Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

ભૂલ સુધારણા

ભૂલ સુધારણા

7 mins
43


"સાંભળો છો ? આજે મારી બહેનપણી આવી હતી. "

"તારી બહેનપણીઓ તો દરરોજ કોઈકને કોઈક આવતી જ હોય છે. "

"હા, પણ આજે મને જે વાત કરી. . . "કહેતાં મધુબેન ધ્રુસકે ચઢ્યા.

"સારૂ તું એકવાર રડી લે. પછી મારી જોડે શાંતિથી વાત કરજે. ત્યાં સુધી હું આજનું છાપુ વાંચી લઉં. "

"ના, મારી વાત સાંભળો. આપણી બંને દીકરીઓ દુઃખી છે."

"એમાં રડવા જેવું કંઈ જ નથી. બંને દીકરીઓએ જાતે જ એમનો જીવનસાથી પસંદ કર્યો છે. "

"તમે જ કહો આપણા પ્રેમમાં શું ખોટ હતી ?દીકરીઓએ પાણી માંગ્યું તો મેં દૂધ હાજર કર્યું હતું. "

"મને ખબર છે કે એમણે જ્યારે દૂધ માંગ્યુ હશે ત્યારે તેં આઈસક્રીમ હાજર કર્યો હશે." કહેતાં માધવભાઈના મોં પર સ્મિત આવી ગયું."

"તમને દરેક વાત હસવામાં કાઢવાની ટેવ પડી ગઈ છે. હું તો એક મા છું તમે નહીં સમજો."

"તમે સ્ત્રીઓ એમ સમજો છો કે દુનિયાભરની લાગણીઓ તો તમારામાં જ છે. પુરૂષ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે એ નિષ્ઠુર થઈ ગયો ? શું ભગવાને અમને દિલ નથી આપ્યું ? તું એમ સમજે છે કે આપણી દીકરીઓ સ્તુતિ અને શ્રુતિએ ભાગીને લગ્ન કર્યા, એનું મને દુઃખ નથી."

"એમને યોગ્ય પાત્ર પસંદ કર્યું હોત તો આપણે ધામધૂમથી લગ્ન કરી આપત. પણ જેવા એમના નસીબ. . "

"આજે મારી બહેનપણી કહેતી હતી કે, "એણે સ્તુતિના પતિને તડકામાં સેલ્સમેન તરીકે ઘેરેઘેર રખડતો જોયો. જ્યાં જાય ત્યાં એની વસ્તુઓ લેવાને બદલે લોકો એને કાઢી મૂકતાં. કહેતાં કે અમારી ઊંઘ બગાડે છે.

ત્યારબાદ અપશબ્દો પણ બોલતાં."

"મને ખબર છે. એ ર મહિનાથી ઘરનું ભાડું પણ ભરી શક્યો નથી. હવે એને ઘર ખાલી કરવાનો વારો આવવાનો છે. એના માબાપ તો છે નહીં, અનાથ આશ્રમમાં રહીને મોટો થયો છે. એનું આ દુનિયામાં કોઈ નથી. એટલે એને યોગ્ય સલાહ પણ કોણ આપે ? તૈયાર નાસ્તા બજારમાંથી લાવીને વેચે છે, એના કરતાં સ્તુતિ જાતે ઘેર નાસ્તા બનાવતી હોય તો નફો વધી જાય. એને તો કોલેજના પહેલાં વર્ષમાં જ અઢાર વર્ષ પુરા થતાં લગ્ન કરી કાઢ્યા. એણે માત્ર રૂપ જ જોયું. જો કે દેખાવમાં તો સાક્ષાત કામદેવનો અવતાર જ લાગે. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું. "

"શ્રુતિ, પણ સુખી નથી. એના પતિને કામ કરવું ગમતું જ ન હતું. શોખ તો દિવસે દિવસે વધતાં જ જતાં હતાં. એના બેફામ ખર્ચને કારણે એના પપ્પાએ પૈસા આપવાના બંધ કર્યા તો એણે પપ્પાની બજારમાં આબરૂનો ભરપૂર લાભ ઉઠાવ્યો. શરૂઆતમાં તો લોકો ફરિયાદ કરતાં ન હતાં. પણ જ્યારે એના પપ્પાને ખબર પડી ત્યારે એને ઘરની બહાર કાઢી મૂક્યો.

આખરે એ ચાની લારીએ ચાના કપ રકાબી ધોવાનું કામ કરે છે. આમ પણ બાર ફેઈલને કોણ નોકરી આપે ?"

"હવે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખામી હતી ?"

"આપણા પ્રેમમાં તો કંઈ ખામી ન હતી પણ એક ઉંમરે શારીરિક આકર્ષણ હોય છે. એમાંય પૈસાદાર કુટુંબની છોકરી મળતી હોય તો એ લોકો વિચારે કે મહેનત કર્યા વગર પૈસો મળશે."

"હશે, તમે બંને જણાંને બોલાવીને પૈસેટકે થોડી મદદ કરો. આખરે આ બધા પૈસા છેલ્લે છોકરીઓને જ આપવાના છે ને ! તો એમની જરૂરિયાત ના સમયે આપો."

"પૈસા આપવા સામે તો મને કંઈ જ વાંધો નથી. પણ એના કારણે એ વધુને વધુ આળસુ બની જશે. એમને મહેનત મજૂરી કરવા દે.

એમની આળસ જાય પછી વિચારીશ. બંને દીકરીઓ લાડકોડમાં ઉછરી છે. એમને પૈસાનું મહત્વ સમજવું જ પડશે."

"પણ મારાથી એમનું દુઃખ જોવાતું નથી."

"તો શું હું એમનું દુઃખ જોઈને રાજી થઉં છું ? મને પણ ઘણું દુઃખ થાય છે પરંતુ એમને ખબર પડવી જોઈએ કે પૈસા કઈ રીતે કમાવાય છે ?આપણી છત્રછાયામાં ઉછરેલી દીકરીઓને એમની ભૂલ સમજાવી જોઈએ. આપણા સંસ્કારને કારણે આપણે એમને છૂટાછેડાની પણ સલાહ ના આપી શકીએ." જો કે એટલું બોલતાં માધવભાઈની આંખો પણ ભીની થઈ ગઈ.

દિવસો દુઃખના જલદી પસાર થતાં નથી કે જેટલા જલદીથી સુખના દિવસો પસાર થાય છે.

એક દિવસ સ્તુતિ અને શ્રુતિ બંને સંપ કરીને માબાપને મળવા આવ્યા અને પોતાના દુઃખનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે જ એના પપ્પાએ કહી દીધું ,"તમે બંને જણાં કંઈક ને કંઈક કામ કરવા સમર્થ છો. પછી એ બ્યુટીપાર્લરનો કોર્સ હોય કે ટિફિન બનાવવાના હોય. તમે ચારે જણાં બારપાસ કે બાર ફેઈલ છો. નાનીમોટી મજૂરી કરી શકો. સાથે ભણવાનું પણ ચાલુ કરો. તમે ધારો એ કરી શકો. એવું જરૂરી નથી કે તમે જિંદગીથી હારીને આ રીતે માબાપ પાસે મદદ માંગવા આવો. જે ખુમારીથી ઘર છોડેલું એ ખુમારી મુજબ કમાવવાનું ચાલુ રાખો. પણ અમારી પાસે મદદ માટે ના આવતાં."

બંને છોકરીઓના ગયાબાદ પતિ પત્ની ચોધાર આંસુએ રડી પડ્યા. સંતાનને તો દરેક માબાપ પ્રેમ કરતાં જ હોય. પણ કહેવાય છે કે, "કડવું ઓસડ મા જ પીવડાવે."

પિતાના ઘેરથી પાછા ફર્યા બાદ બંને બહેનોએ નક્કી કર્યું એ લોકો પણ કંઈક કામ કરશે.

સ્તુતિએ ટિફિનો કરવાનું ચાલુ કર્યું અને શ્રુતિએ મહેંદી ક્લાસ ચાલુ કર્યાં. બંને જણાંએ એમના પતિને આગળ ભણવાનું પ્રોત્સાહન આપવા માંડ્યું તથા એકથી સાત ધોરણના ટ્યુશનો કરવા માંડ્યા. આવક તો વધતી હતી પણ એ મકાન ભાડા તથા દૂધ, શાકમાં જતાં રહેતાં. શ્રુતિનો પતિ કરોડપતિ બાપનો દીકરો હતો અને એના પપ્પાએ ઘરમાં આવવાની મનાઈ કરી હતી. એને તો એવું જ હતું કે મારે ભણવાની શું જરૂર છે ? આખરે તો પપ્પાના ધંધે જ બેસવાનું છે ને ? એટલે નાનપણથી બેફામ પૈસા વાપરવાની ટેવ પડી ગઈ હતી. કસર શું કહેવાય એની તો એને સમજણ જ ક્યાં હતી ? જોકે એના પપ્પા કાયમ કહેતાં, "તારે ભણવું તો પડશે જ કારણ કે એક ભણેલી વ્યક્તિ ધંધો કરે અને એક અભણ વ્યક્તિ ધંધો કરે એમાં ઘણો ફેર પડે. "

સ્તુતિનો પતિ અનાથ હતો. એને તો એ પણ ખબર ન હતી કે કુટુંબ એટલે શું ? જો કે સ્તુતિના સહવાસથી એ થોડો સમાજમાં ભળતો થયેલો. સ્તુતિએ જ કહ્યું, "તમે તાત્કાલિક ચાની લારી પર કામ કર્યું એ તો ઠીક છે પણ તમને અનાથઆશ્રમમાં ઘણા ગૃહઉદ્યોગો શીખવાડ્યા છે જેવા કે અગરબત્તીઓ બનાવવી, પગલુછણિયા, મીણબત્તી, કાગળમાંથી ફૂલો બનાવવા એ બધું તમને ક્યારે કામ લાગશે ? તમારામાં ઘણી આવડત છે એનો ભરપૂર ઉપયોગ કરો."

શ્રુતિના પિતાએ વિચારેલું કે જમાઈ કમાતો થઈ જાય તો એના પપ્પાને સમજાવીશ. પરંતુ એ કંઈ વાત કરે એ પહેલાં એના પિતાનું અવસાન થયું અને એમની બધી મિલકત એમની દીકરીને મળે એવું વીલ કરીને ગયેલા. બધી મિલકત એમની પોતાની કમાઈની હતી એટલે શ્રુતિનો પતિ કંઈ કરી શકે એમ જ ન હતો.

જો કે બંને જમાઈઓ ધીરેધીરે સારૂ એવું કમાતાં થઈ ગયેલા. શ્રુતિના પતિને તો વારસામાં ધંધાની આવડત મળેલી જ હતી. તેથી એક દિવસ શ્રુતિએ જ કહ્યું કે,"તમે નાના પાયે લોન લઈને ધંધો ચાલુ કરો. મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને પણ થોડી ઘણી ધંધાની આંટીઘૂંટી ખબર પડે છે. હું તમને મદદ કરતી રહીશ."

જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓ અને દીકરીઓ રાતદિવસ જોયા વગર સખત મહેનત કરે છે. ત્યારે એમના પત્નીએ કહ્યું, "આપણે ત્યાં પૈસાની ક્યાં ખોટ છે ? તમે દીકરીઓને મદદ કેમ નથી કરતાં ?એમની તકલીફો સાંભળી મને જમવું પણ ગમતું નથી" બોલતાં મધુબેનની આંખમાં આંસુ આવી ગયા.

એ જોઈને માધવભાઈ બોલ્યા,"યોગ્ય સમયે જોઈશું. સમય વગર આપેલ વસ્તુની કંઈ કિંમત જ ના રહે. મને પણ બંને છોકરીઓ ખૂબ વહાલી છે. જો તું તો ધર્મમાં ખૂબ માને છે. સવારના પ્રભાતિયા જ ગવાય. તું સાંજે નર્મદાષ્ટક ગાય છે જે ચારથી આઠ કે નવ વાગ્યા સુધી જ ગવાય. એમાંય બે રાગ ભેગા હોય છે પુરિયા અને ધનશ્રી. જો સવારે નર્મદાષ્ટક ગાવું હોય તો તોડી રાગની રચના કરીને ગાવું પડે. ધર્મ આપણને યોગ્ય સમયે યોગ્ય પ્રાર્થના કરવાનું શીખવાડે છે. સમય વગર કરેલી મદદ વ્યર્થ જાય. બંને જમાઈ આળસ છોડીને કામ કરશે ત્યારે જ આપીશ. નહીં તો બધી મિલકત ઊડાવી દેશે અને આપણી દીકરીઓ દુઃખી થઈ જશે."

જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓએ મહેનત કરવા માંડી છે,

ત્યારે એક દિવસ બંને દીકરીઓ અને બંને જમાઈઓને ઘેર બોલાવી બંને જણાંને બબ્બે ચાવી આપતાં બોલ્યા,"એક ચાવી તમારા ફ્લેટની છે અને બીજી ચાવી જી. આઈ. ડી. સી માં તમારા માટે જે કારખાના ખરીધ્યા છે એની છે. હવે તમે ભાડા ભરવામાંથી મુક્ત છો. પરંતુ તમારે બંને જણાં એ દર મહિને અમને નિયમિત પાંચ પાંચ હજાર આપવાના રહેશે." તમે બંને જણાંએ ઘર છોડીને લગ્ન કરવાની ભૂલ કરી પણ હવે ભૂલની સુધારણા કરજો. દરેક માબાપની ઈચ્છા હોય કે અમારૂ સંતાન અમારા કરતાં સવાયુ નીકળે. તમે પણ મારા કરતાં વધુ કમાઈ તમારી ભૂલ સુધારજો. અમારા આશીર્વાદ સદૈવ તમારી સાથે જ છે. "બંને દીકરીઓ તથા જમાઈઓ ઘરની બહાર નીકળતા ભૂલો સુધારવાનો દ્રઢ સંકલ્પ કરીને  નીકળ્યા.

જ્યારે મધુબેને કહ્યું, "તમે દીકરીઓને દર મહિને પાંચ પાંચ હજાર આપવાનું કેમ કહ્યું ?આપણે એ પૈસાનું શું કરવાનું છે ?"

"આપણે પૈસાની જરૂર નથી, આ પૈસા હું એમના નામે રીકરીંગ ખોલાવીને મૂકીશ. એ બહાને એમની બચત થાય અને ભવિષ્યમાં એ પૈસા એમને જ કામ લાગે. આખરે આ બધું જ એમનું છે. આ તો એમણે કરેલી ભૂલની સજા છે." કહેતાં માધવભાઈ પૂર્ણ સંતોષ સાથે હસી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational