દાદાજીની વાર્તા 41
દાદાજીની વાર્તા 41
સંરક્ષણની બીજી હરોળ
સવારનો સમય હતો. દાદાજી છાપું વાંચી રહ્યા હતા. પૌત્ર મયંક ત્યાં રમી રહ્યો હતો. અચાનક તેની નજર છાપામાં પડી અને તે ઉદાસ થઈ ગયો. દાદાજીનું ધ્યાન તે તરફ ગયું. તેઓએ મયંકને આ બાબત પૂછયું.
તો મયંક કહે, 'જુઓને દાદાજી! છાપામાં યુદ્ઘના જ સમાચાર હોય છે. લોકો શા માટે યુદ્ઘ કરતા હશે ?'
દાદાજી કહે, 'ચાલ તને થોડી વાત સંરક્ષણ વિશે કહું. ભૂતકાળમાં પૃથ્વીના પટ ઉપર પાપાચારનો ભોગ બનેલી બાંગ્લાદેશની પ્રજાની વહારે ધાઈને ભારતીય સંરક્ષણદળોએ પુણ્યકાર્ય કરીને ભારતની શાન વધારી છે. છતાંય ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે યુદ્ઘ માત્ર લશ્કરી બળે કે માત્ર આધુનિક શસ્ત્રસામગ્રીથી નથી જીતી શકાતું. બીજા વિશ્વયુદ્ઘ વખતે જાપાનની શરણાગતિ એનો નજીકનો દાખલો છે. લશ્કરી બળને જો સમાજનો-રાષ્ટ્રનો પૂરતો સાથ-સહકાર મળે તો ગમે તેવા કપરા સંજોગોમાં પણ લશ્કર પોતાનો જુસ્સો ખોતું નથી. ઈ.સ. ૧૯૪૦માં ફ્રાંસમાં ડંકર્કમાં ઘેરાયેલું બે લાખનું ઈંગ્લીશ લશ્કર પ્રજાના સહકારથી આબાદ બચી શકયું. જો અંગ્રેજ પ્રજાની હૂંફ સવેળા ન મળી હોત તો જર્મન નાઝી સૈન્ય બધા જ અંગ્રેજ સૈનિકોની ઘોર કતલ જ કરત.'
મયંક બોલ્યો, 'મતલબ કે લશ્કરની સાથે પ્રજા જોડાય તો દેશને કોઈ આંચ ન આવે.'
દાદાજીએ કહ્યું, 'ભૂતકાળમાં પાકિસ્તાને જ્યારે આપણા ઉપર મોટા પાયા પર હવાઈ આક્રમણ કરીને આપણા સીમાડાઓ સળગાવી મૂકયા, ત્યારે તાત્કાલિક અગિ્રમ હરોળ પર પહોંચવા માટે સરહદ સાચવતા આપણા જવાનોને રસોઈ કરીને ખાવાનો સમય પણ નહોતો મળ્યો. સરહદી વિસ્તારની બહેનોએ રસોઈ કરીને એમને પહોંચાડેલી.'
મયંક કહે, 'હા, દાદાજી! આ રીતે પણ દેશની સેવા થઈ શકે.'
દાદાજીએ આગળ કહ્યું, 'હા, લશ્કર સરહદ સાચવતું હોય ત્યારે નાગરિકો એમ કદી' ન વિચારી શકે કે સરહદ સાચવવાનું કે દુશ્મન સૈન્યને હરાવવાનું કામ માત્ર સૈન્યનું છે. એ વિચાર સદીઓ જૂનો છે. જ્યારે રાજાઓનાં સૈન્યો લડતાં, હારજીત થતી, સત્તાપલટો થતો, પણ ખેડૂતના હળને, મોચીની રાંપીને, ધોબીની ઈસ્ત્રીને, સુથારના રંધાને, વણકરની શાળને કે લુહારના હથોડાને ઊની આંચ ન આવતી. સામાન્ય જનજીવન રાબેતા મુજબનું ચાલતું, પણ હવેનું યુદ્ઘ એ શસ્ત્રોના યુદ્ઘની સાથે આર્થિક યુદ્ઘ પણ લડાય છે. યુદ્ઘ એ અનેક યાતનાઓ જન્માવનાર મહા અનર્થ છે.'
(ક્રમશ:)
