ભૂતિયું જંગલ
ભૂતિયું જંગલ


ઘણા વરસ પહેલાની આ વાત છે. એક સરસ મજાનું નાનકડું ગામ હતું. આમાં અનેક જણ રહેતા હતા. તે ભલા અને ઉદાર હતા. બધા જુદી જુદી જાતિના હોવા છતાં એક બીજા સાથે હળી મળીને રહેતા હતા. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. અને તેમની ખેતી ચોમાસાના વરસાદ પર હતી.
હવે એક વરસ એવું આવ્યું કે અડધું ચોમાસું થઇ ગયું. તો પણ વરસાદ થયો નહિ. બધા ચિંતા કરવા લાગ્યા. જો વરસાદ નહિ પડે તો શું કરીશું. વરસાદ વગર ખેતી થશે નહિ. અને અનાજ નહિ તો કેમ કરી જીવીશું. આમ વિચારી બધા ચિંતા કરવા લાગ્યા. એવામાં એક ગામના વડીલ ભાભાએ બધાને સલાહ આપી કે આપણા ગામની બાજુના ગામમાં શંકર ભાગવાનનું એક મંદિર છે. ત્યાં જઈને દર્શન કરી પ્રાર્થના કરવાથી જરૂર વરસાદ થશે. આમ વિચારી બધાએ બાજુના ગામમાં જવાનું નક્કી કર્યું.
હવે એ મંદિરવાળું ગામ થોડુક દૂર હતું. અને તે ગામના રસ્તામાં વચ્ચે એક ભયંકર જંગલ આવતુ હતું. જેમાં અનેક જંગલી પ્રાણીઓ રહેતા હતા. બધાને જંગલી પ્રાણીઓથી તો બહુ ડર લાગતો ના હતો. પણ કેટલાક લોકો એવું કહેતા હતા કે એ જંગલમાં ભૂત પણ રહેતું હતું. જે રાતે ત્યાંથી પસાર થતા લકોને ડરાવતું હતું. તેમ છતાં દર્શન કરવા ગયા વગર છૂટકો ના હતો. એટલે ગામના બધા સવારે વહેલા બળદગાડા લઈને સામે ગામ જવા માટે નીકળી ગયા.
જતી વખતે તો દિવસ અને અજવાળું હતું એટલે કોઈને ખાસ કોઈ તકલીફ પડી નહિ. પરંતુ વળતી વખતે મોડું થઇ ગયું. રાત પડી ગઈ હતી. અને હવે જંગલ શરુ થતું હતું. જંગલમાંથી જંગલી પ્રાણીઓના ભયંકર અવાજ આવી રહ્યા હતા. બધા જ ડરી ગયા હતા. એટલામાં બળદ ગાડું ચલતા ચલતા અટકી ગયું. બધાને એમ થયું કે ભૂતે જ પાછળથી ગાડાને પકડી પાડ્યું છે. એટલે બધા ખુબ જ ડરી ગયા. અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
એટલામાં આકાશમાં વીજળીઓ થવા લાગી અને વરસાદ પણ વરસવા લાગ્યો. એવામાં એક મોટી વીજળી ગાડાના આગળના ભાગે થઇ. તેના પ્રકાશથી બધાની આંખો અંજાઈ ગઈ. પણ એક યુવાનની આંખો ખુલ્લી હતી. વીજળીના અજવાળામાં તેની નજર ગાડાનાં પૈડા પર પડી. તેને જોયું તો ગાડાના પૈડા આગળ એક મોટો પથ્હાર આવી ગયો હતો. જેના લીધે ગાડું આગળ આવી શકતું ના હતું. તેને નીચે ઉતારી એ પથ્થર હટાવી દીધો. અને ગાડું ફરીથી ચાલવા લાગ્યું.
આમ ઘણી વખત આખી વાતની તપાસ કર્યા વગર ઉતાવળે નિર્ણય લેવાથી ભૂલ થવાની શક્યતા રહે છે. એટલે હંમેશા કોઈપણ નિર્ણય કરતા દરેક વાતની તપાસ કરવી જોઈએ.