બાળક જેવું મન
બાળક જેવું મન
હસતું મુખ એ સૌને આકર્ષીત કરે છે અને હસતો માણસ હંમેશા જીવનની દરેક ક્ષણને આનંદપૂર્વક માણે છે. હાસ્ય એ જીવનનું અભિન્ન અંગ છે. કારણ કે આ ભાગદોડ ભારેલી લાઈફમાં ગંભીરતાની સાથે સાથે થોડો આનંદ અને થોડી મજાક મસ્તી હોવી જ જોઈએ. મારા માટે મુજબ દરેક વ્યક્તિમાં એક નાનું બાળક જીવતું હોય છે પરંતુ સમય જતાં એ નાશ પામે છે.
મેં ઘણી બધી વાર જોયું છે કે ઘણા મોટી ઉંમરના વડિલો પણ નાના બાળકોની સાથે બાળક બની જાય છે. હકીકતમાં તો જીવન જીવવું હોય અને જીવનનો આનંદ માણવો હોય તો દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાના બાળક સાથે બાળક જેવુ વડીલો સાથે વડીલો જેવું વર્તન જરૂરી બને છે. મારા જીવનમાં ઘણી વાર એવા ઘણાં પ્રશ્નોનો સામનો કર્યો છે જેનો જવાબ માત્ર એક જ હોય છે અને એ છે "તો શુ ?"
ઉદાહરણ તરીકે વાત કરીએ તો હું જ્યારે નાના બાળકો સાથે બાળક બનીને રમવાનું વિચારું ત્યારે ખરેખર મને ખુબજ આનંદ આવે પરંતુ મારા મનમાં એક સવાલ ક્યાંક ખુચ્યાં જ કરે કે આ બીજા લોકો મારા વિશે શું વિચારશે. કારણ કે આપણા મગજમાં ક્યાંક એવું ખોસી દેવામાં આવ્યુ છે કે એક ડોક્ટર તરીકે કે એક ઉચ્ચ પદ પર રહેલી વ્યક્તિ તરીકે આપણે હમેશા વડીલોની જેમ જ વ્યવહાર કરવો.
પણ આ વાક્યનો હું સદંતર વિરોધી છું કારણ કે જયારે જયારે કોઈ વ્યક્તિને એની પોસ્ટથી ઓળખવામાં આવે ત્યારે ખુશ તો થાયજ છે પણ એ અંદર જ અંદર ક્યાંક ગુમસુમ થઈ ગયેલ હોય છે. જયારે ખુલ્લા મનથી જીવન જીવતી વ્યક્તિ હંમેશા ખુશખુશાલ રહે છે પણ જો એમની ફીલિંગ ને દબાવી દેવામાં આવે તો એ માનસિક રીતે હતાશ થઈ જાય છે.
મેં ઘણી વાર અનુભવ્યુ છે કે જ્યારે હું ખૂબ દુઃખી હોય અથવા કોઇ કારણથી માનસિક રીતે ભાંગી પડ્યો હોય ત્યારે મારા મનને હળવુ કરવા માટે ડાંસ કરી લઉ છું કે નાના બાળકોની જેમ મજાક પણ કરી લઉ છું. આ
સમયે મારું લક્ષ્ય માત્ર મારા મન ને ફ્રેશ કરવાનું અને માનસિક રીતે શાંત થવાનુ હોય છે. લોકો શુ વિચારશે એના વીશે વીચાર કર્યા વીના જ જીવનનો આનંદ માણવો એ એક અદમ્ય સુખ આપનારી વાત છે. ઘણાં શહેરોમાં અને ઘણા વિસ્તારોમાં લાફિંગ કલબ એટલે કે હસવા માટેના ક્લબો બન્યા છે જ્યાં લોકો ભેગા મળીને જોર જોરથી હાસ્ય કરે છે અને આખા દિવસનો થાક હળવો કરી નાખે છે. પહેલી નજરે જોતાં એવોજ આભાસ થાય કે આ જે લોકો હસી રહ્યા છે એ કદાચ પાગલ છે અને માનસિક રીતે અસ્થિર છે. પરંતું હકીકતમાં તેઓ લાફિંગ થેરાપી એટલે કે હાસ્ય દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ની સંભાળ રાખે છે.
હસવાના અનેક ફાયદાઓ છે જેમ કે. . . રોજિંદા જીવનમાં ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ થી 36 જેટલા વર્ષ વધી જાય છે. હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય એક અકસીર દવા છે. હાસ્ય કરવાને કારણે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સીજન મળે છે અને રક્તપ્રવાહ યોગ્ય રીતે વહેવા લાગે છે. જેનાંથી દર્દીનું હૃદય અને મન પ્રફુલ્લિત બની જાય છે અને એનું બ્લડપ્રેશર ઘટે છે.
માનસીક તણાવ અને ડિપ્રેશન વધવાના કારણે હૃદયરોગ થવાની શક્યતાઓ રહે છે અને હાસ્યથી માનસીક તણાવ ઓછો થાય છે જેના કારણે કૉલેસ્ટરોલ ઘટે છે અને હૃદયરોગથી બચી શકાય છે. આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા તત્વોને દૂર કરીને હાસ્ય મગજને શાંત અને સુખદ વાતાવરણમા લાવી દે છે.
હસવાની ક્રીયા દીવસમાં કોઈપણ સમયે કરી શકાય છે અને મનને શાંત તથા પ્રફુલ્લિત બનાવી શકાય છે. એક ગણતરી પ્રમાણે માત્ર ગુજરાતમાંજ લાફીંગ મેમ્બરોની સંખ્યા 55000થી વધુ છે. એકલા અમદાવાદમાં લગભગ 60 થી 70 વીસ્તારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી છે, જેમાં સભ્યોની સંખ્યા 9000 થી 10000 જેટલી થવા જાય છે. તો આવો સાથે મળી ને આનંદમય જીવન જીવવા માટે હાસ્ય થેરાપી ને અપનાવીએ અને એ સુખદ જીવન નો લાભ ઉઠાવીએ.