દાદાજીની વાર્તા 45
દાદાજીની વાર્તા 45
ભણો અને ભણાવો
આજે ગરમી થોડી વધારે હતી. એટલે દાદાજી ઓરડામાં જ સૂતા હતા. થોડીવારમાં ત્યાં મયંક આવ્યો અને દાદાજીને ભણવા બાબત પૂછયું.
દાદાજી કહે 'હું તને મારા એક અનુભવની વાત કરું છું. એક નાના ગામડાના પરિવારના સભ્યને મેં પૂછયું, 'કેમ તમે નાના છોકરાને અને આ દીકરીને બેયને ભણાવ્યાં નથી ?' જવાબ મળ્યો, 'ભણીનેય શું ન્યાલ કરી દેવાનો ? બહુ તો મંત્રી કે માસ્તર થાશે અને કદાચ ભણીને આગળ આવ્યો તો અંગ્રેજી માસ્તર થાશે. બેકાર ઈજનેર જોઈએ એટલા રખડે છે અને ડાૅકટરોનું તો હાલે એનું જ હાલે છે, બાકી તો રોટલો રળે છે. આટલું નાણું ખર્ચ્યા પછી પણ જો રોટલો જ રળવાનો હોય તો 'ખેડ' શું ખોટી છે ? ફલાણાભાઈનો છોકરો પાંચ વર્ષથી વકીલ થયો છે. હજુય ઘરના રોટલા બગાડે છે. દીકરી તો પારકું ધન કહેવાય. એની પાછળ ખર્ચ કરવાથી ફાયદો શો ?' ભાઈએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં એકધારું ઘણું બધું કહી નાખ્યું.'
મયંક કહે, 'પછી તમે શું કહ્યું ?'
દાદાજી કહે, 'ભણેલા બધા શું ન્યાલ થઈ જવા ભણતા હશે ? અને ભણેલા જો ન્યાલ થાય તો જ ભણતર કામનું ? નહીં તો નહીં ? ન્યાલ થવું એટલે શું ? ખૂબ જ પૈસો કમાવો ? સ્થાવર-જંગમ મિલ્કત વધારવી એનું નામ જ ન્યાલ થવું કે સુખી થવું એ ખરું ? પણ ઓછું ભણેલાઓના સંસ્કાર જોયા છે ? કલ્પનાવૈભવ જાણ્યો છે ? એની કલ્પનાનું ક્ષેત્રો કેટલું ? આજે શ્રીમતીજીએ બટાટાનું શાક સરસ બનાવ્યું છે. પારલે કંપનીનાં બિસ્કીટ બહુ સારાં આવે છે. પેલી ફિલ્મમાં અમિતાભનો અભિનય ખૂબ સારો હતો. આજે રવિવાર છે, સાંજે ફરવા જઈશું ત્યારે કયાં કપડાં પહેરશું ? આ છે અમીરોનું કલ્પનાક્ષેત્રો. બજારોની માયાજાળમાં ગૂંચવાયેલા અમીરને છે જગત-સંચાલનનું ભાન ? છે એને નવા પ્રવાહોનું જ્ઞાન ? ઉત્તમ પ્રકારની સમજશક્તિની બાબતમાં તો રેતી ઉપર વહાણ જેવું જ હોય છે. આવા ધનવાનોની બૌદ્ઘિક કંગાલિયત જાણ્યા પછી તમને એની નશીબદારી ઉપર દયા નથી આવતી ?'
મયંક કહે, 'મેં પણ આવી એક વાત સાંભળી છે. અમીરોના નબીરાઓ વચ્ચે રહી નેપોલિયન ભણતો ત્યારે એના પિતાને એ લખતો કે, 'આ નિર્લજ છોકરાઓ સમક્ષા મારી ગરીબાઈનું પ્રદર્શન કરી તેમની મશ્કરીને પાત્ર બનતાં હું હવે કંટાળી ગયો છું. તેઓ ફકત પોતાની દોલતને કારણે જ મારા કરતાં ચઢિયાતા છે. પણ ઉમદા વિચારોની બાબતમાં તો તેઓ મારા કરતાં અતિ ઊતરતી કોટિના છે.'
(ક્રમશ:)
