દાદાજીની વાર્તા 37
દાદાજીની વાર્તા 37
દાદાજી કહે, 'તો સાંભળ! આધુનિક માનવે વિજ્ઞાન દ્વારા આ અખિલ વિશ્વને ઉન્નતિના ઊંબરે લાવીને મૂકયું છે. વૈજ્ઞાનિક સફળતાનાં નવાં અને આશ્ચર્યકારી શિખરોએ માનવ પહોંચ્યો છે. માનવજીવનને વધુ ને વધુ સગવડભર્યું બનાવવા માટે પ્રતિ પળે કાંઈક ને કાંઈક શોધાઈ રહ્યું છે. વિજ્ઞાને વિદ્યુત પેદા કરીને દુનિયાને ખૂણે ખૂણે અજવાળાં પાથર્યાં છે. ''તમસો મા જ્યોતિર્ગમય''વાળી પ્રાર્થના કમ સે કમ ભૌતિક રીતે તો સ્વીકૃત થઈ જ છે. એ જ વીજળીના સહારે આપણે રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, વિદ્યુત ટ્રેન, કમ્પ્યૂટર, અને અનેક તોતિંગ યંત્રો ચલાવી શકીએ છીએ. બટન દબાવતાની સાથે જ આખું શહેર રોશનીમાં ડૂબી જાય છે. વિદ્યુતથી અગ્નિદેવ અને પવનદેવ માનવના ઈચ્છાનુંવર્તી બને છે. ખરેખર, વિદ્યુતશક્તિ એ તો માનવે દેવો પાસેથી આંચકી લીધેલું કલ્પવૃક્ષ છે.'
મયંક કહે, 'કલ્પના મુજબનું ફળ આપે એ જ કલ્પવૃક્ષ.'
દાદાજીએ વાતને આગળ વધારી, 'સમયને સાંકળે બાંધનાર વૈજ્ઞાનિક માનવે હવે વિજ્ઞાનમાં હરણફાળ ભરી છે. આવતાં થોડાં વર્ષો પછી પૃથ્વી મુઠ્ઠીમાં સમાઈ જશે. પૃથ્વી પરના જ નહીં, પરંતુ બ્રહ્માંડનાં અંતરો ટૂંકાવવા વિજ્ઞાને દોટ મૂકી છે. દુનિયાનાં મહાનગરો સીધાં ઓટોમેટિક ટેલિફોન સંપર્કથી જોડાય એ સમય હવે દૂર નથી. માહિતી અને સંચારક્ષેત્રોમાં વિજ્ઞાન એવડી જબરદસ્ત ક્રાંતિ કરી રહ્યું છે કે, સામાન્ય માણસ એનાં દૂરગામી પરિણામની કલ્પના પણ કરી શકતો નથી. કોન્કોર્ડ ઉતારું હવાઈ જહાજ કલાકના સાડા ચૌદસો માઈલની ખતરનાક ગતિઅએ ઊડે છે. યાતાયાતનાં આવાં સાધનો દીવાલ વગરની દુનિયાનો નકશો કંડારવા થનગની રહ્યાં છે. દુન્યવી દેશોની આયાત-નિકાસની જગતની દીવાલો, હુંડિયામણની ખાઈઓ, વિઝા-પાસપોર્ટનાં લફરાંઓ, ચલણના ગઢ અને સરકારી તુમારશાહીનાં તૂતનો વિજ્ઞાને ભુક્કો બોલાવી દીધો છે.'
મયંકે પૂછયું, 'અવકાશમાં પણ વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયોગો કર્યા છે ને ?'
દાદાજી કહે, 'ઈ.સ. ૧૯પ૭માં રશિયાએ અવકાશમાં 'સ્પુટનિક' તરતો મૂકીને અવકાશી સિદ્ઘિ હાંસલ કરી ત્યાર પછી અવકાશક્ષેત્રે અવનવી સિદ્ઘિઓ હાંસલ કરવા રશિયા-અમેરિકાએ હોડ બકી. આમાં નિષ્ફળતાના પગલે સફળતા પણ એટલી જ મળી. રશિયા યાંત્રિક શક્તિથી ચંદ્રના ખડકો મેળવવામાં સફળ થયું. અમેરિકાના નાગરિકે ચંદ્રની કુંવારી ધરતીને ચૂમી લીધી. અત્યાર સુધીમાં અનેક ચંદ્રયાત્રાઓ થઈ ચૂકી છે. ભવિષ્યમાં ચંદ્રનાં ભૌગોલિક સ્થાનો પૃથ્વી જેટલાં જ પરિચિત બનશે. 'સિવિલ ડ્રેસમાં ચંદ્રયાત્રા'ના દહાડા હવે દૂર નથી, અવકાશની અફાટ ક્ષિતિજોમાં ડોકિયાં કરે એવાં અવકાશયાનોથી બ્રહ્માંડમાં મહામાર્ગો કંડારાશે. વિજ્ઞાનની જાદુઈ શેતરંજી પર બેસીને માનવી મંગળ અને શુક્રના ચહેરાઓની તસ્વીર પામી શકયો છે.
(ક્રમશ:)
