બરડાં ડુંગરનો અમારો પ્રવાસ
બરડાં ડુંગરનો અમારો પ્રવાસ
એક જ દિવસના ટુંકા પ્રવાસમાં શનિદેવ મંદિર - હાથલા, વિર માંગડાવાળાની જગ્યા - ભાણવડ, ગાયત્રી આશ્રમ અને આશાપુરા મંદિર - ઘુમલી, બીલનાથ મહાદેવ - બીલેશ્વર અને જાંબુવંતની ગુફા - રાણાવાવ ફરી આવ્યા ત્યારે અમને પણ થોડું આશ્ચર્ય થયેલુ કે ઓહો હો આટલા ટુંકા સમયમાં ઘણુંય ફરાય ગયું! અને તમને પણ એ જાણીને આશ્ચર્ય થશે કે આ બધુય અમે પોતાના સેપરેટ વાહન વગર રેલ્વે, બસ, રીક્ષા વગેરે જયારે જે મળ્યુ તેમાં બેસીને ફરી આવ્યા.
જો કે આ બધુય શકય બનવા માટેનું કારણ એ છે કે અમારી સાથે આ બધાય સ્થળો ઘુમી વળેલા અનુભવી અમારા મિત્ર અતુલ ચોટાઇ લીડર કમ ગાઇડના રૂપમાં અમારી સાથે હતા. આ પ્રવાસમાં હું, અતુલ ચોટાઇ, પ્રહલાદસિંહ ગોહીલ અને ચેતનભાઇ દોશી એમ કુલ ચાર જણા હતા.
૨૯ ડીસેમ્બર ૨૦૧૮ ના રાત્રે ૧ વાગ્યે રાજકોટથી ટ્રેઇન મારફત અમારી જર્ની શરૂ થઇ. ઝોલા ખાતા ખાતા જેવી તેવી નિંદર કરી હશે ત્યા તો સવારના ૪.૩૦ વાગ્યે ભાણવડ કેમ આવી ગ્યું કાઇ ખબર જ નો રહી. અહીથી હાથલા શનિદેવ જવા માટે આવક જાવક રીક્ષા બાંધી. રસ્તામાં ચા પાણીનો હોલ્ટ કરી આગળ વધ્યા. ઠંડી પણ એમ હતી. નિર્જન ભેંકાર રસ્તા પર દોડતી જતી અમારી રીક્ષાએ વહેલી સવારના છ સવા છ વાગ્યે અમને હાથલા પહોંચાડી દીધા. હાથ મોઢું ધોઇ થોડા ફ્રેશ થઇ શનિદેવના દર્શન કર્યા અને થોડીવાર બેઠા ત્યાં તો સુરજ દાદાએ દેખા દિધા. દિવસ ઉગ્યાનું અજવાળુ થતા ફરી રીક્ષામાં ગોઠવાઇ ગયા. પરત ભાણવડ આવવા રવાના થયા. બરડા ડુંગર પાછળથી નિકળતા સુર્ય કિરણોથી આહલાદક બનેલ નજારો નિહાળતા પરત ભાણવડ આવી ગ્યા.
થોડા નાસ્તા પાણી કરી પહોંચી ગયા વિર માંગડાવાળાની જગ્યાએ. પ્રેત આત્મા અને છેવટે મોક્ષ ગતિની કથાની સાક્ષી પુરતો અડખમ એ વડલો નજરો નજર નિહાળ્યો. 'એના લોચનીયે લોહી જરે .. ભુત રૂવે ભેકાર' ગીતની પંક્તિઓ પણ મનમાં તાજી થઇ આવી. અહીં થતી માનતાઓ આજે પણ ફળી રહી છે. તેની પ્રતિતિ કરાવતી અનેક ધજા, ચુંદડી તેમજ બાળકોના ફોટાની આખી હારમાળા જોવા મળી.
અહીથી અમે ઘુમલીની ભાગોળે આવેલ ગાયત્રી આશ્રમે પહોંચ્યા. થોડો આરામ કરી અમારી સાથેનો સામાન ઉતારાની રૂમમાં વ્યવસ્થીત ગોઠવી નિકળી પડયા બરડાનો જ એક ભાગ ગણાતો ઘુમલી ડુંગર ખુંદવા. ઉંચી ટોચ પર આવેલ દેશ દેવી માં આશાપુરાનું મંદિર જોઇ ને ઘડી ભર તો વિચાર ઝબકી જ ગ્યો કે ઓહો હો આ સાડા આઠસોથી પોણા નવસો પગથીયા કેમ ચડીશું? પણ ધીરે ધીરે શરૂઆત કરી અને છેક ઉપર પહોંચી ગયા ત્યારે ચારે તરફનો નજારો નિહાળતા આંખો ચાર થઇ જાય એવા દ્રશ્યો જોવા મળ્યા. સોળેકળાએ ખીલેલી પ્રકૃતિ નિહાળી આંખોને ટાઢક વળી. એ ડુંગર ઉતરીને બાજુમાંથી જ પસાર થતા ઉબડ ખાબડ રસ્તે ગીચ જાળીઓ વિંધતા ભૃગુરૂષીના કુંડ પર પહોંચ્યા. એકદમ નિરાકાર શાંતિ વચ્ચે માત્ર કાબર, ચકલા, મોર ને પોપટનો કલબલાટ સાંભળવા મળતો હતો. પૌરાણીક નવલખા મહેલ અને ઐતિહાસીક ગણેશ મંદિર નિહાળી પરત નિકળવાની તૈયારી કરી. એમ કહેવાય છેકે આ બરડા ડુંગરમાં આવા નાના મોટા અનેક સ્થાનો આવેલા છે. જે ફરવા માટે બેથી ત્રણ દિવસનો સમય જોઇ જાય.
બપોરે ગાયત્રી આશ્રમે પરત ફરી ભોજનક્રિયા પતાવીને નવરા પડયા ત્યાં તો રાણાવાવ જવા માટેની બસ દુરથી જ હોરન મારતી આવી ચડી. અમે સલામત સવારી એસ.ટી.માં ગોઠવાયા. થોડીવારમાં જ બિલેશ્વર આવતા બસ ઉભી રહી. અહી દસ મીનીટનો હોલ્ટ હોય બધા મુસાફરોની સાથે અમે પણ ફટાફટ બિલેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઇ પાછા બસમાં બેસી ગયા.
રાણાવાવમાં આવેલી જાંબુવંતની ગુફાના સ્થળે પહોંચતા જ અલૌકીક ભુમિ પર આવ્યાની અનુભતિ થઇ. એક એક વ્યકતિ અંદર જઇ શકે તેવી ગોખલા જેવી જગ્યામાં આઠ દસ પગથીયા ઉતર્યા ત્યારે થોડી અકળામણ લાગી. પણ સાવ નીચે પહોંચ્યા તો આંખો ચાર થઇ જાય એવી વિશાળ હોલ જેવી લાંબી પહોળી ગુફા હતી. દોઢસો બસ્સો માણસો આરામથી સમાય જાય તેવી પકતાણ ધરતીના પેટાળમાં હતી. ઉપરના ભાગેથી કયાંક કયાંક પાણી ટપકતુતુ. નાનામોટા અનેક શિવલિંગ જોવા મળ્યા. એમ કહેવાય છે કે જયાં પણી ટપકતુ હોય ત્યાં શિવલિંગ આપોઆપ રચાય જાય. નીચે તળીયે જીણી લાલ રેતી હતી. જે ગોકુલ મથુરાની રમણ રેતી જેવી જ હોવાનું એક યાત્રીક જણાવી રહ્યા હતા.
આ લાંબી ગુફા જયાં પુરી થતી હતી ત્યાં રીંછ જેવુ મુખ ધરાવતા જાંબુવંત અને ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ તસ્વીર મુકાઇ હતી. અહીથી પણ બે પોલાણ આગળ જતા જોવા મળ્યા. એ રહસ્ય હજુ અકબંધ છે કે એ રસ્તા કયાં આગળ જઇ રહ્યા છે. કોઇ કહે છે કે એ પોલાણ (ગુફા) નો રસ્તો છેક દ્વારકા જાય છે તો વળી કોઇ કહે જુનાગઢ જાય છે. ગુફામાંથી બહાર નિકળીને બાજુમાં આવેલ એક ઘડીયાળી બાપુની મઢુલીમાં પણ લટાર મારી. અહી લોકો જાત જાતની દિવાલ ઘડીયાળોની ભેટ ચડાવી જતા હતા. જેને ચારે બાજુ દિવાલોમાં ટાંગવામાં આવી હતી. રીતસર ઘડીયાળનું પ્રદર્શન જોવા આવ્યા હોય એવું લાગે.
બસ અહીં અમારી રોમાંચક સફર પુરી થઇ. સાંજ થવા આવતા જ સીધ્ધી રાજકોટની બસ પકડી ને અમારી આનંદમય યાત્રાને વિરામ આપ્યો. ડીસેમ્બર ૨૦૧૮ના છેલ્લા દિવસોમા કરેલ ટુંકા સમયગાળાનો આ પ્રવાસ અમારા માટે અવિસ્મરણીય બની રહ્યો. ઓ કે આવજો!