અવધ બંગલો- રાજકોટ
અવધ બંગલો- રાજકોટ


રાકેશ અને તેના મિત્રો મોડી રાત્રે ૧:૩૦ વાગ્યા આસપાસ રાજકોટ શહેરમાં આવેલી ચાની કીટલી પર તાપણું કરીને બેઠા હતા. મિત્રવર્તુળમાં કોઈએ ભૂતને લગતી વાતો ચાલુ કરી, એટલામાં કોઈએ એવો દાવો કર્યો કે "રાજકોટમાં જ એક બંગલો છે જે વર્ષોથી બંધ છે અને રાત્રીના સમયે કોઈ ત્યાં જતું નથી."
"હા.. હા.. એમ ? તો ચાલો ત્યારે આપણે જઈ બતાવીએ."
"એલા કોને બીક લાગે હે નો આવવું હોય ઈ રેવાદે જો હો ભઈલા." કીર્તિભાઈ હસતા હસતા આળસ મરડતા બોલ્યા.
બધા તાપણું તાપતા ઉભા થઈ બાઈક લઇ નીકળી પડ્યા. બધા જુવાનિયાઓનું ચડતું લોહી હતું, એમ છતા બંગલાનો ગેટ આવ્યો એટલે ભલભલાએ બ્રેક મારી.
એટલામાં કીર્તિભાઈ આવ્યા. "એલા આયા સુ ઉભા ? હાંકો મારી પાછળ બિયાવાનું થોડું હોય ?" કીર્તિભાઈ બાઈકનું લીવર આપતાં બોલ્યા.
ગેટની અંદર પ્રવેશતા જ રાકેશને ઓચિંતાની ઘબરાહટ અને ડર લાગ્યો, બંગલા સુધીનો પાકો રસ્તો ધૂળ અને કચરાથી ભરાયેલો. જાણે કે
ટલાયે વર્ષોથી કોઈની અવજવર ના હોય, આલીશાન બંગલાની પણ એ સ્થિતિ હતી. બંગલાના દરવાજા પાસે બધા ઉભા હતા. રાકેશને કડકડતી ઠંડીમાં પણ ગરમી થતી હતી. બધા મિત્રો મજાક કરતા હતા,
"સામે કોઈ ઉભું હોય એવું લાગે છે જોવ તો" અલ્પેશે બધાને બીવરાવવા કહ્યું.
બેટરી કરી તો કશું નહોતું દીવાલ પર ધૂળના કાળા ડાઘા હતા.
કીર્તિભાઈએ અંદર જવાની ઈચ્છા વ્યક્ત કરી બધા મિત્રો કીર્તિભાઈ પાછળ-પાછળ ચાલ્યા. બંગલામાં જેવો તેવો ચક્કર મારી બહાર નીકળ્યા.
"જોયુંને ભઈલા આમાં બધું રાજકારણ હોય તમને નહી સમજાય, કૈ નથી ભૈ હવે નીકળીયે હો." કીર્તિભાઈ સિગરેટ અને લાઈટર કાઢતા બોલ્યા.
બધા બાઈકના સ્ટેન્ડ ચડાવી ઉભા હતા. ચીર શાંતિ હતી. એટલામાં અચાનક રાકેશને બરાબર કાન પાસે તીવ્ર અવાજમાં ચીસ સંભળાઈ. બીજા મિત્રોને બહુ દૂરથી અવાજ આવ્યો હોય એવું લાગ્યુ. તુરંત જ બધા નીકળ્યા. બહાર નીકળતા જ રાકેશને એકાએક ફરીથી ઠંડી લાગવા માંડી.