દાદાજીની વાર્તા
દાદાજીની વાર્તા
મયંક કહે, 'સાચેજ આ શબ્દોને સાચા-અર્થમાં સમજવા એ સહેલી વાત નથી. શબ્દોને વાપરવાનીને શબ્દોને સમજવાની જેમનામાં કુનેહ છે, એ માણસ ધાયુઁ કામ કરી શકે છે. ગમે તે શબ્દને આપણે ગમે ત્યારે બોલી શકતા નથી. એના માટે આપણે આપણી પરિસ્થિતિ સર્જવી પડતી હોય છે. આપણા શાસ્ત્રો જે શબ્દો કહી ગયા એજ શબ્દો આપણે બોલીએ તો એનો કોઈ અર્થ નથી. પણ શાસ્ત્રોના શબ્દોનું આચરણ આપણા જીવનમાં ઉતારીએને પછી એ શબ્દો આપણે બોલીએ તો એ શબ્દોની શક્તિ અનેકગણી અસરકારક નીવડવાની. શબ્દ આપણા આંતરમનનો જ પડઘો હોય છે.'
દાદાજી આગળ કહેવા લાગ્યા, 'જો દીકરા! શબ્દમાં આપણે બ્રહ્મની શક્તિનું આરોપણ કયુઁ છે, શબ્દબ્રહ્મ જગતની ઉત્પતિ થઈ ત્યારે પણ એક ધ્વનિ વહેતો થયો. એ ધ્વનિ ’ઓમ’ શબ્દરૂપે આપણી પાસે પ્રગટ થયો. વેદને ઉપનિષદના ઋષિઓએ જે શબ્દો એમના ગ્રંથોમાં મૂકયા એ જ શબ્દોનું ચિંતન ને મનન આપણા ભૌતિક જીવનને પલટાવી નાખે તેમ છે. એ જ રીતે ગીતામાં ભગવાને કરેલા એક એક શબ્દોને જે સમજવા પ્રયાસ કરે છે, એના જીવનનું આમૂલ પરિવર્તન થઈ જાય છે. આ છે શબ્દની અમર્યાદ શક્તિ.'
મયંક કહે, 'તો શબ્દોને સમજવા જેઓ અનુરૂપ થાય છે એનો જીવન વ્યવહાર સફળ બને છે, એ સાચુંને ?'
દાદાજી કહે, 'જે માણસ બીજાને કડવી વાત કયા શબ્દમાં કહેવી એ જાણે છે, એ માણસ અપ્રિય કરતાં પ્રિય પણ થઈ પડે છે. બિછાને પડેલા દર્દીને કહેલાં દુઆ-આશ્વાસનના બે શબ્દો દવા ન કરે એટલા ઉપકારક પણ નીવડતા હોય છે. જેને જે કાંઈ કહો તે મીઠાશથી કહો, એ શબ્દોની સાથે તમારું થોડું અંતર પણ ખોલો. માત્ર જીભથી નહિ. જેને જે કહો તેનાથી બીજાને દુ:ખ તો નહિ થાય એટલું વિચારીને જ કહો. જેટલું ઓછું બોલીને કામ સરતું હોય તેટલું જ બોલો. મધુર શબ્દો પંખીની જેમ ઊડતા આવે છે. એનાથી તમને આંનદ થશે. તમારા ઘરની હવા ફરી જશે. તમારાં કામ સરળ બનતાં જશે. શબ્દો આપણું કહ્યું કરતા જ હોય છે. પણ જો શબ્દોને આપણે ખરેખર સમજી લઈએ તો શબ્દને સમજનાર અમૃત સમીપે જાય છે, નહિ સમજનાર મૃત્યુ તરફ. શબ્દો જ આપણું ઘડતર કરે છે. અંતરની મીઠાશ શબ્દોમાં રેડીએ ને ઘરમાંથી જ એનો પ્રારંભ કરીએ. પંખી થઈને આવેલા શબ્દો કયારેય ઊડી ન જાય એ જોજો.'
શબ્દોનું સંયોજન શરીર અને મન ઉપર ખૂબ અસર કરે છે. મંત્ર ક્ષેત્રે એનું મહત્વ છે. એટલે જ આપણે ત્યાં પ્રણવની શક્તિ, મંત્ર ઉચ્ચારણની શક્તિ, તેમજ વ્યકિતગત કે સમૂહમાં મંત્રોચ્ચારની શક્તિ જે અસર ઊણજાવે છે તે જાણીતું છે જ, સમૂહમાં ગાાયત્રીમંત્ર થતો હોય, ચંડીપાઠ થતો હોય, એની અસરથી, શરીરમાં રોમાંચકતા જેને સાદી ભાષામાં રૂંવાડાં ઊભાં થઈ જવાં, કંપન થાય છે જ, ભલે એ શ્લોકોનો ભાવાર્થ આપણે ન સમજતા હોઈએ! એ શબ્દશક્તિનું સામર્થ્ય છે.
પૂનાની ઓકલ્ટ રિસર્ચ કોલેજના પ્રિન્સીપાલ શ્રી કરમરકરે એમના એક પ્રવચનમાં જણાવ્યું છે ’’વર્ણમાલાના મૂળાક્ષરો કેવળ ઔપચારિક જ નથી, પણ મંત્રશક્તિ સાથે અતિગાઢ સંબંધ ધરાવે છે. વર્ણમાલાનો પ્રત્યેક અક્ષર, ઉચ્ચાર પ્રમાણે મનુષ્યનાં તન, મન, ઉપર પોતાનો વિશિષ્ઠ પ્રભાવ પાડે છે. ‘‘ તેમણે પ્રવચન સાથે કેટલાક પ્રયોગો પણ કરી બતાવ્યા હતા. ય, ર, લ, વ, શ, ય, સ, અને હ વર્ણો પૈકી 'ર' અક્ષર ઉપર વિશેષ ભાર મૂકી તેનું બિંદુ સહિત એટલે 'રં' ઉચ્ચારણ એક હજારવાર કરવાથી શરીરની ગરમી એક ડીગ્રી વધી જાય છે.
મયંક કહે, 'વાહ, દાદાજી ! આજે જાણ્યું કે, શબ્દ નિર્જીવ નથી, એની શક્તિ, તરંગોમાં ચેતન છે, એટલું જ નહીં, પરંતુ શબ્દબદ્ઘ મંત્રોમાં, એનાં ઉચ્ચારણો, લયમાં અસરકારતા છે જ અને એટલે જ તેનું મહત્વ મંત્ર ક્ષેત્ર ઉપરાંત તાર્કિક દૃષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રે પણ છે જ.'
