દાદાજીની વાર્તા 17
દાદાજીની વાર્તા 17
મયંક કહે, 'અમારે ભણવામાં આવ્યું છે કે, પ્રાર્થનામાં શ્રદ્ઘા એ બહુ મહત્વની ચીજ છે. સાચી શ્રદ્ઘાથી થયેલી પ્રાર્થના ઈરના હ્રદય સુધી અવશ્ય પહોંચે છે. આમ પ્રભુ તરફથી શ્રદ્ઘા આપણને પ્રાર્થના કરવાની પ્રેરણા આપે છે. જેને જેને સાચી શ્રદ્ઘાથી કોઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના પણ ઈશ્વરને યાદ કર્યા છે તેને તેને ઈશ્વરે અવશ્ય સહાય કરી છે.'
દાદાજી કહે, હા, સૂરદાસે ખરું જ કહ્યું છે કે :
''અપ-બલ, તપ-બલ ઔર બાહુબલ, ચૌથા હૈ બલ દામ,
સૂર કિશોર કૃપા સે સબ બલ હારે કો હરિ નામ,
સુનેરી મૈંને નિર્બલ કે બલ રામ.''
શ્રદ્ઘાથી યાદ કરનાર મહા પાપીઓની વહારે પણ ભગવાન ધાયા છે. જગતચોર જેસલની પાણીમાં દડાની જેમ ફંગોળાતી નાવ ભગવાને સહીસલામત પાર ઉતારી જ હતીને ? શ્રદ્ઘામય પ્રાર્થનાએ જેસલના મેલા આત્માને ધોઈ નાખ્યો. કારણ કે પ્રાર્થના એ માનવના પશ્ચાતાપોને ધોનારું અને એને સન્માર્ગે લાવનારું પ્રબળ સાધન છે. પ્રાર્થના એ આત્માને પવિત્ર કરનારું ગંગાજળ છે. એ અહંકારને ધોઈને સાફ કરી નાખે છે. પ્રાર્થના માની મમતા છે, માનો ખોળો છે. માતાની ગોદમાં તો પતિતમાં પતિતને પણ શરણ મળે છે. પ્રાર્થનાને દ્વારેથી કોઈ પણ નિરાશ થઈને કદી પાછું ફર્યું નથી. સંતોની જીવનગાથાઓ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે, કે પ્રાર્થના જ એમના જીવનનું મુખ્ય સંચાલક બળ રહેતું. પ્રાર્થના જ એમનો મુખ્ય આધાર હતો એના દ્વારા જીવનમાં અને જગતમાં એમણે અનેક ચમત્કારો સર્જ્યા હતા. ગમે તેવી તકલીફમાંથી આપણને મુકત કરવાનું પ્રાર્થના માટે સરળ છે. પ્રાર્થનાએ અનેક માણસોને પ્રકાશ અને માર્ગદર્શન આપ્યાં છે. મુંબઈ કે કોઈ પણ મોટા શહેરમાં ઘરની બહાર નીકળો ત્યારે અનેક જોખમોનો સામનો કરવો પડે છે. લોકલ ટ્રેનમાં કે તમારી કારમાં બેસો ત્યારે અકસ્માતના જોખમ સાથે બેસો છો. ઈન્શ્યોરન્સ પોલિસીના પૈસા તો તમે મરો ત્યારે મળે છે. આજના અચોક્કસ જીવનધોરણના યુગમાં તમે જીવતા હો અને રક્ષણ આપે એવી એક જ સાવ મફતની દૈવી ઈન્શ્યોરન્સ પોલિસી છે પ્રાર્થના.'
મયંક કહે, 'આમાં પણ ઈન્શ્યોરન્સની વાત. બોલ્યા કરો દાદાજી !'
દાદાજી બોલ્યા, 'આજકાલ અમેરિકાનાં મા-બાપમાંથી ઘણાં તેમનાં બાળકોને મેડિટેશન શીખવે છે. ઘણી અમેરિકન સ્કૂલોમાં બૌદ્ઘ ધર્મ શીખવવામાં આવે છે. ભારત જેવા સંસ્કૃતિવાળા દેશમાં આપણે બાળકોને કોઈ પ્રાર્થના કંઠસ્થ કરાવીએ છીએ ? જૈન બાળકોમાંથી કેટલાંને ’નમો અરિહંતાણમ્’નો નવકારમંત્ર-શ્લોક કંઠસ્થ છે ?
(ક્રમશ:)
