બસ, એક કપ ચ્હા
બસ, એક કપ ચ્હા


સુરત ! આ શહેર એટલે કે નશો. ના , ના આલ્કોહોલનો નહિ પરંતુ વિવિધ વાનગીઓના સ્વાદનો અને ચ્હા નો. અહીં સંબંધો સોશ્યિલ મીડિયા પર નહિ પરંતુ કેફેના ટેબલ પર અને ચ્હા ની ટપરી પર વધુ ગાઢ બને.સુખ માં ચ્હા, દુઃખ માં ચ્હા, નવરાશની પળોમાં ચ્હા, તહેવારોમાં ચ્હા અને પ્રેમ માં પણ પાંગળી આ ચ્હા જ.
અહીં નાની નાની વાતો થી લઇ ને મોટા સોદા પણ આ ચ્હા ના માધ્યમ થી જ થાય. લોકો ના જીવન માં ઘટના સ્થળે નાનો એવો કિરદાર નિભાવતી વ્યક્તિ એટલે ચ્હા.
આકાશ અને સ્વરા ના સંબંધો, ના એટલે કે મિત્રતા ના સંબંધો ની શરૂઆત Tea Post ના ટેબલે પર થતી રોજ બપોર ના ચાર વાગ્યા ની એ "ચા પે ચર્ચા".
આકાશ , એક અંત્યંત ટી- પર્સનાલીટી વાળુ વ્યક્તિત્વ.એનું બ્લડ ગ્રુપ તો જાણે ટી પોઝિટિવ. હા, આકાશ ના મને ચ્હા એટલેકે બધું જ. સવાર, સાંજ અને ઘણી વાર રાત્રે પણ ચ્હા જ. નામ મુજબ જ આકાશ એટલે કે વિચારો નું અનંત અવકાશ. ફિલોસોફી જેવી વાતો કરવી, ભવિષ્ય ના જ વાતાવરણ મ હંમેશા રેહવું અને એક મિડલ ક્લાસ ફેમિલી માં ઉછરેલ આ વ્યક્તિ સામાન્ય લોકો ની જેમ કરતો સવાર ના આઠ થી બપોર ના ચાર ની જોબ. આકાશ એક સોફ્ટવેર કંપની માં જોબ કરતો. જેમ વાદળો વરસાદ પડી ને પોતાનો ભાર ઓછો કરતા તેમ જ આકાશ પોતાની લાગણીઓ ને કાગળ ઉપર ક્યારેક ક્યારેક સરકાવી દેતો.
આકાશ અને સ્વરા એક જ કોલેજ માં હતા પરંતુ જોબ માં વધુ એકબીજા ને ઓળખતા થયા.
સ્વરા, સ્વરા નો સ્વર જાણે કે કોઈ કોયલ કંઠી, ૨૩ વર્ષ ની આ છોકરી એટલે કે કોઈ અપ્સરા. લાંબા રેશમી વાળ સાથે કોમળ એનો ચહેરો! પોતાના મનપસંદ ગીતો ને વારંવાર ગાવું, થોડો મજાકીયો સ્વભાવ, હંમેશા પોતાના સપનાઓને શણગારતી આ સ્વરા એક કોફી પર્સનાલીટી વાળું વ્યક્તિ. કેફે ની કોફી તો એના મન માં ઘર કરી ગઈ હતી.
દિવસો વીતતા ગયા અને Tea Post તો જાણે એક રોજીંદુ ટાઈમટેબલ બની ગયું હતું. રોજ ઓફિસથી છૂટી ને ચાર વાગ્યે મળવું અને પછી છુટા પડવું. આમ ચ્હા અને કોફી ની મિત્રતા પણ એક દૂધ ના માધ્યમ થી ગાઢ બની ગઈ. આકાશ અને સ્વરા વાતો વાતો માં બ્રેકિંગ ન્યૂઝ, રાજકારણ, બોલિવૂડ તો ક્યારેક વર્લ્ડ ટૂર ની સફર પણ કરી લેતા.
પરંતુ બંનેની મિત્રતાના સંબંધે એક પગથિયું ઉપર ન ઓળંગ્યું.
સમય તો જાણે રેતગળી થી પણ ઝડપથી વીતતો ગયો અને આવી ૩૧ ડિસેમ્બર વર્ષ નો છેલ્લો દિવસ અને સ્વરા ની બર્થ ડે પણ. આ દિવસે પણ રોજના નિત્યક્રમ મુજબ ચાર વાગ્યે બેવ જણ એજ ટેબલ પર બેઠા. પરંતુ આજે સ્વરા થોડી મોડી આવી. ખુશી થી લાલ થયેલા એના ગાલ અને સાથે હમણાંજ જાણે વિશ્વ વિજેતા થઇ હોય એમ એના મોઢા પર નું સ્મિત. આકાશ દિલ થી આ બધું નિહાળી રહ્યો હતો.
આકાશ પણ આજે તેને કંઈક કહેવા માંગતો પરંતુ સ્વરાના મોંમાંથી શબ્દો વધુ ઝડપી નીકળી રહ્યાં હતા. આકાશ મનોમન વિચારવા લાગ્યો કે એણે જે રજૂઆત કરવાની છે આજે, આ એ તો નથી ને? ત્યાં તો સ્વરા બોલી "આકાશ, જલ્દી મારા લગ્ન ગોઠવાય જશે." ખુશી થી તરબોળ થયેલ સ્વરા ની સામે આકાશ તો સ્તબ્ધ થઇ ગયો!.
આકાશ બોલ્યો- "કોની સાથે?"
સ્વરા એ કીધું - "આકાશ, અરે ડૉ.આકાશ."
બેંગ્લોર જેવા મેટ્રો સિટી માં રહેલા, ખુબ પ્રખ્યાત હોસ્પિટલ માં ફરજ બજાવનાર, એકદમ વેલ સેટલ અને સ્વરા ની જેમ જ એક કોફી પર્સનાલીટી ધરાવતું વ્યક્તિ. આકાશ ને તો આ સાંભળી તો જાણે પગ તળે ધરતી ખસી રહી હતી. સામે રહેલી ચ્હા નો સ્વાદ એને ફિક્કો લાગતો રહ્યો. એને ખિસ્સા માં રહેલું આ ગિફ્ટ તો જાણે કોઈ કાટમાળ ની જેમ પડી રહ્યું. અને રોજ ની જેમ આકાશ કંઈ ના બોલી શક્યો અને ફરી ડૂબ્યો વિચારો ના એ અવકાશ માં.
સ્વરા તો લગ્નગ્રંથી થી જોડાય ગઈ અને જાણે દૂર થતી ગઈ. પરંતુ આકાશ રોજ નિત્યક્રમ ને સાચવતો રહ્યો.આજે તો આકાશ બસ આટલું જ લખી શક્યો
"આદાત નથી, પણ એ મારી બીમારી છે, ચ્હા ના ટેબલે તો તારી અને મારી યારી છે."
સમય ને રોકવાનું તો કોઈ પરિબળ જ નથી હોતું. પલકવાર માટે આ પણ સારી રહ્યો હતો. આજે બરાબર એક વર્ષ થયું Tea Post ની આ આકાશ અને સ્વરા ની વાતો ને. હા, ૩૧ ડિસેમ્બર અને સાથે સ્વરા ની બર્થ ડે પણ.
પરંતુ આજે ફક્ત આ ટેબલ પર વિચારોના વાદળો સાથે વાતો કરતો આ આકાશ અને એની સામે બસ, આ એક કપ ચ્હા.