વાડ ને ખેતર
વાડ ને ખેતર


હમણાં અમારા પાડોશીની વાડીએ જવાનું થયું. ઘણા સમયે કુદરતના ખોળે ખેલવાનો આનંદ મળ્યો. તાજી હવામાં મહાલવા મળતા જ ઉંડા ઉંડા શ્વાસ લઇ ફેફસા ફુલ કરી લીધા. નૈસર્ગીકતાની અસર રોમે રોમમાં છવાઇ ગઇ ! વાડી ખેતર એટલે કુદરતી સૌંદર્ય ! વાડી હોય ત્યાં શું હોય ? લીલીછમ વનરાઇ હોય, ધુળ અને ઢેફા હોય, પાણીના ઝરણા જેવા કયારા હોય, લાંબા લાંબા ચાસ હોય, શેઢા ને પાળા હોય, ખીલે બાંધેલ કે હળમાં જુતેલી બળદની જોડી હોય, ખળુ હોય ને ખપારી હોય, કુવામાંથી પાણી ખેચતા એન્જીન હોય, થોડો વિસામો લઇ શકાય તેવી કાચી પાકી ઓરડી હોય ને બાજુમાં છાયો આપતા વડલો, પીપળો કે લીંબડાના મોટા ઝાડ હોય, કુવો હોય ને જોડજોડ અવેડા જેવી કુંડી હોય, મોજથી ગીતો લલકારતા હળ ચલાવતો ખેડુત હોય, નિંદામણ કરતા કે ફાલ ઉતારતા દાડીયા હોય ! આવું ઘણુંબધુ હોય છે વાડીમાં !
અહીં વાડી અને ખેતરમાં શું ફેર ? તેની સ્પષ્ટતા કરીએ તો મારી સમજ મુજબ જયાં કુવો કે સબમર્શીબલ જેવી પાણી ખેચવાની વ્યવસ્થા હોય તેને વાડી કેવાય. મતલબ વગર ચોમાસે પણ પાણી પિયત કરીને પાક લઇ શકાય. જયારે કુવો કે પાણીનો સ્ત્રોત ન હોય ને માત્ર ચોમાસાના વરસાદી પાણીના આધારે જ પાક લઇ શકાય તેને ખેતર કેવાય. આ થયો વાડી અને ખેતર વચ્ચેનો ભેદ.
આમ તો નાનો હતો ત્યારથી વાડી ખેતર ખુંદતો આવ્યો છું. મારા પપ્પા પોસ્ટ માસ્તર સાહેબ તરીકે અનેક ગામોમાં રહી ચુકયા છે. એટલે મને પણ ગામડા ગામોનો સારો અનુભવ થઇ ચુકયો છે. અમરનગર, લોધીકા, વીરપુર એમ અનેક ગામોની વાડીઓમાં ઘુમી વળ્યો છું. બળદ ગાડુ પણ ચલાવી જાણ્યુ છે. બળદની રાસ પકડીને અવેળે પાણી પાવાય ગ્યો છુ. રાત્રે પાણી વાળવા પણ મિત્રો ભેગો જઇ ચુકયો છુ. ભાત (વાડીએ જમવા પતરાના ડબ્બામાં શાક, રોટલા ભરીને તૈયાર કરાતુ ટીફીન) આપવા પણ ગ્યો છુ ને બધાયની સાથે બેસી એલ્યુમિનીયમના છાલીયામાં પીરસાયેલું ભોજન ઝાડનાં છાયે ધુળના ઢેફા પર બેસીને જમ્યો છુ. મિત્રો સાથે વાડીએ ભજીયા પાર્ટીઓનો આનંદ પણ ખુબ લુંટયો છે.
અમારા જુના ગામ આમરણ બેલાની સીમમા તો આખુ વેકેશન ગાળી નાખતાં. કડકડતી ઠંડીમાં વાડીએ રાત રોકાતા ત્યારે શિયાળીયાના અવાજો સાંભળ્યા છે ને વહેલા ઉઠી બળતણ સળગાવી તાપણાનો લીધેલો એ લ્હાવો કેમ ભુલાય ? એમ તો વાડીમા જ ભઠ્ઠો કરી ત્યાંજ શેકવામાં આવતા જીંજરા કે માંડવીના ઓળા કે પછી ઘઉના પોકનો સ્વાદ તો કઇ ઓર જ હોય છે. ધારદાર દાતરડાથી વાઢીને કપાતી જાડા ધોકા જેવા સાઠાની શેરડી તો ખુબ ખાધી છે ને વાડ હાલતો હોય ત્યાં શેરડીના રસમાથી તૈયાર થતો ગરમા ગરમ ગોળ પણ ખુબ ખાધો છે. વાડાસડાની વખણાતી શેરડીના વાડમાં માણેલો ઇ સ્વાદ જાણે કે હજુએ ગળામાં અકબંધ સચવાયેલો પડયો છે.
જેતપુર તાબેના અમરનગરમાં રહેતા ત્યારે મુખીબાપાના પૌત્ર અને અમારા બાળપણના મિત્ર પરેશ હિરાણીની વાડીએ ખુબ રખડીયા છીએ. નિશાળે રવિવારની રજા હોય એટલે બોર વિણવા જાતા. ભાઇબંધો સૌ ટીફીન લઇને જાતા ને પછી સાંજ સુધી વાડીમા જ રખડતા. જાગાબાપાના કિશોર વાડોદરીયાની વાડી, સહપાઠી મિત્ર એવા દિનેશ, વિજય, નિતીનની વાડીએ રખડ્યાનું હજી સાંભરે છે.
લોધીકામા રહેતા ત્યારે વિનોદ કમાણી ને હીતેશ કમાણીની વાડી, શૈલેષ વાગડીયાની વાડી, પડોશમાં રહેતા નિતીન ડાંડની વાડીએ તો અનેકવાર ગયેલાં.
વિરપુર (જલારામ) રહેતા ત્યારે પરષોતમ વઘાસીયાની વાડી, હરસુખ સાકરીયાની વાડી, સ્વાધ્યાય પરીવારની બગીચા સમાન વિશાળ વાડીમાં ચંદુ પારેખ ભેગુ અનેકવાર જવાનું થતું.
પણ આ બધુય બીત ગયે દીન બચપનકે જેવું બની રહ્યું. હવે તો ઇ જુના મિત્રોય પોત પોતાની નીજી દુનિયામાં પરોવાય ગ્યા ને કેટલાય તો સંપર્ક વિહોણાય થઇ ગયા ! રાજકોટ આવ્યા પછી પણ વાડીએ જવાનું થયુ એમાં ટંકારા પાસેના હરીપરમાં હરજી સર ઢેઢી (પટેલ)ના બોરના બગીચે તેમજ ન્યારામાં અશોક સીતાપરાના ગલગોટા અને ગેંદલીયાના ફુલોના બગીચે અને સરાયા જયેશ ભાગ્યા તથા વિક્રમ ભાગ્યાની વાડીએ ગ્યો છું.
હા હમણા છેલ્લે મુલાકાતો લીધી ઇ વાડીના નવા સ્વરૂપ સમાન ફાર્મ હાઉસોની વાત કરૂ તો ઘંટેશ્વરમાં વિરાભાઇ હુંબલનું રાજકોટની અંદર જ આવી જતુ તેમનું વિશાળ ફાર્મ હાઉસ કમ ઓફીસ કાર્યાલય. એજ રીતે દેવગામ પાસે આવેલ રીંકુભાઇ મૈયડનું ફાર્મ હાઉસ એટલે જાણે કે સ્વર્ગ જ જોઇ લ્યો ! સ્વીમીંગ પુલ, એસી રૂમ જેવા કોટેઝ, ગીરગાય અને ભેંસના તબેલા, ઘોડા માટે ઘોડાર, કબુતર અને જાત જાતના પક્ષીઓને રહેવાની અલાયદી વ્યવસ્થા.
આથીએ વિશેષ સુવિધાઓથી સજજ ફાર્મ હાઉસ એટલે અમારા સહકર્મચારી નરેન્દ્રસિંહ જાડેજાનું ખીરસરા પેલેસ પાછળ આવેલું ફાર્મ હાઉસ ! કે જયાં સાત હનુમાન મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને અનાજ કરતા વનઔષધીઓનો ઉછેર વધુ કાળજી પુર્વક થઇ રહ્યો છે. રૂદ્રાક્ષ અને સિંદુર જેવા પવિત્ર અને જવલ્લે જ જોવા મળતા વૃક્ષો મે અહીં નજરો નજર નિહાળ્યા. અહીયા પણ સ્વીમીંગ પુલ અને રહેવા માટેના આધુનીક કોટેજીસ તેમજ ગીર ગાય, ભેંસ, ઘોડા, વિદેશી પક્ષીઓ ને મોજથી મહાલતા જોયા.
તો આવી છે વાડીઓ ખુંદવાની મારી રોમાંચક સફર ! આતો ઘણા દિવસે રાજકોટમા જ પડોશી એવા પટેલબંધુની વાડીએ લટાર મારી એટલે સ્મૃતીઓ તાજી થઇ આવી. જોયુ માણ્યું તેને અક્ષર દેહ આપવા પ્રયાસ કર્યો છે. ઠીક ત્યારે આવજો, લ્યો એ રામે રામ !