Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

ભાગીદારી

ભાગીદારી

6 mins
31


સાત્વિકાએ પતિ સુમેય સામે જોઈ પૂછી જ લીધું, "જો સુમેય આપણા લગ્નને ત્રીસ વર્ષ થયા. એ પહેલાંના આપણે પ્રેમમાં પડ્યાના પાંચ વર્ષ. એટલે કે સતત પાંત્રીસ વર્ષથી આપણે જોડે ને જોડે જ છીએ. લગ્નબાદ તો હું પિયર પણ ક્યારેય ગઈ નથી કારણ કે ઘરનાના વિરોધ વચ્ચે આપણે લગ્ન કર્યા છે. સતત સહવાસના કારણે હવે તો મને ખબર   પડી જ જાય છે કે તારો મૂડ કેવો છે ? તું મારી સાથે મન ખોલીને વાત કર. "

"સાત્વિકા, મને ડર લાગે છે કે મારો નિર્ણય તને યોગ્ય નહીં લાગે તો ?"

"સુમેય તું એ શું બોલ્યો ! મને તો તારી પર આંધળો વિશ્વાસ છે કે તું જે કંઈ નિર્ણય લઈશ એ સમજી વિચારીને જ લઈશ. તારા કોઈપણ નિર્ણયમાં મારો તને સાથ હોય જ. "

"હું અને અમેય ભાગીદારીમાં ધંધો કરીએ છીએ. ધંધો તો ખૂબ સરસ ચાલે છે. આ વર્ષે તો અમને લગભગ નવ, નવ કરોડ ભાગે આવશે. સતત નફો વધે જ જાય છે. પરંતુ મારે હવે અમેયથી છૂટા થઈ જવું છે. હવે આવતા મહિને નાણાકીય વર્ષ પુરૂ થઈ જાય છે.

થોડીવાર અટકીને સુમેય બોલ્યો, "સાત્વિકા,

હું હવે નોકરી કરીશ કે ઘેર બેસી રહીશ પણ ધંધામાંથી છૂટા થઈ જવું છે."

"સુમેય, આપણી પુત્રી પ્રણાલી તો જક લઈને બેઠી છે કે મારા લગ્નનો ખર્ચ હું જ કરીશ.

હાલ એને કેમ્પસ ઈન્ટરવ્યુમાં દસ લાખનું

પેકેજ મળી ગયું છે. પૈસાનું તો શું ! મુખ્ય વાત એ છે કે જિંદગીમાં પૈસો સર્વસ્વ નથી જે છે એ આપણો પ્રેમ છે.

સુમેય, તને યાદ છે કે આપણે લગ્ન કર્યા ત્યારે આપણા બંનેના ઘરનાનો કેટલો વિરોધ હતો !

તેથી તો આપણે પહેરેલા કપડે ઘરની બહાર નીકળી ગયેલા. જમીન પર સૂઈ રહેલા. ત્યારે પણ આપણે ખુશ હતાં. આજે મોટર બંગલો નોકર ચાકર છે તો પણ ખુશ છીએ. સુખની વ્યાખ્યા કોઈ ગમે તે કરે પણ મારી દ્રષ્ટિએ સુખ એટલે પરસ્પર સાચો પ્રેમ."

"સાત્વિકા મને તારી પાસે આવા જ વર્તનની અપેક્ષા હતી છતાં પણ મને ડર હતો કે હું કરોડો રૂપિયાનો નફો છોડી દઈશ તો તને ગમશે કે નહીં ?"

"સુમેય,તું કરોડો રૂપિયાનો નફો છોડે તો મને દુઃખ ના થાય. મને તો તું મને છોડે તો જ 

દુઃખ થાય." બોલતાં સાત્વિકા હસી પડી. આ સાંભળી સુમેય હસી પડ્યો.

"સાત્વિકા, તું મને કારણ નહીં પૂછે ?"

"પૂછ્યા પછી તો બધા ય કહે. મારે તને પૂછવાની શું જરૂર ? મને ખબર છે કે આપણે બંને એકબીજાથી ક્યારેય કોઈ વાત છૂપાવતાં નથી. "

સુમેય થોડીવાર ચૂપ રહ્યો. પછી વાત આગળ વધારતા બોલ્યો,"તને યાદ છે કે થોડા સમય પહેલાં આપણી કામવાળી બહુ બિમાર પડી ગઈ હતી. ડૉક્ટરે એક્સ રે તથા બીજા ટેસ્ટ કરાવવાનું કહેલું. પણ એની પાસે એટલા બધા પૈસા ન હતા. એ વખતે મને યાદ આવ્યું કે અમેયના પપ્પા ગરીબો માટે ટ્રસ્ટ ચલાવે છે. એટલે હું ત્યાં એને લઈ ગયેલો. એ વખતે મને મારો એક મિત્ર મળ્યો. એની સાથે વાત કરતાં  અમેયના પિતાનું ચારિત્ર્ય ખબર પડી.

એની સલાહ હતી કે તું મદદ લઈશ તો ગમે ત્યારે આ લંપટ વ્યક્તિ એના ઘરની બહેન દીકરીઓની ઈજ્જત લૂંટતા ખચકાશે નહીં."

એમના બોલવામાં મીઠાશ હતી. એથી સારા ઘરની યુવતીઓ પણ ફસાતી. થોડા વખત પછી એમની પાસેથી પૈસા પડાવતા.

મને એ જ નથી સમજાતું કે દાનપુણ્યના નામ હેઠળ માણસ ઐયાશી ભોગવી શા માટે પૈસા પડાવતાં હશે ? આખરે માણસને જીવવા માટે કેટલા પૈસા જોઈએ ?

જો કે મેં તે વખતે મન મનાવી લીધેલું કે અમેયના પપ્પા ગમે તેવા હોય પણ અમેય તો સજ્જન છે. પછી મને સતત એ જ વિચાર આવ્યા કરતો કે અમેયમાં એના પપ્પાના સંસ્કાર હોય તો ? તું જાણે છે કે આપણી આવકના અમુક ટકા આપણે નિયમિત દાનમાં કાઢીએ છીએ.

સાત્વિકા,તું મને ઘણીવાર પૂછતી હતી કે આપણે ધનની પૂજા કેમ નથી કરતાં ? પણ મારી માન્યતા છે કે તમે ધનનો સદઉપયોગ કરો એ જ સાચી પૂજા છે. મારી આદત મુજબ હું હમેશાં કોઈને અને કોઈને મદદરૂપ થતો. નાનપણથી મને આવા જ સંસ્કાર મળ્યા છે. હું નિશાળે બધા ભાઈબંધો જોડે ચાલતો જતો ત્યારે વાર તહેવાર કે મારાજન્મ દિવસે મને ખોબો ભરાય એટલું પરચુરણ આપીને કહેવામાં આવતું કે રસ્તામાં જેટલા ગરીબ દેખાય એમને આપતાં આપતાં નિશાળે જવું. કોઈ સાથે છળકપટ કરવું કે કોઈના હક્કના પૈસા પડાવવા કે મહેનત વગર ભાગ માંગવો વગેરે કાર્ય કર્યા પછી ધનની પૂજા કરો તો એ પૂજા લક્ષ્મીજી પણ ના સ્વીકારે. મારા માતાપિતાના અવસાન બાદ હું કાકાને ત્યાં રહેતો. કાકીને હું પસંદ ન હતો. મને કાઢી મુકવા ઈચ્છતા હતાં. મેં તારી સાથે લગ્ન કર્યા એટલે એમને બહાનુ મળી ગયું. પણ નસીબે સાથ આપ્યો.

દિવસે દિવસે નફો વધતો જ જતો હતો અમેય ધંધો વિકસાવવા ધંધામાં વધુને વધુ પૈસા રોકે જતો હતો. મને ખબર હતી કે અમેય સુખી ઘરનો છે એટલે એની પાસે ઘણા પૈસા છે. આમ છતાં પણ એને મને પચાસ ટકા ભાગીદાર રાખેલો. મેં કહેલું પણ ખરૂ કે પૈસા તું રોકે છે મહેનત આપણે બંને કરીએ છીએ તો તારો ભાગ વધારે હોવો જોઈએ. પણ એ કહેતો ભીગીદારીમાં આવી વાત કરવાની જ નહીં.

મને અમેય પ્રત્યે ઘણું માન હતું. પરંતુ થોડા દિવસ પહેલાં હું ઈન્કમટેક્ષમાં ગયો ત્યારે મને અમારો ચાર્ટડ એકાઉન્ટન્ટ મળ્યો એણે જે વાત કરી એ સાંભળી મારા પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ.

અમેય જે પૈસા રોકતો હતો એમાં અડધા પૈસા મારા નામે બતાવતો હતો. તેથી જ એમણે મને કહ્યું કે તમે તો લાખ્ખો રૂપિયા ધંધામાં રોકો છો તમારે તો પૈસાની રેલમછેલ છે. ત્યારે મને સાચી વાતની ખબર પડી.

જો કે હું પૈસા આપતો ના હોઉં છતાંય આવું કરવાનું કારણ શું ? મને એ રાત્રે ઊંઘ ના આવી.

બીજા દિવસે હું એ ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસે ગયો. મેં કહ્યું કે તમારે મને સાચી વાત તો કરવી જ પડશે. પહેલાં તો એ મારી સામે જોઈને હસ્યો. પછી કહે તો શું તમે આ બધા કૌભાંડથી અજાણ્યા છો ? હું તો જોકે એ વાત માનવા તૈયાર જ નથી.

પરંતુ થોડીવારની વાતચીત પરથી એને મારી નિર્દોષતા સ્પર્શી ગઈ. તેથી સત્ય હકીકત કહી સંભળાવી કે વર્ષો પહેલાં અમેયની માતાનું અવસાન થયેલું. જો કે એમાં એવું સાબિત થયું કે એ બેંકમાંથી ઘેર આવતી હતી ત્યારે કોઈ ટ્રક નીચે આવી જતાં ઘટના સ્થળે જ એનું અવસાન થયું. જો કે એવું સાબિત થયું કે ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગયેલી અને ટ્રક ઝાડ સાથે અથડાઈ. જો કે એ એક સાઝીશ જ હતી. એમને પત્નીનો પચાસ લાખનો વીમો હતો એ રકમ મળી ગઈ.

ત્યારબાદ એમણે એક કરોડપતિની એકની એક દીકરીને એની માયાજાળમાં ફસાવી એની સાથે લગ્ન કરી લીધા. પછી તો ઘરમાં પૈસાની રેલમછેલ થવા માંડેલી.

ત્યારબાદ અમેય એક સૌંદર્યવાન યુવતી સાથે પ્રેમમાં પડ્યો. યુવતી તો એટલી સૌંદર્યવાન હતી કે સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે.

પરંતુ એના પિતાનો વિરોધ હતો કે સૌંદર્યને શું ધોઈ પીવાનું ? મુખ્ય વાત તો એ જ છે કે પૈસા વગર બધું જ વ્યર્થ.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એના પર અત્યાચાર વધવા માંડ્યા. દુઃખના કારણે એના સૌંદર્યમાં ઓટ આવવા લાગી. ત્યારબાદ તો તેના ચારિત્ર્ય વિષે પણ જાતજાતની વાતો ઉપજાવી કાઢી અમેયને પણ પત્ની પરથી વિશ્વાસ ઊઠતો ગયો.

આખરે તેના પિતા, માતા તથા અમેયએ પત્નીને જીવતી સળગાવી દીધી. કેસ ચાલ્યો ત્યારે પૈસાના જોરે બધા નિર્દોષ છૂટી ગયા.

બસ,ત્યારબાદ અમેયે પણ એક કરોડપતિ યુવતી સાથે લગ્ન કરી લીધા. એ પણ એકની એક હતી. પૈસામાં સતત વધારો થતો રહ્યો. પણ એમાં મોટાભાગના પૈસા એ કાળુ નાણું  હતું. એ તમારા નામે થોડું થોડું કરતાં રહ્યા. જેનાથી તેમનું નાણું કાળામાંથી ધોળુ થતું રહ્યું. બસ આજ વાત છે.

જે પૈસા કોઈની હાય લઈને મળ્યા હોય એ પૈસા મારા માટે પાપ સમાન છે.

સાત્વિકા,તું મારી વાત સાથે સંમત્ત તો છું ને ?

"સુમેય, તું અમેય સાથે ભાગીદારી છોડી દે. એમાં આપણે પણ પાપના ભાગીદાર બનીશું. હા,પણ આપણી અરસપરસના પ્રેમની ભાગીદારી કયારેય છૂટી નહીં પડે." સાત્વિકાનું વાક્ય પુરૂ થયું ત્યારે પ્રણાલી પણ રૂમમાં આવીને બોલી, " તમારા બેની નહીં આપણા ત્રણેની પ્રેમની ભાગીદારી ક્યારેય નહીં છૂટે. "

તે દિવસે ત્રણેય જણાં સુખભરી નીંદર માણી રહ્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational