દાદાજીની વાર્તા 27
દાદાજીની વાર્તા 27
મયંક કહે, હજી' ’’ક’’નો અર્થ બાકી છે.'
દાદાજી કહે, 'છેલ્લા અક્ષર ’’ક’’નો અર્થ છે, કલા. શિક્ષક એ કળાનો વાહક, પેગંબર અને પોષક છે. શિક્ષક જીવન જીવવાની કળા શીખવાડે છે. એની કળા વિચારોમાં દીપે છે.'
મયંક કહે, 'વાહ, અર્થ તો સમજાય ગયો. હવે બીજું કંઈ પણ કહો.'
દાદાજી કહે, 'આકૃતિના સૌંદર્ય કરતાં વિચારોનું સૌંદર્ય વધુ અસર ઉપજાવે છે. આમ શિક્ષક એ વિચારોનો જન્મદાતા છે. કળાનો જન્મદાતા છે. ભભકાદાર વસ્ત્ર પરિધાન, ટાપટીપ, છટાદાર વાક્પટુતા, નયન રમ્ય-વ્યક્તિત્વ અને પલ્લવગ્રાહી પાંડિત્ય; એટલી વસ્તુઓનો સરવાળો એટલે શિક્ષક, એમ કેટલાક માને છે. પણ ના, એવું નથી. કારણ આટલી વસ્તુઓ તો કોઈ સામાજિક સભ્ય, કોઈ સામાજિક કાર્યકરમાં કે અભિનેતામાં પણ હોઈ શકે છે. પણ વિદ્યાર્થીઓના માનવક્ષેત્રમાં વૈચારિક ખેતી કરવાનું કામ માત્ર કલાકાર શિક્ષકનું જ છે.'
મયંક કહે, 'શિક્ષક પણ કલાકાર? હા, અમારા સાહેબ કવિતા ગાતાં-ગાતાં નાચતા હોય એવું લાગે છે.'
દાદાજી બોલ્યા, 'એ વિચારોનો કલાકાર છે અને વિચારો જ સર્વ કર્તવ્યોનું મૂળ છે. વૈચારિક પરિપકવતા જ સમાજની આધારશિલા છે. આંતરરાષ્ટ્રીય સમજદારીની ભાવના એ વિચારોનું પરિણામ છે. એટલે શિક્ષક વૈચારિક કળા દ્વારા સામાજિક માનસને ઘડે છે. આમ શિક્ષકની મહત્તા કાંઈ ઓછી નથી. ઉમાશંકર જોષીએ એક જગ્યાએ લખ્યું છે, કે ’’માણસનું બાળક જન્મે છે તો એક પ્રાણીરૂપે, સંસ્કાર પામતાં ફરીને એનો જન્મ થાય છે. એ દ્વિજ બને છે, બીજીવાર જન્મે છે, ત્યારે જ એ માનવીની કોટીમાં આવે છે. પંખીઓને દ્વિજ કહ્યાં છે. ઈંડાંમાંથી બચ્ચું બહાર આવે એ એનો બીજો જન્મ. આ બીજો જન્મ એને મળે તે માટે પંખિણી-માતા ઈંડાંને પોતાના દેહની ગરમી દઈને સેવે છે. ઈંડાંની સીમિત દુનિયામાંથી બહાર આવીને દ્વિજ બનેલું પક્ષી એની નાનકડી પાંખો ફફડાવતું પ્રકાશની-અવકાશની અનંત દુનિયામાં ઝંપલાવતું થાય છે. લઘુ કુટુંબની સીમિત દુનિયામાંથી વિશાળ વિ કુટુંબમાં માનવબાળને રમતો મૂકવાનું કામ શિક્ષક વિના કોણ કરી શકે ?’’ શિક્ષક એ કાર્ય એના ત્રિવિધ ગુણો શિસ્ત, ક્ષમા અને કળા દ્વારા હૂંફ અને પ્રેમથી સિદ્ઘ કરે છે.
મયંક બોલ્યો, 'આ સાંભળીને મને પણ એમ થાય છે કે મોટો થઈને હું પણ સાચો શિક્ષક બનું અને સરસ શિક્ષણકાર્ય કરાવું.'
દાદાજી કહે, 'શિક્ષણકાર્યની વાત આવી તો એક વાત સાંભળી લે. શિક્ષણકાર્ય એ બોજો નથી, માથાકૂટ નથી, મગજમારી નથી, ઉપાધિ નથી, પણ ભાવિ પેઢી અંગેની મીઠી જવાબદારી છે. બાલ-ગોપાલ માટેની ભક્તિ છે અને સરસ્વતી સાધના માટેનું તપ છે. શિક્ષકો પોતાની કેળવણીને ઓછી મહેનતે, ઝપાટાબંધ પૈસાદાર બનવા માટેની યુક્તિ ન સમજે. કેળવણીનો કીમિયો તો માવતર બનવાનો કીમિયો છે. એ કીમિયો જે શીખી શકે, એજ સાચો શિક્ષક.'
આ સાંભળીને મયંક તો ઊભો થઈ ગયો અને ઘરમાં જઈને આવતીકાલે કઈ રીતે ભણાવશે તેનો મહાવરો કરવા લાગ્યો. તેને તો સાચા શિક્ષક બનવાની ધૂન લાગી ગઈ.
ક્રમશ:
