દાદાજીની વાર્તા 57
દાદાજીની વાર્તા 57
દાદાજી કહે, 'તો આગળ સાંભળ! ક્રાંતિ અને જંગલમાં પ્રગટેલા દવ-બંને સરખાં તણખાંમાંથી શરૂ થાય, વંટોળની જેમ આગળ વધે, ભયંકર સ્વરૂપ પકડે અને છેવટે વિનાશને નોતરે. છતાંય બંનેમાં થોડોક ફર્ક છે. વનમાં પ્રગટેલો દવ ફકત વિનાશને જ નોતરે, જ્યારે ક્રાંતિ સમાજજીવનમાં ધરતીકંપ જેવા આંચકા આપે. આથી સમાજને થોડું શરૂઆતનું નુકસાન વેઠવું પડે છે, પણ પ્રસુતિની પીડા વેઠયા પછી જ માતા બાળકને પામે છે. નવા છોડને પામવા ઘઉંના દાણાને માટીમાં વિલીન થવું પડે છે. રાત્રિનો પંથ કાપ્યા વિના પ્રભાતનાં દર્શન થતાં નથી. એમ ક્રાંતિના ફળસ્વરૂપ સમાજ એના નવા સ્વરૂપને પામે છે. જખમમાં ભરાયેલા પરુંને કાઢી નાખતા પીડા તો ઘણી થાય છે ખરી, પણ આરામભરી પરિસ્થિતિ સર્જવા માટે જ. આમ ક્રાંતિ એ નવસર્જનનું ગર્ભધાન છે, નવોન્નતિનું પ્રથમ સોપાન છે. જે અર્પણ કરવા માટે થોડું પણ છોડી શકતો નથી તે મેળવી પણ શકતો નથી. ખેડૂત પહેલું ગાંઠનું બીજ જમીનમાં દાટે તો જ પાક મેળવે, એમ જે સમાજ ક્રાંતિની ઝપટમાં આવે અને શરૂઆતમાં તો થોડું ગુમાવવું જ પડે છે. સમાજ જ્યારે અસત્ય, અન્યાય અને બર્બરતા સાથે છેલ્લીવારનું કાયાતૂટ યુદ્ઘ લડી રહ્યો હોય છે, એમાંથી જ ક્રાંતિનો જન્મ થાય છે.'
મયંક બોલ્યો, 'અમારે ભણવામાં એવું આવ્યું હતું કે, આ દુનિયામાં એકમેકનું અસ્તિત્વ ઓછામાં ઓછું વિષમ બને એ ક્રાંતિનું લક્ષ હોય છે. જ્યાં વિષમતા વધે ત્યાં જ જીવન-જરૂરિયાતો વધારીને પણ માનવી આર્થિક ક્રાંતિને નોતરે છે. જેમ જરૂરિયાતો અને પસંદગીનું ક્ષેત્રો વધારે એમ મૂંઝવણ વધારે. ભૂખ લાગે ત્યારે ખાવું, ઊંઘ આવે ત્યારે ઊંઘવું, કંઈક કહેવાનું મન થઈ આવે ત્યારે જ કાંઈક બોલવું એ સુખ માટેની પહેલી શરત છે. આ શરતનો ભંગ ક્રાંતિને નોતરે છે.'
વાતનો દોર ફરી દાદાજીએ પકડી લીધો. 'તેઓ કહેવા લાગ્યા, હવે ક્રાંતિનું સંચાલન કરનાર પરિબળ કયું છે તે જોઈએ. ક્રાંતિનો જન્મદાતા તે ક્રાંતિકાર સમગ્ર દુનિયાને વૈચારિક રીતે ધ્રુજાવનાર જ સાચો ક્રાંતિકાર છે. જે કંઈક થવા મથે છે તે વૈચારિક ક્રાંતિકાર છે અને જે કંઈક કરવા મથે છે તે રાજ્ય-ક્રાંતિકાર છે. જોર જોઈને નમી પડવું અને નબળા હોય તેને દબાવવા એ ક્રાંતિકારનું સાચું લક્ષણ નથી.'
ક્રાંતિકાર જો દુનિયામાં પક્ષાકાર થવાનું પસંદ કરે તો એમણે એવી વ્યવસ્થામાં રહેવું જોઈએ. સાચો ક્રાંતિકાર યુગનો ચિતારો છે, એ પોતે ભલે એક જ દેશમાં જન્મ્યો હોય, પણ એની પ્રેરણા તો સમગ્ર આલમને પ્રેરણાનાં પીયૂષ પાય છે. ક્રાંતિકાર ઘણું દૂરનું જોઈ શકે છે. ઘરનું આંગણું ન જોઈ શકનાર ક્ષિાતિજ શી રીતે જોઈ શકે? ઈશ્વરની કૃપાથી જ આવા ક્રાંતિકારો જન્મે છે.'
મયંક બોલ્યો, આવા ક્રાંતિવીરોને શત-શત વંદન.
ક્રમશ:
