ચાલીસ હજારનું ઈન્જેકશન
ચાલીસ હજારનું ઈન્જેકશન
ઘરે કલર કામ ચાલુ હતું આશરે રાતે આઠ વાગ્યાનો ટાઈમ હશે...માણસો જવાની તૈયારી કરી રહ્યા હતા અમે પણ ઘર ગોઠવવા બેઠા હતા. અચાનક વાસદ મારા મોટા ભાઈનો ફોન આવ્યો પપ્પા ને દવાખાને લઈ ગયા છે..તું જલ્દી નીકળ. એટેક જેવું લાગે છે. સિરિયસ છે. મારા પગ નીચેથી ધરતી હટી ગઈ આ સમાચાર સાંભળીને..મારી હાલત નહતી એકલા વડોદરાથી વાસદ જવાની..મિત્ર ને ફોન કર્યો .. એ આવ્યો ને અમે વડોદરાથી નીકળ્યા... પપ્પાને વાસદથી 108 માં આણંદ લઈ ગયા હતા. અમે સીધા એક્ટિવા પર આણંદ પહોંચ્યા..ત્યાં ભાઈ ને હાલત વિશે પૂછ્યું ભાઈ એ કીધું 24 કલાક ક્રિટિકલ છે બીપી ખુબ નીચે આવી ગયું હતું..આઈસીયુ માં હતા. એમનો ચહેરો દેખાયો..માથા પર હાથ ફેરવી આવ્યો..કશું નથી એમ કીધુ પણ ખરું..ખબર નહીં કાયમ એમને અમારા બે ભાઈઓની ચિંતા એમને કાયમ હોસ્પિટલથી ડર લાગે. પોચા હૃ
દયના કોઈની બીમારી પણ દેખાય ના..અને સાથે પૈસાની ચિંતા..એમને મન એવું કે છોકરાઓ પાસે કોઈ જાતનો ખર્ચો કરાવવો નહીં અને એમાં તો હોસ્પિટલનો તો ખાસ.. પછી એમનું શું..એવી ચિંતા...જેમ તેમ કરી રાત કાઢી સવારમાં બધા સગાવહાલા આવ્યા...ડોક્ટર મીટીંગમાં હતા..અમને અંદર બોલાવ્યા કહ્યું બીપી ઊંચું આવ્યું નથી આપણે એક ટ્રાય કરી શકીએ એક ઈન્જેકશન આવે છે 40000 રૂપિયાનું એ મૂકી શકાય કદાચ બીપી ઉપર આવે..તમે વિચારી લો.
અમે બહાર આવ્યા 1 મિનિટમાં ડીસાઈડ કર્યું કે મૂકાવી દેવું...અંદર જઈ ડોક્ટરને કીધું મૂકી દો..ડોક્ટર કહે ઓકે અને ત્યાંજ નર્સ ડોક્ટરને બોલાવવા આવી..ડોક્ટર પપ્પાની રૂમમાં ગયા 5 મિનિટમાં પાછા આવી ન્યુઝ આપ્યા. પપ્પા નથી રહ્યા.
કદાચ બાજુમાં જ રૂમ હતી પપ્પા સાંભળી ગયા હોય પેલી 40000 રૂપિયાના ઈન્જેકશની વાત.