દાદાજીની વાર્તા 43
દાદાજીની વાર્તા 43
મયંક કહે, 'આ માપદંડથી જો આપણા દેશનો પ્રત્યેક ધંધો મૂલવવામાં આવે તો એને સફળતાના પૂરતા ગુણ મળે ખરા ?'
દાદાજીએ જવાબ આપ્યો, 'સોક્રેટીસને કોઈકે પૂછેલું કે, તમારી દૃષ્ટિએ ઉત્તમ કામ કયું ? તેમણે કહેલું કે, માણસ જો ઉપયોગી કે જરૂરી કામ કરતો હોય તો કોઈ કામ હીણું નથી. એદીપણું જ શરમજનક છે. કામ પ્રત્યે રસ, ધંધા પ્રત્યે ઈમાનદારી અને શ્રમ પ્રત્યે રસ. ધંધા પ્રત્યે ઈમાનદારી અને શ્રમ પ્રત્યે શ્રદ્ઘા દેશના નાગરિકોમાં હોય એ રાષ્ટ્રની જીવનશક્તિનો સર્વોત્તમ માપદંડ છે. આપણા દેશનો પ્રત્યેક નાગરિક પોતાના કામને રસપૂર્વક કરે છે ? કે પછી એને કામ એક ઢસરડો કે બોજો લાગે છે ? બીજું કોઈ મનગમતું ક્ષેત્રો ન મળે પછી જે કામ મળ્યું તે કેવું થવાનું ? શિક્ષકને પોતાના ધંધામાં રસ ન હોય અને કરે તો પરિણામ શું આવે ? કલ્પના કરતાંય કંપારી છૂટે છે. પોસ્ટમેન, રેલ્વેફલેગમેન, સફાઈ કામદાર અને મીલ કામદાર જો પોતાના શ્રમ પ્રત્યે શ્રદ્ઘા ન રાખે તો ? તો તો આખા દેશનું આર્થિક માળખું વિંખાઈ જાય. વ્યાપારીઓ, સરકારી અમલદારો, વકીલો કે ડાૅકટરો પોતાની ઈમાનદારીને નેવે મૂકે તો લશ્કરી દૃષ્ટિએ ગમે તેટલું તાકાતવાળું રાષ્ટ્ર પણ દુશ્મન સામે મલોખાનાં માળખાંની જેમ વિંખાય જાય છે. આ છે સંરક્ષણની બીજી હરોળ.
જૂના જમાનાની એક વાત યાદ આવે છે. ભૂમધ્ય સમુદ્રને કાંઠે રોમનરાજ્ય અને કાર્થેજ-આફ્રિકાને ઉત્તર કિનારે - રાજ્ય વચ્ચે સમુદ્ર પર નૌકા કાફલાના એકાધિકાર માહે કે પછી આર્થિક હિતો સબબ લડાઈ થઈ. રોમનો જીત્યા, કાર્થેજીયનો શરણે થયા. હથિયારો રોમનોએ આંચકી લીધાં, નાનકડું ચાકું પણ ન રહેવા દીધું. કાર્થેજીયનોને નિરૂપાય કર્યા પછી પણ રોમનોનું વેર શમ્યું નહીં, અને કાર્થોજ ખાલી કરવાનો આદેશ આપ્યો. કાર્થેજીયનો આભા બની ગયા. સવારે કાર્થેજ છોડવાનું હતું. માત્ર રાત બાકી હતી.
મયંકે પૂછયુ, 'પછી શું થયું દાદાજી ?'
દાદાજી કહે, 'મધમાખી જેવી ઉદ્યમી અને કીડી જેવી કામઢી પ્રજા અને સ્વાતંત્ર્યપ્રેમી પ્રજા એમ સહેલાઈથી દુશ્મનોને વશ કેમ થાય ? રાતોરાત ખૂણે-ખાંચરેથી, બારી-બારણેથી, ફર્નિચરમાંથી, જ્યાંથી હાથ લાગ્યું ત્યાંથી લોખંડ ભેગું કર્યું. રાતોરાત તલવારો, ભાલાં અને તીર તૈયાર થયાં. રોમનો તો હથિયાર વગરના કાર્થેજમાં જવા સવારે દાખલ થવા જાય ત્યાં તો તેમના ઉપર ભાલા, તલવારની ઝપટ બોલી, તીરનો વરસાદ વરસ્યો. રોમનોને લાગ્યું કે કાર્થેજીયનો દગો રમ્યા. અમને પૂરતાં હથિયારો સોંપ્યાં જ નહીં હોય, પણ એવું નહોતું. થોડામાં થોડું લોખંડ પણ એમને કામ લાગ્યું. કરકસરથી દેશ રક્ષાનો આ ઉત્તમ દાખલો છે.
(ક્રમશ:)
