અનીતિની નીતિ
અનીતિની નીતિ
અમિતભાઈના પિતા માધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યા હતા, એટલે તેમને પૈસો કેવી રીતે કમાવાય છે તેની ખબર હતી. તે અમિતભાઈ ને પૈસો વિચારી વિચારીને વાપરવાનું કહેતાં. જરૂર પુરતો જ ખર્ચ કરો અને બાકીનું મુશ્કેલીના સમય માટે સાચવી રાખો, તેવો અમિતભાઈના પિતાનો સિદ્ધાંત હતો. પરંતુ અમિતભાઈનો હાથ થોડો છુટ્ટો હતો. તે આવતીકાલ પર વિચાર કરવાને બદલે આજને માણવાનું વધારે પસંદ કરતાં. કોઈ અજાણ્યા માણસ પાછળ પણ પાંચ પૈસો વાપરતા ખચકાય નહિ. પિતા પૈસા આપે નહિ અને અમિતભાઈને પૈસા વગર ચાલે નહિ. એટલે એક દિવસ ઘરમાં થયો ઝગડો. નાની અમથી વાતમાં થયેલા ઝઘડાએ એટલું મોટું રૂપ ધારણ કરી લીધું કે અમિતભાઈ ઘર છોડીને જતા રહ્યા.
આ વાતને વીસ વર્ષ વીતી ગયા. આજે અમિતભાઈના પિતા હયાત નથી, નહીં તો અમિતભાઈની સંપત્તિ અને તેમની પ્રગતિ જોઈને હરખાઈ જાત અને વર્ષોથી પડેલી ગૂંચ ઉકેલાઈ જાત. પરંતુ વાત એ હતી કે અમિતભાઈ જોડે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી ? ક્યારેક તેમના પત્ની વસુંધરાબેન પણ તેમને પૂછતાં કે, "તમે એવો તો શેનો બિઝનેસ કરો છો, કે આટલા બધા પૈસા આવે છે ?" ત્યારે અમિતભાઈ, "તું તારે કેરી ખા ને, ગોટલા ગણવા ક્યાં જાય છે ?" એમ કહી વાતને ઉડાવી દેતા. પરંતુ વસુંધરાબેન તેમને ઘણીવાર ટોકતાં કે, "જો જો હોં ! ક્યાંક અનીતિનો પૈસો તો આપણાં ઘરમાં નથી આવતો ને ? નહિ તો તેની સજા આપણી આવનારી પેઢીને પણ ભોગવવી પડશે." પરંતુ અમિતભાઈ આંખ આડા કાન કરીને ઘરની બહાર નીકળી જતા.
તેમના કુટુંબમાં અને સમાજમાં સૌને ખબર હતી કે આ પૈસો ક્યાંથી અને કેવી રીતે આવે છે. પરંતુ પૈસાની નદી વહેતી હોય ત્યાં કોઈ તેનું સરનામું પૂછતું નથી. અમિતભાઈના કિસ્સામાં પણ આ વાત લાગુ પડતી હતી. પરંતુ કહેવાય છે ને કે પૈસો જેટલો ઝડપથી આવે છે, તેટલો જ ઝડપથી જાય પણ છે. એક દિવસ વહેલી સવારે અમિતભાઈ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા શકસોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી. વસુંધરાબેન તો આ વાત સંભાળી અધમૂઆ જેવા થઈ ગયા. બધાને રડતા જોઈ તેમનો ૭ વર્ષનો દીકરો પણ મમ્મીનાં ખોળામાં જઈ રડવા લાગ્યો. એક અઠવાડિયું તો અમિતભાઈના કુટુંબીઓ વસુંધરા બેનની સાથે રહ્યા, પરંતુ તેમને પણ કામ-ધંધો તો હોય ને. ધીરે ધીરે બધા કુટુંબીજનો પોતપોતાને ઘરે જતા રહ્યા. હવે વસુંધરાબેનને ત્યાં લેણદારોની ભીડ વધવા લાગી. અમિતભાઈ એ ક્યારેય વસુંધરાબેનને પોતે લીધેલા દેવા કે અન્ય પ્રોપર્ટી વિશે વાત કરેલી નહીં, એટલે સૌ કોઈ તેમની પાસે ઉઘરાણી માટે જ આવવા લાગ્યા. લોકોનું દેવું ચૂકતે કરતાં કરતાં વસુંધરાબેન થાકી ગયા. પોતે જે બંગલામાં રહેતા હતા તે પણ વેચી દેવો પડ્યો.
આ વાતને બીજા પાંચ વર્ષ વીતી ગયા. વસુંધરાબેન અને તેમનો છોકરો ક્યાં ચાલ્યા ગયા, કોઈને ખબર નથી. અમે પણ તે શહેર છોડીને બીજા શહેરમાં રહેવા આવી ગયા. પરંતુ આજે અચાનક એક છોકરો મારી સામે આવી ચડ્યો. મેલા ઘેલા કપડાં હતા, અને સોસાયટીના બહાર કચરાનાં ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ વીણી રહ્યો હતો. તેને જોતા મને વર્ષો પહેલાનો અમિતભાઈનો ચહેરો યાદ આવી ગયો. એટલે મેં તેને નજીક બોલાવ્યો અને પૂછ્યું, કે "તું અમિતભાઈનો છોકરો ?" તે એક ઝાટકે પોતાનો હાથ છોડાવી, કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નાસી ગયો. આજે મારી નજર સામે બંને ચિત્રો તરી આવ્યા, "અમિતભાઈનો પૈસાના ઢગલા વચ્ચે ઊભેલો ફોટો, અને તેમના છોકરાનો કચરાનાં ઢગલા વચ્ચે ઊભેલો ફોટો."
