દાદાજીની વાર્તા 25
દાદાજીની વાર્તા 25
દાદાજી કહેવા લાગ્યા, 'યુવાનીની નાવડીનો સઢ શિસ્ત છે અને સકાન સંયમ. યુવાની તો જગતની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી દોલત છે. એ મહામોંઘી દોલતને જે સંયમરૂપી તીજોરીમાં સાચવી રાખે તે માનવી સમક્ષા પાતાળનો ખજાનો કે સ્વર્ગનો વૈભવ કશીય વિસાતમાં નથી. આજે આપણા જુવાનોની જિંદગીની સરેરાશ ગતિ મંદ લાગે છે. આવી જિંદગીને કશાય ધક્કાનો અનુભવ થતો નથી, અને થાય છે તો એ સહનશક્તિની બહારની વસ્તુ બની જાય છે. એનું કારણ એ જ છે કે, યંત્રવાદે ઊભા કરેલા યાંત્રિક આનંદો અને અર્થહીન મનોરંજનોની વધતી જતી જાળમાં આજનો યુવાનવર્ગ ફસાતો જાય છે. એ જાળમાં ખેંચાવાની સમજીબૂઝીને ના પાડવાનો સમય હવે આવી ગયો છે. નહીં તો યુવાનવર્ગ પોતાની મૂળભૂત શક્તિ પણ ખોઈ બેસશે. યુવાનવર્ગ યુવાનીથી દૂર દૂર ચાલ્યો જશે. આજના યુવક-યુવતીઓને આ ચેતવણી છે.'
મયંક કહે, 'મેં તો આવું વાંચ્યું છે :
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
વણદીઠી કો' ભોમ પર યૌવન માંડે આંખ.
દાદાજી કહે, 'હા, એ સાચું છે. જગતમાં યુવાશક્તિએ તો લાખ લાખ સૂરજનાં અજવાળાં પાથર્યાં છે. અભિમન્યુ, આરુણિ અને શ્રવણ જેવા યુવાનોએ જાતને સજાવવામાં કયાંય સમય બગાડયો નહોતો. કર્તવ્યપાલન માટે કમ્મર કસીને કૂદી પડયાં હતા. ધર્મ ખાતર ભીંતમાં ચણાઈ ગયેલા શીખ યુવાનોને યાદ કરું છું ત્યારે આંખ જ નહીં, અંતર પણ ભીનું થયા વિના રહેતું નથી. હજારો બૌદ્ઘ સૈનિકો સામે અડીખમ ઊભા રહી ઝઝૂમનાર હંસ-પરમહંસને ચરણે માથું મૂકયા વિના રહેવાતું નથી. યુવાની દીવાની નહીં, પણ દીવાની જ્યોત જેવી ઝગમગાટ કરી રહી હતી. અને આજે દેખાય છે તદ્દન વરવું ચિત્ર. રોમિયો થઈને રખડતો યુવાન માવાના મસાલા ગાલમાં ભરીને કેન્સરને કંકોત્રી લખી રહ્યો છે. એના ગાત્રમાં શિથીલતાનું પંકચર પઢી ગયું છે. અરે? નોકરી માટે હવામાં હવાતિયાં મારતો દીન-હીન યુવાન માયકાંગલો બનીને ફરતો હોય છે. ત્યારે જીવતા મડદા જેવો ભાસે છે.'
મયંક કહે, 'હા, દાદાજી! આવા લોકો તો મોઢેથી પિચકારીઓ મારીને રસ્તા અને દીવાલો પણ બગાડી નાખે છે.'
દાદાજી કહે, 'એથીયે આગળ વધીને હેરોઈન વગેરે માદક પદાર્થોના ચાળે ચડી આજનો યુવાન અકાળે વૃદ્ઘત્વને નોતરી રહ્યો છે. યુવાની ઠીંગરાઈ ગઈ છે. તેનું નૂર નાશ પામી ગયું છે. હતાશા અને નિરાશા વચ્ચે ઘેરાયેલો યુવાન સુખ શોધવા માટે હવામાં હવાતિયાં મારી રહ્યો છે. એની શક્તિસામર્થ્ય કુંઠિત બની ગયું છે. બેભાન અને બેમિસાલ બની ગયેલા યુવાનને છેવટે તળાવનો કાંઠો પસંદ પડે છે.'
'આવા જાગૃત યુવાનની શોધમાં હું ચારેબાજુ ફરી રહ્યો છું. હજુ સુધી યુવાનનાં દર્શન આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ થાય છે. સ્વામી વિવેકાદ પણ એ જ યુવાનીની નિપજ હતી. આજની નિપજ નપાવટ કોટિની છે. તમે વીશી વટાવી આગળ વધી રહ્યા છો. માટે યુવાન છો. તમે માનવાની ભૂલ ન કરશો.'
મયંક કહે, 'બરાબર દાદાજી! મનમાં મોહકતા અને તનમાં તરવરાટ હશે તો જ યુવાની સાર્થક બનશે.'
ક્રમશ:
