બાળમજૂરી
બાળમજૂરી
અમદાવાદના એક પરામાં નટ બજાણિયાના ખેલ ચાલુ હતા. એક ગરીબ માબાપ અને ત્રણ છોકરીઓ લક્ષ્મી, રચના અને વષૉનો પરિવાર દોરડાં ઉપર ચાલવાનો ખેલ કરતાં હતા. છોકરીઓ બધી લગભગ ૬ થી ૮ વર્ષની હશે. એ લોકો એમના રોજના ખાવાપીવા માટે ઊંચા થાંભલા ઉપર દોરડાં બાંધીને એની ઉપર બેલેન્સીંગના ખેલ કરતી હતી.
એક વખત આવા જ એક એરિયામાં એમના ખેલ ચાલુ હતા એ દરમ્યાન લક્ષ્મીનું ધ્યાન ત્યાંથી પસાર થતી અને હાથમાં બેગ લઈને જતી છોકરીઓ જોઈ. એણે એમાથી એક છોકરીને ઊભી રાખીને
"એ ક્યાં જાય છે ?" પુછયું તો એને જવાબ મળ્યો -
"સ્કૂલ "
"સ્કૂલ એટલે ?"
સ્કૂલમાં ભણવાનુ હોય.
"આ ભણવાનું એટલે ?"
જવાબમાં એ છોકરીઓએ એને સ્કૂલ વિષે બધું જ સમજાવ્યું. એ જાણીને એને પણ ભણવાની ઈચ્છા થઈ. એણે એના માબાપને આ વાત કરી. તો એના પિતાએ તો કશું જ સાંભળ્યું નહિ. પણ એની માતા એ કહ્યું કે
"તારી વાત સાચી છે પણ ભણવા માટે પૈસાની જરૂર પડે અને આપણી પાસે તો ખાવા ખરીદી કરીએ એટલા પૈસા પણ નથી. તમને લોકોને સરખું ખવડાવી શકીએ એના માટે તો આ બધા ખેલ કરીએ છીએ."
આ સાંભળીને લક્ષ્મી બહુ નિરાશ થઇ ગઈ. પણ એણે નકકી કર્યું કે એક વખત તો એ આ મજુરી કરવાની જગ્યાએ ખુબ જ ભણશે અને એટલા બધા પૈસા ભેગા કરશે કે એને કે એના ઘરનાં કોઈને પણ આ કામ કરવુંના પડે.
આ વાતને એકાદ અઠવાડિયું થયું હશેને એ લોકો આવા જ એક એરિયામાં ખેલ બતાવી રહ્યા હતા એ સમયે એક સુંદર વસ્ત્રો પહેરીને એક યુવતી ત્યાં આવી. એણે પોતાનુંનામ રેશમા કહયું.એ બધી જોડે સામાન્ય વાતચીત કરતી હતી એ દરમ્યાન આ લક્ષ્મીએ રેશમાને ભણવા વિષેની પુછપરછ કરી. રેશમાએ એની ભણવા અંગેની બધી જ જિજ્ઞાસા સંતોષી અને પછી પુછયું કે "શું તારે ભણવું છે ?" તો લક્ષ્મી એ "હા" પાડી તો રેશમાએ એની માતા જોડે બધી વાત કરી ત્યારે એની માતા એ કહ્યું કે "હું એના પિતા જોડે વાત કરું પછી તમને કહું છું."
થોડી વાર પછી એણે રેશમાને કહ્યું કે "અમે લોકો તો એ ભણીગણીને આગળ વધે એમ જ ઈચ્છે છે. પણ એને કઇ રીતે ભણાવીએ ?"
ત્યારે રેશમા એ કહ્યું કે "એ પોતે એક એન. જી. ઓ. માં કામ કરે છે અને એ લોકો આવા પછાત લોકોના જીવનનો ઉત્કર્ષ થાય એના માટે કામ કરે છે."
આ સાંભળીને ઘરના બધા ખુશ થયા અને લક્ષ્મીને ભણવા માટે હા પાડી. રેશમાએ એમને કહ્યું કે એકાદ દિવસમાં એ આવશે અને લક્ષ્મીને ભણવા માટે પોતાની સાથે લઈ જશે. એને જ્યાં પણ રાખવામાં આવશે ત્યાં આગળ એક વખત એ બધાને લઇ જશે.
બીજા દિવસે રેશમા લક્ષ્મીને અને એના પરિવારને એક સંસ્થામાં લઈ ગઇ. ત્યાં બધાની સાથે લક્ષ્મીની ઓળખાણ કરાવી. શરુઆતમાં તો લક્ષ્મીને કંઈ આવડે નહીં અને ફાવે પણ નહીં. પણ ધીરે ધીરે એને ત્યાં ગમવા લાગ્યું હતું. એ હવે કકકો - બારાખડી બધું લખતા અને વાંચતા શીખી ગઇ હતી. મહિને બે મહિને એના માબાપ એની બંને બહેનોને લઇને મળવા આવતા. થોડા સમય પછી એની બંને બહેનો પણ આ સંસ્થામાં આવીને ભણવા લાગી. આમને આમ લગભગ પંદર વર્ષના વહાણા વીતી ગયા અને આજે લક્ષ્મીનું બારમા ધોરણનું પરિણામ આવવાનું હતું બધા રાહ જોઈને બેઠા હતા ત્યાં જ સમાચાર મળ્યા કે લક્ષ્મીનો બોડૅની પરીક્ષામાં બીજો નંબર આવ્યો છે. બધા ખૂબ જ ખુશ થયા. લક્ષ્મી એ આગળ ભણવા માટે રેશમા સાથે વાત કરી અને આમને આમ એ આગળ ભણતી ગઈ.
એક સવારે એના હાથમાં કલેકટર તરીકેનો નિમણૂંકનો પત્ર હતો. આજે એ ખુબ જ ખુશ હતી. એણે ભણવાનું જે સ્વપ્ન જોયું હતું એ પુરુ થયું હતું. એની બંને બહેનો એ પણ યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા હતા અને એમનું પણ એક નાનકડું ઘર હતું. આમ એક નાની જિજ્ઞાસાએ લક્ષ્મી અને એની બંને બહેનોને બાળમજૂરીમાંથી મુકિત મળી હતી. હવે લક્ષ્મીના જીવનનો એકજ મકસદ હતો કે પોતાના જેવી બાળમજૂરી કોઈ કરતું હોય તો એને એમાંથી બહાર કાઢીને ભણાવી ગણાવીને હોશિયાર કરવાનું.
