બાધા
બાધા


અમારું ગામ સુખી અને સંપન્ન હતું. તેથી ગામની પ્રાથમિક શાળા પણ માત્ર "ધૂળી નિશાળ" નહોતી. સાત વર્ગખંડ, એક ઓફીસ રૂમ, એક પાણી રૂમ અને ચારેય તરફ વિશાળ ગ્રાઉન્ડ, ફરતી પાકી કમ્પાઉન્ડ વોલ અને અંદર- બહાર ઘટાદાર વૃક્ષોથી મારી શાળા શોભતી.
"સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રમઝમ" - નો એ યુગ હતો.અમારા માસ્તર યમદૂત હોય એમ અમે એનાથી ફફડતા રહેતા.(અને કૈંક અંશે એવું હતું પણ ખરું) હું પ્રમાણમાં થોડો વધારે હોશિયાર હતો, અને પાછી મારા બાપા બહુ આબરૂદાર, એટલે મારે માર ઓછો ખાવો પડતો. પણ મારી સાથે જ ભણતા નટવર અને વ્રજલાલ ભરાડી હતા. માર ખાઈને પણ હોમવર્ક ન કરતાં તે ન જ કરતા.
હું નાનપણથી થોડો વધારે પડતો ભોળો હતો. ક્યારેક તો મૂર્ખતા કહી શકાય, એ હદે ભોળપણ દેખાતું...આમ તો 'ભોળો' શબ્દ વાપરીને હું અત્યારે આત્મશ્લાઘા કરું છું એ પ્રમાણિકતાથી કબૂલ કરું. વાસ્તવમાં હું ભોટ હતો ! (પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ ન્યાયે આજે પણ કદાચ.......???!!)
વર્ગના સારા વિદ્યાર્થીઓ જેમ મારા ભાઇબંધ હતા, એમ નટવર અને વ્રજલાલ પણ મારા ભાઈબંધ હતા. મારી પાસેથી વાર-પરબે કશુંક ખાવાનું મળી જતું, એ એમનો સ્વાર્થ હતો. અને હું શરીરે જરા નબળો, એટલે કોઈ સાથે ઝઘડો ન કરી શકું. એવા સમયે એ બંને ભરાડી મારી ઢાલ બની રહે એ મારો સ્વાર્થ !
અમારી દોસ્તી એમ અરસપરસ ની પૂરક બનીને નભ્યા કરતી. મારા પિતાજી મેડિકલ પ્રેક્ટિસનર હતા. આમ બહુ સારા. કારણ વગર અમને વતાવે નહીં, પણ જો વાંકમાં આવીએ તો છોડે પણ નહીં.તેઓ એ જમાનાની પ્રખ્યાત 'તાજ છાપ' સિગારેટ પીતા! નટવર અને વ્રજલાલ પણ આમ પાછા શોખીન. કોઇક બીડી પીનારે ફેંકી દીધેલાં ઠુંઠાં ઉપાડી અને સ્વાદ માણી લેતા. ક્યારેક સિગારેટનું ઠૂંઠું મળે, તો વધારે રાજીપાથી ચૂસી લેતા.
મને કાયમ બીડી પીવાના ફાયદા ગણાવે અને બીડી-સીગારેટ પીવાના ફાયદા વર્ણવી, મને પણ એ નેક કામ કરવાની પ્રેરણા આપતા.એમાં ય 'તાજ' તો અંગ્રેજોના જમાનાની સીગારેટ ! એનો તો 'ટેસ' જ કૈંક ઓર હોય એવું મને પણ ઠસાવી, બાપાની સીગારેટ તફડાવીને અમારે ત્રણે એ એનો 'ટેસ' માણવા મને લલચાવ્યો.
વારંવારના એમના આગ્રહ- સાચું કહું તો દુરાગ્રહ-થી થાકીને, અને કંઈક અંશે મારા મનમાં પણ સિગરેટના સદગુણો વસ્યાં, એટલે હું બાપાના પાકીટમાંથી સિગરેટ ચોરીને તેમની સાથે 'ટેસ' કરવા તૈયાર થઈ ગયો.
મારા જૂના ઘરની બહારના ભાગમાં જમાદારનો પ્લોટ બાપાએ ખરીદેલો. અમારું નવું પાકું મકાન બનાવવા માટે પાયા ખોદાતા હતા. છ ફૂટ ઉંડા પાયા ખોદાયેલા એમાં એક બાજુથી અંદર ઉતરવા માટે ઢાળ બનાવેલો.
એક શનિવારે શાળાએથી શારીરિક શિક્ષણના છેલ્લા તાસમાં ગુટલી મારીને અમે મારા ઘરે પહોંચી ગયા. નટવર અને વ્રજલાલ તો સીધા પાયામાં પડ્યા. અને મેં ઘરમાં જઈ, દફ્તર ખુણામાં ફેંકી, ઓરડામાં ખીંટીએ ટીંગાતા બાપાના શર્ટમાંથી બે તાજછાપ તફડાવી!! મા અંદર રસોડામાં હતી અને ભાઈ-બહેનો હજી શાળાએથી આવ્યા નહોતા. એટલે જોખમ નહોતું. પણ ચોરી કર્યાની બીકથી ફફડતો હું બહાર જઈને છાનોમાનો નવા મકાનના પાયામાં ઉતર્યો.
બંને ખેલાડીઓએ ખિસ્સામાં સંતાડેલું માચીસ કાઢીને સિગારેટ પેટાવી, મોજથી કસ લેવા લાગ્યા.બે કસ મારીને નટવરે મને સિગરેટ આપી. ધ્રુજતા હાથે મેં સિગારેટ મોંમાં મૂકી. મારું તો આ પ્રથમ સાહસ હતું, એટલે પહેલી ફૂંકે જ ઉધરસ ચડી ! એક તરફ સિગરેટના ધુમાડા પાયામાંથી ઉપર ઉઠી રહ્યા હતા અને બીજી તરફ મારી ઉધરસ અટકવાનું નામ લેતી ન્હોતી!!
આમ પણ હું નસીબનો થોડો બળિયો છું. તેથી મારા બાપુજી કોઈ દિવસ નહીં ને તે દિવસે જ અચાનક કોઈ કારણસર પાછા આવ્યા! ઘરમાં પ્રવેશે તે પહેલાં જ ચણાતા મકાનના પાયામાંથી ઉઠતા ધુમાડા અને ઉધરસના અવાજે તેમને ત્યાં આવવાની પ્રેરણા આપી.
બાપાએ ઉપરથી અંદર નજર નાંખી, તો મકાનના પાયામાં જ અમારો યજ્ઞ ચાલતો હતો!! બાપાનો મગજ ફાટ્યો. નટુ અને વ્રજલો તો ઠેકડા મારતાકને ભાગ્યા. મારા વાળ પકડી બાપાએ મને ઉપર ખેંચ્યો. સામે ઊભો રાખીને ડાબા હાથની બે વળગાડી. એક તો સિગરેટ ચોરીનો ફડકો, બીજું સિગરેટ પીવાથી મગજ ચકરાવે ચડ્યું હતું અને એમાં બાપાનો અઢી કિલોનો હાથની ઝાપટ ખાઇને મારામાં ઝનૂન ઉભરાણું. કોઈ દિવસ નહીં અને આજે પહેલી વાર મેં રડતાં-રડતાં તેમની સામે ચીસ પાડી, - "તો પછી તમે શું લેવાનું સિગરેટ પીવો છો, પણ?"
ત્રીજી થપાટ મારવા ઊઠેલો બાપાનો હાથ અટકી ગયો. એમના ચહેરા ઉપરનો ગુસ્સો અદ્રશ્ય થયો. ધીમા પગલે, તેઓ ઘરમાં પ્રવેશવા પાછા વળ્યા.
'હવે શું થશે?'- એની બીકમાં હું પણ પાછળ પાછળ ઘસડાયો. બહાર થતી ધમાલ સાંભળીને રસોડામાંથી મા બહાર આવી. ભાઈ-બહેનો પણ શાળાએથી આવી રહ્યા હતા. હું ફળિયામાં ધ્રૂજતો અને રડતો ઉભો હતો. બાપાએ ઓરડામાં જઈ, તાજ સિગારેટનું પાકીટ કાઢયું. ફળિયામાં પાણી ગરમ કરવા સવારે ચૂલો પેટાવ્યો હતો તેમાં હજી થોડો અગ્નિ ધૂંધવાતો હતો. બાપાએ સિગારેટનું પેકેટ ચૂલામાં નાખ્યું અને બોલ્યા, "આજથી સિગરેટની બાધા, બસ?"
તેમણે મારી સામે જોયું. તેમના ચહેરા ઉપર ગુસ્સાને બદલે હાસ્ય જોઇ મારો જીવ હેઠો બેઠો.