Raju Utsav

Drama Others

3  

Raju Utsav

Drama Others

બહુ જ વ્હેલો, બહુ જ મોડો

બહુ જ વ્હેલો, બહુ જ મોડો

2 mins
14.6K


યશે જોયું ; નિર્દયતાથી,કટાક્ષથી, દયાભાવથી. આસ્ફાલ્ટની નિર્જીવ સડક પર પાણીના રેલાની જેમ વહી રહેલા જીવંત, અર્ધજીવંત મનુષ્યો તરફ. અટ્ટહાસ્ય કરવાની ઈચ્છા થઇ આવી.

એણે સાંભળી એક ગંદી ગાળ ’સા..હરામી,કામચોર ‘, એક જાડિયો શેઠપોતાના નોકરને કહી રહ્યો હતો.સામેની તરફ એક બાઈકી યુવાન પોતાની પ્રિયા સાથે લળી લળીને વાતો કરી રહ્યો હતો. એક કુતરો ચમકતી ગાડીને પાવન કરતો હતો. યશે આ બધું જોયું, ઘૃણા થઇ આવી એને. 

આજે એની મેરેજ એનીવર્સરી હતી, પાંચમી. હાં,આજે પાંચ વર્ષ થયા એના લગ્નને, અને આ પાંચ વર્ષમાં ઘણું બની ગયું. એક બાળક નામે વિશ્વ, પચ્ચીસ નોકરી અને ઘણું બધું.

આજે પચીસમી નોકરીને લાત મારીને આવ્યો હતો. કદાચ એને દુનિયા ક્યારેય સમજાણી ના હતી. સાચું કહેતો હતો પેલો પટેલ “તું ખોટો છે આ જગત માટે, કાં તો બહુ વહેલો આવી ગયો છે, કાં તો બહુ જ મોડો.” 

આજે એણે નક્કી કર્યું હતું, સાવી માટે ગિફ્ટ લેવાની હતી, બનારસી સાડી અને બીજું કશું. એણે કદમ આગળ વધાર્યા. બજારમાં આમતેમ રખડી, ગિફ્ટ લઇ, અંતે એ નીકળ્યો ઘર તરફ જવા .

ઘર ! એને આદર હતો આ શબ્દથી. સાવી !પોતાની વ્હાલી પત્ની !કેટલો પ્રેમ કરતી હતી એ, યશને થતું. સાવી ના હોત તો કદાચ એ મરી ગયો હોત પરંતુ સાવી એના જીવવાનું બળ હતી. એની દરેક વાત સાંભળતી, ગુસ્સો ક્યારેય ના કરતી. એની કોઈ ફરિયાદ ના હતી યશ પ્રત્યે. યશ મુંઝાતો ‘મારા જેવા નક્કામા માણસ સાથે પણ આ કેમ ખુશ રહી શકતી હશે ?’

એણે ઘડિયાળમાં જોયું, સાડા ચાર થયા હતા. એ વહેલો હતો, ફરી યાદ આવી ગયો પટેલ. ’શું ખરેખર એ આ જગત માટે નક્કામો છે ? બહુ જ વહેલો અથવા બહુ જ મોડો છે ?’

પટેલને એ પોતાનો મિત્ર માનતો. પટેલ આમ તો કોઈની સાથે સ્વાર્થ વગર સંબંધ ન રાખતો પણ યશ સાથે એને સારી જામતી. યશને પણ ક્યારેક નવાઈ લાગતી, પણ આખરે એ મિત્ર હતો, દિલોજાન મિત્ર!

એ ઘર તરફ વળ્યો. ફરી એકવાર ગિફ્ટ તરફ જોયું, થોડું હસ્યો, ને ઘર પાસે પહોંચ્યો. એક હાથ પાછળ રાખી એણે ડોરબેલ મારવા બીજો હાથ ઉપર કર્યો, પણ દરવાજો ખુલ્લો જ હતો. હળવેથી ધક્કો મારી એ અંદર ગયો. આજે એ સાવી ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.

અટકી ગયો યશ, અવાજ સાંભળી ને, 'પટેલ?!” હા,એનો જ અવાજ હતો” યશ તો હજુ છ વાગ્યે આવશે ડીયર, શું કામ ગભરાય છે ?”

યશની આંખમાં લાલાશ ધસી આવી અને દિમાગમાં પટેલનો સંવાદ” બહુ જ વહેલો અથવા બહુ જ મોડો.“ અને એ પાછો વળી ગયો...

                      


Rate this content
Log in

Similar gujarati story from Drama