા ચીસો પાડતી બહાર જતી રહી, જ્યારે એણે જોયું કે દૂર દૂર સુધી તો કોઈ દેખાતું જ નહોતું! અરે! એટલી જરાક જ વારમાં બંને ક્યાં અલોપ થઈ ગયાં? અહીં તો એટલું અંધારું પણ નથી કે, કંઈ ન દેખાય.

આજે મારે અહીં આવવું જ નહોતું જોઈતું. અજબ અજબ બનાવો બને છે અને હજીય શું શું થશે કોણ જાણે.

‘બેન, એ બીજી વાર નહીં મરે. એ મરી જ ગઈ છે, આજે છ મહિનાથી.’

અચાનક જ રૂમમાં પ્રવેશેલા દેવલીના છોકરાએ રૂપાને જણાવ્યું, ‘મા તો છ મહિના પહેલાં જ મરી ગયેલી ને એની પાછળ મારો બાપ પણ દારૂ પીને મહિનામાં જ ચાલતો થઈ ગયેલો.’

‘તો.. તો પછી, આ લોકો કોણ હતાં?’ રૂપાની અક્કલ આજે સંપૂર્ણપણે બહેર મારી ગયેલી.

‘મને સ્ટેશન પર લેવા આવેલો તે તારા બાપને કેવી રીતે ખબર, કે હું આ જ ટ્રેનમાં આવવાની છું? મને તો તારું ઘર પણ ખબર નહોતી.’

‘કદાચ તમારામાં મારી માનો જીવ હશે તે તમને મળીને ગઈ. હવે કોઈ વાર નહીં આવે. એનો જીવ છૂટી ગયો.’

રૂપા સવારે પોતાના ઘરે જતાં વિચારતી રહી, શું દેવલી મને ખરેખર મળવા ચાહતી હતી? તો પછી ટ્રેનમાં પેલા બધા બિહામણા અનુભવોનું કારણ શું?

ટ્રેનથી ગભરાયેલી રૂપાએ ટૅક્સીમાં ઘેર જવું મુનાસિબ સમજી, ભાડેથી ટેકસી કરી લીધી.

ઘેર પહોંચી રૂપાએ, એની રાહ જોઈ રહેલા સંજયના ગળે નહોર ભેરવ્યા, ‘દેવલી તો ક્યારની મરી ગયેલી.’ અને સંજયના ગળા પરથી રેલો ઉતર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller