STORYMIRROR

Pramod Mevada

Inspirational Tragedy

2  

Pramod Mevada

Inspirational Tragedy

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૬)

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૬)

3 mins
14.8K


નિશાંત ભડકી ઉઠ્યો તૃપ્તિ પર. "તને આળસ આવે છે આસ્થાના ભણતરનું ધ્યાન રાખવામાં? આખો દિવસ કરે છે શું? ઘરનું કામ કરે એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોય તો આસ્થા આમ ફેલ ન થાત. એનું મહત્વનું વર્ષ છે આ." તૃપ્તિ સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નથી કે હું કેટલું દોડું છું. કેટલી બાજુ ધ્યાન રાખું છું. આમને તો ફક્ત બિઝનેસનું જ ધ્યાન હોય છે. પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કડવું સંભળાવે છે. નિશાંતનો અવાજ સાંભળી આસ્થા ડઘાઈ ગઈ અને તૃપ્તિની સોડમાં લપાઈ ગઈ. હર્ષ પણ મમ્મીને વળગીને ઉભો રહી ગયો. થોડીક પળ એમ જ વીતી ગઈ. નિશાંત ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. મોડી રાત્રે ઘરે પાછો આવી સુઈ ગયો. તૃપ્તિની ઊંઘ વેરણ થઈ ગઈ પણ નિશાંતને જાણે કે કંઈ જ પડી ન હતી.

તૃપ્તિ જાગતી આંખે પડી રહી બેડ પર. મોડી રાત્રે આંખ ન મિંચાતા એ હોલમાં આવી બેસી ગઈ અંધારામાં અને વિચારવા લાગી. હજુ કેટલું સહન કરવું પડશે. આ તકલીફનો અંત ક્યારે આવશે! અનાયાસે તેનો હાથ રિમોટ પર પડ્યો અને ટીવી ચાલુ થઈ ગયું. કૈંક ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ. તેના કાને અવાજ પડ્યો. તે સાંભળતી ગઈ એમ એમ મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ ગીતાનો સાર કહી રહ્યા હતા "કર્મનું ફળ હરેક જીવને ભોગવવું પડે છે. ગત જન્મના કર્મો આ જન્મે પણ નડે છે. ભવસાગર પાર કરવો હોય તો સદકર્મ જ એકમાત્ર સહારો છે. અહીં કરેલ સતકર્મોનું ફળ સાથે જ આવશે અને મોક્ષની પ્રાપ્તિ થશે."

તૃપ્તિ ટીવી બંધ કરી પાછી વિચારે ચડી ગઈ. આખરે એવા તો શું કર્મો હશે એના કે આમ ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે એને? એણે તો અત્યાર સુધી કોઈનું મન દુભવ્યું નથી તોય કેમ આમ થાય છે તેની સાથે! શું ઈશ્વર ને મંજુર નથી તેનું સુખ!? હજુ હમણાં તો સુખ શું હોય તે તેને લાંબા અરસા પછી જાણવા મળ્યું હતું ત્યાં વળી પાછું આ નવું! 

લાંબા મનોમંથન પછી એનું મન થોડુંક શાંત થયું અને તે સુવા ગઈ બેડરૂમમાં. તેણે જોયું નિશાંત આરામથી સુઈ રહ્યો હતો. સવારે જાગી તેણે જોયું તો નિશાંત જાગીને બાલ્કનીમાં બેસી કૈંક વિચારી રહ્યો હતો. તૃપ્તિને જોતાજ તેણે તૃપ્તિને કહ્યું "ગુડ મોર્નિંગ જાન. ગઈ કાલે જરાક વધુ પડતું બોલાઈ ગયું મારાથી. તને ન કહેવાનું કહી દીધું. પણ હવે હું પોતે જ ધ્યાન રાખીશ ઘરમાં. આસ્થા અને હર્ષને હું સમય નથી આપી શકતો પણ હવે હું ધ્યાન આપવાની પૂરતી કોશિશ કરીશ." તૃપ્તિને લાગ્યું આ સ્વપ્ન છે કે હકીકત! નિશાંત અને આવા મીઠા શબ્દો વાપરે! હશે કદાચ એનેય સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન સચવાય. નિશાંત નહાવા ગયો અને તૃપ્તિ સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી. અચાનક જ મોબાઈલ રણક્યો નિશાંતનો. તૃપ્તિએ પહેલા તો રિંગ સાંભળી ન સાંભળી કરી પણ ફરી મોબાઈલ રણક્યો એટલે તેણે કોલ રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય એ પહેલાં સામેથી જે સાંભળ્યું તૃપ્તિએ તેના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ. "હાઈ જાનું સ્વીટ મોર્નિંગ ટુ યુ કેટલી વાર લાગશે ઘરે આવતા. તારી ફેવરિટ ઓમલેટ અને બીરિયાની બનાવી રહી છું. ઠંડી થાય એ પહેલાં આવજે અને આજે આખો દિવસ સાથે જ વિતાવીશું." તૃપ્તિએ પૂછ્યું,"તમે કોણ બોલો છો કોનો નંબર ડાયલ કર્યો છે તમે?" સામેથી જવાબ આવ્યો "સોરી રોંગ નંબર.." તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો નંબર ન દેખાયો પણ નામ સેવ કરેલું તેને દેખાયું! (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational