Sanjay Thorat

Romance

3  

Sanjay Thorat

Romance

મીઠાનું પાણી !

મીઠાનું પાણી !

2 mins
7.6K


"તમે ફોન પર વાત કરો છો ત્યારે તમને ખાંસી ચઢે છે. રાત્રે સૂતી વખતે ગરમ મીઠાનું પાણી કરી કોગળા કરવાનું રાખો."

ફેસબુક પરથી ફોનો ફ્રેન્ડ બનેલી પ્રિયંકા પ્રથમને સમજાવતી હતી. વર્સેટાઈલ પર્સનાલિટી ધરાવતા પ્રથમ સાથે એની ફેસબુક ફ્રેન્ડશીપ હતી. એક દિવસ અચાનક એનાં મેસેન્જરમાં મેસેજ બ્લિન્ક થયો, "તમે મારી બધી પોસ્ટ લાઈક કરો છો, તમે મને ઓળખો છો?"

"ના, પણ તમારી પ્રવૃત્તિઓ ગમે છે."

થોડા દિવસ મેસેન્જરમાં વાત પછી નંબરની આપલે થઈ ગઈ. અને એક દિવસ એનો મોબાઈલ રણક્યો, "હાય પ્રિયંકા! જન્મ દિવસની અનેક શુભકામનાઓ!"

પ્રથમનો એ ફોન પ્રિયંકા માટે સરપ્રાઈઝ હતો અને એ તેનાં માટે અવિસ્મરણીય બની ગયો. પછી વાતચીતનો દોર લંબાયો અને ફોનો ફ્રેન્ડશીપ પાક્કી થતી ચાલી.

પ્રથમના પ્રથમ પુસ્તક વિમોચન પ્રસંગે એણે આગ્રહ ભર્યું આમંત્રણ આપ્યું, પણ એ ન જઈ શકી. પણ પુસ્તક રૂબરૂ આપવા આવજો એવી મીઠી જીદ કરી.

એક દિવસ પ્રથમ એની ઓફિસ પહોંચી ગયો.

"મારું પુસ્તક તમને સપ્રેમ ભેટ!" બન્ને પ્રથમવાર મળ્યાં પણ જાણે વર્ષો જુની ઓળખાણ હોય એમ જ... કોફીનાં સીપ સાથે વિવિધ વાતો બાદ એક જ કારમાં પ્રવાસ શરૂ થયો.

પ્રથમે એને હોળી પર ગાલે ગુલાલ લગાડવાની જીદ કરી હતી, પણ એ દિવસે મેળ ન પડ્યો, એ વાત યાદ આવી... અને એણે ધૂળેટીના કાલ્પનિક રંગોથી પ્રિયંકાના ગાલને રંગતા એ લાલચોળ થઈ ઊઠ્યા.

એ પ્રથમ સ્પર્શની લાલાશ બંન્ને પ્રવાસ દરમિયાન માણતાં રહ્યાં...

પ્રિયંકાને ડીપી બદલવાનો શોખ, એ જ્યારે ડીપી બદલે ત્યારે પ્રથમ કિસની ઈમોજીસ મોકલે અને એ રોમાંચિત થઈ જાય. પ્રથમ તો ક્યારેય ડીપી બદલે નહીં, પણ એક દિવસ પ્રિયંકાએ જીદ પકડી અને પ્રથમે ડીપી બદલતા એણે કિસથી નવડાવી દીધો...

હવે માત્ર એમની વાતચીત વ્યસન બની ચૂકી હતી. પ્રિયંકા એને કાયમ કહેતી, "મારાં ઘરે આવશો ત્યારે મીઠાંનું પાણી પીવડાવીશ."

"પણ કેમ?"ના જવાબમાં કહેતી કે, "બસ મારી ઈચ્છા છે!" પ્રથમને એ બહુ નવાઈ ભર્યું લાગતું. એની એ પ્રેમ કરવાની સ્ટાઈલ પર પ્રથમ ફીદા હતો...

અને એક દિવસ એ પ્રિયંકાના પપ્પાના જન્મ દિવસના બહાને પ્રિયંકાને મળવા એના ઘરે પહોંચી ગયો.

એ પાણી લઈને આવી, જેવું પાણી પીધું તો એ નોર્મલ! એને ફરી નવાઈ લાગી. એ પ્રિયંકા સામે તાકી રહ્યો. થોડીવાર પછી આઈસ્ક્રીમ આવ્યો, અને છેલ્લે ફરી પાણી...

એણે આંખથી ઈશારો કર્યો અને ટ્રેમાંથી ગ્લાસ લેવા કહ્યું... એણે પ્રથમને મીઠાનું પાણી પીવડાવી દીધું. પ્રથમને એ ખારાં પાણીમાં પ્રિયંકાના પ્રેમની મીઠાસ દેખાઈ...

...આજે પ્રથમને પાણીમાં મીઠું નાંખતા જોઈ પત્ની બોલી, "કેમ મીઠાનું પાણી?" એણે જવાબ તો આપી દીધો કે ગળામાં ખારાશ છે.

બાકી એ થોડો એમ કહી શકે કે, જ્યારે દિલથી પ્રિયંકાને યાદ કરું છું ત્યારે મીઠાનું પાણી પીવું છું!


Rate this content
Log in

Similar gujarati story from Romance