બેરંગી જિંદગી
બેરંગી જિંદગી
રાધા જાણે ઉદાસીન નજરે કોઈને નિહાળી રહી હોય તેમ લાગતું હતુંં. રાધા એક ચંચલ ચુલબુલી છોકરી હતી. પણ રંગોત્સવ આવતા જાણે તે રંગોને પ્રતી ઘૃણા ભાવથી જોતી હોય તેવું લાગતું હતું. જાણે તેની જિંદગીના રંગ રંગોત્સવે છીનવી લીધા હોય તેવી પ્રતીતિ થતી હતી એની નજરોમાં રંગ કાંકરાની જેમ ખૂંચતો હતો. રંગો તો જાણે તેની જિંદગી બેરંગ કરી ગયા હોય તેવો ભાવ તેના મોઢા પર છલકાતો હતો.
તેની સખીઓ તેને હોળી રમવા બોલાવતી, તેને મનાવતી છતાં તે રંગ રમવાની ના પાડી તે ઓરડામાં પૂરાઈ જતી. તે ધૂળેટીનો ઉત્સવ પતી જાય ત્યારબાદ જ ઓરડામાંથી બહાર આવતી છેલ્લા પાંચ વર્ષથી તેનો આ નિત્યક્રમ ચાલતો હતો. લોકો તેને બેરંગ કહી ચીડવતા પણ કોઈ તેના બેરંગ જિંદગીનું કારણ જાણી શક્યા નહોતા. તેના સગા સંબંધીઓ તેની અંદરની પીડા અને બેરંગી જિંદગીનું કારણ શોધવામાં નિષ્ફળ ગયા હતા.
પાંચ પાંચ વર્ષના વાણા વાયા પછી એક દિવસ તે ઝરૂખામાં વાટ નિહાળતી બેઠી હતી. ત્યાં તો તેનો દોસ્ત સુજલ નજરે પડ્યો. તે રાધા રાધા બૂમ પાડતો દોડી આવતો હતો. તે દિવસ રંગોત્સવનો ઉત્સવ હતો. ખોબો ભરીને રંગો લઈ તન અને મન રંગવા આવતો હોય તેવું લાગ્યું. પણ જાણે રાધાના જિંદગીમાં રંગોને કોઈ સ્થાન ન હોય તેવો ઘાટ સર્જાયો. જે સુજલ તેને બહુ પ્રેમ કરતો હતો. એ વિદેશ ભણવા ગયો હતો. એની યાદમાં રાધા વેરણ જિંદગી જીવતી હતી. સુજલ આવતા તેના ચહેરા પર હાસ્ય અને આનંદની લહેર ઊઠી હતી. રાધા તેને રંગ લગાવા જતી જ હતી ત્યાં તો તેની બાજુમાં એક વિદેશી છોકરીને જોઈ અને સુજલે તેનો પરિચય કરાવ્યો કે આ મારી પત્ની છે. ત્યાં તો રાધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના ખોબા ભરેલા રંગો જાણે વિખરાઈ ગયેલા હોય અને તેની જિંદગી જાણે બેરંગી બની ગઈ હોય એવું લાગ્યું.

