Nayanaben Shah

Inspirational

3.3  

Nayanaben Shah

Inspirational

બેકસીટ ડ્રાઈવીંગ

બેકસીટ ડ્રાઈવીંગ

5 mins
33


"જો ઉલ્કા, રડવાથી કોઈ પ્રશ્નનો હલ નથી નીકળતો. તું જો એવું માનતી હોય કે, આંસુ તારૂ બ્રહ્માસ્ત્ર છે. એનાથી દરેક વાતનો ઉકેલ આવી જાય, તો તને વાંધો ના હોય તો હું પણ તને રડવામાં મદદ કરૂ ?"

"ઉત્સવ, મને તારી આ વાત જ નથી ગમતી. દરેક વાત હસવામાં જ કાઢવાની તારી ટેવ. "

"ના,ઉલ્કા તમે કોઈનો સ્વભાવ બદલી ના શકો. એટલે તમારે વાસ્તવિકતા સ્વીકારી જ લેવાની. નાની નાની વાતોમાં રડવાનો શું અર્થ ?"

"ઉત્સવ,તને તો ખબર છે કે હું મારી માને કેટલો પ્રેમ કરતી હતી !"

"તું જ નહીં દુનિયાની કોઈપણ વ્યક્તિ એની માને પ્રેમ કરતી હોય"

"તું એકલી નથી તારા સિવાય બીજી બે બહેનો તથા તારો ભાઈ પણ છે જ. માબાપને મન તો બધા સરખા જ હોય. "

"ના,ઉત્સવ હાથની પાંચ આંગણીઓ પણ સરખી નથી હોતી. એ પણ નાના મોટી હોય છે. "

"ઉલ્કા, મારી સલાહ માન. તું આ બધુ જ ભૂલી જા. માબાપની યાદ સંતાનના દિલમાં કાયમ માટે સ્થાયી હોય છે. તું જે વસ્તુ માટે રિસાયેલી છું એ વસ્તુ લઈને આપણે ભગવાનને ત્યાં જવાના નથી. સાથે આવે છે માત્ર આપણી સારાશ અને ભુંડાશ. "

"મને ઉપદેશ ના આપીશ. તને શું ખબર કે અમારા ભાઈબહેન વચ્ચે કેટલો પ્રેમ હતો ! લગ્ન બાદ હું ભાભીને આંખના કણાની જેમ ખુંચતી હતી. તેથી પરણીને આવ્યા બાદ એમને મારા લગ્નની ઉતાવળ કરી અને મારો વહાલસોયો ભાઈ પણ એની વાતોમાં આવી ગયો" કહેતાં ઉલ્કાની આંખમાં આંસુ આવી ગયા.

"તારે તો ખુશ થવું જોઈએ. હું મેં જોયેલી એક છોકરીને હા પાડવાનો હતો. પણ તારી વાત આવી એટલે મેં તને જોઈને હા કહી. આપણે સુખી જ છીએ. આપણા દીકરાને ત્યાં પણ દીકરો છે.

અને બીજી વાત મારો પગાર ઘણો છે. તે ઉપરાંત તું જે ચિત્રો દોરીને વેચે છે એની કમાણી. દસથી બાર ધોરણના કલાસ લે છે. એની ઢગલો કમાણી. પાછો તારે ટેક્ષ તો ભરવાનો નહીં. જો ઈન્કમટેક્ષવાળાને ખબર પડશે તો તને તકલીફ થશે. તારી બચત પણ જતી રહેશે. એના કરતાં જે છે એનો આનંદ માણ. "

"ઉત્સવ,મારો ભાઈ આત્મિક ખૂબ જ પ્રેમાળ છે પણ મારી ભાભી બહુલા જ ઘરમાં ઝગડા કરે છે. હું કોઈ પણ કાગળ પર સહી કરવાની નથી. ભલે બધા દાગીના કે રોકડ છેવટે સરકાર લઈ લે. "

ઉત્સવ થોડીવાર રહીને બોલ્યો,"ઉલ્કા,તારી બંને બહેનો ભારતની બહાર રહે છે. ભારતમાં તમે ભાઈબહેન એકલા જ છો તો આ બધા ઝગડા અને મારૂ તારૂ શા માટે ? અને મને એ પણ ખબર છે કે સ્ત્રી ગમે તેટલી ઘરડી થાય તો પણ એને પિયરનો મોહ છુટતો નથી. આ બધુ શા માટે ? ઈશ્વરે આપણને આપણી લાયકાત કરતાં પણ વધુ આપ્યુ છે. "

ઉલ્કાના થોડા દિવસ તો રડવામાં જ ગયા. થોડાદિવસ પછી એક સવારે એના ઘરની ડોરબોલ વાગી સામે જ આત્મિક ઊભો હતો. ઘણા સમયબાદ ભાઈબહેને સાથે બેસી ને ચા નાસ્તો કર્યો.

ઉલ્કાને લાગ્યું જ કે તેનો ભાઈ વાત કરતાં સંકોચ પામે છે. એટલે એ બોલી,"ભાઈ તું કોઈ વાતે મૂંઝાતો નહીં. બોલ તું શું કામે આવ્યો છું ?"

"બેન,તારી ભાભીની ઈચ્છા છે કે મમ્મીએ આપણા ચારેય ભાઈ બહેનોમાં તને પાંચતોલા સોનું વધુ આપ્યું છે. તેથી બહુલાની ઈચ્છા છે કે એ પાંચ તોલાનો હાર તોડાવીને જે પૈસા આવે એ આપણે સરખા ભાગે વહેંચી લઈએ."

"એ તો બહુલાની ઈચ્છા છે પણ તારી ઈચ્છા શું છે ?"

"જો ઉલ્કા મને આ બધામાં ખબર ના પડે. "

"ભાઈ,તને એટલી તો ખબર પડેને કે મમ્મીએ વસિયતનામુ કરેલું છે. જેમાં મરનાર એની ઈચ્છા વ્યક્ત કરીને જાય છે. ભાભીને નોકરી ચાલુ હતી એ રજા લેવા કે નોકરી છોડવા તૈયાર ન હતા. મમ્મીની તકલીફ મારાથી જોવાતી ન હતી તેથી હું મમ્મી પાસે આવીને રહી. મેં મેવા માટે સેવા કરી ન હતી. પણ આપણામાં કહેવત છે કે" જે કરે ચાકરી તે પામે ભાખરી. "

થોડીવારમાં જ આત્મિકના ચહેરાના ભાવ બદલાતા જોઈને ઉલ્કા બોલી,"ભાઈ, એક વાત યાદ રાખજે કે મારા પતિની આવક ઘણી છે. મારી પોતાની આવક પણ ઘણી છે મને પૈસાની તો પડી જ નથી. આ તો મારી માની આખરી નિશાની છે."

વાત ચાલુ હતી એ દરમ્યાન જ બહુલાનો આત્મિક પર ફોન આવ્યો કે ગમે તે થાય તમે હાર બાબતે વાત કરો. એને વધુ જાય એ વાત હું સહન નહીં જ કરી શકુ. એ જક કરે તો એની જોડે સંબંધ તોડી નાંખીને આવજો.

બહુલા એટલુ મોટેથી અને ગુસ્સે થઈને બોલતી હતી કે બાજુમાં બેઠેલ ઉત્સવ તથા ઉલ્કા પણ વાત સાંભળી શકતા હતા.

ઉત્સવે ઉલ્કાને બાજુની રૂમમાં બોલાવી અને કહ્યું,"ઉલ્કા,તને બંગલામાંથી ભાગ મળવાનો છે તે ઉપરાંત જે રોકડ રકમ છે એમાં પણ ભાગ મળવાનો છે. તારો ભાઈ પોતાની બુદ્ધિ નહીં ચલાવે તારી ભાભી કહેશે એમ જ કરશે. "

"ઉત્સવ,ગમે તે થાય પણ આ હાર એ મારી મમ્મીની મારા પ્રત્યેની લાગણીનું પ્રતિક છે. હું જ્યારે એ હાર પહેરીશ ત્યારે એ હાર મારા હ્દય સુધી આવે ત્યારે મને લાગે કે મારી મા મારા હ્દયમાં બીરાજમાન છે. મને આશીર્વાદ આપી રહી છે. "

"ઉલ્કા,તારી ભાભી જેમ કહેશે એમ જ તારો ભાઈ કરશે. ખરેખર તો દરેક નિર્ણય તારા ભાઈએ જ લેવા જોઈએ. ઠીક છે પણ જો તારો ભાઈ તારી ભાભીનું બધુ કહ્યું માને છે એનામાં બુદ્ધિ હોવા છતાં પણ. તો શું તું મારૂ કહ્યું ના માની શકે ?"

"એટલે તમે કહેવા શું માંગો છો ?"

"એ જ કે તું બધું જ છોડી દે. બંગલામાં ભાગ,રોકડરકમ તથા બધાના ભાગે સરખા આવેલા દાગીના પણ. હા, તારી ઈચ્છા મુજબ તું માત્ર એક પાંચ તોલાનો હાર જ લે. "

તને યાદ છે કે આપણે એકવાર હાઈવે પરથી તારા ભાઈની કારમાં જતાં હતાં ત્યારે તારી ભાભી તારા ભાઈને સલાહ સૂચનો આપી રહી હતી,"પાછળથી ટ્રક આવે છે. તમે સ્પીડ વધારો નહીં તો એ આપણી કારને અથડાશે. ક્યારેક કહેતી તમે કાર ડાબીબાજુ લઈ જાવ, કાર ધીમી પાડો."

હકીકત તો એ હતી કે તારો ભાઈ કુશળતાપૂર્વક કાર ચલાવી શકતો હતો જ્યારે તારા ભાભીને તો સાયકલ ચલાવતાં પણ આવડતી ન હતી છતાં પણ તારા ભાઈ જેવા કુશળ ચાલકને સલાહસૂચનો આપી પોતાની મહત્તા સાબિત કરવી હતી.

એ પ્રમાણે આ જે હું પણ સલાહ સૂચન કરુ છું જેને આપણે બેકસીટ ડ્રાયવીંગ કહીએ છીએ. તારો ભાઈ માત્ર કાર જ નહીં પણ કુશળતાપૂર્વક સંસારની ગાડી પણ ચલાવી શકવા સમર્થ છે. પણ બહુલા સતત બેકસીટ ડ્રાયવીંગ કર્યા કરે છે.

ઉલ્કા,હું તને ફરીથી પણ એ જ કહીશ કે આપણને ઈશ્વરે આપણી લાયકાત કરતાં પણ વધુ આપ્યુ છે. આજે તારી ભાભીની જેમ હું પણ બેકસીટ ડ્રાયવીંગ કરૂ છું. બસ તું ખાલી હાર સ્વીકારી બધું જ છોડી દે. "

ઉલ્કાની આંખમાં આંસુ આવી ગયા. બોલી, "ભાઈ,મારે એક હાર સિવાય કંઈ જ જોઈતું નથી. તું એ માટેના કાગળ નોટરી પાસે તૈયાર કરાવી દે જે. હું તું જ્યાં કહીશ ત્યાં સહી કરી દઈશ. "

આત્મિકના ગયા બાદ ઉલ્કા પતિ સામે જોઈને બોલી,"મને ડ્રાયવીંગ નથી આવડતું પણ સંસાર ચલાવનાર કુશળ ડ્રાયવરે મને યોગ્ય સલાહ આપી. પણ સલાહ જેને ડ્રાયવીંગ આવડતું હોય એ જ આપી શકે. નહીં તો અકસ્માતમાં કેટલાય સંબંધોનો અંત આવી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational