છ હજાર રૂપિયા.!
છ હજાર રૂપિયા.!


કોલેજની વાર્ષિક પરીક્ષા પહેલાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ચૂંટણીનો માહોલ જોતાં પ્રોફેસરે "જો હું વડાપ્રધાન થાઉં તો..." વિષય સાથે વકતૃત્વ સ્પર્ધા રાખી હતી.
એક બાદ એક વિદ્યાર્થીઓ પોતપોતાના વિચારો આગવી શૈલીમાં મુકી રહ્યાં હતાં. ત્યાં સુરેશ પરમારનો વારો આવ્યો. એણે ઘણાં વિચારો ધારદાર રજૂ કરતાં છેલ્લે બોલ્યો, "હું ગરીબને દર મહિને છ હજાર રૂપિયા મફતમાં આપીશ..."
પ્રોફેસર બોલ્યા, "એ માટે તારે વડાપ્રધાન થવાની ક્યાં જરૂર છે? એક ગરીબને તો તું જાતે જ મહિને છ હજાર રૂપિયા આપી શકે છે."
"હેં! કેવી રીતે?" સુરેશ પ્રોફેસર સામે તાકી રહ્યો.
"સામે સલીમનું ગેરેજ દેખાય છે? હું તને ત્યાં કામ અપાવીશ. એને હેલ્પરની જરૂર છે. રોજ કોલેજ છુટીને માત્ર બે કલાક કામ કરવાનું. એ તને મહિને છ હજાર રૂપિયા આપશે. અને એ તું એક ગરીબને આપી દેજે."
સુરેશ બે મિનિટ વિચાર કરી બોલ્યો, "એનાં કરતાં હું એ ગરીબને જ ત્યાં કામ કરવા મોકલું તો?"
"હા, એમ જ કર. કરવા દેને બધાંને પ્રયત્ન. શું કામ મફતની ટેવ પાડવી? જેમને નોકરી નથી મળતી એમણે કશુંક કામ તો કરવું પડશે ને? કે પછી મફતની અપેક્ષા રાખવાની? મફતની મીઠાઈ કરતાં મહેનતનો રોટલો સારો!"
સુરેશની સાથે આખા વર્ગે પ્રોફેસરને તાળીઓથી વધાવી લીધા. આ વેકેશનમાં સમાજસેવાના ભાગરૂપે સૌ વિદ્યાર્થીઓ એક એક ગરીબ બેરોજગારને રોજગારી અપાવવામાં મદદરૂપ થવાનાં સંકલ્પ સાથે છુટાં પડ્યાં!