ભટકતી આકૃતિઓ
ભટકતી આકૃતિઓ
આજ અચાનક ફોન આવતા મેઘા ઘરથી સીધી એના દાદાના નાનકડા એવા ગામમાં જવા નીકળી ગઈ. રાતના હજુ નવ થયા છે અને એક કલાકનો રસ્તો હતો. એ શહેરથી બહાર નીકળી રસ્તો સાવ સુમસામ હતો. મનમાં ડર પણ હતો પણ બહુ હિમ્મતવાળી અને હોશિયાર હતી મેઘા અને મેઘાએ ગાડી મારી મૂકી. ગામથી માત્ર પાંચ કી.મી. દૂર હતીને ગાડી અચાનક એક ઝાટકા સાથે ઊભી રહી ગઈ ઝાડ પરથી ચિબરીનો અવાજ.. એક પડછાયો નજર સામે ઘસી આવ્યો..
એક સ્ત્રી ચકળવકળ એની નજર ફરે છે, નજર એકદમ તીખી છે. મેઘા ગાડી અંદર જ સ્તબ્ધ થઈ ગઈ રાત્રીના અંધકારમાં પણ એ સ્ત્રીનો ચહેરો સાફ દેખાતો હતો મેઘાનો હાથ સ્ટિયરિંગ પર ગયોને ગાડી સ્ટાર્ટ કરી એટલીવારમાં તો એ સ્ત્રી ગાયબ... અને મેઘાએ આંખ બંધ કરી ગામ તરફ હંકારી મૂકી.
મેઘા પંદર મિનિટમાં દાદાજીની હવેલી પાસે આવીને ઊભી રહી ગઈ, ગાડીનો દરવાજો ખોલી એ જેવી અંદર જવા નીકળી કે એને લાગ્યું કોઈ મારી સાથે છે એ સડસડાટ હવેલીની અંદર દોડી ગઈ. એની સાથે બીજુ પણ કોઈ સડસડાટ અંદર આવી ગયું. હવેલીમાં અત્યારે દાદા અને વર્ષો જૂનો નોકર મોહન રહેતા હતા, મેઘાને એટલી ખબર હતી કે એના મમ્મી, પાપા બંનેનું એક એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું. દાદાએ મેઘાને લાડકોડથી ઉછેરી હતી બધી જ સુખ સાહેબી દાદાએ આપી હતી. નાનપણમાં હોસ્ટેલમાં અને હવે દાદાએ લઈ આપેલ શહેરના મકાનમાં એ રહેતી અને ભણતી હતી.
અચાનક મોહનનો ફોન આવતા જ એ નીકળી ગઈ હતી. દાદા પાસે આવી ત્યારે એમની તબિયત બહુ જ ખરાબ હતી. દાદાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એને હિમ્મતથી મન મક્કમ રાખી દાદાનો હાથ હાથમાં લઈ એને સાંત્વના આપવા લાગી અને અચાનક જાણે તેનો બીજો હાથ કોઈએ જકડી રાખ્યો છે અને બાજુમાં કોઈ ઊભું છે એવું લાગ્યું. કાનમાં કોઈક અવાજ આવી રહ્યો છે એનો હાથ ખેંચાય રહ્યો છે. દાદા સામું જોવે છે તો દાદાનો જીવ ગભરાય છે મેઘાનો હાથ સખ્ત પકડમાં આવી ગયો છે. સમજાતું નથી શરીર જાણે કે અવાચક બનતું જાય છે. એવું લાગ્યું દાદાના હાથમાથી હાથ છોડી એ દાદાને પાણી પીવડાવવા જાય છે કે એનો હાથ હવામાં અધ્ધર રહી ગયો, શું થઈ રહ્યું છે એ સમજી નથી શકતી એને ઊંચે અવાજે મોહનને અવાજ કર્યો મોહન દોડતો આવ્યો, એ મૌન ઊભો છે મેઘાએ મોહનને કહ્યું દાદાજી કંઈક કહેવા માગે છે.
મોહન કઈ બોલતો નથી મેઘા ગુસ્સે થઈ બોલી કે તું વર્ષોથી દાદા જોડે રહે છે એ શું કહે છે એ મને સમજાવ મોહન અડીખમ ઊભો છે મેઘાએ એને હચમચાવી નાખ્યો એ મેઘા સામે જોઈ રહ્યો અને મોહનની આંખમાં એક આકૃતિ દેખાઈ એ એની સામે જોઈ રહી મગજમાં ચમકારો થયો...અરે! આ તો પેલી રસ્તા પર જોયેલી સ્ત્રી...? એ બે ડગલાં પાછળ હટી ગઈ અને મોહન એમ જ ઊભો છે એણે આંખો બંધ કરી દીધી.
દાદા પરાણે શ્વાસ લે છે બાજુમાં પડેલ ટીપોય પર એક ચાવી છે જે એને મેઘાને આપે છે અને મોહન સામે જોવે છે દાદા મોહનને ઈશારો કરે છે... નજીક આવી મોહન ચાવી મેઘાના હાથમાંથી લઈ ચાલતો થાય છે અને હવેલીની અંદર એક ઓરડા તરફ ઈશારો કરે છે... મેઘાને એક બેટરી આપે છે અને એક બેટરી પોતાની પાસે રાખે છે, મેઘા ઝડપથી એ દરવાજા પાસે આવી અને અલીગઢી તાળું ખોલે છે. મોહન ત્યાં જ ઊભો છે મેઘા અંદરના બીજા ઓરડામાં જાય છે કે ફટાક કરતો પેલો દરવાજો બંધ થઈ ગયો. એ ગભરાઈ ગઈ પણ હાથમાંની બેટરી ચાલુ હતી એ ધીમેથી ચાલવા લાગી મોટો ઓરડો હોય એવું લાગતું હતું અચાનક જ એનો હાથ કોઈએ કચકચાવીને પકડી લીધો હતો. એ કંઈ ના કરી શકી. એ ચાલવા લાગી મનમાં અનેક સવાલો હતા પણ મેઘા સમજદાર હતી એટલે સમજી ગઈ કે નક્કી કંઈક તો એવું છે જેની એને ખબર નથી.
ચાલતી હતી ત્યાં જ હવેલીનો એક અલગ ભાગ આવી ગયો જ્યાં એ ક્યારેય ગઈ જ ન હતી દાદા હંમેશ એ ભાગ બંધ જ રાખતા લાલ ને કાળા દોરાથી બાંધેલ એક તાળું ત્યાં લાગેલું જ રહેતું.. અચાનક એક નાના બાળકનો રડવાનો અવાજ આવે છે ધીમા ધીમા ડૂસકાં સંભળાય છે મેઘાનો હાથ હજુ પણ કોઈના હાથમાં હતો... એને સીધો જ બેટરીનો પ્રકાશ એમના ચહેરા પર કર્યો કે બંગડીના રણકાર ચારે તરફથી સંભળાવા લાગ્યા. કોઈ જ નથી ને તો પણ કોઈક તો છે જ...અને સામે જ એક આકૃતિ આવીને ઊભી રહી ગઈ છે... એક પુરુષની આકૃતિ? એની બંને આંખો તગતગે છે, ક્રોધમાં લાલચોળ આંખો...
એની બાજુમાં આવીને એ આકૃતિ ઊભી છે મેઘા અવાચક થઈ ગઈ છે. એક બાજુ પેલા બાળકનું રુદન કાનમાં અથડાયા કરે છે અને ત્યાં જ પુરુષના કણસવાનો અવાજ આવે છે અને ક્યારેક ઘુરકે છે એને કોઈ રિબાવતું હોય એવા અવાજ કાનમાં સતત આવે છે.. ત્યાં જ..
એક ઝબકારો થયો તેની સામે ત્રણ આકૃતિ..?
મેઘા પાછળ ખસી ગઈ ત્રણેયની આંખો ચમકતી હતી એ બેભાન થવાની તૈયારીમાં હતી.. રાત્રીનો અંધકાર.. તીણા અવાજો.. એનું ગળું સુકાવા લાગ્યું એ નીચે પટકાઈ ગઈ. થોડીવાર પછી આંખ ખુલે છે તો ઓરડામાં ભયાનક અવાજો.. .બચાવોની બૂમ.. અને નાના બાળકનો રડવાનો અવાજ.. પુરુષ આમથી તેમ ભટકે છે..
મેઘા ધીરેથી એ સ્ત્રી પાસે આવે છે બેટરીનો પ્રકાશ એના ચહેરા પર કરે છે કે એ સ્તબ્ધ થઈ જાય છે..
અરે.. આ તો સુરજફૈબા.. બાજુમાં જઈ એને જોઈ રહી છે ફૈબા છે એ તો સમજી પણ આ પુરુષ કોણ? જે હજુ પણ કણસે છે એણે તરત જ બેટરીનો પ્રકાશ એ પુરુષ પર ફેંક્યો કે એક નવયુવાન સુંદર ચહેરો એની નજર સામે આવી ગયો. પણ આ પુરુષ કે એના વિશે કોઈ વાત દાદાએ કરી ના હતી ફૈબાની વાતો થતી રહેતી પણ આ કોણ હશે?
એક ખૂણામાં પડેલ નાના બાળકનો અવાજ હજુ પણ આવે છે, આ કોણ હશે? મગજ કામ કરતું નથી..
એ ખૂણા તરફ વળી ત્યાં એક સ્ત્રીની આકૃતિ ભયંકર અવાજો કાન ગજવી નાખતા હતા બીજી બાજુ વળી તો એક બાળક.. સાવ નાનું ડૂસકાં ભરે છે મેઘા નીચે નમીને બાળકને જોવે છે કે એક ચાંદ જેવો બાળક એની નજરમાં આવે છે.. ભયાનક લાગતા ચહેરા અત્યારે એકદમ શાંત થઈ રહ્યા છે.
મેઘા મનોમન ગાયત્રીમંત્ર અને હનુમાન ચાલીસાના પાઠ કરતી ત્યાં બેસી ગઈ છે. મગજ કામ કરતું નથી બધા જ જીવો લાચાર બની બેઠા છે.
મેઘાએ ધીરેથી જઈને ફૈબાનો હાથ ઝાલ્યો ત્યાં જ એનું કરુણ રુદન દિલને દઝાડી નાખે એવું સંભળાયું.
ફૈબા મને કહેશો કોણે કરી તમારી આવી હાલત?
'તારા દાદાએ..'
'મારા દાદાએ?'
'હા..'
'પણ શું થયું હતું મને કહો..'
'બસ મેં પ્રેમ કર્યો હતો..'
'એટલે?'
'આ જે સામે કણસતો બેઠો છે એ અજય સાથે મારે પ્રેમ હતો.. માને આ વાતની જાણ મેં કરી હતી. પણ બાપુ..'
'શું બાપુએ?
'મેં બાપુને જાણ કર્યા વગર અજયથી લગ્ન કરી લીધા ચોરીછુપીથી..'
'તો દાદા એ શું કર્યું...?'
'તારા દાદાને નવ મહિને જાણ થઈ કે મેં અજય સાથે લગ્ન કરી લીધા છે.. ને હું હવેલીમાં જ રહેતી હતી..' માને ખબર હતી એટલે અજય ચોરીછુપીથી અહીં હવેલીમાં જ રહેતો..'
'તો શું થયું?'
'એક દિવસ અચાનક જ બાપુ આવી ગયા અને અમને બંનેને સાથે જોઈ ગયા અને એમ્ણે અમને ત્યાં જ.. ગોળીથી ધરબી દીધા.. મા વચ્ચે આવી. બાપુને ખબર પડી ગઈ હતી કે માએ અમને સાથ આપ્યો છે એટલે માને પણ ગોળીથી ધરબી નાખ્યા..'
'દાદાએ આવું કર્યું...?'
'હા અને એ પણ ત્યારે જ્યારે હું 'મા'બનવાની હતી.. એક સાથે ચાર વ્યક્તિને વગર મોતે મારી છે તારા દાદાએ..'
મેઘા દાદી તરફ વળી. એકદમ શાંત ચહેરા પર કરુણાના ભાવ સાથે તેજોમય ચહેરો એકદમ પાપા જેવા દાદી.
આંખમાંથી આંસુ વહે છે.
રાતનો સન્નાટો આગળ વધતો જાય છે બહાર તમરાનાં તીવ્ર અવાજો કાનમાં ગાજે છે મેઘાનું મગજ સાવ શુન્ય બની ગયું છે એ ઝડપથી દોડી દરવાજો ખોલી દાદાજી પાસે આવે છે એનું માત્ર હૈયું ચાલે છે. એ રસોડા તરફ દોડીને પાણી લઈને હવેલીની અંદર દોડે છે... પણ એ ત્યાં પહોંચે એ પહેલાં... ત્યાં કોઈ નથી.. સવારના છ વાગ્યા છે સવારનું અજવાળુ પથરાઈ રહ્યું છે.
ઓરડામાં અંદર જોવે છે તો ફર્શ પર માટીના ઢગલા પડ્યા છે...
એક સાથે ત્રણ. એણે મોહનને રાડ પાડીને બોલાવ્યો... ધ્રુજતો મોહન આવે છે... શું કરું બેન તમે કહો..
જા જઈ ને પાવડો લઈ આવ.. અને ત્યાં જ મોહનનો હાથ એકદમ લાંબો થયો ને હવેલીની બહારથી પાવડો લઈ આવે છે. મેઘા જોઈ રહી છે કે મોહનની આંખમાં ભયાનક ચહેરો આવી જાય છે.. મોહન ઝનૂનથી એ માટીના ઢગલા ખોદવા લાગ્યો છે.. અંદરથી નીકળે છે ત્રણ હાડપિંજર.. એ થીજી ગઈ. મોહન સામે જોઉં કે શું કરું?
મેઘા ગાયત્રીમંત્રના સતત જાપ કરે છે મોહન હવે સ્વસ્થ લાગે છે એક ભયાનક અટ્ટહાસ્ય થાય છે. મોહનને કહે છે કે તું ઘી, લાકડાં અને અગ્નિને તૈયાર કર બહાર બધાને સાથે અગ્નિસંસ્કાર કરશું. ઓરડાની અંદર ઓચિંતા જ ખડખડાટ હસવાનો અવાજ આવે છે સુરજફૈબા આમથી તેમ ઓરડામાં ભટકાય છે. એક ભયાનક અટ્ટહાસ્ય સાથે હવેલી સાવ શાંત થઈ ગઈ છે... મોહન બેભાન પડ્યો છે... મેઘા ત્યાં જ ઊભી છે અને કહે છે તમને ચારેયને હું મુક્તિ અપાવીશ મારુ વચન છે.
ઓરડો શાંત છે.. મોહન પર પાણી છાંટી મેઘા એને ઊભો કરે છે અને ત્યાં જ એ બોલ્યો.. શેઠજી?
મેઘા દોડતી દાદા પાસે જાય છે.. દાદાના પ્રાણ જતા રહ્યા છે.. મોહન બબડે છે.. સુરજબેન કહેતા જ હતા કે જે દિવસ હવેલીમાંથી બહાર જઈશ ત્યારે એકલી નહીં જાઉં બાપુ તમને પણ સાથે લેતી જઈશ!
મેઘાએ આજ એક સાથે પાંચ વ્યક્તિને મુક્તિ આપી છે... અને આટલી મોટી હવેલીમાં હવે માત્ર એ એક જ રહી છે...
