બારી
બારી
નતાશાને રોજ રાતે ઊંઘ ન આવે. આખા દિવસમાં ઢગલાબંધ કામ અને મમ્મીની સંભાળ રાખવા છતાં એને થાક નહોતો લાગતો. ઈન્ટરનેટ પર શોધતા ખબર પડી કે એને કોઈક પ્રકારનું ડિપ્રેશન છે. ત્યાં એણે વાંચવાનું ચાલુ કર્યું. રોજ રાતે બારીએ બેસીને ઠંડો પવન લેવાનો અને ચોપડી પકડીને બેસવાનું. પણ એનાથી કંઈ વળ્યું નહિ. એનો જીવ બહાર જ લાગતો. સામેના ફ્લેટની બધી બારીઓ તરફ એ નજર કરતી, કશુંક વિચારતી અને પાછી ઊંઘ ઊડી જાય. એકવાર તો રાતે ૩ વાગી ગયા. રાતનો સન્નાટો હતો પણ મગજમાં કશુંક રમખાણ ચાલતું હતું. પેલા ફ્લેટની બાજુ કઈક વાંસળી જેવું સંગી ત સંભળાયું.
એકદમ નવું સંગીત હતું એ ! એણે બારીની બહાર મોઢું કર્યું અને તપાસ કરી આ અવાજ શેનો ? ભાળ ન મળતાં બેસી ગઈ બારીએ અને સાંભળવા લાગી. ત્યાં મોબાઈલ રણક્યો. ટેક્સ્ટ મેસેજ હતો ,"ધુન સારી હોય તો સૂઈ જજો. કાલે ફરી મળીશું." બસ પછી તો નતાશાને ગાઢ ઊંઘ આવી ગઈ. હવે તો રોજ ભરપૂર સૂઈ જતી બીજા દિવસની રાહ જોવામાં, એને જાણવાની ઈચ્છા જ નહોતી કે સંગીત વાગે છે કઈ બારીમાંથી !
સુખ લેવામાં ને દેવામાં સંબંધ જરૂરી છે ? કોઈને આમ જ ખુશ ના કરી શકાય ? અથવા કોઈનાથી આમ જ ખુશ ના થઈ જવાય ?

