Nisha Shah

Children Inspirational

3.2  

Nisha Shah

Children Inspirational

ચકીરાણી

ચકીરાણી

4 mins
7.3K


સનાયા અને મુસ્કાન શાળાએથી ઘરે પાછાં આવતાં હતાં. ત્યાં અચાનક એક ચક્લીનું બચું એમની નજર સામે જ રસ્તા પર પડ્યું.સનાયા તો ગભરાઈ ગઈ. પાસે જઈને જોયું તો બીચારું પાંખો હલાવી તડફડતું હતું. એણે તરત જ એની મમ્મીને કીધું, "મમ્મી, મમ્મી જો આ ચકલી બીચારી એને કેટલું વાગ્યું છે આપણે એને ઘરે લઈ જશું?" મુસ્કાને પણ જોયું અને તરત બોલી ઊઠી, "મમ્મી પ્લીઝ! લઈ લેને હું એને ડ્રેસિંગ કરી આપીશ. જો એનાં પગમાંથી લોહી નીકળે છે." મમ્મીએ કહ્યું, "હા. ચાલો આપણે એને લઈ જઈએ." ધીમેથી એનાં બે હાથથી ઉપાડયું અને આજુબાજુ જોવા લાગી. કદાચ એ બચ્ચાંની મા એને શોધતી હશે!આજુબાજુ જ હશે. ધીમેધીમે ઘર તરફ જવા માંડયું એકબે ચકલીઓ ચિં... ચિં... કરતી હોય એવું લાગ્યું ખરું!

સનાયાતો બચાને ખૂબજ આનંદમાં આવી ગઇ. "હે...! આપણે ઘરે ચકીરાણી આવ્યાં." બન્ને દીકરીઓને લઈને પૂર્વી મમ્મી બચ્ચાં સાથે ઊપર ઘરે આવી. આવીને બચ્ચાને બારીની પાળી પર મૂક્યું. સાનુને કીધું કે જા જલદી પાણી લાવ. મુસ્કાન દોડી. પાણી લાવી. સનાયાએ ધીમેથી એનાં પર પાણી છાંટ્યું. બંને અધીરાઇથી ચકીરાણીની સેવા કરવા દોડાદોડી કરવા માંડ્યાં. પૂર્વીએ કીધું, "જાળી બંધ કરી દો જેથી બીજાં પક્ષીઓ આવીને એને ચાંચ ના મારે. કાચ ખૂલ્લો રાખો. એને હવા બરોબર મળે." એક પૂંઠું લઇને એને હવા નાખવા લાગી. બંને છોકરીઓ પણ એને વારાફરતી હવા નાખવા લાગી. એટલામાં સનાયાની બેનપણીનો ફોન આવ્યો. તરતજ ઉત્સાહથી કહેવા માંડી, "ત્વરા, મારે ઘેર ચકીરાણી આવ્યાં છે. જલદી આવ!" જોતજોતામાં તો બંનેની બેનપણીનાં ફોન પર ફોનને બધાં આવવા માટે આતુર થઇ ગયાં. થોડી વારમાં તો ત્વરા, ઈશા,સ્વરા અને શિવાની, અનુષ્કા ભેગા થઈ ગયાં. વળી, સાથે ચોકલેટ, પીપર,બિસ્કીટ ને કેક વગેરે પણ લઈ આવ્યાં.

પૂર્વીએ બધાને કહ્યું, "અરે! આ તો ચકલી છે, ભૂલી ગયા! એ શું ખાય? એને તો જોઈએ ચોખાનો દાણો ને દાળનો દાણો! મારી પાસે જ છે તમને હું આપું તમે એને ખવડાવજો. પણ જરા શાંતિથી હજુ એનું ડ્રેસીંગ બાકી છે."

મુસ્કાન દોડીને ડબ્બો લઈ આવી. "મમ્મી, હું એને કરું?" "હા હા! કરને તું કર!" પણ પછીતો એની હિંમત જ ના ચાલી. મમ્મીએ મદદ કરી અને બંનેએ મળીને એનાં પગ પર ડેટોલ નાખ્યું, મલમ લગાડ્યો અને પછી નાનો પાટો બાંધ્યો. એ બીચારી તો હાલ્યા ચાલ્યા વગર પડી રહી. બધાં વિચારે કે બીચારીને કેવી રીતે વાગ્યું હશે ! મમ્મીએ કહ્યું, "ચકોચકી એનાં બચ્ચાને ઊડતાં શીખવતાં હશે અને જરૂર એનો પગ કોઈ દોરામાં ફસાઈ ગયો હશે તેથી એનાં પગમાં કાપો પડી ગયો ને એ ચીરામાંથી લોહી નીકળે છે. જોયું! પતંગ ઉડાવવાની મજાખરી પણ એનો આ માંજાવાળો દોરો પક્ષીઓ માટે કેટલો ભયાનક બને છે!"

સાંજ સુધી કોઈ બેનપણીઓ ઘરે જવાનું નામ ન દે. પછી તો બધાં રોજ રોજ અમે આવશું કહીને ગયાં.

બીજે દિવસે બધાં ફરી આવીને ચકલીરાણી જોડે રમ્યાં. ગીતો ગાયાં.

'ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં?

બેસવાને પાટલો સૂવાને ખાટલો ખાવાને દાણા આપીશ તને હું આપીશ તને...'

બધા ગાવા લાગ્યા ને નાચવા પણ લાગ્યા.

શાળામાં વર્ગમાં પણ બધા એજ ચર્ચા કરતાં હતાં. વર્ગમાં ટીચરે આવીને જોયું, બધા ખૂબ જ જુદા મુડમાં છે! પૂછતાં ખબર પડી, સનાયા ચકલીને ઘરે લઈ ગઇ ને, આમ સારવાર કરીને રોજ ધ્યાન રાખે છે. ટીચર બહુજ ખુશ થયાં, શાબાશી આપી. સનાયા કહે, "ટીચર! મુસ્કાન દીદીએ એનું ડ્રેસિંગ કર્યું. ટીચરે પ્રિન્સિપલને અને સ્ટાફને વાત કરી. આપણે આ બે બહેનોને શાબાશી આપવી જોઈએ. પછી તો જનરલ મીટિંગ બોલાવી અને શાળાનાં બધાં બાળકોને કહ્યું કે આવી રીતે પશુપક્ષી તકલીફમાં હોય તો આમ સેવા જરૂર કરવી જોઈએ. આપણે આ બે બહેનોને આ કાર્ય માટે મેડલ આપશું. બધાં બહુ ખુશ થયાં ને તાળી પાડવા લાગ્યાં. ચાર પાંચ દિવસ થઈ ગયા અને હવે બચ્ચું સારૂં થઈ ગયું હતું. ઘરમાં આમતેમ ઉડવા લાગ્યું. પૂર્વીએ બંને બહેનોને કહ્યું, "હવે ચકીરાણીનો જવાનો સમય થઈ ગયો છે. એને જવાદો." બંને કહે, "એમ કેમ જવા દઈએ? એ તો અમારી દોસ્ત થઇ ગઇ છે એને અહીંજ રેહવા દઇએને." પૂર્વીએ કહ્યું, "કેમ તમે આમ ખોવાઇ જાવ તો તમારી મમ્મી તમને શોધે કે નહીં? એને પણ મમ્મી પપ્પા હશેને? તો પછી? તમે જુઓ. હમણાંથી જોઉં છું, આ બચ્ચું કાચ પાસે જઈને બારીની બહાર જોયા કરે છે અને મને લાગે છે સામેનાં ઝાડ પર આજકાલ ચારપાંચ ચકલીઓ ઊડતી હોય છે. આપણે બારી ખોલી નાખીએ. જોઈએ શું થાય છે!"

એ દિવસે સનાયા મુસ્કાને બધી બેનપણીઓને બોલાવી લીધી. સાંજે પાંચ વાગે બારી ખોલી. બધા આતુરતાથી જોવા લાગ્યાં. બચ્ચુ થોડી વાર તો ઉડ્યું નહીં, થોડું આમતેમ આંટા મારતું હતું. પછી ત્યાં જ બેસી રહ્યું. પણ પાંચ દસ મીનીટમાં તો ત્યાં જ ચકલીઓનું ચિં.. ચિં સંભળાયું! અને બચ્ચું અચાનક ઉડયું. ઊડીને સામે જ ઝાડ પર જઈ બેસી ગયું. બધાએ બાય બાય કર્યું. અને જોયું તો ચકલીઓ એની આજુબાજુ જ બેસી ગઈ હતી. બધાંને હાશ થઈ કે બરોબર એ એનાં પરિવાર સાથે છે. બધાં બાય કરીને ગયાં તો બંને બહેનોને ઘરમાં સૂનું સૂનું લાગવા લાગ્યું. રોજ સનાયા અને મુસ્કાન ઝાડ પર નજર કરે. આખો દિવસ કઈ ન દેખાય પણ સાંજે જુએ તો ત્રણ ચકલીઓ ડાળી પર બેસી ચિં... ચિં... કરતી દેખાય જાણે એ લોકોને ‘હાય’ ના કરતી હોય! રોજ રોજ પછી તો ચકલીઓ એમને ચિં... ચિં... કરી હાઇ કરે અને મુસ્કાન સનાયા એમને બાય બાય કરે.

  


Rate this content
Log in

Similar gujarati story from Children