દાદાજીની વાર્તા 35
દાદાજીની વાર્તા 35
એક શિક્ષિકાબેને કહ્યું, 'પણ યંત્રને લીધે કામ તો ઝડપી બન્યું છે ને ?'
દાદાજી કહે, 'ઉત્પાદન ઝપાટાબંધ વધ્યું, આરોગ્યની સવલતો વધતાં મૃત્યુ પ્રમાણ ઘટયું. અતિશય કૃત્રિમ જીવન જીવવાને કારણે કામ-વાસનાનું પ્રમાણ વધ્યું. આમ, વસ્તીવધારો થયો. યાંત્રિકરણે બેકારી જન્માવી. મોટાં મોટાં યંત્રોએ યુવાન હાથો પાસેથી કામ આંચકી લીધું. ગરીબીએ માઝા મૂકી. શિક્ષિત બેકારો સમાજ માટે માથાનો દુ:ખાવો બન્યા. આમ, આધુનિક યંત્રવાદે પ્રગતિનાં સુંવાળાં બહાનાંઓ હેઠળ મૂડીનું કેન્દ્રીકરણ કર્યું. નાનાં નાનાં રાષ્ટ્રો પોતાનું ઉત્પાદન વેંચવા પડાપડી કરવા લાગ્યાં અને વ્યાપારી મહત્વાકાંક્ષાએ જગતને બે-બે વાર મહાયુદ્ઘમાં ધકેલ્યું.'
એક વિદ્યાર્થી કહે, 'યંત્રની બીજી કઈ ખરાબ અસરો થાય છે ?'
દાદાજીએ કહ્યું, 'દુનિયાના મોટા ભાગ ઉપર ભૂખમરો પ્રવર્તી રહ્યો છે. તે જોતાં યંત્રો મારફત પ્રમાણમાં ઓછી ઉપયોગી અથવા નકામી વસ્તુઓ બનાવવાની જે ધમાલ ચાલી રહી છે, તે કેટલી મિથ્યા છે ? યંત્રોની મદદથી જે ઔદ્યોગિક અને વેપારીસ્પર્ધા ચલાવવાની ઉમેદ રાષ્ટ્ર રાખી રહ્યું છે, એમાં ત્રીજા વિશ્વયુદ્ઘનાં બીજ રહેલાં છે. એટલે જ હવે યંત્રો ઉપર અંકુશ મૂકવાનો સમય પાકી ગયો છે.'
મયંક કહે, 'તો યંત્રનો લાભ કઈ રીતે થાય ?'
યંત્ર માણસનું સેવક રહેવું જોઈએ, તેનું શેઠ ન બનવું જોઈએ. તે જ્યારે મર્યાદા વટાવે છે, ત્યારે એ માનવીના આધ્યાત્મિક વિકાસ માટે ચેતવણીરૂપ છે. આધુનિક યંત્રવાદે માનવની સંહારકશક્તિમાં ખૂબ વધારો કર્યો છે. પિસ્તોલ-રીવોલ્વરની ગોળીએ ગાંધીને નહોતા ઓળખ્યા. જાપાનની પ્રજા અણુવિજ્ઞાનને ભારોભાર ધિક્કારે છે. જગતનો સામાન્ય જનસમાજ તો આજે ઓશિયાળો બન્યો છે.
અકસ્માતોની પરંપરા એ પણ યંત્રનું મોટામાં મોટું દૂષણ છે. અકસ્માતોએ માનવજીવનને સસ્તું કરી નાખ્યું છે.
દાદાજીએ પોતાની વાત પૂરી કરી. તાળીઓનો ગડગડાટ થયો. શાળાના આચાર્યશ્રીએ દાદાજીનો ખૂબ આભાર માન્યો.
ક્રમશ:
