દાદાજીની વાર્તા 23
દાદાજીની વાર્તા 23
યૌવન
સાંજના સમયે પૌત્ર મયંક દાદાજીની આંગળી પકડીને બગીચામાં ફરી રહ્યો હતો. ત્યાં તેને કંઈક સૂજ્યું અને દાદાજીને કહેવા લાગ્યો, 'ચાલોને દાદાજી આપણે પકડાપકડી રમીએ.'
દાદાજી કહે, 'હું તારો જેવડો બાળક કે યુવાન થોડો છું. મારામાં હવે એવું યૌવન પણ નથી.'
મયંક કહે, 'વળી આ યૌવન એટલે શું ?'
દાદાજી કહે, 'યૌવન એટલે શું ? લાગણીઓનો જ્વાળ ? અતિશય રોમાન્સ ? અખૂટ જુસ્સાનો કાળ ? કે પછી માનવીય જિંદગીની વસંત ? શું આવી યુવાની જીવનમાંથી ચાલી જાય છે ખરી ? જિંદગીની પાનખર આવે છે એ સાચું ? કોઈ હિન્દી કવિની શાયરી યાદ આવે છે.
''જો જાકે ન આયે વહ જવાની દેખી,
જો આકે ન જાયે વહ બુઢાપા દેખા.''
અને વળી 'બુઢાપા દેખકર રોયા' એટલે શું ? બુઢાપો એ શાપ છે ?
મયંક કહે 'આવું તો તમે હિન્દી ફિલ્મનું ગીત સાંભળતા હતા.'
દાદાજી કહે, 'સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે યુવાની એટલે આપણાં અરમાનોને પૂરાં કરવાનો કાળ. જિંદગીનો સૌથી સુખી કાળ ? જિંદગીનાં બધાં જ અરમાનો શું યુવાનીમાં જ પૂરાં થતાં હશે ? જીવનની પાછલી અવસ્થામાં નહીં ? ખરેખર એમ કહેવું જોઈએ કે, 'જિંદગી ઝીંદાદિલી કા નામ હૈ, મુર્દે દિલ ખાક જિયા કરતે હૈ?' એટલે કે, 'જવાની કા તાલ્લુક દિલ સે હોતા હૈ, ઉંમર સે નહીં.' યૌવન એ જીવનની કોઈ અમુક અવસ્થા નથી, ખરી રીતે માનવીના મનની એ એક વિશિષ્ટ સ્થિતિ માત્ર છે, ઈચ્છા-શક્તિની કસોટી છે, કલ્પનાની તેજસ્વિતા છે, ઊર્મિની પ્રબળતા છે, આરામ કે વાસના ઉપર ઉદ્યોગ, ખંત તથા સ્ફૂર્તિનું પ્રભુત્વ છે.'
મયંક કહે, 'વાતો કરવામાં તો તમે યુવાન બની ગયા.'
દાદાજી કહે, 'માત્ર વર્ષો વીતવાથી કોઈ વૃદ્ઘ બનતું નથી, પણ જ્યારે આદર્શો નબળા પડે છે ત્યારે માનવ વૃદ્ઘ બને છે. વયના વૃદ્ઘત્વથી તો ચામડી કરચલીવાળી બને છે, જ્યારે ઉત્સાહના અવસાનથી આત્મા પર કરચલીઓ અંકાય છે. એટલે ઉત્સાહનું અવસાન એટલે જ યુવાનીનું અવસાન. ટાગોરે પ૦ વર્ષની વયે પીંછી પકડેલી અને સાઠ વર્ષની વયે નૃત્ય શીખેલા. આવો અદમ્ય ઉત્સાહ ધરાવનાર આતમાને વૃદ્ઘ કહીશું? એનું બાહ્ય શરીર જોઈને દુનિયા ભલે કહે, પણ એનો જુસ્સાથી છલકાતો આતમા જોયા પછી એને વૃદ્ઘ કહેવા માટે મારી જીભ તો નથી ઉપડતી. કારણ કે, લાગણીનો અખૂટ જુસ્સો, સાહસિકવૃત્તિ, અંતરનો અપૂર્વ ઉત્સાહ, પરમશ્રદ્ઘા, ભારે મનોબળ, હિંમત અને મુકત હાસ્ય ધરાવતો માનવી ગમે તે ઉંમરે સદાકાળ-મૃત્યુપર્યંત યુવાન જ છે.'
(ક્રમશ:)
